રોજ ડૂબી જાય છે 171 કરોડ રૂપિયાની લોન: રિપોર્ટ

Published: Jun 25, 2019, 07:13 IST | મુંબઈ

બૅન્કિંગ સેક્ટરમાં લોલંલોલ : દરરોજ બે ડિફૉલ્ટર જાહેર થાય છે ને...

બૅન્કિંગ સેક્ટરમાં લોલંલોલ
બૅન્કિંગ સેક્ટરમાં લોલંલોલ

ભારત સરકાર અને રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (આરબીઆઇ) દેશની પ્રજાને વારંવાર જણાવી રહી છે કે સરકારની માલિકીની જાહેર ક્ષેત્રોની બૅન્કોની હાલત સ્થિર છે, સુધરી રહી છે, પરંતુ જે પ્રકારની વિગતો બહાર આવી રહી છે એ જણાવે છે કે બૅન્કોની હાલત કફોડી છે.

એક, ૧૦ વર્ષમાં દેશની સરકારી બૅન્કોએ કુલ ૬,૨૪,૭૭૯ કરોડ રૂપિયાની લોનની રકમ માંડવાળ કરી છે એટલે રોજના ૧૭૧ કરોડ રૂપિયાની રકમની માંડવાળ ભારતમાં થાય છે. માંડવાળ એટલે કે હવે આ લોન પાછી નહીં આવે એમ માની લેવું. આમ તો લગભગ ૨૦૦ લાખ કરોડ રૂપિયાના ભારતીય અર્થતંત્રમાં આ રકમ બહુ મોટી ન ગણાય, પણ પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો છેલ્લાં ૧૦ વર્ષમાં ભારતની ટૅક્સ સિવાયની કરની આવક માત્ર ૫૪,૦૪૫ કરોડ રૂપિયા વધી છે.  

બીજું, બૅન્કિંગ ક્ષેત્રમાં કોઈ એક વ્યક્તિ, કંપની કે પેઢી પોતે લીધેલી લોન ભરપાઈ નહીં કરે તો એને કારણે અન્યને પણ સહન કરવાનો વારો આવે છે. દેશમાં જાણીજોઈને લોન પાછી નહીં કરી શકતા લોકોની સંખ્યા ત્રણ વર્ષમાં ૩,૨૩૩ જેટલી વધી અને ૨૦૧૮-’૧૯ના અંતે ૮,૫૮૨ થઈ છે. એટલે કે દરરોજ બે વ્યક્તિ વિલફુલ ડિફૉલ્ટર જાહેર થયા છે.

લોકસભામાં સોમવારે એક સવાલના જવાબમાં નાણાપ્રધાને ચોંકાવનારી વિગતો જાહેર કરી છે. આ વિગત અનુસાર છેલ્લાં ૧૦ નાણાકીય વર્ષમાં બૅન્કોએ આપેલી લોન પાછી ભરપાઈ નહીં થાય તો માંડવાળ કરવી પડે છે અને આ માંડવાળનું પ્રમાણ છેલ્લાં ૧૦ વર્ષમાં ૧૮ ગણું વધ્યું છે. ૨૦૦૯-’૧૦માં બૅન્કોએ કુલ ૧૧,૧૮૯ કરોડ રૂપિયાની લોનની માંડવાળ કરી હતી અને ૨૦૧૮-’૧૯માં એ વધીને ૧,૯૯,૮૪૯ કરોડ રૂપિયા સુધી પહોંચ્યું છે. આ આંકડાઓમાં માત્ર જાહેર ક્ષેત્રની બૅન્કોની વિગત જ આપવામાં આવી છે અને પ્રાઇવેટ બૅન્કોએ કરેલી માંડવાળનો એમાં સમાવેશ નથી.

હજી વધારે વિગતવાર જોઈએ તો ૨૦૧૮-’૧૯ દરમ્યાન સરકારી બૅન્કોએ કુલ ૧,૯૯,૮૪૯ કરોડ રૂપિયાની રકમની લોન માંડવાળ કરી છે અને સામે છેલ્લાં બે વર્ષમાં નાદારીના કાયદામાં ચાલતા કેસમાં કુલ વસૂલાત ૧,૯૪,૫૦૦ કરોડ રૂપિયાની થઈ છે. એટલે કે બૅન્કોએ જે વસૂલાત કરી એના કરતાં વધારે રકમની માંડવાળ કરવાની ફરજ પડી છે. અહીં નોધવું જોઈએ કે વસૂલાતનો આંકડો પૂરો નથી, માત્ર નાદારીના કાયદા હેઠળ થયેલી વસૂલાતનો જ છે.

લોકસભામાં રજૂ થયેલા જવાબ અનુસાર સૌથી મોટી માંડવાળ કરવામાં દેશની સૌથી મોટી સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા અગ્રણી છે. ૨૦૦૯-’૧૦માં કુલ માંડવાળમાં પાંચમો હિસ્સો (એટલે કે ૨૦ ટકા) સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાનો હતો, જે હવે ૨૦૧૮-’૧૯માં વધીને ત્રીજા ભાગની લોન (એટલે કે ૩૦ ટકા રકમ) થઈ છે. એટલું ચોક્કસ છે કે ૨૦૧૪-’૧૫માં લગભગ અડધો હિસ્સો સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાનો હતો જે હવે ઘટી રહ્યો છે.

આ પણ વાંચો : હવે BSNLનો વારો, 1.7 લાખ કર્મચારીઓને નહીં મળે પગાર

વિલફુલ ડિફૉલ્ટરની સંખ્યા વધી

અન્ય એક સવાલના જવાબમાં નાણામંત્રાયલે જણાવ્યું હતું કે ‘દેશમાં વિલફુલ ડિફૉલ્ટરની સંખ્યા વધી રહી છે. આ એવા લોકો છે જે બૅન્કની દૃષ્ટિએ પોતાની પાસે લોન પાછી કરવાની ક્ષમતા હોવા છતાં જાણીજોઈને બૅન્કોને નાણાં પાછાં કરતા નથી. લોકસભામાં રજૂ થયેલા આંકડા અનુસાર દેશમાં ૨૦૧૪-’૧૫માં કુલ ૫૩૪૯ આ પ્રકારના ડિફૉલ્ટર હતા જે ૨૦૧૮-’૧૯માં વધીને ૮૫૮૨ થયા છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK