ઘરેણાં વેચીને વકીલોની ફી ચૂકવી રહ્યાં છે અનિલ અંબાણી

Published: 26th September, 2020 16:28 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

ત્રણ ચાઇનીઝ બેન્કે અનિલ અંબાણી સામે UKની કોર્ટમાં કેસ કર્યો છે, અત્યારે તેમની પાસે માત્ર એક કાર હોવાની વાત કરી

અનિલ અંબાણી (ફાઈલ તસવીર)
અનિલ અંબાણી (ફાઈલ તસવીર)

દેવામાં ડૂબેલા અનિલ અંબાણીએ શુક્રવારે લંડનની અદાલતમાં કેટલીક આશ્ચર્યજનક વાતો કરી છે. લંડનની અદાલતમાં તેની સામે ચાલી રહેલા કેસમાં કોર્ટને જણાવ્યું હતું કે, તે હવે સામાન્ય જીવન જીવી રહ્યા છે. વકીલોની ફી ચૂકવવા માટે તેમણે પોતાનાં ઘરેણાં વેચવા પડ્યાં છે. અનિલે કોર્ટને કહ્યું હતું કે, મારી પાસે આવકનું કોઈ સાધન નથી અને હાલમાં મારી પત્ની અને પરિવાર મારું ગુજરાન કરી રહ્યાં છે. ખર્ચને પહોચી વળવા માટે તે પોતાની સંપત્તિ વેચવા માગે છે અને કોર્ટ તેની મંજૂરી આપે તેની રાહ જોઈ રહ્યાં છે.

ફેબ્રુઆરી 2012માં રિલાયન્સ કોમે ત્રણ ચાઈના બેન્ક પાસેથી 700 મિલિયન ડોલરથી પણ વધારેની લોન લીધી હતી. તેની પર્સનલ ગેરેંટી અનિલ અંબાણીની હતી. કંપની દેવાદાર બની છે ત્યારે બેન્કોએ વ્યાજની સાથે રકમ ચૂકવવા માટે કેસ કર્યો છે. લોન માંગનારામાં ઈન્ડસ્ટ્રિયલ એન્ડ કર્મશિયલ બેંક ઓફ ચાઈના લિમિટેડ, ચાઈના ડેવલપમેન્ટ બેંક અને એક્ઝિમ બેંક ઓફ ચાઈનાનો સમાવેશ થાય છે.

લંડનની કોર્ટમાં અનિલ અંબાણીએ જણાવ્યું હતું કે, જાન્યુઆરી અને જૂન 2020 વચ્ચે ઘરેણાં વેચીને તેમણે રૂ. 9.9 કરોડ મેળવ્યા છે અને હવે તેની પાસે કીમતી કહી શકાય તેવી કોઈ ચીજ નથી. જયારે કોર્ટે અનિલને લક્ઝરી ગાડીઓ અંગે પૂછ્યું તો તેમણે જણાવ્યું કે મીડિયામાં આવતા આ બધા સમાચારો ખોટા છે. મારી પાસે ક્યારેય રોલ્સ-રોઈસ હતી જ નહીં. અત્યારે મારી પાસે માત્ર એક જ કાર છે. પ્રાઈવેટ હેલિકોપ્ટર અંગે તેમણે કહ્યું હતું કે, હું તેનો વ્યક્તિગત વપરાશ કરું છું ત્યારે જ તેના માટે ચુકવણી કરું છું.

અદાલતને ખબર પડી કે 31 ડિસેમ્બર 2019 સુધીમાં અંબાણીનું બેંક બેલેન્સ 40.2 લાખ રૂપિયા હતું અને તે 1 જાન્યુઆરી 2020ના રોજ ઘટીને 20.8 લાખ રૂપિયા પર આવી ગયું હતું. અનિલ અંબાણીએ અદાલતમાં કહ્યું હતું કે તેમની ગણના ભારતના સૌથી ધનિક લોકોમાં થતી હતી, પરંતુ હવે તેની પાસે 1,10,000 ડોલરનું માત્ર એક આર્ટવર્ક છે.

બ્રિટિશ હાઈકોર્ટે 22 મે 2020ના રોજ પસાર કરેલા આદેશમાં અંબાણીને 12 જૂન સુધીમાં ચીનની બેન્કોના 71,69,17,681 અથવા 5,281 કરોડની લોન ચૂકવવા કહ્યું હતું. તે જ રીતે, અંબાણીને 50,000 પાઉન્ડ એટલે કે લગભગ સાત કરોડ રૂપિયા કાનૂની ખર્ચ તરીકે ચૂકવવાનું કહેવામાં આવ્યું હતું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK