સીતારમણનું મેઇડન અંદાજપત્ર આકરાં આર્થિક પગલાં લેશે કે મતદારોને રિટર્ન ગિફ્ટ આપશે?

Published: Jul 01, 2019, 11:47 IST | અર્થતંત્રના આટાપાટા - જિતેન્દ્ર સંઘવી | દિલ્હી

વર્તમાન સરકારનું પ્રથમ અંદાજપત્ર હોઈ નાણાપ્રધાન પાસે છુટ્ટો દોર છે અને એટલે જ તેમની સામેની પસંદગીઓ નિષ્ણાતોને પણ મૂંઝવી નાખે તેવી છે.

નિર્મલા સીથારમણ
નિર્મલા સીથારમણ

લોકસભાની ચૂંટણીમાં ખોબલે ખોબલે મત આપીને બીજેપીને ઐતિહાસિક જીત અપાવનાર સરકાર પાસેથી પ્રજાના દરેક વર્ગની અપેક્ષાઓ અનેકગણી વધી છે એ લિમિટલેસ અપેક્ષાઓ આ અઠવાડિયે ૨૦૧૯-૨૦નું અંદાજપત્ર રજૂ કરનાર નવા નાણાપ્રધાન નિર્મલા સીતારમણની આકરી કસોટી કરશે. વર્તમાન સરકારનું પ્રથમ અંદાજપત્ર હોઈ નાણાપ્રધાન પાસે છુટ્ટો દોર છે અને એટલે જ તેમની સામેની પસંદગીઓ નિષ્ણાતોને પણ મૂંઝવી નાખે તેવી છે.

નાણાપ્રધાન સામે બે વિકલ્પો છે (૧) પ્રજાના બધા જ વર્ગોની - યુવાનો, સ્ત્રીઓ, સિનિયર સિટિજન્સ, કિસાનો, કામદારો, બચતકારો, રોકાણકારો, નાના-મોટા ઉદ્યોગો - મોટા ભાગની અપેક્ષાઓ સંતોષીને બીજેપીને પાંચ વરસ માટે ફરી એકવાર સત્તારૂઢ કરવા બદલ આ બધા વર્ગોને રિટર્ન ગિફ્ટ આપવી અથવા (૨) હવે તો પાંચ વરસ માટે સરકારને સત્તા મળી જ ગઈ છે તો શરૂઆતના બે-ત્રણ વરસ કોઈની તમા રાખ્યા સિવાય અને સહેજ પણ ખચકાટ વિના અર્થતંત્રમાં જાન લાવવા માટે આકરામાં આકરાં પગલાં લેવા.

નાણાપ્રધાન મધ્યમ માર્ગનો ત્રીજો વિકલ્પ અપનાવી શકે. મર્યાદિત સાધનો દ્વારા બધા વર્ગોની બધી અપેક્ષાઓ એક સાથે સંતોષવી શક્ય ન હોય તો તેમની સામે જે પણ પડકાર કે માગણીઓ હોય તેની પ્રાથમિકતા અને અગ્રક્રમ નક્કી કરીને આગળ વધવું.

૨૦૧૯-૨૦નું અંદાજપત્ર સીતારમણનું અને મોદી સરકારની બીજી મુદતનું પણ મેઈડન અંદાજપત્ર છે એટલે ‘પ્લીઝ વન અૅન્ડ ઓલ’ જેવું અંદાજપત્ર (એમ કરવાની એમને માટે અનિવાર્યતા પણ નથી) રજૂ કરીને આકરા બનવાની હાથમાં આવેલી તકને ઝડપી લઈને ‘વેલ બીગન ઈઝ હાફ ડન’ ઉકિત પ્રમાણે નાણાપ્રધાન થોડા અરુચિકર (લોકોને પસંદ ન પડે એવા) બનીને પણ નવી સરકારના પાંચ વરસના રોડ-મૅપનો પાયો નાખવાનું પસંદ કરે તો નવાઈ નહીં.

સીતારમણની આ એક મર્યાદા ગણવી કે પ્લસ પોઈન્ટ? કારણકે ચૂંટણીઓ પહેલાં સામાન્ય રીતે વચગાળાનું અંદાજપત્ર રજૂ કરાતું હોય છે જે પીયૂષ ગોયલે પહેલી ફેબ્રુઆરીએ રજૂ કરેલ. સીતારમણ એ જ વરસ (૨૦૧૯-૨૦) નું અંદાજપત્ર, પણ આ વખતે પૂરા કદનું, પાંચમી જુલાઈએ ફરી રજૂ કરશે. જોકે પીયૂષ ગોયલે તે વખતે રજૂ કરેલ મોદી સરકારની પહેલી મુદતના છેલ્લા અંદાજપત્રને ઈન્ટરિમ નહીં ગણાવતા સરકારના પાંચ વરસના રોડ-મૅપ તરીકે જ તેનો ઉલ્લેખ કરેલો.

ગોયલ સામે મતદાતાઓને ખુશખુશાલ કરી દે એવા અંદાજપત્ર દ્વારા પક્ષને ચૂંટણીમાં ભારે બહુમતીથી જીતાડવાનો પડકાર હતો તો સીતારમણ સામે આર્થિક વિકાસની ગાડીને પાટા પર ચડાવીને દેશનું અર્થતંત્ર આવતા પાંચ વરસમાં એટલે કે ૨૦૨૪ સુધીમાં પાંચ ટ્રિલિયન ડૉલરનું બને એવા વડા પ્રધાનના સ્વપ્નને સાકાર કરવાનો પડકાર છે.

ભૂતપૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમ દ્વારા ઊભા કરાયેલ તાજેતરના વરસોના આર્થિક વિકાસના દરના આંકડાઓના વાદવિવાદમાં ન ઊતરીએ અને સરકારે પ્રસિદ્ધ કરેલ આંકડાઓને જ આધારભૂત ગણી લઈએ તો પણ ૨૦૧૮-૧૯નો આર્થિક વિકાસનો દર છેલ્લાં પાંચ વરસનો સૌથી નીચો અને જાન્યુઆરી-માર્ચ ૨૦૧૯ના ત્રૈમાસિક ગાળાનો આર્થિક વિકાસનો દર છેલ્લા ૨૦ ક્વૉટર્સનો સૌથી નીચો દર છે એવી આ હકીકતનો તો સરકાર પણ ઈનકાર કરી શકે તેમ નથી. અંદાજપત્રમાં એવા સુધારાઓને પ્રાથમિકતા આપવી પડશે જે આર્થિક વિકાસનો નીચો દર વધારવામાં સરકારની મદદ કરી શકે.

સરકારના સારા નસીબે ‘અલ નીનો’ની આડઅસરમાંથી દેશ બચી જશે અને ધીમે ધીમે સક્રિય બની રહેલ ૨૦૧૯નું સાઉથ-વેસ્ટ મૉન્સૂન નૉર્મલ રહેવાના અહેવાલ છે. આજે ખેતપેદાશોને લગતા માર્કેટિંગના એવા કાયદાઓ છે જેને કારણે કિસાનોને નીચા ભાવે તેમની ખેતપેદાશો વેચી દેવી પડે અને છતાં વધુ ઉત્પાદન હોય તો પણ વચેટિયાઓને કારણે ગ્રાહકોને ખેત પેદાશોના ઊંચા ભાવ ચૂકવવા પડે.

આ પણ વાંચોઃ બજેટની રાહ જોતા બજારમાં તમે તમારું બજેટ બનાવીને આગળ વધજો

ખેત પેદાશોની નીતિ (અને એટલે ખેત પેદાશોના ભાવ) કેન્દ્ર અને રાજ્ય સરકારોની જવાબદારીઓની કૉમન યાદીમાં છે તો પણ નાણાપ્રધાન અંદાજપત્ર દ્વારા ખેત પેદાશોની નીતિ બદલવાનો ટોન સેટ કરી શકે અને રાજ્ય સરકારો, ખાસ કરીને બીજેપીશાસિત રાજ્ય સરકારો માટે કેટાલિસ્ટ (સહાયક પરિબળ) નું કામ કરી શકે. બીજેપીની સત્તા વધુને વધુ રાજ્યોમાં ફેલાઈ રહી હોય ત્યારે સરકાર માટે આ કામ આસાન ગણાય.

કેન્દ્ર સરકાર વરસે લગભગ ૭૫,૦૦૦ કરોડ રૂપિયાની ફર્ટિલાઈઝર સબસિડી (રોકડ સહાય) આપે છે. આ અને આવી બીજી ઈનપુટ પરની સબસિડીઓ નાબૂદ કરવાનું અને તેને બદલે આઉટપુટ પરની સબસિડી આપવાનું શરૂ‚ કરવાનું આજે નહીં તો કાલે વિચારવું પડશે. તેની મુદતના પાંચમાંથી શરૂઆતના ત્રણ વરસ તો સરકારે દેશવાસીઓનાં હિતમાં હોય એવા કડવી દવાના ઘૂંટ પણ પ્રજાને પીવડાવવા પડશે. આજની સરકાર પાસેથી આવી દૃઢ નિર્ણયશક્તિની અપેક્ષા રાખવાનું વધુ પડતું નથી. આવો ફેરફાર ખેતીક્ષેત્રની ઉત્પાદકતા (એકરદીઠ ઉત્પાદન) વધારવા માટે સહાયક બની શકે. રાષ્ટ્રીય આવકમાં આ ક્ષેત્રનો ૧૬ ટકા જેટલો હિસ્સો છે એટલે ઉત્પાદકતા વધારીને રાષ્ટ્રીય આવક વધારી શકાય.

ખેતીક્ષેત્ર હોય કે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર, ઉત્પાદકતા વધારવા દ્વારા ઉત્પાદન વધારીને દેશમાં ચીજવસ્તુઓની પડતર કિંમત ઘટાડી શકાય. તેમ થાય તો ચીજવસ્તુઓની વેચાણકિંમત નીચી રહે અને ભાવવધારાની સમસ્યા આપોઆપ હળવી બને. મોદી ૧.૦ના પાંચ વરસમાં કેટલું કામ થયું અને મોદી ૨.૦ના પાંચ વરસમાં શું હાંસલ કરવાનું છે એ પલ્સ બરાબર જાણતા વડા પ્રધાને હોદ્દો સંભાળ્યાના ગણતરીના દિવસોમાં જ પોતાના અધ્યક્ષપદ હેઠળ બે કૅબિનેટ કમિટીની રચના કરી છે (૧) મૂડીરોકાણ અને આર્થિક વિકાસ વધારવા માટે અને (૨) સ્કીલ ડેવલપમેન્ટ (કાર્યકુશળતા) ને વેગ આપીને તે દ્વારા નવી રોજગારીના સર્જન માટે. આવતા પાંચ વરસમાં અર્થતંત્રનું કદ બમણું કરવા માટે (૨.૮ ટ્રિલિયન ડૉલરમાંથી ૫ ટ્રિલિયન ડૉલરનું કરવા માટે) આ વરસો દરમ્યાન આર્થિક વિકાસનો વર્તમાન ૬ થી ૭ ટકાનો વાર્ષિક દર વધારીને લગભગ ૧૦ ટકાનો કરવો પડે. તો જ ચાલુ ભાવે (૩ થી ૪ ટકાના ભાવવધારા સાથે) આર્થિક વિકાસનો દર ૧૩થી ૧૪ ટકાનો થાય અને અર્થતંત્રનું કદ પાંચ વરસમાં બમણું થાય.

આ પણ વાંચોઃ Credit Card પૈસા ઉપાડતા પહેલા જાણી લો આ નિયમ, લાગે છે મોટો ચાર્જ

સીતારમણ સામેનો સૌથી મોટો પડકાર વડા પ્રધાને નીમેલી આ બે કૅબિનેટ કમિટીઓ તેમના ધ્યેય ભણી દોડતી થાય તેવા સુધારાઓના નટ-બૉલ્ટસ પૂરા પાડવાનો છે. વાર્ષિક ૧૦ ટકાના આર્થિક વિકાસનું લક્ષ્યાંક અશક્ય નહીં તો મુશ્કેલ તો છે જ. એટલે તેને શક્ય બનાવવા માટે છેલ્લાં લગભગ ૨૫ વરસથી જે નીતિઓ અપનાવાઈ છે (જેના માધ્યમે ૬થી ૭ ટકાનો વિકાસ જ શક્ય બન્યો છે) તેમાં થોડા ઍડઓન સુધારાઓ અપનાવી તેનો અમલ ટૂંકા ગાળામાં કરવો પડે. આ સુધારાઓમાં જમીન સંપાદનને લગતા સુધારાઓ અને લેબર રિફૉર્મ્સ મુખ્ય ગણાય. મોદી ૧.૦ શાસનની શરૂઆતમાં જ આ સુધારાઓ પડતા મુકાયા હતા અને એટલે સરકારનું ‘મેઇક-ઇન-ઇન્ડિયા’ મિશન કે સ્લોગન સફળ થયું નથી. માગ વધવા સાથે હાલની વધારાની ઉત્પાદનક્ષમતા વપરાઈ જાય તે પછી ઉદ્યોગો માટેની જમીનનો અભાવ, મૅન્યુફેક્ચરિંગ ક્ષેત્રના વિકાસ આડેનો સૌથી મોટો અંતરાય ગણાય.

બીજેપીના આરએસએસ, બીએમએસ અને એવા બીજા ૩૫ જેટલા એફીલીએટ્સના અંદરઅંદરના મતભેદોને કારણે, બીજેપી જમીન સંપાદન અને લેબર રિફૉર્મ્સ જેવા સુધારાઓને બૅક બર્નર પર રાખતી આવી છે, પણ આ સુધારાઓ નહીં કરાય ત્યાં સુધી મૅન્યુફેક્ચરિંગ ક્ષેત્રે બીજા સુધારાઓનું ધાર્યું પરિણામ નહીં આવે. બીજા શબ્દોમાં, વર્ષે ૧૦ મિલિયન નવી રોજગારી ઊભી કરવાનું શક્ય નહીં બને જે દેશના શ્રમબળમાં દર વરસે નવા ભરતી થતા કામદારોને કામે લગાડવા માટે અનિવાર્ય છે.

એક વાત સ્પષ્ટ છે કે નવા ઊભા થતા સ્ટાર્ટ-અપ્સ, ડિજિટલ ઈકૉનૉમીની આગેકૂચ કે નવી ઊભી થતી કલાઉડ કમ્પ્યુટિંગ ક્ષેત્રની રોજગારીઓ નવા ૧૦ મિલિયન જોબ ઊભા કરી શકશે નહીં. એનું મુખ્ય કારણ આ નવા ક્ષેત્રોની જોબ માટે જરૂરિ-કાર્યકુશળતાનો વર્તમાને અભાવ છે અને આમાંની ઘણી બધી જોબ આજે અસ્તિત્વમાં નથી પણ ભવિષ્યમાં (૨૦૨૦ કે ૨૦૨૨ સુધીમાં) ઊભા થવાની છે.
ઉપરાંત રોબોટ્સ અને આર્ટિફિસિઅલ ઈન્ટેલીજન્સ (એઆઈ)ના પ્રવેશ અને પ્રગતિને કારણે ઓછી કાર્યકુશળતાવાળી નોકરીઓની તકો ઘટતી જાય છે. વિશ્વ બૅન્કના એક અહેવાલ પ્રમાણે વિકસતા દેશોમાં હાલમાં ઉપલબ્ધ ૩ માંથી ૨ કામદારો સ્વયંસંચાલિત સાધનોના વધતા ઉપયોગને કારણે નોકરીમાંથી બહાર ફેંકાઈ જશે.

એ સંજોગોમાં નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો ઝડપી વિકસે એવી તેમના માટે ‘ઈઝ ઑફ ડુઈંગ બિઝનેસ’ની પ્રક્રિયા વિકસાવવી પડે. હાલમાં ઓવરઓલ ઈઝ ઑફ ડુઈંગ બિઝનેસ ઈન્ડેક્ષમાં ભારતનો ક્રમાંક ઘણો આગળ વધ્યો હોવા છતાં ઘણા બધા પેરામિટર્સ બાબતે આપણે ઘણાં પાછળ છીએ એ ધ્યાનમાં રહેવું જોઈએ.

વન નેશન - વન ઈલેક્શન એ લાંબે ગાળે દેશના હિતમાં હોય તો પણ રાજકીય પક્ષોને અપાતા ડોનેશનને લગતા અને ચૂંટણીલક્ષી અન્ય સુધારાઓ ન થાય ત્યાં સુધી આવા વિવાદાસ્પદ સુધારાઓ, પ્રજાનું જીવનધોરણ સુધરે એવા સુધારાઓની તરફેણમાં, મુલતવી રાખવા જોઈએ. અલબત્ત શિક્ષણ અને સ્વાસ્થ્યની સેવાઓ તાત્કાલિક ધોરણે સુધારવાની તાતી જરૂર છે. નાણાપ્રધાને તેમના અંદાજપત્રમાં આર્થિક સુધારાઓ ઉપરાંત શિક્ષણ અને સ્વાસ્થ્યની સેવાઓને લગતા સુધારાઓને પણ ધ્યાનમાં રાખવા પડશે. નવી શિક્ષણનીતિ જાહેર કરાઈ છે, પણ શિક્ષણનો ઢાંચો બદલાશે તો જ જૂની નોકરીઓને સ્થાને નવી સર્જાતી રોજગારીની તકોનો લાભ લઈ શકે તેવી કાર્યકુશળતા ડેવલપ થશે.

વસ્તીવધારાનો દર ઘટયા પછી પણ ભારત ૨૦૨૭ સુધીમાં વિશ્વના સૌથી વધુ વસ્તીવાળા દેશનું બિરૂદ પ્રાપ્ત કરશે. એ કારણે પણ રોજગારી માટેની નવી માગ ઊભી થતી જ રહેવાની.
આ અંદાજપત્રને બજેટ બાય આઉટલેને બદલે બજેટ બાય આઉટકમ બનાવવાની મોટી જવાબદારી મોદીના શિરે અને સીતારમણના ખભે છે. અંદાજપત્રમાં એ દિશામાં પહેલ કરીને બીજેપીની સરકાર ફરી એક વાર દેશવાસીઓને ખુશ કરશે એવી આશા રાખી શકાય.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK