ટૅક્સી-સર્વિસના બિઝનેસમાં આ માણસ કરી રહ્યો છે ક્રાન્તિ

Published: Oct 19, 2014, 03:03 IST

મળો ૩૮ વર્ષના અમેરિકન ટ્રૅવિસ કૅલૅનિકને. અમેરિકાના ફૉચ્યુર્ન મૅગેઝિને તેને ૪૦થી ઓછી ઉંમરના ૪૦ પાવરફુલ લોકોની યાદીમાં ટોચના સ્થાને મૂક્યો છે. એનું કારણ એ છે કે તેણે સ્થાપેલી ઉબર નામની રાઇડશૅરિંગ સર્વિસ કંપની પાંચ જ વર્ષમાં ૧૫ અબજ ડૉલરની બની ગઈ છે અને આવતાં પાંચ વર્ષમાં ૧૦૦ અબજ ડૉલરની થઈ જશે એવો અંદાજ છે. ભારતનાં શહેરોમાં પણ પગપેસારો કરી રહેલી આ કંપની જોકે રિઝર્વ બૅન્ક અને સર્વિસ ટૅક્સ ડિપાર્ટમેન્ટની અડફેટે ચડી છે ત્યારે નજર કરીએ એના કામકાજ પર
સન્ડે-સ્પેશ્યલ - બિઝનેસ બાદશાહ - આર્યન મહેતા


તમે લાઇફમાં પહેલી જ વખત બૅન્ગલોર રેલવે-સ્ટેશને પગ મૂક્યો છે. તમારે હોટેલ લેક-વ્યુમાં ચેક-ઇન કરવાનું છે, પરંતુ હોટેલ પર કેવી રીતે પહોંચીશું એવા ટેન્શન સાથે તમે સ્ટેશનની બહાર પગ મૂકતા નથી. એને બદલે ઝેન સાધુની જેમ શાંત મુખમુદ્રા ધારણ કરીને તમારો સ્માર્ટફોન કાઢો છો. એક ઍપ્લિકેશન ઑન કરો છો. એમાં એક બટન પર ટચ કરતાંવેંત મેસેજ આવે છે કે ફલાણા નંબરની ઇનોવા કાર ૧૦ મિનિટમાં તમે છો ત્યાં હાજર થઈ જશે અને ડ્રાઇવરનું નામ તથા તેનો ફોટોગ્રાફ આ રહ્યો. કાર આવે ત્યાં સુધીમાં તમે એ પણ જાણી લો છો કે આ લેક-વ્યુ હોટેલ આટલી મિનિટમાં પહોંચાય છે અને ત્યાં પહોંચવાનું ભાડું આટલા રૂપિયા થશે. હવે એક્ઝૅક્ટ દસમી મિનિટે કાર આવી જાય છે. કારની ડિકીમાં સામાન મૂકીને નક્કી કરેલા સમયમાં તમે હોટેલ લેક-વ્યુ પહોંચી જાઓ છો. સામાન કાઢીને ડ્રાઇવરને થૅન્ક યુવાળું સ્મિત આપીને તમે હોટેલમાં ચેક-ઇન કરવા જતા રહો છો. ના, તમારે ભાડું ચૂકવવા બાબતે ટૅક્સીવાળા સાથે કોઈ વાત કરવાની નથી, કેમ કે ભાડાની રકમ તમારા ક્રેડિટ કાર્ડમાં ઉધારાઈ ગઈ છે.

વિશ્વના ૪૫ દેશોનાં ૨૦૦થી પણ વધુ શહેરોના લોકો અત્યારે આ રીતની ટૅક્સી-સર્વિસ પસંદ કરી રહ્યા છે. એને કારણે એ સ્થપાયાનાં માત્ર પાંચ જ વર્ષમાં આ કંપની ૧૫ અબજ ડૉલરની મહારથી બની ગઈ છે. આવતાં પાંચ વર્ષમાં આ કંપની ૧૦૦ અબજ ડૉલરની કંપની બની જશે એટલું જ નહીં; લોકપ્રિયતા, વિરોધ અને ટેક્નૉલૉજીના કૉમ્બિનેશનનું એવું વાવાઝોડું ફૂંકાયું છે કે આ કંપનીનો ૩૮ વર્ષનો સ્થાપક ટ્રૅવિસ કૅલૅનિક અમેરિકાના ‘ફૉચ્યુર્‍ન’ મૅગેઝિનના ર્ફોટી અન્ડર ર્ફોટી એટલે કે ૪૦થી ઓછી ઉંમરના ૪૦ પાવરફુલ લોકોના લિસ્ટમાં પહેલા નંબરે આવી ગયો છે અને એ પણ ફેસબુકના માર્ક ઝકરબર્ગને પાછળ રાખીને. જી હા, માર્ક ઝકરબર્ગ આ લિસ્ટમાં બીજા નંબરે છે. ટ્રૅવિસ સાથે જોકે જૉઇન્ટ પહેલા નંબરે બીજું કોઈક પણ છે. તેનું નામ છે બ્રાયન ચેસ્કી. ૩૩ વર્ષનો આ યુવાન Airbnb નામની કંપની ચલાવે છે, જેમાં તમે તમારી જગ્યા હોટેલની જેમ રહેવા આપવા માગતા હો તો આ કંપનીમાં તમારું નામ રજિસ્ટર કરાવી છો. Airbnb પાસે અત્યારે ૧૯૨ દેશોનાં ૩૩,૦૦૦ શહેરોની ૮,૦૦,૦૦૦ જગ્યાઓ રજિસ્ટર્ડ છે. ૨૦૦૮માં શરૂ થયેલી આ કંપનીનું હેડક્વૉર્ટર અમેરિકાના સૅન ફ્રાન્સિસ્કોમાં છે. પણ આજે આપણે વાત કરવાની છે ટ્રૅવિસ કૅલૅનિકની. એવું તે શું પરાક્રમ કર્યું છે આ ટ્રૅવિસકુમારે? જરા માંડીને વાત કરીએ.

ટ્રૅવિસ કૅલૅનિકે માર્ચ ૨૦૦૯માં અમેરિકાના સૅન ફ્રાન્સિસ્કોમાં લેટેસ્ટ સ્માર્ટફોનની ટેક્નૉલૉજી અને ટ્રાન્સર્પોટેશન એમ બે ક્ષેત્રોનો સંગમ કરાવતી એક કંપની સ્થાપી. એનું ઓળી ઝોળી પીપળ પાન કરીને નામ રાખ્યું ‘ઉબર’ (Uber). ઉબર એટલે ઉત્કૃક્ટ. એના જેવું બીજું એકેય શ્રેષ્ઠ નહીં એવું. આગળ જતાં આ ઉબર વિશ્વભરના ટૅક્સી-ડ્રાઇવરોમાં ઊંબાડિયાં પેદા કરવાની હતી.

ગ્રાહકો માટેની ઉબર

આપણા એટલે કે ગ્રાહકના ઍન્ગલથી જોઈએ તો ઉબરનું કામકાજ સિમ્પલ છે. આપણી પાસે રહેલા સ્માર્ટફોનમાં ઉબર કંપનીની ફ્રીમાં મળતી ઍપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની. એમાં આપણી બેસિક વિગતો સાથે સાઇન-અપ થવાનું. એ જ વખતે આપણા ક્રેડિટ કાર્ડનો નંબર પણ એન્ટર કરી દેવાનો. જેવી આ વિધિ પતે એટલે તરત જ ઉબર આપણા સ્માર્ટફોનમાં રહેલા ઞ્ભ્લ્ (ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ)ની મદદથી આપણું એક્ઝૅક્ટ લોકેશન જાણી લે છે. આપણને પણ નકશામાં દેખાય છે કે આપણે ક્યાં ઊભા છીએ. હવે આપણે જ્યારે ગાડીની જરૂર હોય ત્યારે એમાં નીચે આપેલું બટન સ્વાઇપ કરીએ કે તરત જ આપણી નજીક ઉબર કંપનીની ટૅક્સીઓ ક્યાં ફરી રહી છે એનાં લોકેશન બતાવે. ટૅક્સી ઑર્ડર કરવા માટે બીજી વાર ટચ કરીએ કે તરત એમાંના સૌથી નજીકના ટૅક્સીચાલકને સંદેશો પહોંચી જાય કે આપણને આ સ્થળેથી પિક કરવાનું છે. શરૂઆતમાં કહ્યું એમ એ દરમ્યાન આપણને મેસેજ પણ મળી જાય કે આટલી મિનિટમાં ફલાણા નંબરની ગાડી તમને લેવા આવી રહી છે અને એના ડ્રાઇવરનું નામ અને ચહેરો આ પ્રમાણે છે. ટૅક્સી ઑર્ડર કરતાં પહેલાં ઉબર આપણને એ પણ પૂછે છે કે તમને કેવા પ્રકારની ગાડીની જરૂર છે. મતલબ કે નાની હૅચબૅક જોઈએ છે કે મોટી સિડૅન કે પછી ૬-૭ લોકો બેસી શકે એવી SUVની જરૂર છે. અરે અમુક શહેરમાં તો મર્સિડીઝથી લઈને લિમોઝિન સુધ્ધાં ઉબરમાં હાયર કરી શકાય છે.

જોકે સુવિધા પ્રમાણે એનાં ભાડાંમાં ફેરફાર થતો રહે.

ગાડી આવે અને તમને તમારા ગંતવ્યસ્થાન સુધી પહોંચાડી દે એ પછી પણ તમારે એક કાણી પાઈની આપ-લે કરવાની રહેતી નથી, કેમ કે તમે શરૂઆતમાં જે ક્રેડિટ કાર્ડ નંબર આપ્યો છે એમાંથી સીધું જ તમારું ભાડું ઉધારાઈ જાય અને બિલની રસીદ તમારા ફૂ-મેઇલ ઍડ્રેસ પર પહોંચી જાય. હા, ન્યુ યૉર્ક જેવા શહેરમાં જ્યાં ભાડાના ૨૦ ટકા જેટલી ટિપ ફરજિયાત આપવી પડે છે અને ત્યાં એ પ્રમાણેની રકમ તમારા ક્રેડિટ કાર્ડમાં ભાડા તરીકે બતાવે છે.

ઉબરનો વિરોધ

ઉબરનું આ મૉડલ ડ્રાઇવરોને અને ખાસ તો ગ્રાહકોને એટલુંબધું માફક આવવા લાગ્યું છે કે રેગ્યુલર ટૅક્સી-સર્વિસને બદલે તેઓ આને જ પસંદ કરવા લાગ્યા છે. મોટા ભાગના ઠેકાણે તો ભાડાં પણ ખાસ્સાં ઓછાં છે. તો પછી સીધી વાત છે કે સ્માર્ટફોનમાં બે વાર ટિક-ટિક કરવામાત્રથી સસ્તું ભાડું અને સ્મૂધ યાત્રા કરવા મળતી હોય અને એમાંય ચીટિંગ થવાનો કોઈ ભય નહીં અને એક પણ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન નહીં તો પછી નિરમા સુપરવાળાં દીપિકાજીની જેમ લોકો તો આ ઉબર જ પસંદ કરેને.

જોકે લગભગ બધે જ ઠેકાણે ઉબરને કારણે ટેક્નૉલૉજી વર્સસ ટ્રેડિશનનો જંગ છેડાયો છે અને એ પણ બ્રિટન, ફ્રાન્સ, અમેરિકા જેવા વિકસિત ગણાતા દેશોમાં. જેમ કે લંડનમાં એક સૈકા કરતાં વધારે સમયથી બ્લૅક કૅબ તરીકે ઓળખાતી ટૅક્સીઓ ચાલે છે. ‘હાથ ઊંચો કરો અને ટૅક્સીમાં બેસો’ ટાઇપની સિસ્ટમથી ચાલતી આ ટૅક્સીઓના ચાલકોને હવે ઉબરથી એટલો ભય લાગ્યો છે કે તેમણે આ વર્ષે જૂન મહિનામાં રીતસરના ચક્કા જામ કરી નાખેલા. અરે, શાંત ગણાતી બ્રિટિશ પ્રજા માટે આઘાતજનક ગણાય એ રીતે તેમણે ઉબરની ગાડીઓમાંથી હવા કાઢી નાખેલી અને કાચ સુધ્ધાં ફોડી નાખેલા. લંડનના મેયર બૉરિસ જૉનસનને પણ પ્રશ્ન થઈ પડ્યો કે આમાં ટેક્નિકલી કશું ખોટું છે નહીં તો પછી ઉબર પર પ્રતિબંધ કઈ રીતે મૂકવો?

અમેરિકામાં પણ ઘણાં રાજ્યોના વર્ષોથી ટૅક્સીઓ ચલાવતા સમૂહોએ અંચઈની ફરિયાદો કરીને ઉબરને કાયદાકીય નોટિસો ફટકારી છે. પૅરિસમાં પણ આવી જ સ્થિતિ સર્જા‍યેલી. ત્યાં પણ ટૅક્સી-ડ્રાઇવરોને પોતાનું અસ્તિત્વ જોખમમાં લાગ્યું એટલે તેમણે ઉબરની ગાડીઓના ચક્કા જામ કર્યા હતા.

બ્રેક-ફ્રી ઉબર

ઉબર અત્યારે સુપરસ્પીડે આગળ વધી રહી છે એ હકીકત છે. અત્યારે એ વિશ્વની આ પ્રકારની સૌથી મોટી ઍપ્લિકેશન-બેઝ્ડ ટૅક્સી-સર્વિસ કંપની છે. માત્ર ભારતની જ વાત કરીએ તો ભારતમાં ઉબર કંપનીએ ૨૦૧૩ની ૨૯ ઑગસ્ટે બૅન્ગલોરથી સર્વિસની શરૂઆત કરેલી. એના એક જ વર્ષમાં અત્યારે ઉબર મુંબઈ, પુણે સહિત દેશનાં ૧૦ શહેરોમાં પોતાની સર્વિસ ચલાવે છે. છેલ્લે ઑગસ્ટમાં એણે ચાર નવાં શહેરો (અમદાવાદ, ચંડીગઢ, જયપુર અને કલકત્તા)માં સર્વિસ સ્ટાર્ટ કરવાની જાહેરાત કરી હતી. ઉબરની પ્રચાર કરવાની પદ્ધતિ પણ સ્માર્ટ છે. એણે પોતાના બ્લૉગ પર પોતાની સર્વિસ વાપરનારી સેલિબ્રિટીઓના ફોટો મૂક્યા છે. એમાં કોંકણા સેન શર્મા, ગાયક શાન, અનુપમ ખેર, ટીવી-ઍન્કર ગૌરવ કપૂર, ઍક્ટર પૂરબ કોહલી જેવા લોકોએ સામેથી પોતાની સર્વિસ વાપરી છે એવા સતસવીર પુરાવા મૂક્યા છે. આંકડા કહે છે કે ઉબર માટે અમેરિકાની બહાર ભારત જ સૌથી મોટી માર્કેટ છે. એટલે એ ભારતમાં પૂરેપૂરી તાકાત સાથે છવાઈ જવાનો પ્રયત્ન કરે એમાં કશી નવાઈ નથી. જોકે ભારતના ટૅક્સીચાલકોમાં પણ ધીમો-ધીમો ગણગણાટ શરૂ થઈ જ ગયો છે. મેરુ કૅબ્સ અને ઓલા કૅબ્સ જેવી ટૅક્સી-કંપનીઓએ ફરિયાદ કરી છે કે ઉબર રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના નિયમોનું પાલન નથી કરતી.

રિઝર્વ બૅન્ક વર્સસ ઉબર

આ ફરિયાદને પગલે  રિઝર્વ બૅન્ક જાગી અને એણે ઉબર સામે લાલ આંખ કરી. રિઝર્વ બૅન્કને ઉબરની કૅશલેસ પેમેન્ટ સિસ્ટમ સામે વાંધો પડ્યો છે. ઍક્ચ્યુઅલી આપણે ત્યાં ડેબિટ કાર્ડથી ખરીદી કરીએ ત્યારે એ ટ્રાન્ઝેક્શન વખતે આપણો પિન (પર્સનલ આઇડેન્ટિફિકેશન નંબર) નાખવો ફરજિયાત હોય છે. એ જ રીતે ઑનલાઇન ટ્રાન્ઝેક્શન કરીએ (ધારો કે ફૂ-કૉમર્સ સાઇટ પરથી ખરીદી કરીએ) ત્યારે પૈસાનું ટ્રાન્ઝેક્શન કરતી વખતે આપણને એક ‘પેમેન્ટ ગેટવે’ તરીકે ઓળખાતી સાઇટ પર લઈ જવામાં આવે છે. આ પેમેન્ટ ગેટવે પ્રકારની સાઇટ્સ માન્યતાપ્રાપ્ત ફૂ-ફિલ્ટર છે જે આખા ટ્રાન્ઝેક્શનની ઑથેન્ટિસિટી ચકાસે છે. એમાં એક વન ટાઇમ પાસવર્ડ નાખવો પડે છે. તમે સાચો પાસવર્ડ નાખો તો જ એ ખરીદી શક્ય બને અને જો સળંગ ત્રણ વખત ખોટો પાસવર્ડ નાખો તો એ ક્રેડિટ કે ડેબિટ કાર્ડ એક દિવસ પૂરતો બ્લૉક થઈ જાય.

જોકે ઉબર જેવી સર્વિસના પેમેન્ટમાં આવો કોઈ પાસવર્ડ નાખવામાં આવતો નથી. ઉબર માત્ર એને ગ્રાહકે આપેલી ક્રેડિટ કાર્ડ ડીટેલ્સના આધારે તેના ખાતામાં ભાડાના પૈસા ઉધારી નાખે છે. આ ટ્રાન્ઝેક્શન માટે એ અમુક ઇન્ટરનૅશનલ પેમેન્ટ ગેટવેનો ઉપયોગ કરે છે (જે આવી કડાકૂટવાળી ઑથેન્ટિફિકેશન પ્રક્રિયા કરતી નથી). આ પ્રક્રિયામાં આપણી રિઝર્વ બૅન્કને બે વાંધા છે; એક તો આમાં વચ્ચે કોઈ ઑથેન્ટિફિકેશનની પ્રક્રિયા થતી નથી અને ગ્રાહકની સંવેદનશીલ વિગતો ઉબરના સવર્‍રમાં પડી રહે છે જેથી ફાઇનૅન્શિયલ ફ્રૉડ થવાનો ખતરો વધી જાય છે (ભારતની ફ્લિપકાર્ટ કે સ્નૅપડીલ જેવી ફૂ-કૉમર્સ કંપનીઓ ગ્રાહકના ક્રેડિટ-ડેબિટ કાર્ડની વિગતો પોતે સંઘરતી નથી) અને બીજું, આ આખું ટ્રાન્ઝેક્શન ભારત વર્સસ વિદેશી બૅન્કોનું થઈ ગયું એટલે ભારતના ફૉરેન એક્સચેન્જમાં પણ ગોબો પડે છે. અમુક ઍરલાઇન્સમાં બુકિંગ કરાવી આપતી ઇન્ટરનૅશનલ વેબસાઇટ્સ પણ આ જ પ્રકારની પદ્ધતિનો ઉપયોગ કરે છે. આખરે રિઝર્વ બૅન્કે ઉબર સહિત આવી કંપનીઓને કડક ચેતવણી આપી છે કે ભાઈ, આ તો પેમેન્ટ્સ ઍન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ ઍક્ટ-૨૦૦૭ અને ફૉરેન એક્સચેન્જ મૅનેજમેન્ટ ઍક્ટ-૧૯૯૯નું ઉલ્લંઘન છે. રિઝર્વ બૅન્કે તો એવો સક્યુર્‍લર પણ બહાર પાડ્યો છે કે ભારતના ગ્રાહકો અને ભારતમાં પોતાનો માલ કે સર્વિસ વેચતા વેપારીઓ વચ્ચેનું તમામ ટ્રાન્ઝેક્શન ભારતીય ચલણમાં જ થવું જોઈએ અને જો એ ફૂ-ટ્રાન્ઝેક્શન હોય તો એણે આપણી ઑથેન્ટિફિકેશન પ્રક્રિયાનું ફરજિયાત પાલન કરવું પડશે. હવે આ ફરમાન સીધું ઉબર જેવી કંપનીઓના આખા બિઝનેસ-મૉડલની વિરુદ્ધમાં જાય છે. હજી રિઝર્વ બૅન્ક સાથે ઉબરનો પ્રૉબ્લેમ સેટલ નહોતો થયો ત્યાં આપણા સર્વિસ ટૅક્સ ડિપાર્ટમેન્ટને પણ ઉબર સામે વાંધો પડી ગયો. એણે ઉબર સામે ઇન્ક્વાયરી કાઢી કે ભાઈ, તમે ભારતમાંથી રૂપિયા રળો છો તો અત્યાર સુધી એક પણ રૂપિયાનો ટૅક્સ કેમ નથી ભર્યો?

મુંબઈમાં ઉબરનું ભાડું શું છે?

મુંબઈમાં ઉબરની બે પ્રકારની સર્વિસ ઉપલબ્ધ છે : uberX અને uberBLACK. uberXમાં ભાડાનું સ્ટ્રક્ચર આ મુજબ છે : ૫૦ રૂપિયા બેઝ ફેરના + ૧ રૂપિયો પ્રતિ મિનિટનો + ૧૫ રૂપિયા પ્રતિ કિલોમીટરના. મિનિમમ ભાડું ૧૨૫ રૂપિયા થવું જોઈએ. આ સર્વિસમાં મારુતિ સુઝુકી સ્વિફ્ટ ડિઝાયર, ટૉયોટા ઇટિઓસ અને તાતા મન્ઝા જેવી ગાડીઓ હોય છે.

uberBLACK નું ભાડાનું સ્ટ્રક્ચર આ મુજબ છે : ૧૦૦ રૂપિયા બેઝ ફેરના + બે રૂપિયા પ્રતિ મિનિટના + ૧૭ રૂપિયા પ્રતિ કિલોમીટરના. મિનિમમ ભાડું ૨૦૦ રૂપિયા થવું જોઈએ. આ સર્વિસમાં ટૉયોટા ઇનોવા, નિસાન સની અને ફોક્સવૅગન વેન્ટો જેવી ગાડીઓ હોય છે.

ટ્રૅવિસ કૅલૅનિક : ઉબરના ઉત્પાતનો સર્જક

એન્જિનિયર પિતા અને ઍડ-એજન્સીમાં કામ કરતી માતાનો દીકરો ટ્રૅવિસ કૅલૅનિક ચહેરા પરથી જ તોફાની લાગે છે. તેણે કૅલિફૉર્નિયા યુનિવર્સિટીમાં કમ્પ્યુટર એન્જિનિયરિંગના ર્કોસમાં ઍડ્મિશન લીધું અને અધવચ્ચેથી ઊઠી ગયો. કેમ કે તેણે પોતાના ક્લાસમેટ્સ સાથે મળીને ‘સ્કૂર’ નામની ફાઇલ શૅરિંગ સર્વિસ શરૂ કરી. એક જ વર્ષમાં એમાં ડિઝનીના પ્રેસિડન્ટે પણ રોકાણ કરેલું. એ વખતે ‘નૅપસ્ટર’ નામની આવી જ એક સર્વિસે ભારે તહેલકો મચાવેલો; પરંતુ પછી તો અમેરિકાની મોશન પિક્ચર્સ, રેકૉર્ડિંગ ઇન્ડસ્ટ્રી અને મ્યુઝિક-કંપનીઓએ કૉપીરાઇટના ઉલ્લંઘનની ભારે કાગારોળ મચાવી અને નૅપસ્ટરનાં પાટિયાં પડી ગયાં. એની સાથોસાથ સ્કૂર પર પણ તવાઈ આવી અને આખરે દેવાળિયા થઈને કંપની પર અમેરિકન તાળાં લાગી ગયાં. પછી ૨૦૦૧માં કાલાનિકે રેડ સ્વૂશ નામની બીજી એક ફાઇલ શૅરિંગ કંપની સ્થાપી. એ સર્વિસ યુઝર્સને તોતિંગ કદની ફાઇલ્સ અપલોડ કરીને આસાનીથી શૅર કરવાની સગવડ આપતી હતી.

૨૦૦૯માં ૩૩ વર્ષની ઉંમરે ટ્રૅવિસ કૅલૅનિકે સ્માર્ટફોન ટેક્નૉલૉજીનો ઉપયોગ કરીને મુસાફરો અને ગાડીચાલકોને જોડતી ટૅક્સી સર્વિસ કંપની ઉબર સ્થાપી. આ કંપનીને ટેક્નિકલી તો રાઇડશૅરિંગ સર્વિસ કંપની કહેવાય છે. આ કંપનીમાં ગોલ્ડમૅન સાક્સ તથા ગૂગલ જેવી વિરાટ કંપનીઓએ પોતાનાં નાણાં રોક્યાં છે. દરેક ઇન્ટરવ્યુમાં કૅલૅનિકને એક સવાલ અચૂક પુછાય છે કે તમે પોતે કાર વાપરો છો કે નહીં? જવાબમાં કૅલૅનિક હસીને કહે છે, મારી પાસે મારી માલિકીની એક કાર છે, પરંતુ મેં પોતે છેલ્લાં ત્રણ વર્ષથી કાર ચલાવી નથી.

ઉબરને આપો તમારી ગાડી

મજાની વાત એ છે કે જે ૪૫ દેશોમાં ઉબર પોતાની સર્વિસ ચલાવે છે એ બધી ગાડીઓ ઉબરની પોતાની માલિકીની નથી. બલકે ત્યાંના ડ્રાઇવરો-કારમાલિકો ઉબર કંપની માટે પોતાની ગાડી ચલાવવા આપે છે. એટલે ધારો કે તમારી પાસે ઉબરની જરૂરિયાત પ્રમાણેની ગાડી (ફૉર એક્ઝામ્પલ બ્લૅક સિડૅન) પડી હોય અને એનો ખાસ ઉપયોગ ન હોય અથવા તો તમે એમાંથી બે પૈસા રળવા માગતા હો તો ઉબરમાં સાઇન-અપ થવાનું અને ગાડીની તથા તમારી વિગતો આપવાની. પછી ઉબર પોતાના તરફથી ચકાસણી કરે કે તમારી ગાડી યોગ્ય છે કે નહીં, ડ્રાઇવર પાસે માન્ય કમર્શિયલ ડ્રાઇવિંગ લાઇસન્સ છે કે નહીં, ડ્રાઇવરનું બૅકગ્રાઉન્ડ કેવું છે વગેરે. બધું ક્લિયર જણાય એટલે ઉબર તેને પોતાના ડ્રાઇવર તરીકેની માન્યતા આપી દે. ડ્રાઇવરે પણ પોતાનો સ્માર્ટફોન ગાડીના કાચ સાથે ચોંટાડેલો રાખવાનો જેથી કંપની અથવા ગ્રાહક કોઈ પણ સમયે તેનો સંપર્ક કરી શકે. આનો અર્થ એ થયો કે ઉબર ગાડી અને ગ્રાહકોને જોડતું એક વિશાળ પ્લૅટફૉર્મ પૂરું પાડે છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK