Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ઑટો અને મેટલ્સના સહારે સતત ત્રીજા દિવસે શૅરબજારમાં મક્કમ તેજી જળવાઈ રહી

ઑટો અને મેટલ્સના સહારે સતત ત્રીજા દિવસે શૅરબજારમાં મક્કમ તેજી જળવાઈ રહી

22 May, 2020 11:38 AM IST | Mumbai Desk
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ઑટો અને મેટલ્સના સહારે સતત ત્રીજા દિવસે શૅરબજારમાં મક્કમ તેજી જળવાઈ રહી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ભારતીય શૅરબજારમાં સતત ત્રીજા દિવસે વધી રહેલા કોરોના વાઇરસના કેસ સામે કેન્દ્ર સરકાર દ્વારા લૉકડાઉનમાં વધુ ને વધુ રાહત આપવાની જાહેરાતની અસર જોવા મળી રહી હતી. એશિયાઈ અને અમેરિકન બજારની તેજીની અસર પણ હતી. જોકે, બજાર દિવસના ઉપરના સ્તરેથી બૅન્કિંગમાં જોવા મળેલી વેચવાલીને કારણે ઘટ્યું હતું. આમ છતાં ત્રણ દિવસમાં સેન્સેક્સ અને નિફ્ટી ત્રણ ટકા જેટલા વધીને બંધ આવ્યા હતા. 

સતત સાત ટ્રેડિંગ સત્રથી વિદેશી સંસ્થાઓ શૅરબજારમાં વેચાણ કરી રહી છે. આજે પણ વિદેશી સંસ્થાઓએ ૨૫૯ કરોડ રૂપિયાના શૅર વેચી નફો બાંધવાની વૃત્તિ જાળવી રાખી હતી સામે સ્થાનિક ફન્ડ્સ દ્વારા ૪૦૨ કરોડ રૂપિયાની ખરીદી કરવામાં આવી હતી.
બુધવારે સેન્સેક્સ ૩૦,૮૧૮ પૉઇન્ટની સપાટી પર બંધ રહ્યો હતો, જે આજે ૩૭૦ વધીને ૩૧,૧૮૮.૭૯ થયા બાદ દિવસના અંતે ૧૧૪.૨૯ પૉઇન્ટ કે ૦.૩૭ ટકા વધી ૩૦,૯૩૨.૯ની સપાટીએ બંધ રહ્યો હતો. નિફ્ટી આગલા બંધ ૯૦૬૬.૫૫ સામે ૧૧૨ પૉઇન્ટ વધી ૯૧૭૮.૫૫ થયા બાદ સત્રના અંતે ૩૯.૭૦ પૉઇન્ટ કે ૦.૪ ટકા વધી ૯૧૦.૬.૨૫ની સપાટીએ બંધ રહ્યો હતો.
નૅશનલ સ્ટૉક એક્સચેન્જ પર આજે મીડિયા, મેટલ્સ અને ઑટો અને એફએમસીજીની આગેવાની હેઠળ ૭ ક્ષેત્રોમાં વૃદ્ધિ જોવા મળી હતી. બૅન્કિંગ સહિત ચારમાં ઘટાડો જોવા મળ્યો હતો. એક્સચેન્જ પર ૧૬ કંપનીઓના શૅરના ભાવ નવી બાવન સપ્તાહની ઉપરની સપાટીએ બંધ આવ્યા હતા, જ્યારે ૩૮ના ભાવ નવી નીચી સપાટીએ બંધ આવ્યા હતા. અહીં ૧૯૫ કંપનીઓમાં તેજીની સર્કિટ હતી, જ્યારે ૧૦૬માં મંદીની સર્કિટ જોવા મળી હતી.
બીએસઈ પર ૩૭ કંપનીઓના શૅરના ભાવ નવી બાવન સપ્તાહની ઉપરની સપાટીએ બંધ આવ્યા હતા, જ્યારે ૯૨ના ભાવ નવી નીચી સપાટીએ બંધ આવ્યા હતા. અહીં ૨૫૭ કંપનીઓમાં તેજીની સર્કિટ હતી, જ્યારે ૧૫૭માં મંદીની સર્કિટ જોવા મળી હતી. બીએસઈ સ્મૉલકૅપ ઇન્ડેક્સ ૦.૭૨ ટકા અને અને મિડકૅપ ઇન્ડેક્સ ૦.૭૬ ટકા વધીને બંધ આવ્યા હતા. ગુરુવારે બૉમ્બે એક્સચેન્જનું માર્કેટ કૅપિટલાઈઝેશન ૭૯,૮૩૯ કરોડ વધી ૧૨૨.૨૨ લાખ કરોડ રૂપિયા રહ્યું હતું.
ઑટો કંપનીઓમાં ભારે ખરીદી
ગયા સપ્તાહે ભારે વૃદ્ધિ બાદ ઑટો કંપનીઓમાં બે દિવસ પ્રૉફિટ-બુકિંગ જોવા મળ્યું હતું અને આજે ફરી એમાં તેજી જોવા મળી હતી. આજે નિફ્ટી ઑટો ૨.૬૧ ટકા વધ્યો હતો. અશોક લેલૅન્ડ આજે ૬.૩૪ ટકા વધીને ૪૬.૧, અમરરાજા બૅટરી ૫.૨૭ ટકા વધી ૫૯૯, હીરો મોટોકૉર્પ ૪.૦૨ ટકા વધી ૨૧૦૫, એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝ ૩.૭૫ ટકા વધી ૧૫૫, ભારત ફોર્જ ૩.૩૯ ટકા વધી ૨૯૧.૪૫, મારુતિ સુઝુકી ૩.૦૬ ટકા વધી ૫૦૪૧.૪, બજાજ ઑટો ૨.૭૧ ટકા વધી ૨૬૨૭, આઇશર મોટર્સ ૨.૬૭ ટકા વધી ૧૪,૦૪૦, ટીવીએસ મોટર્સ ૨.૧૫ ટકા વધી ૩૧૫.૬૫, એપોલો ટાયર ૧.૬૬ ટકા વધી ૯૧.૮૫, બોશ લિમિટેડ ૧.૨૭ ટકા વધી ૯૩૮૧.૫ અને ટાટા મોટર્સ ૦.૬ ટકા વધી ૮૩.૯૫ રૂપિયા બંધ રહ્યા હતા.
બૅન્કિંગમાં ઉપલા મથાળે
ફરી વેચવાલી
આજે બૅન્કિંગ શૅરો એક તબક્કે ૨.૦૨ ટકા વધ્યા હતા, પણ પછી આવેલી વેચવાલીમાં નિફ્ટી બૅન્ક ૦.૫૯ ટકા ઘટી ગયો હતો. બંધન બૅન્ક ૪.૯૪ ટકા, ઇન્ડસઇન્ડ બૅન્ક ૨.૯૧ ટકા, આઇડીએફસી ફરત બૅન્ક ૨.૦૭ ટકા, ઍક્સિસ બૅન્ક ૧.૫૪ ટકા, કોટક મહિન્દ્ર બૅન્ક ૧.૧૬ ટકા, સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા ૦.૯૮ ટકા, આઇસીઆઇસીઆઇ બૅન્ક ૦.૫૭ ટકા અને આરબીએલ બૅન્ક ૦.૩૬ ટકા ઘટ્યા હતા. જોકે બૅન્ક ઑફ બરોડા ૨.૧૮ ટકા, પંજાબ નૅશનલ બૅન્ક ૧.૩૧ ટકા, ફેડરલ બૅન્ક ૦.૬૪ ટકા અને એચડીએફસી બૅન્ક ૦.૨૧ ટકા વધ્યા હતા.
વિમાન-ટ્રેન સર્વિસ શરૂ, શૅરોમાં તેજી
ભારતમાં લૉકડાઉનની શરતો ધીમે-ધીમે હળવી થઈ રહી છે. કેન્દ્ર સરકારે ૨૫ મેથી દેશમાં વિમાની સેવા શરૂ કરવાની જાહેરાત કરી હોવાથી ઍરલાઇન્સ કંપનીઓના શૅરમાં આજે ખરીદી જોવા મળી હતી. ઇન્ડિગોની માલિક ઇન્ટરગ્લોબ એવિયેશનના શૅર ૭.૨૮ ટકા વધી ૯૭૮.૨૫ અને સ્પાઇસ જેટ ૪.૮૮ ટકા વધી ૪૨.૯૫ રૂપિયા બંધ રહ્યા હતા.



વિદેશી ફન્ડ્સનું ભારતમાં વેચાણ, નિફ્ટી ૫૦ કંપનીઓમાં રોકાણ ૨૩ ક્વૉર્ટરમાં નીચે
માર્ચ મહિનામાં કોરોના વાઇરસને કારણે વૈશ્વિક શૅરબજારમાં જોખમથી દૂર ભાગી રહેલા રોકાણકારો સાથે ભારતમાં પણ વિદેશી ફન્ડ દ્વારા ૪૮,૦૨૯ કરોડ કે ૬.૩૭ અબજ ડૉલરની વેચવાલી કરવામાં આવી હતી. આ વેચવાલીને કારણે વિદેશી પોર્ટફોલિયો ઇન્વેસ્ટરનું નિફ્ટીની ૫૦ કંપનીઓમાં રોકાણ ૨૩ ક્વૉર્ટરમાં સૌથી નીચે આવી ગયું છે. માર્ચ ક્વૉર્ટરના અંતે વિદેશી ફન્ડ્સનું રોકાણ આ કંપનીઓમાં ૨૩.૧૪ ટકા હતું જે છેલ્લે સપ્ટેમ્બર ૨૦૧૪માં ૨૩ ટકા આસપાસ જોવા મળ્યું હતું.
સેન્સેક્સ કંપનીઓમાં માર્ચના અંતે વિદેશી ફન્ડ્સનું રોકાણ ૨૮.૬ ટકા ઘટી ગયું છે અને નિફ્ટી કંપનીઓમાં રોકાણ ૨૯.૩ ટકા ઘટ્યું છે. આ એક જ ક્વૉર્ટરમાં નોંધાયેલો જૂન ૧૯૯૨ પછીનો સૌથી મોટો ઘટાડો છે. બજારમાં એવી ધારણા છે કે ભારતમાં આર્થિક વિકાસદર અને કેન્દ્રની નાણાકીય સ્થિતિ વિશે ચિત્ર સ્પષ્ટ થાય એ પછી જ વિદેશીઓ ભારતમાં મોટા પાયે રોકાણ કરવા પાછા આવી શકે છે.


Whatsapp-channel Whatsapp-channel

22 May, 2020 11:38 AM IST | Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK