બૅન્ક તથા ઑઇલ શૅરોએ બજારનો મૂડ બગાડ્યો

Published: 10th November, 2011 19:45 IST

બૅન્કિંગ ક્ષેત્રને મૂડીઝે ડાઉનગ્રેડ કરતાં બૅન્કના શૅરોમાં વ્યાપક ઘટાડો આઇઓસીનાં ધાર્યા કરતાં નબળાં પરિણામોની સેન્ટિમેન્ટ પર અસર થઈ(શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ)

ઇટલીના ભારમાં યુરોપ-યુએસનાં શૅૅરબજારો વધુ ડાઉનવર્ડ પ્રેશરમાં આવવાની સાથે ઘરઆંગણે એસબીઆઇ અને આઇઓસીની આગેવાનીમાં અગ્રણી કંપનીઓનાં ખરાબ પરિણામોથી સેન્સેક્સ બુધવારે ૨૦૭ પૉઇન્ટ ઘટીને ૧૭,૩૬૨ તથા નિફ્ટી ૬૮ પૉઇન્ટના ઘસારામાં ૫૨૨૧ બંધ આવ્યા હતા. માર્કેટ ઉપરમાં ૧૭,૬૫૮ તથા નીચામાં ૧૭,૩૩૧ થયું હતું. બજારનું માર્કેટ કૅપ ૭૯,૦૦૦ કરોડ રૂપિયા ઘટીને ગઈ કાલે ૬૧.૬૦ લાખ કરોડ રૂપિયા થયું છે. સેન્સેક્સના ૩૦માંથી ૨૪ શૅર તેમ જ માર્કેટના ૨૧માંથી ૧૮ બેન્ચમાર્ક ઘટીને બંધ હતા. નેગેટિવ માર્કેટ બ્રેડ્થમાં ૯૯૧ શૅર અપ હતા. સામે ૧૮૭૯ જાતો નરમ હતી. એ ગ્રુપમાં ૮૦ ટકા શૅર ડાઉન હતા. રોકડામાં આ પ્રમાણ ૬૫ ટકાનું હતું. ૧૭૮ સ્ક્રિપ્સ ઉપલી કે તેજીની સર્કિટે બંધ હતી તો ૧૮૦ જાતોમાં મંદીની સર્કિટ લાગેલી હતી. વધેલા ત્રણ ઇન્ડેક્સમાં એફએમસીજી ઇન્ડેક્સ ૧.૨ ટકા અને આઇટી ઇન્ડેક્સ ૦.૪ ટકા ઊંચકાયા હતા.

પાંચ ઇન્ડેક્સ બે ટકા ડાઉન

સેન્સેક્સના ૧.૨ ટકાના ઘટાડા સામે પાંચ બેન્ચમાર્ક બે ટકાથી વધુ ખરાબ હતા, જેમાં બૅન્કેક્સ (૨.૬ ટકા), મેટલ (૨.૫ ટકા), રિયલ્ટી (૨.૫ ટકા), ઑઇલ-ગૅસ (સવાબે ટકા) તથા પીએસયુ (બે ટકા)નો સમાવેશ થતો હતો. ઑટો ઇન્ડેક્સ પોણાબે ટકા બગડ્યો હતો. ૨૦૭ પૉઇન્ટની સેન્સેક્સની નબળાઈમાં બૅન્કના ત્રણ અને ઑઇલ-ગૅસ ક્ષેત્રના બે એમ કુલ મળીને પાંચ શૅરોનું પ્રદાન ૧૪૨ પૉઇન્ટનું હતું. શ્રોફ ફૅમિલીનો ઍડ્વેન્ટા ખરાબ બજારમાં લગભગ ૮૦ ગણા વૉલ્યુમે બાર ટકા વધીને ૪૪૩ રૂપિયા બંધ હતો. અન્ય ગ્રુપકંપની યુનાઇટેડ ફૉસ્ફરસ ૧૮ ગણા વૉલ્યુમમાં બે ટકાના સુધારામાં ૧૫૦ રૂપિયા બંધ હતો. મિડવૅલી એન્ટરટેઇનમેન્ટ ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૧૦૮ રૂપિયા પ્લસ થયો હતો. ઍક્વાલૉજિસ્ટિક્સ અને વાલચંદ પીપલમાં પણ ૨૦ ટકાનો ઉછાળો આવ્યો હતો.

ઓરિસા મિનરલ્સનો શૅર વિભાજન તથા પરિણામો પૂર્વેની ર્બોડમીટિંગ અગાઉ વધીને ૫૦,૬૦૦ રૂપિયા થયા બાદ છેલ્લે એક ટકાના ઘટાડામાં ૪૮,૭૯૭ રૂપિયા બંધ હતો. આ શૅરનો ભાવ ૧૫ નવેમ્બર ૨૦૧૧ના રોજ ૯૨,૨૦૦ રૂપિયાની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. ફેસ વૅલ્યુ ૧૦ રૂપિયાની છે. મેટલ ઇન્ડેક્સના તમામ ૧૪ શૅર નેગેટિવ ઝોનમાં બંધ હતા. જેએસડબ્લ્યુ સ્ટીલ, તાતા સ્ટીલ, નૅશનલ ઍલ્યુમિનિયમ, હિન્દાલ્કો, સ્ટરલાઇટ ઇન્ડસ્ટ્રીઝ ત્રણ ટકાથી લઈને સાડાચાર ટકા સુધી ગગડ્યા હતા. સેઇલ, ભૂષણ સ્ટીલ અને સેસાગોવા અઢીથી પોણાત્રણ ટકા ડાઉન હતા. કોલ ઇન્ડિયા સૌથી ઓછો ૦.૩ ટકા નરમ હતો. રૅનબૅક્સી નફામાંથી ખોટમાં આવી જવાના સમાચારે ૪.૩ ટકા તૂટીને ૪૭૫ રૂપિયા બંધ હતો. અનિલ ગ્રુપની રિલાયન્સ કૅપિટલ સાડાચાર ટકા, આર. કૉમ ૩.૭ ટકા અને રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ૧.૦૪ ટકા ઘટીને બંધ હતા. મુકેશ ગ્રુપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સિવાયની અન્ય કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ત્રણ ટકા તૂટી હતી.

એસબીઆઇ વિલન બની

દેશની ટોચની બૅન્ક સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાએ સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં ૧૨.૪ ટકાના વધારા સાથે ૨૮૧૦ કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો દર્શાવ્યો, જે માર્કેટની ધારણા કરતાં વધુ કહી શકાય, પરંતુ આ ગાળામાં એની ગ્રોસ એનપીએ (નૉન-પર્ફોર્મિંગ ઍસેટ્સ) ૩.૩૫ ટકાથી વધીને ૪.૨ ટકા જેવી તથા નેટ એનપીએ ૧.૭ ટકાથી વધીને ૨.૦૪ ટકાએ પહોંચી હતી. મતલબ કે બૅન્કે જે ધિરાણ આપ્યાં છે એના વ્યાજ-મુદ્દલની સમયસર પરત ચુકવણીની સ્થિતિ અગાઉ જેટલી સારી નથી. ઍસેટ્સ ક્વૉલિટી વધુ નબળી પડી છે. આના કારણે પરિણામો બાદ શૅરમાં સીધા ગાબડાનો દોર શરૂ થયો હતો. ૧૯૯૭ રૂપિયાના આગલા બંધ સામે ૨૦૧૪ રૂપિયા ખૂલી ઉપરમાં ૨૦૧૮ રૂપિયા થયેલા આ શૅરમાં એક તબક્કે નીચામાં ૧૮૫૨ રૂપિયા થયા બાદ છેલ્લે પોણાસાત ટકાના કડાકામાં ૧૮૬૩ રૂપિયા જેવો બંધ રહ્યો હતો. સવાસાત ટકાના આ ગાબડા સાથે સેન્સેક્સ તથા એ ગ્રુપમાં વસ્ર્ટ પર્ફોર્મર બનેલા આ કાઉન્ટરથી સેન્સેક્સને ૪૭ પૉઇન્ટનો માર પડ્યો હતો. કોઈ નવો આંચકો કે ડાઉનવર્ડ પ્રેશર આવશે તો શૅરનો ભાવ ૧૭૦૮ રૂપિયાના વર્ષના તળિયાની પણ નીચે જઈ શકે છે.

બૅન્કેક્સ ખરડાવામાં મોખરે

મૂડીઝે ઇન્ડિયન બૅન્કિંગ સિસ્ટમને ડાઉનગ્રેડ કરીને આઉટલુક નેગેટિવ કર્યું એથી બજારના ૨૧માંથી જ૧૮ બેન્ચમાર્ક ૨.૬ ટકાના ગાબડા સાથે અગ્રક્રમે હતો. એના તમામ ૧૪ શૅર માઇનસમાં બંધ હતા. લિસ્ટેડ ૨૪ પીએસયુ બૅન્ક શૅરમાંથી એક પણ શૅર વધીને બંધ નહોતો, તો ખાનગી ક્ષેત્રની લિસ્ટેડ ૧૭ બૅન્કમાંથી એકમાત્ર સિટી યુનિયન બૅન્ક ફક્ત પાંચ પૈસા પ્લસમાં હતી. બાકી સઘળે રેડ લાઇનનું રાજ્ય હતું. ટકાવારી ધોવાણમાં ખાનગી બૅન્કોમાં ડીસીબી (૪.૨૫ ટકા) તથા સરકારી એસબીઆઇ (૬.૮ ટકા) અગ્રક્રમે હતા. બૅન્ક ઑફ બરોડા, યુનિયન બૅન્ક, આઇડીબીઆઇ બૅન્ક, ફેડરલ બૅન્ક, વિજયા બૅન્ક, યુકો બૅન્ક, સિન્ડિકેટ બૅન્ક, અલાહાબાદ બૅન્ક, આંધ્ર બૅન્ક, દેના બૅન્ક, ધનલક્ષ્મી બૅન્ક, કર્ણાટકા બૅન્ક જેવાં કાઉન્ટર્સ તો આશરે ત્રણ ટકાથી લઈને સવાચાર ટકાની રેન્જમાં ખરાબ હતાં. સેન્સેક્સની ૨૦૭ પૉઇન્ટની કમજોરીમાં એસબીઆઇ, આઇસીઆઇસીઆઇ બૅન્ક તથા એચડીએફસી બૅન્ક જેવા ત્રણ શૅરનું પ્રદાન ૯૦ પૉઇન્ટનું હતું.

ઑઇલ શૅરો લપસ્યા

બૅન્ક-શૅરો પછી ખરાબીમાં ઑઇલ-ગૅસ ક્ષેત્રના શૅરનો નંબર હતો. આઇઓસીએ સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં કંગાળ દેખાવ કર્યો છે. કંપનીએ અગાઉના વર્ષે ૫૨૯૪ કરોડ રૂપિયાનો જે ચોખ્ખો નફો કર્યો હતો એ આ વેળા ૭૪૮૮ કરોડ રૂપિયાની ચોખ્ખી ખોટમાં ફેરવાઈ ગયો છે. આ ઇન્ડેક્સના તમામ ૧૦ શૅર ડાઉન હતા. ભારત પેટ્રો સાડાપાંચ ટકા, હિન્દુસ્તાન પેટ્રો પાંચ ટકા, આઇઓસી પોણાચાર ટકા, ઓએનજીસી અઢી ટકા, ઑઇલ ઇન્ડિયા બે ટકા લપસ્યા હતા. હેવીવેઇટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ બે ટકાની નબળાઈમાં ૮૬૪ રૂપિયા બંધ રહેતાં સેન્સેક્સને ૩૮ પૉઇન્ટનો માર પડ્યો હતો. ઓએનજીસીએ એમાં બીજા ૧૪ પૉઇન્ટ ઉર્મેયા હતા. એસ્સાર ઑઇલ ત્રણ ટકા, કેઇર્ન ઇન્ડિયા ૨.૯ ટકા, પેટ્રોનેટ એલએનજી બે ટકા તથા ગેઇલ ઇન્ડિયા એક ટકો નરમ હતા.

ગુજરાત ગૅસ ન્યુઝ ૫૨ તૂટ્યો

પેરન્ટ વિદેશી કંપની દ્વારા ૬૪ ટકાનો હિસ્સો વેચવાની વેતરણના સમાચારે ગુજરાત ગૅસ છ ટકા તૂટીને ૩૯૩ રૂપિયા બંધ હતો.

યુરોપ-યુએસને ઇટલીનો ભાર

ઇટલી ખાતે રાજકીય તથા આર્થિક અસ્થિરતાના ભારમાં યુરોપિયન શૅરબજારો નબળાઈના દોરમાં સવાથી અઢી ટકા નીચે ચાલતાં હતાં. ડાઉ ફ્યુચર્સ દોઢ ટકો અને નાસ્ડેક ફ્યુચર્સમાં બે ટકાનો ઘટાડો દેખાતો હતો. અહીં સવાબે વાગ્યા પછી માર્કેટના સીધા ઘટાડા માટે ઉક્ત સ્થિતિ પણ ખાસ્સી જવાબદાર હતી. જર્મની તથા ઇટાલિયન બૉન્ડ વચ્ચેનો સ્પ્રેડ પાંચ ટકા થઈ ગયો છે, જે વર્ષ ૧૯૯૯માં યુરો દાખલ થયા પછીની પ્રથમ ઘટના છે. એશિયા ખાતે મિશ્ર માહોલ હતો. થાઇ માર્કેટ ૧.૬ ટકા તથા તાઇવાનીઝ ત્વેસી ઇન્ડેક્સ અડધો ટકો નરમ હતા. સિંગાપોર સાધારણ ઘટીને બંધ હતું.
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK