Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > વૈશ્વિક અને સ્થાનિક બજારમાં સોનાના ભાવમાં કડાકા બાદ સ્થિરતાનો પ્રયાસ

વૈશ્વિક અને સ્થાનિક બજારમાં સોનાના ભાવમાં કડાકા બાદ સ્થિરતાનો પ્રયાસ

13 August, 2020 01:35 PM IST | Mumbai Desk
Mumbai correspondent

વૈશ્વિક અને સ્થાનિક બજારમાં સોનાના ભાવમાં કડાકા બાદ સ્થિરતાનો પ્રયાસ

સોનાના ભાવમાં સતત વધારા બાદ સ્થિરતાનો પ્રયાસ

સોનાના ભાવમાં સતત વધારા બાદ સ્થિરતાનો પ્રયાસ


બે દિવસની વ્યાપક વેચવાલીએ સોનાની તેજીના પાયા હચમચાવી નાખ્યા છે. વિક્રમી સપાટીથી ભાવ તૂટી ગયા છે અને એક તબક્કે ભાવ ગઈ કાલે ૧૯૦૦ ડૉલરની નીચે જતા રહ્યા હતા. જોકે ગઈ કાલે મોડી સાંજે અમેરિકન સત્ર શરૂ થતાં પહેલાં ડૉલર નબળો પડતાં ફરી સોનાના ભાવમાં થોડી રાહત જોવા મળી છે. ભાવમાં અત્યારે જે રીતે ઘટાડો થયો છે એ જોતાં અત્યારે થોડી સ્થિરતાની જરૂર છે.
વૈશ્વિક બજારમાં મંગળવારે સોનાનો વાયદો ૪.૫૮ ટકા કે ૯૩.૪ ડૉલર ઘટી ૧૯૪૬.૩૦ ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ બંધ રહ્યો હતો. બુધવારે એશિયન સત્રમાં સોનું વધારે પટકાયું હતું અને ૧૮૭૬.૫૦ ડૉલરની દિવસની નીચી સપાટીએ પટકાયું હતું. જોકે આ પછી ફરી જંગી ખરીદી નીકળી છે અને સોનાનો ઑક્ટોબર વાયદો ૦.૧૬ ટકા કે ૩.૧૦ ડૉલર ઘટી ૧૯૪૩.૨૦ ડૉલરની સપાટી ઉપર ચાલી રહ્યો છે. સોનું ડિસેમ્બર વાયદો ૦.૦૪ ટકા કે ૭૦ સેન્ટ વધી ૧૯૪૭ ડૉલર અને હાજરમાં ૧.૧૬ ટકા કે ૨૨.૨૧ ડૉલર વધી ૧૯૩૪.૧૦ ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ છે.
મંદી માટે વિવિધ કારણો જવાબદાર છે. કોરોનાથી દરદીને રક્ષણ આપી શકે એવી રસી રશિયાએ બનાવી લેવાનો દાવો કર્યા બાદ સોનું ઘટવાનું શરૂ થયું હતું. આ પછી અમેરિકામાં પ્રોડ્યુસર પ્રાઇસ ઇન્ડેક્સમાં ધારણા કરતાં વધારે ઉછાળો આવતા ભાવ ૨૦૦૦ ડૉલરની સપાટીથી તીવ્ર રીતે નીચે સરકી રહ્યા છે. બજારમાં એવી ધારણા હતી કે જુલાઈમાં પીપીઆઇ ૦.૩ ટકા વધ્યો હશે અને તેની સામે આ વૃદ્ધિ ૦.૬ ટકા આવી હતી. બે વર્ષમાં સૌથી મોટો માસિક ઉછાળો એવો સંકેત આપે છે કે ઉત્પાદકો પાસે ચીજોના ભાવ નક્કી કરવાનો પાવર આવી ગયો છે એટલે કે બજારમાં ખરીદી છે અને આર્થિક વૃદ્ધિ આગળ ધપી રહી છે.
ભારતમાં હાજર સોનું ૧૬૮૫, વાયદામાં ૧૯૭૪ તૂટ્યા પછી રિકવરી
વૈશ્વિક બજારમાં મંગળવારે રાત્રે જોવા મળેલા ચાર મહિનાના સૌથી મોટા ઘટાડાના કારણે ભારતમાં પણ ભાવ તૂટી ગયા હતા. ગઈ કાલે એક તબક્કે મુંબઈ હાજર સોનું ૧૬૮૫ ઘટી ૫૩,૪૧૫ રૂપિયાની સપાટી પહોંચી ગયું હતું પણ દિવસ દરમ્યાન થોડી રિકવરી આવી હતી. દિવસના અંતે મુંબઈ હાજર ૫૫૫ ઘટી ૫૫,૦૪૫ અને અમદાવાદ ૫૮૫ ઘટી ૫૫,૦૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ બંધ આવ્યા હતા.
વાયદામાં પણ ભાવ એક તબક્કે ૧૯૭૪ તૂટી ૫૦,૦૦૦ રૂપિયાની સપાટી નીચે ગયા હતા પણ દિવસ દરમ્યાન તેમાં સુધારો જોવા મળ્યો હતો. ગઈ કાલે સોનું ઑક્ટોબર વાયદો ૧૦ ગ્રામદીઠ ૫૧,૬૫૦ ખૂલી, ઉપરમાં ૫૨,૪૬૦ અને નીચામાં ૪૯,૯૫૫ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે ૧૫૯ વધીને ૫૨,૦૮૮ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની ઑગસ્ટ કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રનાં અંતે ૧૬૩ વધીને ૮ ગ્રામદીઠ ૪૨,૩૪૫ અને ગોલ્ડ-પેટલ ઑગસ્ટ કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૬ વધીને ૧ ગ્રામદીઠ રૂ.૫૩૦૧ થયા હતા, જ્યારે સોનું-મિની સપ્ટેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ ૧૪૮ વધીને બંધમાં ૫૨,૨૯૨ રૂપિયાના ભાવ રહ્યા હતા.

ચાંદીના ભાવમાં વિક્રમી સપાટીથી ઐતિહાસિક કડાકો : ચાર દિવસમાં ૧૦,૩૫૫ રૂપિયાનો ઘટાડો થયો



રશિયાની કોરોનાની વેક્સિન અને અમેરિકન પર્ચેસિંગ પ્રાઇસ ઇન્ડેક્સના કારણે સોનાની સાથે ચાંદીના ભાવમાં મંગળવારે વિક્રમી કડાકો જોવા મળ્યો હતો. આ ઘટાડા બાદ ગઈ કાલે ડૉલર ફરી નબળો પડતાં ભાવમાં સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે પણ તેજીનું સેન્ટિમેન્ટ ખરડાયું છે.
ચાંદીના ભાવે મંગળવારે એક જ દિવસમાં સૌથી વધુ ઘટવાનો વિક્રમ બનાવ્યો છે. કોમેકસ ખાતે ચાંદી સપ્ટેમ્બર વાયદો ૧૪.૬૧ ટકા કે ૪.૨૭ ડૉલર ઘટી ૨૪.૯૮૫ ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ બંધ રહ્યો હતો. બુધવારે ઉઘડતી બજારે ડૉલરની મજબૂતીના કારણે ચાંદી ૨૩.૯૫ ડૉલરની સપાટીએ હતી. અમેરિકન સત્ર શરૂ થયું ત્યારે ચાંદી
સપ્ટેમ્બર વાયદો  ૦.૨૫ ટકા કે ૭ સેન્ટ વધી ૨૬.૧૨ ડૉલર અને હાજરમાં ૪.૨૩ ટકા કે ૧.૦૫ ડૉલર વધી ૨૫.૮૪ ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ છે.
ભારતમાં ચાંદીના ભાવ વિક્રમી સપાટીથી વૈશ્વિક કડાકા સાથે ઘટી ગયા છે. ચાર દિવસમાં ભાવ ૧૦,૩૫૫ ઘટી ગયા છે. મુંબઈ ખાતે આજે ભાવ એક તબક્કે ૬૪,૮૨૫ થઈ દિવસના અંતે ૬૭,૭૫૦ રૂપિયા પ્રતિ કિલો બંધ આવ્યા છે જે ગઈ કાલ કરતાં ૪૩૦૦નો ઘટાડો છે. અમદાવાદમાં ભાવ ૪૩૦૫ ઘટી ૬૭,૧૧૫ રૂપિયા પ્રતિ કિલો બંધ રહ્યા હતા. ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર કૉન્ટ્રૅક્ટ કિલોદીઠ ૬૪,૨૫૭ ખૂલી, ઉપરમાં ૬૮,૪૮૦ અને નીચામાં ૬૦,૯૧૦ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે ૩૨૧ ઘટીને ૬૬,૬૧૩ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની ઑગસ્ટ ૩૦૫ ઘટીને ૬૬,૬૬૮ અને ચાંદી-માઇક્રો ઑગસ્ટ ૩૦૨ ઘટીને ૬૬,૬૫૮ રૂપિયા બંધ રહ્યા હતા. 


Whatsapp-channel Whatsapp-channel

13 August, 2020 01:35 PM IST | Mumbai Desk | Mumbai correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK