પ્રાઇમરી માર્કેટના હાલ બેહાલ

Published: 6th November, 2011 00:57 IST

લિસ્ટિંગ બાદ થોડા દિવસમાં ભાવ ખેંચી ઉપરમાં ડિસ્ટ્રિબ્યુશન કર્યા પછી ભાવ તોડી નાખનારી ટોળકીઓ સક્રિય છે, આઇપીઓનું મૂલ્યાંકન કરવામાં રેટિંગ એજન્સીઓ પણ નિષ્ફળ ગઈ(નીરવ સાંગાણી)


મુંબઈ, તા. ૫


વર્તમાન વર્ષમાં પ્રારંભ બાદ સમયાંતરે પ્રાઇમરી માર્કેટની સ્થિતિ કથળતી જોવા મળી છે અને મોટી કંપનીઓ મૂડીબજારમાં પ્રવેશવા સેકન્ડરી માર્કેટમાં સુધારાની રાહ જોઈ રહી છે. જોકે આવા સંજોગોમાં નાની કંપનીઓ કૅપિટલ માર્કેટમાં પ્રવેશ કરવાનું સાહસ કરી રહી છે. આ કંપનીઓના લિસ્ટિંગ વખતે કૃત્રિમ વધ-ઘટ થયા બાદ શૅર્સના ભાવમાં જબરદસ્ત કડાકો બોલાઈ ગયો છે. સામાન્ય રોકાણકારને થયેલા નુકસાનને જોતાં સેબીએ હજી ગત મહિને જ નવા લિસ્ટેડ શૅર્સમાં થતી ગેરરીતિની તપાસ કરવાનો નિર્ણય લીધો હતો અને સેબી દ્વારા પ્રમોટર્સ અને લીડ મૅનેજરની ભૂમિકા વિશેની તેમ જ લિસ્ટિંગના દિવસે થયેલી ભાવની મૂવમેન્ટની તપાસ થશે એવી જાહેરાત કરવામાં આવી હતી. જોકે ત્યાર બાદ પણ નવી લિસ્ટેડ થયેલી કંપનીઓ જેમ કે એમ ઍન્ડ બી સ્વિચ અને ઇન્ડો થાઈ સિક્યૉરિટીઝમાં આ કૃત્રિમ ઊથલપાથલની પ્રક્રિયા ચાલુ છે. આમ નવા લિસ્ટિંગના હાલ હજી પણ બેહાલ જ છે.


છેલ્લા એક મહિનામાં લિસ્ટ થયેલા શૅરોના ભાવની મૂવમેન્ટ પર નજર કરીએ તો ખ્યાલ આવશે કે આ કંપનીઓના લિસ્ટિંગ વખતે કૃત્રિમ વધ-ઘટ જોવા મળી છે. આનું તાજું જ ઉદાહરણ છે બીજી નવેમ્બરે લિસ્ટ થયેલો ઇન્ડો થાઈ સિક્યૉરિટીઝ. ૭૪ રૂપિયાની ઇશ્યુ પ્રાઇસનો આ શૅર લિસ્ટિંગના બે કલાક બાદ વધીને ઉપરમાં ૯૯ રૂપિયા સુધી બોલાઈ ગયો હતો. જોકે ત્યાર બાદ આ સ્ક્રિપમાં અચાનક જ વેચવાલી નીકળી હતી અને ગણતરીની મિનિટોમાં આ સ્ક્રિપ નીચામાં  ૧૮ સુધી જઈ સત્રના અંતે ૨૩ રૂપિયા બંધ રહી હતી. છેલ્લા એક-બે મહિનામાં લિસ્ટ થયેલી કંપનીઓના પર્ફોર્મન્સના રેકૉર્ડને જોતાં ખ્યાલ આવશે કે આવાં તો ઘણાં ઉદાહરણો ઉપલબ્ધ છે, જેમાં લિસ્ટિંગ વેળાએ સટ્ટાકીય વેચવાલીને પગલે ઇન્વેસ્ટરોને ભારે નુકસાનીનો સામનો કરવો પડ્યો હોય.


બજારના જાણકારોનું માનવું છે કે નાના કદની કંપનીઓમાં ઑપરેટરોએ અગાઉથી જ નર્ધિારિત ઇશ્યુ પ્રાઇસ કરતાં ૪૦-૪૫ ટકા ડિસ્કાઉન્ટે જથ્થાબંધ શૅર્સ પ્રાપ્ત્ા કરી લીધા હોય છે. ત્યાર બાદ લિસ્ટિંગ વખતે ઑપરેટરો કૃત્રિમ રીતે ઊંચા પ્રીમિયમે લિસ્ટિંગ કરાવી તેમના શૅર્સની જોરદાર વેચવાલી કરે છે. પરિણામે ઘણા કિસ્સાઓમાં તો લિસ્ટિંગના દિવસના અંતે શૅર્સના ભાવમાં ઉપલા લેવલથી ૭૦-૭૫ ટકાનો કડાકો બોલાઈ ગયો હોય છે.
આવા ઇશ્યુઓનું રેટિંગ કરવામાં ઇન્વેસ્ટરો અને બ્રોકરો જ નહીં, બલકે રેટિંગ એજન્સીઓ પણ થાપ ખાઈ ગઈ છે. નામાંકિત રેટિંગ એજન્સીઓએ વર્તમાન વર્ષમાં લિસ્ટ થયેલા એક્રોપેટલ, ઇનોવેન્ટિવ અને એસઆરએફને ગ્રેડ-ત્રણનું રેટિંગ આપ્યું હતું. ગ્રેડ-ત્રણનું રેટિંગ સામાન્ય રીતે સરેરાશ ફન્ડામેન્ટલ ધરાવતી કંપનીઓને આપવામાં આવે છે. આજે આ કંપનીઓના શૅર્સના ભાવમાં ઇશ્યુ પ્રાઇસથી ૨૫-૮૫  ટકાનું ગાબડું જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત અગાઉ ૧૨ ઑગસ્ટે લિસ્ટ થયેલા એલ ઍન્ડ ટી ફાઇનૅન્સ હોલ્ડિંગ્સના આઇપીઓને ક્રેડિટ રેટિંગ એજન્સીઓએ ગ્રેડ-પનું એટલે કે શ્રેષ્ઠ ફન્ડામેન્ટલ ધરાવતી કંપની તરીકેનું પ્રમાણ આપ્યું હતું. જોકે લિસ્ટિંગ બાદ આ સ્ક્રિપ હજી સુધી ઇશ્યુ પ્રાઇસથી ઉપર ટકી રહેવા માટે સંઘર્ષ કરી રહી છે.


બજારના જાણકારોના મતે હાલમાં ઇન્વેસ્ટરોએ પ્રાઇમરી માર્કેટથી એમાં પણ ખાસ કરીને નાના કદના આઇપીઓથી દૂર જ રહેવું જોઈએ. તેઓ આ વિશે વધુમાં જણાવતાં કહે છે કે લિસ્ટિંગ બાદ અચાનક જ વૉલ્યુમ અને સોદામાં ઘટાડો એ અગાઉ ઑપરેટરો દ્વારા થયેલી રમતનો સ્પષ્ટ સંકેત છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK