૧૦૨ લાખ કરોડ રૂપિયાના ઇન્ફ્રા પ્રોજેક્ટની મહત્ત્વાકાંક્ષી જાહેરાત

Published: Jan 06, 2020, 15:27 IST | sushma shah | Mumbai Desk

નામ બડે, દર્શન છોટે : આ યોજનાઓમાં કાગળ પરની યોજનાઓ, અમલમાં હોય એવી યોજનાઓનો સમાવેશ : આ સઘળું નવું મૂડીરોકાણ નથી એટલે ભૂલથી હરખાવું નહીં

નવા વર્ષની પૂર્વસંધ્યાએ નાણાપ્રધાન નિર્મલા સીતારમણે દેશની સમક્ષ આગામી પાંચ વર્ષમાં ૧૦૨ લાખ કરોડ રૂપિયાના ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટ – અને કેટલાંક રાજ્યો બાકી છે એટલે લગભગ ૧૦૫ લાખ કરોડ રૂપિયાની રૂપરેખા રજૂ કરી. આ રૂપરેખાને બધાએ એકસાથે વધાવી લીધી છે. સૈદ્ધાંતિક રીતે દેશની ૧૩૦ કરોડની જનતાને સારા રોડ, રેલ, ઍરપોર્ટ, શાળા, વીજળી, આરોગ્ય સેવાઓ, પાણીપુરવઠો મળે એ માટે આ મહત્ત્વાકાંક્ષી પ્લાન આવકાર્ય છે, પરંતુ એવું પુરવાર કરવું એ અગાઉ દેશમાં કોઈ માળખાકીય સગવડો ઊભી નથી થઈ એ તદ્દન ખોટું છે. આ પ્લાનને નાણાપ્રધાન સીતારમણે ‘નૅશનલ ઇન્ફ્રાસ્ટ્રકચર પાઇપલાઇન’ એવું રૂપકડું નામ પણ આપ્યું છે. ભારતને પ્લાનની કેમ જરૂર છે એના ઉપર પણ વિગતવાર વાત કરવામાં આવી છે. જોકે યક્ષપ્રશ્ન એટલે કે ૧૦૨ લાખ (કે ૧૦૫ લાખ) કરોડ રૂપિયાની રકમ ક્યાંથી આવશે એના પર સંપૂર્ણ મૌન ધારણ કરવામાં આવ્યું છે અને એ જ મોટી સમસ્યા છે. નાણાકીય બાબતો પર ચર્ચા કરતાં પહેલાં આપણે પ્લાન શું છે અને એમાં કેમ કંઈ નવીન નથી એના ઉપર પણ વાત કરીએ. 

નવી બૉટલમાં જૂનો દારૂ...
પાછલાં ૬ વર્ષમાં (એટલે કે નરેન્દ્ર મોદી સરકાર સત્તામાં આવી ત્યારથી) દેશમાં રાજ્યો અને કેન્દ્ર સરકારોએ ૫૧ લાખ કરોડ રૂપિયાનું રોકાણ માળખાકીય ક્ષેત્રમાં કર્યું છે. વર્ષ ૨૦૦૮થી ૨૦૧૭ દરમ્યાન દેશમાં કુલ ૬૦ લાખ કરોડ રૂપિયાનું ઇન્ફ્રા ક્ષેત્રમાં રોકાણ થયું છે. મતલબ કે આગલાં વર્ષોમાં રોકાણ નથી થયું એ વાત સાવ ખોટી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી દેશની પ્રજાને આપેલા સંદેશરૂપે આ ઇન્ફ્રા પ્લાનની જાહેરાત કરવામાં આવી હતી. જાહેરાતના પગલે નાણાપ્રધાને ટાસ્ક ફોર્સની રચના કરી જેનો રિપોર્ટ આપણે નવા વર્ષની પૂર્વસંધ્યાએ જોયો. ઇન્ફ્રા પાઇપલાઇનમાં વિવિધ પ્રોજેક્ટ કે રોકાણની તક અંગે જાહેરાત કરવામાં આવશે એવું ટાસ્ક ફોર્સ જણાવે છે. હવે આ ઓળખ કે રોકાણની તક છે કે નહીં, એ કેવી રીતે કરવામાં આવી છે એના પર રિપોર્ટમાં કોઈ જાણકારી નથી. એવી જ રીતે રિપોર્ટમાં એક શ્રેણીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ‘અન્ડર ઇમ્પ્લિમેન્ટેશન’ એટલે કે અમલમાં હોય તેવા પ્રોજેક્ટ. એનો મતલબ શું એમ થયો કે ૧૦૨ લાખ કરોડ રૂપિયામાં જે યોજના અમલમાં છે તેને પણ સામેલ કરવામાં આવી છે? કે એવી યોજના કે જેને નાણાંની જરૂર છે તેના માટે વ્યવસ્થા થશે? કે પછી એવા પ્રોજેક્ટ કે જેની વિચારણા ચાલુ છે? અથવા તો એવા વર્તમાન પ્રોજેક્ટ કે જેનો વ્યાપ કે વિસ્તાર વધારવામાં આવશે?
આ પ્રશ્ન એટલા માટે માટે મહત્ત્વનો છે કે લગભગ ૪૨ લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટનો આમાં સમાવેશ થાય છે કે જે ‘અન્ડર ઈમ્પ્લિમેન્ટેશન’ એટલે કે અમલમાં છે. ૧૫૦ કરોડ રૂપિયાથી વધારે રોકાણ હોય તેવા પ્રોજેક્ટની અમલવારી ઉપર મિનિસ્ટ્રી ઑફ સ્ટેટિસ્ટિક્સ અૅન્ડ પ્રોગ્રામ ઈમ્પ્લિમેન્ટેશન નજર રાખે છે. દેશમાં અત્યારે એવા ૩૮૮ પ્રોજેક્ટ છે જેમાં ધારણા કરતાં, અંદાજ કરતાં ૪ લાખ રૂપિયાનો ખર્ચ વધારે કરવો પડે તેવી સ્થિતિ છે. આ ઉપરાંત ધારણા કરતાં વધારે સમય લાગ્યો હોય તેવા ૫૬૩ પ્રોજેક્ટ પણ આમાં સામેલ છે. ૧૫૦ કરોડ રૂપિયાથી વધારાના દેશમાં કુલ ૧૬૫૩ પ્રોજેક્ટ અમલના વિવિધ તબક્કામાં છે જેના માટે અંદાજે ૧૯.૫૨ લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો હતો, હવે તેના ઉપર ૨૩.૫૩ લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવો પડશે. જો, આવા વિલંબિત અને અમલમાં હોય તેવા પ્રોજેક્ટનો પણ ઉપરોક્ત પાઇપલાઇનમાં ઉમેરો થયો હશે તો?
વિચારણા હેઠળ અને અમલમાં હોય તેવા ભેગા મળી કુલ ૧૦૨ લાખ કરોડ રૂપિયામાં ૭૩ ટકા જેટલો હિસ્સો ધરાવે છે. માળખાકીય પ્રોજેક્ટ અને તેનો અમલ અને જ્યારે તે સાકાર થાય તે એક લાંબાગાળે પૂર્ણ થતી પ્રક્રિયા છે. જો ૭૩ ટકા જેટલો મોટો હિસ્સો હજી વિચારણા અને અમલમાં હોય તેવો હોય તો તે પછી તેને પૂર્ણ થતા વાર લાગી શકે છે અને તેમાં આગામી પાંચ વર્ષમાં પ્રોજેક્ટ પૂર્ણ થઈ જશે કે નાણાં રોકાશે, રોજગારી મળશે એવું માની લેવાને કોઈ કારણ નથી.
વીજળી ક્ષેત્રમાં કોણ રોકાણ કરશે?
પરંપરાગત અને અન્ય ઊર્જાનાં સાધનો મળી ૨૧ લાખ કરોડ રૂપિયા (કુલ પાઇપલાઇનના ૨૦ ટકા) રકમ વીજળી ક્ષેત્રમાં આવશે એવો ટાસ્ક ફોર્સનો અંદાજ છે. દેશમાં અત્યારે વીજ ઉત્પાદકો, વીજ વિતરણ કરી રહેલી સરકારી કે રાજ્ય સરકારની કંપનીઓની હાલત કફોડી છે. લગભગ ૪૦ અબજ ડૉલર (૨૮,૦૦૦ કરોડ રૂપિયા)ના લેણાં વીજ ઉત્પાદકો પાસેથી બાકી છે અને સરકારી વીજ વિતરણ કંપનીઓની ખોટ પણ જંગી છે. વર્ષ ૨૦૧૮ના અંતે ખોટ ૧૫,૧૩૨ કરોડ રૂપિયા હતી જે લગભગ બમણી થઈ ૨૦૧૯ના અંતે ૨૮,૦૩૬ કરોડ રૂપિયા થઈ છે. આ સ્થિતિમાં વીજળી કંપનીઓમાં આટલું મોટું જંગી રોકાણ કોણ કરશે?
યુપીએ સરકારના શાસનમાં અલ્ટ્રા મેગા પાવર પ્રોજેક્ટની યોજના અમલમાં આવી હતી. આયાતી કોલસા આધારિત ૪૦૦૦ મેગાવોટના આવા ચાર પ્લાન્ટના ઓર્ડર મળ્યા હતા. તાતા પાવરે ગુજરાતમાં મુન્દ્રા ખાતે એક ચાલુ પણ કરી દીધો. આયાતી કોલસો મોંઘો થઈ ગયો હોવાથી કંપની ખોટ કરી રહી હતી અને છેલ્લા રૂપિયા એકના ભાવે તે ભંગારના ભાવે ગુજરાત સરકારને વેચવા તૈયાર હતી. આવી જ હાલત અદાણી જૂથના મુન્દ્રા પાવર પ્લાન્ટની થઈ હતી. છેલ્લે બૅન્કોને થોડું દેવું જતું કરી અને સુપ્રીમ કોર્ટે વીજળીના ભાવ વધારે કરી આપવાનો આદેશ આપતા આ બન્ને પ્લાન્ટ બચી ગયા છે. એટલે વીજળી રોકાણ માટે આકર્ષક ક્ષેત્ર હોવા છતાં બૅન્કો કે નાણાં સંસ્થાઓ માટે એકદમ જોખમી બની શકે છે.
શું રોડ ક્ષેત્રમાં રોકાણ આવશે?
ટાસ્ક ફોર્સના અહેવાલ અનુસાર ૧૯.૬૪ લાખ કરોડ રૂપિયાનું રોકાણ રોડ બાંધકામ ક્ષેત્રે થવાનું છે. હવે અત્યારે રોડ બાંધકામની સ્થિતિ અત્યંત કઠિન છે. પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ (પીપીપી), હાઈબ્રીડ, બીઓટી એવા અનેક મોડેલ થકી રોડ બાંધકામ થાય છે. કંપનીઓનાં નાણાં ફસાયાં છે. ખુદ પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ ડિસેમ્બરમાં નાગપુર ખાતે એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે ૮૯,૦૦૦ કરોડ રૂપિયાની રકમ આ ક્ષેત્રમાં ફ્સાઈ છે અને તેના કારણે રોકાણ ધીમું પડી ગયું છે.
રોડ બાંધકામની સ્થિતિ એટલે કથળેલી છે કે અનેક લિસ્ટેડ અને નાના રોડ કૉન્ટ્રૅકટરના પૈસા ફસાયા છે. લગભગ ૮૫,૦૦૦ કરોડ રૂપિયાના કેસ વિવિધ કોર્ટ કે લવાદ ફોરમમાં ચાલી રહ્યા છે. કંપનીઓ પાસે વ્યાજ ચૂકવવાના અને હપ્તા ભરવાના પૈસા પણ રહ્યા નથી.
છેલ્લાં દોઢ વર્ષની રોડ અને ઇન્ફ્રા ક્ષેત્રે બૅન્કો અને નાણાં સંસ્થાઓ લોન આપી રહી નથી. કેન્દ્ર અને રાજ્ય સરકાર રોડ માટે પ્રોજેક્ટને મંજૂરી આપે છે, ટેન્ડર ઇશ્યુ થઈ જાય છે, પણ જમીન સંપાદન બાકી હોય છે, કોઈ જગ્યાઓ ઉપર વન ખાતાની વૃક્ષો કાપવા માટેની પરવાનગી બાકી હોય છે એટલે કામ અટકી પડે છે. કૉન્ટ્રૅકટરના નાણાં ફસાઈ જાય છે અને પછી બૅન્ક ઉઘરાણી કરે છે.
ક્રેડિટ રેટિંગ એજન્સી ઇકરાના અહેવાલ અનુસાર વર્ષ ૨૦૧૩ દેશમાં જમીન સંપાદનની સરેરશ કિંમત ૯ કરોડ રૂપિયા પ્રતિ હેક્ટર હતી જે અત્યારે ૨૫ કરોડ પહોંચી ગઈ છે. આટલી જમીન મોંઘી હોવાથી રોડ બાંધકામ ખર્ચ ઊંચો આવે છે.
વડા પ્રધાન કાર્યાલય તરફથી નૅશનલ હાઇવે ઑથોરિટીને તા.૧૭ ઑગસ્ટ, ૨૦૧૯ના પત્ર લખવામાં આવ્યો હતો. આ પત્ર અનુસાર ‘નૅશનલ હાઇવે ઑથોરિટીએ આયોજન વગર જ રોડ નેટવર્કનું વિસ્તરણ ર્ક્યું છે. જમીનની કિંમત કરતાં વધારે રકમ ઑથોરિટી ચૂકવી રહી છે, બાંધકામ ખર્ચ વધી ગયો છે અને તેનાથી રોડ ઇન્ફ્રા ક્ષેત્રે નાણાકીય રીતે નુકસાનીનો બિઝનેસ બન્યો છે.’ હવે જ્યારે ખુદ સરકાર જ આવું આકલન કરતી હોય ત્યારે કોણ આમાં રોકાણ કરશે? અહીં નોંધવું જરૂરી છે કે હાઇવે ઑથોરિટી ઉપર અત્યારે ૧.૮૦ લાખ કરોડ રૂપિયાનું દેવું છે. તે વર્ષે ૧૦,૦૦૦ કરોડ રૂપિયા ટોલ ટૅક્સ તરીકે એકત્ર કરે છે અને ૧૪,૦૦૦ કરોડ રૂપિયાનું લોન ઉપર વ્યાજ ચૂકવે છે.
ઉત્તરાર્ધ
આ બધાની વચ્ચે આ નૅશનલ ઇન્ફ્રાસ્ટ્રકચર પાઇપલાઇન એવું રૂપકડું નામ ધરાવતા આ પ્રોજેક્ટની એક અન્ય ચીજ પણ સમજવી જોઈએ. આ માત્ર એક લીસ્ટ છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર કેવો રોડ બનાવશે, ક્યાં વીજળીની લાઈન કે વીજ પ્લાન્ટ નાખશે તેની ચાલી રહેલી યોજનાઓનું લીસ્ટ. આ એક માત્ર મૅમોરેન્ડમ ઔર અન્ડરસ્ટેન્ડિંગ (સમજૂતી કરાર) કે લેટર ઑફ ઇન્ટેનશન (ઇરાદા પત્ર) છે. જેમાં દરેક રાજ્ય સરકાર, રાજ્ય સરકાર હેઠળની સ્વાયત્ત સંસ્થાઓ પાસેથી પોતે શું યોજના ઘડી છે અને શું યોજના ઘડશે તેની માત્ર યાદી. રોડ ક્યારે બનશે કે હૉસ્પિટલ ક્યારે નિર્માણ પામશે તેની વિગત નથી. એના માટેની પારાશીશી અલગ હોય છે, જેની વિગતો ટુકડે-ટુકડે મળશે.
દરેક ક્ષેત્રમાં કેટલું મૂડીરોકાણ આવશે અને તેના જોખમો અલગ અલગ છે. ભારત એક એવો દેશ છે કે જ્યાં વસતિની માગ સામે પુરવઠો હંમેશાં અપૂરતો જ રહેવાનો. સરકારી હસ્તક્ષેપ, જમીનનું સંપાદન, કાયદાની ગૂંચવણ, સરકારની ટૅક્સ વધુ એકત્ર કરવાની ઘેલછા, નાણાં સંસ્થાઓના ઊંચા વ્યાજ અને લોનનું જોખમ સમજવાની નિષ્ફળતા જેવાં અનેક પરિબળો કોઈ એક અદ્ભુત લાગતી યોજનાને સંપૂર્ણ અર્થહીન બનાવી શકે છે. આ બધાની વચ્ચે ભ્રષ્ટાચારનું એક ડાયનેમિક પરિબળ કે જેનો કોઈ ઉકેલ દેશને સાત દાયકાથી નથી મળી રહ્યો. દેશની પ્રજા સારો રોડ, લાઈટ, પાણી, આરોગ્યની સેવા માટે ઝંખના રાખે જ, રાખવી જ જોઈએ. એ એનો મૂળભૂત અધિકાર છે, પણ...

કેટલા ઇન્ફ્રા પ્રોજેક્ટ કયા તબક્કામાં?
પ્રોજેક્ટનો તબક્કોટકાવારી
વિચારણા હેઠળ ૩૧
અમલમાં હોય તેવા૪૨
વર્ગીકરણ નથી તેવા૮
વિકાસના તબક્કામાં૧૯
(સ્રોત: ટાસ્ક ફોર્સ રિપોર્ટ)

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK