સરકારી રાહતનું નવું પૅકેજ કોરોનાની અનિશ્ચિતતા દૂર થાય તે પછી કે પહેલાં?

Published: 27th July, 2020 11:10 IST | Jitendra Sanghavi | Mumbai Desk

અનેક ક્ષેત્રોના નબળા દેખાવ વચ્ચે સારું ચોમાસું અને કૃષિક્ષેત્ર બન્યાં આશાનું કિરણ

નિર્મલા સીતારમણ (ફાઇલ ફોટો)
નિર્મલા સીતારમણ (ફાઇલ ફોટો)

નાણાં મંત્રાલયના એક અહેવાલ પ્રમાણે એપ્રિલ-જૂન ક્વૉર્ટરના આંકડાઓ એવો નિર્દેશ કરે છે કે અર્થતંત્રની ગાડી ધારણા કરતાં વહેલી પાટા પર ચઢવાની શકયતાઓ વધતી જાય છે. એટલું જ નહીં આર્થિક વિકાસના ઘટાડાનો દર પણ ફિસ્કલ ૨૧માં અનેક જુદાજુદા અંદાજો વચ્ચે ઓછો રહેશે.
સ્વાભાવિક રીતે જ તેનો બધો આધાર કોરોનાની મહામારી કેવી ઉગ્ર બને છે કે કેવી હળવી અને કઈ ઝડપે તેના પર રહેશે એમાં બેમત ન હોઈ શકે.
સરકારી આંકડાઓ પ્રમાણે ફિસ્કલ ૨૧ના પ્રથમ ક્વૉર્ટર (એપ્રિલ-જૂન)માં જીએસટીની આવક સરેરાશના ૭૦ ટકા જેટલી તો સીધા કરવેરાની આવક ગયા વરસના ૮૦ ટકા જેટલી થઈ છે. પેટ્રોલ અને ડીઝલના ભાવવધારાને કારણે સરકારની એક્સાઇઝ આવક પણ સારી એવી વધી છે.
સરકાર ઈ-વે બિલ, વીજળીના વપરાશના આંકડા તથા ઔદ્યોગિક ઉત્પાદનના આંકડાઓ પર સતત નજર રાખી રહી છે.
મહામારીના સંદર્ભમાં ૨૦૨૦-૨૧ના અંદાજપત્રના લક્ષ્યાંકને આંબી શકાશે નહીં, પણ આ તબક્કે ફિસ્કલ ડેફિસિટના મોનેટાઇઝેશન (સરકારના વધેલા ખર્ચને પહોંચી વળવા રિઝર્વ બૅન્ક નવી ચલણી નોટો છાપે) નો પ્રશ્ન ઊભો થતો નથી તેવી વાત નાણાં મંત્રાલયના આર્થિક બાબતોના સચિવ તરુણ બજાજે કરી છે.
સરકાર માળખાકીય સુધારાઓ પર તથા માળખાકીય સવલતો (ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટસ) પર ધ્યાન કેન્દ્રિત કરશે. તે માટે કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે જાહેર ક્ષેત્રના એકમોને તેમના મૂડીરોકાણના લક્ષ્યાંકો પૂરા કરવાની સૂચના આપી છે. તે મુજબ જાહેર ક્ષેત્રના એકમો ચાલુ વરસે બે-ત્રણ લાખ કરોડ રૂપિયાનું મૂડીરોકાણ કરે તેવો અંદાજ છે.
સરકારે અટકી પડેલા અફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેકટસ માટે એક ખાસ વિન્ડો દ્વારા ૮૮૦૦ કરોડ રૂપિયાની મદદ પૂરી પાડી છે જેનો લાભ ૮૧ પ્રોજેક્ટને મળશે જે દ્વારા દેશભરમાં ૬૦,૦૦૦ ઘર ઊભાં થશે.
એપ્રિલ-જૂન ક્વૉર્ટરના આઇટી કંપનીઓનાં પરિણામો ધારણા કરતાં સારાં આવ્યાં છે. જોકે આ તો હજી શરૂઆત છે, જેમ જેમ જુદા જુદા ક્ષેત્રોની વધારે ને વધારે કંપનીઓનાં પરિણામો જાહેર થતાં જશે તેમ તેમ આર્થિક રિકવરીની ઝડપનો ખ્યાલ આવતો જશે.
એ બધી અનિશ્ચિતતાઓ વચ્ચે પીઢ અને અનુભવી ઉદ્યોગપતિ રતન તાતાએ કંપનીઓને એવી સલાહ આપી છે કે આ મુશ્કેલીના સમયે તેમણે માત્ર શૅરહોલ્ડરોનાં હિતનો જ નહીં પણ તેમના કારીગરો અને અન્ય સ્ટાફનાં હિતો સાથે બધા જ સ્ટેકહોલ્ડરો (સપ્લાયર્સ, વેન્ડર્સ અને વપરાશકારો)નાં હિતનો ખ્યાલ રાખવો પડશે. કારીગરોને છૂટા કરી દેવાથી તમારા પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે.
કંપનીઓના એપ્રિલ-જૂન ક્વૉર્ટરના ઓવરઓલ નફામાં ૪૦ ટકાનો અને રેવન્યુમાં ૬૦ ટકા સુધીનો ઘટાડો અપેક્ષિત છે. બૅન્કો અને નાણાકીય સંસ્થાઓને આ સમૂહમાંથી બાકાત કરીએ તો કૉર્પોરેટ ક્ષેત્રનો દેખાવ વધારે ખરાબ થઈ શકે. ટેલિકૉમ કંપનીઓનો દેખાવ (નફો) સારો રહેવાની ધારણા છે. જ્યારે હોટેલ, ટૂરિઝમ, કન્સ્ટ્રકશન મટિરિયલ અને ઑટોમોબાઇલ કંપનીઓનો દેખાવ નબળો હોઈ શકે.
અન્ય ક્ષેત્રોના વિકાસનો દર નબળો રહી શકવાની સંભાવના વચ્ચે ચાલુ વરસે કૃષિક્ષેત્રનો વિકાસદર સારો રહેવાની ગણતરી છે. દેશના મોટા ભાગનાં રાજ્યોમાં ચોમાસાની સારી પ્રગતિને કારણે જુદાજુદા પાકના વાવેતર હેઠળના વિસ્તારમાં સતત વધારો થઈ રહ્યો છે. જુલાઈ ૧૭ સુધી વાવણી કરાયેલા વિસ્તારમાં ૨૧ ટકાનો વધારો થયો છે (૬૯૨ લાખ હેક્ટર ગયા વરસના ૫૭૧ લાખ હેક્ટરની સરખામણીએ).
જૂન મહિને ટ્રેકટરનું ઉત્પાદન અને વેચાણ વધ્યાં છે, પણ એપ્રિલથી જૂન સુધીના ત્રણ મહિના માટે ટ્રેકટરનાં વેચાણમાં ૧૪ ટકાનો ઘટાડો થયો છે. એપ્રિલથી જૂનનાં વેચાણનો છેલ્લા ચાર વરસનો આ પહેલો ઘટાડો છે અને તે સાથે આ સમયનું સૌથી નીચું વેચાણ છે. જુલાઈથી સપ્ટેમ્બર સુધીમાં જૂન મહિનામાં થયેલ વધારાની જેમ ચાલુ રહે તો કૃષિક્ષેત્રના સારા દેખાવ વિષે અને ગ્રામ્ય વિસ્તારનું અર્થતંત્ર રિકવરી ભણી છે તેમ કહી શકાય.
કૃષિક્ષેત્રના સારા દેખાવની વાત કરીએ ત્યારે તે ક્ષેત્રની એક મર્યાદા ધ્યાનમાં રહેવી જોઈએ. ફોરેસ્ટ્રી અને ફીશિંગ સાથે કૃષિક્ષેત્રનો ફાળો રાષ્ટ્રીય આવકના ૨૦૧૯-૨૦માં માત્ર ૧૩ ટકાનો છે. અર્થતંત્ર વિકસિત થતું જાય તેમ કૃષિક્ષેત્રનો રાષ્ટ્રીય આવકમાં ઘટતો જતો હિસ્સો આવકાર્ય છે, પણ મહામારીના આ વરસે અર્થતંત્રને સુધારવાની જવાબદારી કૃષિક્ષેત્ર પર આવે ત્યારે તેના નાના ફાળાને કારણે સમગ્ર અર્થતંત્રને ઉપર ઉઠાવવામાં પણ તે મર્યાદિત ભાગ ભજવી શકે. રાષ્ટ્રીય આવકમાં કૃષિક્ષેત્રનો ફાળો નાનો છે જ્યારે ગામડાઓના કુલ વર્કફોર્સના લગભગ ૫૯ ટકા લોકો તેમાં રોકાયેલા છે એટલે આ ક્ષેત્રમાં રોકાયેલ વર્કફોર્સની માથાદીઠ આવક વધારવી એ એક મોટો પડકાર આપણી સામે છે. લાંબા ગાળે કૃષિક્ષેત્રની ઉત્પાદકતા વધારવાનો એક જ સૌથી અસરકારક ઉપાય છે - આ ક્ષેત્રમાં કામ કરતા વર્કફોર્સને ઉત્પાદનના અન્ય ક્ષેત્રોમાં નોકરીઓ પૂરી પાડવાનો.
આ તબક્કે સરકાર નવું રાહત પૅકેજ જાહેર કરે અને સરકારી ખર્ચ વધારી માગમાં વધારો કરવાનો પ્રયાસ કરે તેવી શક્યતા નહીંવત છે. જ્યાં સુધી આ મહામારીના ફેલાવા વિષે અનિશ્ચિતતા પ્રવર્તે છે ત્યાં સુધી સરકાર જુદી જુદી રાહતો દ્વારા નાગરિકોના ખિસ્સામાં રૂપિયા મૂકે અને આવક વધારે તો પણ લોકો તે રૂપિયા ખર્ચવાને બદલે બૅન્કમાં મૂકીને બચાવવાનું પસંદ કરશે એવો સરકારના મુખ્ય આર્થિક સલાહકાર કૃષ્ણમૂર્તિ સુબ્રહ્મણ્યનનો મત છે.
કોવિડ-19ની વેક્સિન થોડા મહિનાઓમાં શોધાઈ જાય અને મહામારી કાબૂમાં આવવા વિષેની સ્થિતિ સર્જાય તે પછી જ લોકો તેમની પાસેના રૂપિયા ખર્ચીને જેના વિના ચલાવી શકાય તેમ હોય તેવી ચીજવસ્તુઓ પર ખર્ચ કરીને અસરકારક માગમાં વધારો કરવાનું પસંદ કરશે.
જ્યાં સુધી બૅન્કોની નોન પર્ફોર્મિંગ એસેટ (એનપીએ)ની સમસ્યાનું આંશિકપણે નિરાકરણ ન આવે અને બૅન્કોની નાણાકીય તંદુરસ્તી સુધરે નહીં ત્યાં સુધી બૅન્કોના ધિરાણ દ્વારા અર્થતંત્રમાં મૂડીરોકાણ વધારવાનું મુશ્કેલ છે.
આંકડાઓ આ વાતની સાક્ષી પૂરે છે. મહામારીના ફેલાવાની અનિશ્ચિતતા, એપ્રિલ-મેના દેશવ્યાપી લૉકડાઉન અને એનપીએની સમસ્યાથી ઘેરાયેલ નાણાકીય સંસ્થાઓને કારણે જૂન ૨૦૨૦ના ક્વૉર્ટરમાં બૅન્કો, એનબીએફસી અને હાઉસિંગ ફાઇનૅન્સ કંપનીઓની ૫૦ કરોડ રૂપિયાથી મોટી લોન મંજૂર કરાનાર કંપનીઓની સંખ્યામાં ૬૭ ટકાનો ઘટાડો થયો છે. એપ્રિલ અને મે કરતાં જૂનમાં ઘણી વધારે કંપનીઓને લોનો આપી છે તે કંપનીઓના મૂડીરોકાણના ખર્ચ માટે નહીં, પણ જાહેર ક્ષેત્રની બૅન્કોએ અને કેટલીક ખાનગી બૅન્કોએ સરકારી ગેરંટીવાળી લોનો મંજૂર કરી તેને કારણે છે.
મહામારીના ફેલાવાને અને શરૂઆતના દેશવ્યાપી લૉકડાઉનને કારણે વતન પરત ગયેલા શ્રમિકો મુંબઈ જેવાં શહેરોમાં પાછા આવી રહ્યા છે. સામાન્ય રીતે ચોમાસાની ઋતુમાં શહેરોમાં અસંગઠિત ક્ષેત્રે કામ કરતાં ઘણા શ્રમિકો ખેતીકામ માટે વતન જતા હોય છે અને ખેતીની સિઝન પૂરી થતાં શહેરોમાં પાછા આવી જતા હોય છે.
મહામારીથી ઘવાયેલ શ્રમિકો અત્યારે શહેરોમાં પાછા ફરે તેટલા માત્રથી શહેરોની પ્રવૃત્તિઓ ફરી કાયમ માટે ધમધમતી થશે એમ માની લેવું સલામત ન પણ ગણાય. મહામારીના મારથી નાસીપાસ થયેલા શ્રમિકોમાંથી કેટલાક ટૂંક સમય પછી કાયમ માટે વતન પાછા ફરવાનું પણ પસંદ કરે. તો તેટલે અંશે શહેરોની આર્થિક પ્રવૃત્તિઓને કાયમનો ધક્કો પણ પહોંચી શકે.
આમ આર્થિક વિકાસની ગાડી પાટે ચડવામાં ઘણાંબધાં પરિબળો જુદી જુદી દિશામાં કામ કરી રહ્યાં છે એની સામૂહિક અસર આપણી આર્થિક ગતિવિધિઓ પર કેવી પડે છે તે તો આવનાર દિવસો જ બતાવશે. દરમ્યાન જેના પર આપણો જરા પણ અંકુશ નથી તે કોરોના વાઇરસની ભવિષ્યની ચિંતા છોડીને વર્તમાનમાં જીવીએ અને પૂરતા પ્રયત્નો કરતા રહીએ...પણ પૂરા આશાવાદ સાથે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK