મોદી સરકારની રચના બાદ બિઝનેસ કૉન્ફિડન્સ નવી ઊંચાઈએ

Published: 8th October, 2014 05:13 IST

પોતાની કામગીરી માટે કંપનીઓ આશાવાદી


કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકારની રચના બાદ દેશના અર્થતંત્રમાં ભારતીય કંપનીઓનો વિશ્વાસ વધી ગયો છે. કૉન્ફેડરેશન ઑફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (CII) અને ફિક્કી જેવાં રાષ્ટ્રીય સ્તરનાં બિઝનેસ-ઉદ્યોગ સંગઠનો દ્વારા કરવામાં આવેલા સર્વેમાં આ તારણ નીકળ્યું છે. આ બન્ને સંસ્થાઓએ ૧૫૦ કંપનીઓનો સર્વે કર્યો હતો. કંપનીઓ પોતાની કામગીરીને લઈને વધુ આશાવાદી હોવાનું CIIના સર્વેમાં જણાયું છે, જ્યારે ફિક્કીના સર્વેમાં આશાવાદમાં સાધારણ સુધારો થયો હોવાનું જણાયું છે.

CII દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેમાં વર્તમાન નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં બિઝનેસ કૉન્ફિડેન્સ ઇન્ડેકસ (BSI) ૫૭.૪૦ સાથે ત્રણ વર્ષની ઊચી સપાટીએ રહ્યો હતો, જે આગલા ત્રિમાસિક ગાળામાં ૫૩.૭૦ હતો. ૨૦૧૩-’૧૪ના બીજા ત્રિમાસિક ગાળામાં BSI ૪૫.૭૦ સાથે ઑલ ટાઇમ લો હતો. આ અગાઉ ૨૦૧૧-’૧૨ના પ્રથમ ત્રિમાસિકમાં ૬૨.૫૦ સાથે BSI સૌથી ઊંચો હતો. ૫૦ પૉઇન્ટથી ઉપરના BSIને હકારાત્મક માનવામાં આવે છે.

ફિક્કીએ વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળાનો સર્વે કર્યો હતો જેમાં BSI ૭૨.૭૦ પૉઇન્ટ સાથે પોણાચાર વર્ષની ઊંચી સપાટીએ હતો જે ગયા નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં ૪૯ પૉઇન્ટ હતો. CII દ્વારા હાથ ધરવામાં આવેલા બીજા ત્રિમાસિક ગાળાના સર્વેમાં મોદી સરકારની રચના બાદનું ઉદ્યોગોનું પ્રતિબિંબ જોવા મળ્યું છે, જ્યારે ફિક્કીના પ્રથમ ત્રિમાસિક ગાળાના સર્વેમાં નવી સરકારનું આંશિક પ્રતિબિંબ જોવા મળ્યું હતું. કેન્દ્રમાં નવી સરકારની રચના મે મહિનાના અંતે થઈ હતી.

ફીલ ગુડ ફૅક્ટરને પુનર્જી‍વિત કરવા સાથે વિકાસને વેગ આપવાની નવી સરકારની નીતિથી ઉદ્યોગોનો વિશ્વાસ વધ્યો હોવાનું CII એ જણાવ્યું છે. વિવિધ ક્ષેત્રોની કંપનીઓને આ સર્વેમાં આવરી લેવાઈ હતી. ઉદ્યોગોની ઉત્પાદનક્ષમતા વધારવા પ્રયાસ થવા જોઈએ એમ ફિક્કીએ હાથ ધરેલા સર્વેમાં ભાગ લેનારા લોકોએ મત વ્યક્ત કર્યો હતો. ૯૩ ટકા સહભાગીઓએ આગામી છ મહિનામાં આર્થિક સ્થિતિ સારી રહેશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હોવાનું ફિક્કીનાં સૂત્રોએ જણાવ્યું હતું.Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK