ક્રૂડ ને રેટ-કટની થીમમાં નિફ્ટી ૮૬૦૦ બોલાયો

Published: 29th November, 2014 06:40 IST

સ્ટૅનચાર્ટને બાદ કરતાં ૪૦ બૅન્ક-શૅર વધીને બંધ : ઑઇલ માર્કેટિંગ, લુબ્રિકન્ટ્સ અને ઍરલાઇન શૅર ઝળક્યાશૅરબજારનું ચલકચલાણું- અનિલ પટેલ

વિશ્વભરમાં બ્રેન્ટ ક્રૂડ બૅરલદીઠ ૭૨ ડૉલરના ચાર વર્ષના નવા તળિયે જવાની સાથે રિઝર્વ બૅન્ક દ્વારા મંગળવારની પૉલિસી મીટિંગમાં રેટ-કટ વિશે વધેલી અપેક્ષાથી શૅરબજાર ગઈ કાલે જોરદાર મૂડમાં જોવા મળ્યું છે. સેન્સેક્સ ઉપરમાં ૨૮,૮૨૨ થઈ છેલ્લે ૨૫૫ પૉઇન્ટની તેજીમાં ૨૮,૬૯૪ નજીક તથા નિફ્ટી ૮૬૧૭ બતાવી ૯૪ પૉઇન્ટની મજબૂતીમાં ૮૫૮૮ બંધ રહ્યો છે. બન્ને આંકની સર્વોચ્ચ સપાટીની સાથે-સાથે બીએસઈનું માર્કેટકૅપ પણ પ્રથમ વાર ૧૦૦ લાખ કરોડ રૂપિયાના ઐતિહાસિક શિખરે પહોંચ્યું હતું. જોકે છેલ્લે માર્કેટકૅપ ૯૯.૮૨ લાખ કરોડ રૂપિયા નજીક બંધમાં દેખાયું છે. ઍની વે, સૌપ્રથમ ૨૦૦૩માં બજારનું માર્કેટકૅપ ૧૦ લાખ કરોડ રૂપિયા થયું હતું. ત્યાંથી ૫૦ લાખ કરોડ રૂપિયાના ફિગરે પહોંચતાં એને છ વર્ષ લાગ્યાં હતાં. હવે પાંચ જ વર્ષમાં બીજા ૫૦ લાખ કરોડ રૂપિયાનું સંપત્તિ-સર્જન થયું છે. સેન્સેક્સના ૩૦માંથી ૧૯ શૅર ગઈ કાલે વધીને બંધ રહ્યા છે. બજારના ૨૪માંથી ૨૧ ઇન્ડાઇસિસ પૉઝિટિવ ઝોનમાં હતા. એસએમઈ-આઇપીઓ ઇન્ડેક્સ નામ કે વાસ્તે નરમ હતો.


૧૯૯ શૅર ઐતિહાસિક શિખરે

ગઈ કાલે બીએસઈ ખાતે ભાવની રીતે ૧૯૯ શૅર એક વર્ષ કે એથી વધુ સમયગાળાની રીતે સર્વોચ્ચ શિખરે ગયા હતા. એમાં સેન્સેક્સમાં એચડીએફસી, એચડીએફસી બૅન્ક, હીરો ર્મોટોકોપ, હિન્દુસ્તાન યુનિલિવર, ઇન્ફોસિસ, ડૉ. રેડ્ડીઝ લૅબ આ છ શૅર સામેલ છે. આ ઉપરાંત અન્ય જાણીતી જાતોમાં ઍબટ, અલ્સ્ટોમ ટીઍન્ડડી, એશિયન પેઇન્ટ્સ, એસ્ટ્રલ પૉલિ, અતુલ ઑટો, બૅન્ક ઑફ બરોડા, ભારત ર્ફોજ, ભારત પેટ્રોલિયમ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ, કૅસ્ટ્રોલ, ટાઇડ વૉટર ઑઇલ, ડાબર ઇન્ડિયા, ડિશ ટીવી, ફાગ બેરિંગ્સ, ફેડરલ બૅન્ક, યસ બૅન્ક, ગૃહ ફાઇનૅન્સ, ઇન્ડસઇન્ડ બૅન્ક, જિંદલ સૉ, જેકે ટાયર, જેટ ઍરવેઝ, એમઆરએફ, મોતીલાલ ઓસવાલ, પીએનબી, રાણે હોલ્ડિંગ્સ, સેટકો ઑટો, પિડિલાઇટ, શ્રી અધિકારી બ્રધર્સ, સનસ્ટાર રિયલ્ટી, શ્રી રામ ટ્રાન્સર્પોટેશન, તાતા કમ્યુનિકેશન્સ, તાતા કેમિકલ્સ, સુંદરમ્ બ્રેક, ઑન મોબાઇલ, ટેક સૉલ્યુશન્સ, જેએસડબ્લ્યુ એનર્જી, સેન્ચુરી પ્લાય, ગલ્ફ ઑઇલ વગેરે સામેલ છે. એન્જલ એન્ટરટેઇનમેન્ટ, દલાલ સ્ટ્રીટ ઇન્વેસ્ટમેન્ટ, ગૉડફ્રે ફિલિપ્સ, ઇમેડડૉટકૉમ, એરા ઇન્ફ્રા, ક્લાસિક ગ્લોબલ, મેક્સ અલર્ટ સિસ્ટમ્સ, પરબ ઇન્ફ્રા, નીતિન ફાયર, એનએચસી ફૂડ્સ, સુલભ એન્જિનિયર્સ, ટીસીએમ, ઝેનટેક, શ્રી હનુમાન શુગર, શ્રી લક્ષ્મી કોટસીન, રસોયા પ્રોટીન્સ, પોલો હોટેલ્સ, પિક્ચર હાઉસ જેવાં ૬૪ કાઉન્ટર્સ ઐતિહાસિક તળિયે ગયાં હતાં.


છ શૅર એનએસઈ એફઍન્ડઓમાં


નૅશનલ સ્ટૉક એક્સચેન્જ ખાતે ફ્યુચર ઍન્ડ ઑપ્શન સેગમેન્ટમાં છ શૅરને ગઈ કાલે પ્રવેશ મળ્યો છે. આ છ શૅરમાં એમટેક ઑટો, બોશ, એન્જિનિયર્સ ઇન્ડિયા, સ્ટ્રાઇડ્સ આર્કોલૅબ, ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઇનૅન્સ અને વૉકહાર્ટનો સમાવેશ છે. આ તમામ છ શૅરમાં ગઈ કાલે ખુશીનો માહોલ હતો. એમટેક ઑટો ઉપરમાં ૨૧૬.૭૦ રૂપિયા થયા બાદ ૨.૬૭ ટકાની તેજીમાં ૨૧૩.૭૦ રૂપિયા બંધ હતો. બોશ લિમિટેડ પાંચ ટકાની તેજીમાં ૧૮,૯૬૧.૭૫ રૂપિયા હતો. ઉપરમાં આ કાઉન્ટર ૧૯,૧૧૦ રૂપિયા થયું હતું. એન્જિનિયર્સ ઇન્ડિયા ૨૩૬.૨૦ રૂપિયાની ઇન્ટ્રા-ડે ટોચે ગયા બાદ છેલ્લે ૧.૮૨ ટકા પ્લસમાં ૨૨૯.૫૫ રૂપિયા બંધ રહ્યો હતો. ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઇનૅન્સ ૦.૮૪ ટકા વધ્યો હતો. સ્ટ્રાઇડ્સ આર્કોલૅબ ૮૪૮ રૂપિયાની ટોચે ગયા બાદ ૭.૧૦ ટકાની આગેકૂચમાં ૮૪૨.૧૦ રૂપિયા બંધ રહ્યો હતો, જે બે વર્ષનું ઊંચું શિખર હતું. વૉકહાર્ટ ફાર્મા બે ટકા નજીકની મજબૂતીમાં ૮૪૩.૬૦ રૂપિયા જોવાયો હતો.


બૅન્કેક્સ ઑલટાઇમ હાઈ


સેન્સેક્સની ૦.૯૦ ટકાની તેજી સામે ગઈ કાલે બૅન્કેક્સ સૌથી વધુ ૨.૮૭ ટકા ઊછળ્યો હતો. એના તમામ બારેબાર શૅર મજબૂત હતા. બૅન્કેક્સ ૨૧,૩૧૧.૮૯ની ઑલટાઇમ હાઈ થયા બાદ છેવટે ૨૧,૨૧૨.૦૭ પર બંધ રહ્યો હતો. આ લેવલ પણ સર્વોચ્ચ સપાટી જ છે. સેન્સેક્સ ખાતે સૌથી વધુ તેજી સ્ટેટ બૅન્કમાં હતી. સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા ૫.૧૦ ટકાના ઉછાળે ૩૨૧.૪૫ રૂપિયા બંધ હતો. ઍક્સિસ બૅન્ક ૨.૭૯ ટકા વધીને ૪૮૧.૦૫ રૂપિયાનો બંધ આપીને તેજીમાં બીજા નંબરે હતો. આઇસીઆઇસીઆઇ બૅન્ક ૧.૮૮ ટકા વધીને ૧૭૫૪.૬૦ રૂપિયા અને એચડીએફસી બૅન્ક ૧.૦૩ ટકાના વધારામાં ૯૫૭.૪૦ રૂપિયા બંધ રહ્યો હતો. આ ચાર બૅન્ક-શૅરના સુધારાથી બજારને કુલ ૧૪૯ પૉઇન્ટનો ફાયદો થયો હતો. એચડીએફસી ૦.૬૮ ટકા વધીને આવતાં બજારને એણે ૧૪ પૉઇન્ટ આપ્યા હતા. પંજાબ નૅશનલ બૅન્ક સૌથી વધુ આઠ ટકા ઊછળીને ૧૦૭૬.૯૫ રૂપિયા બંધ હતો. કૅનેરા બૅન્ક ૭.૬૭ ટકા અને બૅન્ક ઑફ બરોડા ૭.૨૩ ટકાના જમ્પમાં અનુક્રમે ૪૧૨.૨૫ રૂપિયા અને ૧૦૮૮.૨૦ રૂપિયા બંધ હતા. બૅન્ક ઑફ ઇન્ડિયા સાડાપાંચ ટકા નજીકની તેજીમાં ૨૮૮.૮૦ રૂપિયા રહ્યો હતો. ઇન્ડસઇન્ડ બૅન્ક ૪.૩૨ ટકા વધીને ૭૫૧.૫૫ રૂપિયા, કોટક મહિન્દ્ર બૅન્ક ચાર ટકાની આગેકૂચમાં ૧૨૦૨.૨૫ રૂપિયા, યસ બૅન્ક ૨.૬૩ ટકાના જમ્પમાં ૭૧૦.૪૦ રૂપિયા, ફેડરલ બૅન્ક અઢી ટકાની મજબૂતીમાં ૧૫૧.૩૦ રૂપિયા બંધ જોવાયા હતા.


આઇટી અને ઑટો ઇન્ડેક્સ સર્વોચ્ચ શિખરે


ગઈ કાલે બજારની તેજી સાથે કદમ મિલાવતા બૅન્કેક્સની સાથે ઑટો અને આઇટી ઇન્ડેક્સ પણ સર્વોચ્ચ શિખરે પહોંચી ગયા હતા. ઑટો ઇન્ડેક્સ ઉપરમાં ૧૯,૨૭૮.૮૭ના સર્વોચ્ચ શિખરે પહોંચ્યા બાદ અંતે ૧.૯૫ ટકાની તેજી દર્શાવીને ૧૯,૨૨૦.૦૫ પર બંધ જોવાયો હતો. ઑટો ઇન્ડેક્સમાં એકમાત્ર બજાજ ઑટો નાઇજીરિયન શૉકમાં ગઈ કાલે પણ ૦.૩૫ ટકા ઘટીને ૨૬૩૯.૬૦ રૂપિયા બંધ હતો. બાકીનાં ૧૧ કાઉન્ટર ઊંચકાયાં હતાં. બોશ પાંચ ટકાની તેજી સાથે મોખરે હતો. અપોલો ટાયર્સ અઢી ટકા આસપાસ મજબૂતીમાં ૨૨૮.૧૫ રૂપિયા, એમઆરએફ ૧.૦૭ ટકાની પકડમાં ૩૩,૫૦૭ રૂપિયા, આઇશર મોટર્સ ૧.૦૪ ટકાના વધારામાં ૧૪,૫૦૦ રૂપિયા, મધરસન સુમી ૦.૬૮ ટકા વધીને ૪૨૭.૯૦ રૂપિયા, ભારત ર્ફોજ ૦.૬૭ ટકા સુધરીને ૯૬૨.૧૫ રૂપિયા અને ક્યુમિન્સ ૦.૬૨ ટકાના સુધારામાં ૮૬૦.૨૫ રૂપિયા બંધ જોવાયા હતા. સેન્સેક્સ ખાતે તાતા મોટર્સ ૨.૭૮ ટકા, મહિન્દ્ર ૨.૫૩ ટકા, મારુતિ ૨.૨૫ ટકા, હીરો ર્મોટોકોપ ૧.૧૮ ટકા વધ્યા હતા. તાતા મોટર્સ, મહિન્દ્ર અને મારુતિએ બજારને ૫૯ પૉઇન્ટ દાન કર્યા હતા. આઇટી ઇન્ડેક્સ ૧૧,૨૮૯.૦૭ની ઑલટાઇમ હાઈ બનાવ્યા બાદ પ્રૉફિટ-બુકિંગમાં ૦.૦૫ ટકા નરમ પડ્યો હતો. એના ૧૦માંથી પાંચ શૅર વધ્યા હતા અને પાંચ શૅર ઘટયા હતા. ઇન્ફોસિસ ૦.૧૮ ટકા ઘટીને ૪૩૫૯.૨૫ રૂપિયા હતો. વિપ્રો ૦.૬૩  ટકા વધીને ૫૮૫.૫૦ રૂપિયા હતો. ટીસીએસ ૦.૨૩ ટકા ગગડીને ૨૬૪૩.૧૦ રૂપિયા હતો. ઇન્ફોસિસ અને ટીસીએસથી બજારને આઠ પૉઇન્ટનું નુકસાન થયું હતું.


ઑઇલ શૅર ઝળક્યા


ક્રૂડ ઑઇલના ભાવ સતત ગગડી રહ્યા છે. ગઈ કાલે ક્રૂડનો ભાવ ૭૨.૬૦ બોલાયો હતો. ગગડી રહેલા ક્રૂડના ભાવને કારણે ઑઇલ માર્કેટિંગ કંપનીઓના શૅરમાં તેજી જોવા મળી હતી. ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ ૦.૩૯ ટકા વધીને બંધ હતો. એના ૧૦માંથી પાંચ શૅર વધીને તો પાંચ શૅર ઘટીને બંધ જોવાયા હતા. સેન્સેક્સ ખાતે ઓએનજીસી ૦.૭૧ ટકાના ઘટાડામાં ૩૭૯.૫૦ રૂપિયા બંધ રહેતાં બજારને એનાથી સાત પૉઇન્ટની હાનિ થઈ હતી. હિન્દુસ્તાન પેટ્રોલિયમ ૮.૯૩ ટકાના જોરદાર જમ્પમાં ૫૯૬.૭૫ રૂપિયા બંધ રહ્યો હતો. આઇઓસી ૪.૪૨ ટકા ઊંચકાયો હતો. કૅસ્ટ્રોલ ઇન્ડિયા ૩.૯૩ ટકા વધીને ૫૦૧.૮૫ રૂપિયા, બીપીસીએલ ૩.૫૮ ટકાની આગેકૂચમાં ૭૪૫.૮૫ રૂપિયા અને હેવીવેઇટ રિલાયન્સ ૦.૩૭ ટકા સુધરીને ૯૯૦.૮૫ રૂપિયા બંધ રહ્યા હતા. સામે કેઇર્ન ઇન્ડિયા ૪.૩૫ ટકા ગગડીને ૨૬૦.૫૫ રૂપિયા બંધ જોવાયો હતો. ઑઇલ ઇન્ડિયા ૨.૧૯ ટકા, પેટ્રોનેટ એલએનજી ૦.૪૮ ટકા અને ગેઇલ ૦.૩૫ ટકા ખરડાયા હતા. સરેરાશ બે લાખ શૅરની સામે ગઈ કાલે ૨૮ લાખ નજીકના ભારે કામકાજમાં જેટ ઍરવેઝ ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૩૨૨.૦૫ રૂપિયા બંધ રહ્યો હતો. આ શૅરની ફેસવૅલ્યુ ૧૦ રૂપિયા છે. છેલ્લા ત્રણ દિવસમાં આ શૅર ૩૧ ટકા ઊછળ્યો છે. ક્રૂડના ઘટી રહેલા ભાવને કારણે ઍર કંપનીના નફામાં વૃદ્ધિ થશે એવી આશાએ શૅરમાં ફાટ-ફાટ તેજી જોવાઈ રહી છે. સ્પાઇસજેટ પણ ૨૦ ટકાની ઉપલી સર્કિટ ૧૮.૪૯ રૂપિયાએ ગયા બાદ છેલ્લે ૧૮.૩૬ ટકાની તેજીમાં ૧૮.૨૪ રૂપિયા બંધ હતો.


માર્કેટ-બ્રેડ્થમાં ખાસ્સી રસાકસી


ગઈ કાલની શૅરબજારની જોરદાર તેજી બાદ પણ માર્કેટ-બ્રેડ્થમાં નબળાઈતરફી રસાકસી હતી. કુલ ૩૧૨૧ શૅરનાં કામકાજ થયાં હતાં. એમાંથી ૧૫૦૯ શૅર વધ્યા હતા, ૧૫૧૮ જાતો નરમ હતી. એમાંથી ૩૦૨ શૅર ઉપલી સર્કિટે હતા તો ૨૮૦ શૅરમાં મંદીની સર્કિટ લાગેલી હતી. ગઈ કાલે બીએસઈ ખાતે ભાવની રીતે ૧૯૯ શૅર એક વર્ષ કે એથી વધુ સમયગાળાની રીતે સર્વોચ્ચ શિખરે ગયા હતા તો ૬૪ કાઉન્ટર્સ ઐતિહાસિક તળિયે ગયાં હતાં. એ-ગ્રુપના ૬૪ ટકા, બી-ગ્રુપના ૪૬ ટકા અને ટી-ગ્રુપના ૫૧ ટકા શૅર વધીને બંધ જોવાયા હતા. સેન્સેક્સના ૩૦માંથી ૧૯ શૅર વધ્યા હતા તો ૧૧ શૅરમાં પીછેહઠ હતી. બૅન્કેક્સ, આઇટી અને ઑટો ઇન્ડેક્સ સર્વોચ્ચ શિખરે ગયા હતા. સેન્સેક્સ ખાતે એચડીએફસી, એચડીએફસી બૅન્ક, હીરો ર્મોટોકોપ, હિન્દુસ્તાન યુનિલિવર, ઇન્ફોસિસ, ડૉ. રેડ્ડીઝ લૅબ આ છ શૅર સર્વોચ્ચ શિખરે ગયા હતા. કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ એક ટકો, રિયલ્ટી ૧.૬૫ ટકા, પાવર ૦.૬૬ ટકા, મેટલ ઇન્ડેક્સ ૦.૪૭ ટકા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ૧.૧૬ ટકા, એફએમસીજી ઇન્ડેક્સ ૦.૨૮ ટકા અને હેલ્થકૅર ઇન્ડેક્સ ૦.૩૫ ટકા વધીને બંધ હતા. સામે આઇટી અને ટેક્નૉલૉજી ઇન્ડેક્સમાં સામાન્ય ઘટાડો થયો હતો. મિડ કૅપ ઇન્ડેક્સમાં ૦.૯૭ ટકા અને સ્મૉલ કૅપમાં ૦.૨૬ ટકાનો સુધારો થયો હતો. બીએસઈ-૧૦૦ ૧.૧૪ ટકા, બીએસઈ-૨૦૦ ૧.૧૧ ટકા અને બ્રૉડર માર્કેટનો માપદંડ ગણાતો બીએસઈ-૫૦૦ ૧.૦૫ ટકા મજબૂત હતા. બીએસઈ-૫૦૦ના ૫૦૦માંથી ૩૦૨ શૅર વધીને બંધ હતા.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK