9 સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યા બાદ વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં ઘટાડો

Published: Jun 05, 2019, 12:34 IST

અમેરિકન શૅરબજાર ત્રણ મહિનાની નીચી સપાટીએ પહોંચ્યા પછી ફેડરલ રિઝર્વ વ્યાજદર ઘટાડશે એવી હવા વચ્ચે આજે સ્થિર થઈ રહ્યાં છે. સ્ટોક માર્કેટની મજબૂતી વચ્ચે સલામત રોકાણ ગણાતા સોનાના ભાવ હવે તાત્કાલિક વધી શકે નહીં એવું લાગી રહ્યું છે.

વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં ઘટાડો
વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં ઘટાડો

સોનાના ભાવ સોમવારે ૧૩૩૪.૧૦ ડૉલર પ્રતિ ઔંસ થયા પછી આજે થોડો વિરામ લઈ રહ્યા છે. ઑગસ્ટ ગોલ્ડ વાયદો અમેરિકામાં ૧.૧૦ ડૉલર ઘટી ૧૩૨૭ ઉપર ચાલી રહ્યો છે જ્યારે કોમેકસ ઉપર જુલાઈ ચાંદી વાયદો ૦.૦૬ ડૉલર ઘટી ૧૪.૬૮ ઉપર છે. વૈશ્વિક બજારમાં હાજર સોનું દિવસની ઊંચી સપાટી ૧૩૨૯ ડૉલર થઇ અત્યારે ૧૩૨૧.૬૦ ડૉલર છે.

સોમવારે અમેરિકન શૅરબજાર ત્રણ મહિનાની નીચી સપાટીએ પહોંચ્યા પછી ફેડરલ રિઝર્વ વ્યાજદર ઘટાડશે એવી હવા વચ્ચે આજે સ્થિર થઈ રહ્યાં છે. યુરોપમાં પણ શૅરબજાર મજબૂત છે. સ્ટોક માર્કેટની મજબૂતી વચ્ચે સલામત રોકાણ ગણાતા સોનાના ભાવ હવે તાત્કાલિક વધી શકે નહીં એવું લાગી રહ્યું છે.

ત્રણ વર્ષ પછી ઑસ્ટ્રેલિયાની સરકારે વ્યાજનો દર ૦.૨૫ ઘટાડ્યો છે અને તે વિક્રમી ૧.૨૫ ટકાની સપાટી ઉપર છે. આર્થિક વિકાસ દર ઘટી રહ્યો હોવાથી ભારતીય રિઝર્વ બૅન્ક પણ વ્યાજનો દર ઘટાડશે એવી માન્યતા છે. બીજી તરફ ચીન સાથે અમેરિકાના ટ્રેડ વૉરના કારણે અમેરિકન અર્થતંત્ર પણ ધીમું પડી રહ્યું છે. આ ગતિ અટકાવવા ફેડરલ રિઝર્વ પણ વ્યાજનો દર ઘટાડે એવી વાત થઇ રહી છે.

ડૉલર ત્રણ સપ્તાહની નીચી સપાટીએ

અમેરિકન ડૉલર આજે ત્રણ સપ્તાહની નીચી સપાટીએ પહોંચી ગયો છે. અમેરિકામાં ૧૦ વર્ષના બૉન્ડ ૨ ટકા નજીક પહોંચી ગયા છે અને સેન્ટ લુઈના ફેડરલ રિઝર્વ અધ્યક્ષ જેમ્સ બુલારડે નિવેદન આપ્યું છે કે વૈશ્વિક ટ્રેડ વૉરના કારણે તેમ જ અમેરિકામાં ફુગાવો અને અન્ય આર્થિક સંકેતો જોતા ફેડરલ રિઝર્વ વ્યાજના દર ઘટાડી શકે છે. આ વાતો વચ્ચે જપાનીઝ યેન ચાર મહિનાની ઊંચી સપાટી ૧૦૮ ઉપર પહોંચી ગયો છે જ્યારે ડૉલર ઇન્ડેક્સ ૯૭.૦૬૭ની સપાટી ઉપર છે જે ત્રણ મહિનાની નીચી સપાટી છે.

હળવા વ્યાજદરની ચિંતા

આર્થિક વિકાસ દર ઘટી રહ્યો હોય ત્યારે વ્યાજદર ઘટે એ સ્ટોક માર્કેટ માટે સારા સમાચાર છે કારણ કે તેનાથી નાણાપ્રવાહિતા વધે છે. બીજી તરફ બૉન્ડના યીલ્ડ પણ ઘટી રહ્યા હોય તે સોના માટે સારા સમાચાર છે. આ સ્થિતિમાં વ્યાજદર જો ઘટે તો સોનું વર્તમાન સપાટીએ ટકી રહે છે કે કેમ તે કળવું અત્યારે કપરું છે. બજારમાં સોનાની તેજી અને મંદી માટે અત્યારે પૂરતા પરિબળો છે. એક તરફ ટ્રેડ વોરના કારણે જોખમ છે અને બીજી બાજુ હળવા વ્યાજદર (જો વ્યાજના દર ઘટે તો)ની સ્થિતિ છે. અત્યારે પાંચ દિવસથી સતત વધી રહેલું સોનું થોડો શ્વાસ લઇ ઘટ્યુ છે.

સૌથી મોટા ઇટીએફની ખરીદી વધી

વિશ્વમાં સૌથી મોટા સોનાના એકસચેન્જ ટ્રેડેડ ફંડની ખરીદીમાં ત્રણ વર્ષનો સૌથી મોટો ઉછાળો જોવા મYયો છે. એસપીડીઆર ગોલ્ડ ટ્રસ્ટનું સોનાનું કુલ હોલ્ડિંગ સોમવારે ૨.૨ ટકા વધ્યું છે જે એક દિવસમાં જુલાઈ ૨૦૧૬ પછીનો સૌથી મોટો ઉછાળો છે. શુક્રવારે એસપીડીઆર ગોલ્ડ ટ્રસ્ટનું હોલ્ડીંગ ૭૪૩.૨૧ ટન હતું જે ૧૬ ટન વધી ૭૪૫૯.૬૫ ટન થયું છે.

હાજર સોનાના ભાવ ત્રણ દિવસમાં ૫૦ ડૉલર પ્રતિ ઔંસ વધી ગયા છે, આમ છતાં ભાવ ફેબ્રુઆરીની ૧૩૪૬ ડૉલર પ્રતિ ઔંસની સપાટી કરતાં નીચે છે. એશિયાઇ બજારમાં સ્પોટ ગોલ્ડના ભાવ ૧૩૨૩ ડૉલર હતા. શૅરબજારમાં જોવા મળેલી વેચવાલીના કારણે અત્યારે સોનાના ઇટીએફમાં રોકાણ થઇ રહ્યું છે. અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વૉર, મેક્સિકો ઉપર પાંચ ટકા ડ્યૂટી લાગવાના ટ્રમ્પના નર્ણિય બાદ લોકો શૅરબજારનું જોખમ છોડી સલામત રોકાણ ગણાતા બોન્ડ અને સોના તરફ વળી રહ્યા છે.

૨૦૧૮-૧૯માં રિઝર્વ બૅન્કે ૫૨.૩ ટન સોનું ખરીદ્યું

નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ દરમિયાન રિઝવર્‍ બૅન્ક ઓફ ઇન્ડિયાએ ૫૨.૩ ટન સોનું ખરીદતા વિશ્વની સૌથી વધુ સોનું ધરાવતી સેન્ટ્રલ બૅન્કમાં ૧૦માં ક્રમે આવી ગઈ છે. રિઝર્વ બૅન્કે એકલા માર્ચ મહિનામાં ૩.૭ ટન સોનું ખરીદ્યું હતું.  નવેમ્બર ૨૦૦૯માં ૨૦૦ ટન સોનું આઈએમએફ પાસેથી ખરીદ્યાં પછી ભારતે આ વર્ષે પ્રથમ વખત ચળકતી ધાતુની ખરીદી કરી છે. રિઝર્વ બૅન્ક પાસે દેશની કુલ વિદેશી હૂંડિયામણની અનામતમાં હવે સોનાનો હિસ્સો ૬.૧ ટકા થયો છે. ભારત ઉપરાંત રશિયા, ચીન અને તુર્કીની સેન્ટ્રલ બૅન્ક દ્વારા પણ આ વર્ષે સોનાની ખરીદી કરવામાં આવી છે.

સોનું સૌથી મોંઘી ધાતુ બની

બુલિયન ટ્રેડિંગમાં સોનું, ચાંદી, પ્લેટિનમ અને પેલેડિયમની બજારમાં સોનાએ ફરી એક વખત પોતાનો સૌથી મોંઘી ધાતુનો તાજ મેળવી લીધો છે. સોનાના ભાવ આજે ૧૩૩૨.૩૦ ડૉલર થયા ત્યારે પેલેડિયમ ઘટીને ૧૩૨૦ ડૉલર હતું. આ સાથે સોનાના ભાવ સૌથી મોંઘી ધાતુ તરીકે ફરી પ્રસ્થાપિત થઇ ગયા છે. સોનું અત્યારે વર્ષ ૨૦૧૯ની ઊંચી સપાટી ૧૩૫૦ ડૉલર પ્રતિ ઔંસ તરફ આગળ વધી રહ્યા છે.

ભારતમાં પણ સોનું વધ્યું

એમસીએક્સ ઉપર સોનાના વાયદામાં ૧૧૪નો વધારો જોવા મYયો હતો  જ્યારે ચાંદી ૮૬ ઘટી હતી. એમસીએક્સ સોનું જૂન વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૨,૩૭૪ ખૂલી, ઉપરમાં રૂ. ૩૨,૫૯૬ અને નીચામાં રૂ. ૩૨,૨૯૯ના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે રૂ. ૧૧૪ વધીને રૂ. ૩૨,૫૧૮ બંધ રહ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ. ૩૬,૫૭૨ ખૂલી, ઉપરમાં  રૂ. ૩૬,૮૬૦ અને નીચામાં  રૂ. ૩૬,૫૫૦ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે  રૂ. ૮૬ ઘટીને  રૂ. ૩૬,૬૨૭ બંધ રહ્યો હતો. ચાંદી-મિનિ જૂન  રૂ. ૭૧ ઘટીને  રૂ. ૩૬,૬૬૧ અને ચાંદી-માઈક્રો જૂન  રૂ. ૭૬ ઘટીને  રૂ. ૩૬,૬૬૦ બંધ રહ્યા હતા. મુંબઈ ખાતે હાજર બજારમાં સોનું સોમવારના  રૂ. ૩૨,૩૨૧ સામે  રૂ. ૨૨૩ વધીને  રૂ. ૩૨,૫૪૪ બંધ આવ્યું હતું જ્યારે ચાંદીમાં સામાન્ય  રૂ. ૪૩નો વધારો જોવા મળ્યો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK