ગ્લોબલ માર્કેટ્સમાં ઘટાડાને પગલે ભારતીય બજારોમાં ગાબડું

Published: 22nd December, 2012 11:23 IST

મેટલ, બૅન્કેક્સ, કૅપિટલ ગુડ્સ તેમ જ ઑટોમાં કડાકો : બધાં ૧૩ સેક્ટરલ ઇન્ડાઇસિસ ઘટ્યાં
(શૅરબજારનું ચલકચલાણું)

અમેરિકાની ફાઇનૅન્શિયલ ક્રાઇસિસ દૂર કરવા માટેની જે દરખાસ્ત હતી એને રાજકીય રીતે યોગ્ય પ્રતિસાદ નથી મળી રહ્યો. એને પગલે ગઈ કાલે એશિયન અને યુરોપિયન બજારોમાં ઘટાડો જોવા મળ્યો હતો. એની સીધી અસર ઇન્ડિયન માર્કેટ્સ પર જોવા મળી હતી. ભારતીય બજારો પ્રારંભમાં જ આગલા બંધની સરખામણીએ નીચા ખૂલ્યા હતા અને દિવસ દરમ્યાન એમાં વધુ ઘટાડો જોવા મળ્યો હતો.

મુંબઈ શૅરબજારનો સેન્સેક્સ ગુરુવારના ૧૯,૪૫૩.૯૨ના બંધ સામે ગઈ કાલે ૧૯,૩૯૪.૫૫ ખૂલ્યો હતો. દિવસ દરમ્યાન વધીને ઊંચામાં ૧૯,૩૯૪.૫૫ અને ઘટીને નીચામાં ૧૯,૨૧૧.૧૨ના સ્તરે પહોંચ્યો હતો. છેલ્લે ૨૧૧.૯૨ ઘટીને ૧૯,૪૨૪ પૉઇન્ટ્સના લેવલે બંધ રહ્યો હતો. મિડ કૅપ ઇન્ડેક્સ ૧૦૪.૦૭ ઘટીને ૬૯૯૭.૭૨ અને સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ૧૦૯.૩૫ ઘટીને ૭૩૨૫.૫૧ બંધ રહ્યો હતો.

નિફ્ટી પ્રારંભમાં ૫૮૮૮ પૉઇન્ટ્સના સ્તરે ખૂલ્યો હતો. દિવસ દરમ્યાન વધીને ઊંચામાં ૫૮૮૮ પૉઇન્ટ્સ અને ઘટીને નીચામાં ૫૮૪૧.૬૫ના લેવલે પહોંચ્યો હતો. છેલ્લે ૬૮.૭૦ ઘટીને ૫૮૪૭.૭૦ બંધ રહ્યો હતો. મુંબઈ શૅરબજારનાં બધાં જ ૧૩ સેક્ટરલ ઇન્ડાઇસિસ ઘટ્યાં હતાં.

સેક્ટરલ ઇન્ડાઇસિસ

મેટલ ઇન્ડેક્સ સૌથી વધુ ૨૦૧.૮૭ ઘટીને ૧૧,૦૩૯.૧૭ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૧ કંપનીમાંથી ૧૦ના ભાવ ઘટ્યા હતા. જિન્દાલ સ્ટીલનો ભાવ સૌથી વધુ ૩.૫૨ ટકા ઘટીને ૪૫૪.૨૫ રૂપિયા બંધ રહ્યો હતો. સ્ટરલાઇટ ઇન્ડસ્ટ્રીઝનો ભાવ ૩.૨૩ ટકા, હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝનો ૨.૬૮ ટકા, સેસાગોવાનો ૨.૪૬ ટકા અને જેએસડબ્લ્યુ સ્ટીલનો ૨.૪૨ ટકા ઘટ્યો હતો. બૅન્કેક્સ ૧૯૨.૬૦ ઘટીને ૧૪,૧૫૧.૧૮ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૪ બૅન્કોમાંથી ૧૨ના ભાવમાં ઘટાડો થયો હતો. યુનિયન બૅન્ક ઑફ ઇન્ડિયાનો ભાવ સૌથી વધુ ૩.૭૦ ટકા ઘટીને ૨૬૨.૯૦ રૂપિયા બંધ રહ્યો હતો. આઇડીબીઆઇ બૅન્કનો ભાવ ૩.૫૨ ટકા, યસ બૅન્કનો ૨.૭૧ ટકા, પંજાબ નૅશનલ બૅન્કનો ૨.૪૨ ટકા અને કૅનેરા બૅન્કનો ભાવ ૨.૩૪ ટકા ઘટ્યો હતો.

કૅપિટલ ગુડ્સ શૅરો

કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ ૧૮૧.૩૧ ઘટીને ૧૦,૭૩૫.૧૧ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૨૨માંથી ૨૧ કંપનીના ભાવ ઘટ્યા હતા. પુંજ લૉઇડનો ભાવ સૌથી વધુ ૫.૭૩ ટકા ઘટીને ૫૬.૭૫ રૂપિયા બંધ રહ્યો હતો. અલ્સટૉમ ટી ઍન્ડ ડીનો ભાવ ૩.૮૬ ટકા, જિન્દાલ સૉનો ૨.૪૪ ટકા અને થર્મેક્સનો ભાવ ૨.૧૪ ટકા ઘટ્યો હતો. ઑટો ઇન્ડેક્સ ૧૫૪.૦૯ ઘટીને ૧૧,૨૫૨.૯૦ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ બધી જ ૧૦ કંપનીના ભાવ ઘટ્યા હતા. એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝનો ભાવ સૌથી વધુ ૨.૩૩ ટકા ઘટીને ૧૪૦.૬૫ રૂપિયા બંધ રહ્યો હતો. તાતા મોટર્સનો ભાવ ૧.૯૫ ટકા, મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્રનો ૧.૪૯ ટકા અને બજાજ ઑટોનો ૧.૨૪ ટકા ઘટ્યો હતો. હેલ્થકૅર ઇન્ડેક્સ ૧૩૯.૧૨ ઘટીને ૮૦૫૯.૬૧ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૭ કંપનીમાંથી ૧૪ના ભાવમાં ઘટાડો થયો હતો. સ્ટ્રાઇડ આર્કોલૅબ્સનો ભાવ સૌથી વધુ ૪.૮૫ ટકા ઘટીને ૧૧૧૨.૨૫ રૂપિયા બંધ રહ્યો હતો. પિરામલ એન્ટરપ્રાઇઝિસનો ભાવ ૪.૨૯ ટકા, ડિવીઝ લૅબોરેટરીઝનો ૩.૫૪ ટકા અને બાયોકૉનનો ૩.૨૫ ટકા ઘટ્યો હતો.

ઑઇલ ઍન્ડ ગૅસ ઇન્ડેક્સ ૧૨૯.૫૩ ઘટીને ૮૩૩૯.૭૧ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૦માંથી ૯ કંપનીના ભાવ ઘટ્યા હતા. કેઇર્ન ઇન્ડિયાનો ભાવ સૌથી વધુ ૨.૪૮ ટકા ઘટીને ૩૧૨.૨૦ રૂપિયા બંધ રહ્યો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો ભાવ ૧.૬૮ ટકા, ભારત પેટ્રોલિયમ કૉર્પોરેશનનો ૧.૬૪ ટકા અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કૉર્પોરેશનનો ભાવ ૧.૫૮ ટકા ઘટ્યો હતો. ગઈ કાલે મુંબઈ શૅરબજારમાં ૯૭૯ શૅરના ભાવ વધ્યા હતા અને ૧૯૩૯ના ઘટ્યા હતા. માર્કેટ બ્રેડ્થ નેગેટિવ રહી હતી.

ઇન્ડોટેક ટ્રાન્સફૉર્મર્સ

ઇન્ડોટેક ટ્રાન્સફૉર્મર્સનો ભાવ ૫ ટકા ઘટીને ૧૫૯.૭૦ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ ઘટીને નીચામાં ૧૫૯.૭૦ રૂપિયા અને વધીને ઊંચામાં ૧૭૦ રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો. ૩૮.૭૨ લાખ રૂપિયાનું ટર્નઓવર રહ્યું હતું. છેલ્લાં બે સપ્તાહમાં દૈનિક સરેરાશ ૯૭૪૯ શૅરના કામકાજ સામે ગઈ કાલે ૨૩,૭૮૮ શૅરનું કામકાજ થયું હતું. કંપની મુંબઈ શૅરબજાર અને નૅશનલ સ્ટૉક એક્સચેન્જ પરથી શૅરનું ડિલિસ્ટિંગ કરવાનો પ્લાન ધરાવે છે. ડિલિસ્ટિંગ ઑફર ૨૩ જાન્યુઆરી ૨૦૧૩ના રોજ ખૂલશે અને એ ૩૦ જાન્યુઆરીએ બંધ થશે. કંપનીએ ડિલિસ્ટિંગ માટે શૅૅરદીઠ ૧૨૦ રૂપિયાનો ભાવ નક્કી કર્યો છે, જે વર્તમાન બજારભાવ કરતાં ઓછો છે. કંપનીની ઇક્વિટીમાં પબ્લિક શૅરહોલ્ડર્સનો હિસ્સો ૨૫.૬૫ ટકા છે, જ્યારે પ્રમોટર પ્રોલેક ઇન્ટરનૅશનલનો હિસ્સો ૭૪.૩૫ ટકા જેટલો છે.

જેટ ઍરવેઝ

જેટ ઍરવેઝ (ઇન્ડિયા)નો ભાવ ૭.૦૩ ટકા ઘટીને ૫૬૬.૫૦ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ ઘટીને નીચામાં ૫૬૨ રૂપિયા અને વધીને ઊંચામાં ૬૧૩.૩૦ રૂપિયાના લેવલે પહોંચ્યો હતો. ૮૬.૩૯ કરોડ રૂપિયાનું ટર્નઓવર રહ્યું હતું. છેલ્લાં બે સપ્તાહમાં દૈનિક સરેરાશ ૧૪.૪૯ લાખ શૅરના કામકાજ સામે ગઈ કાલે ૧૪.૮૮ લાખ શૅરનું કામકાજ થયું હતું. એવિયેશન રેગ્યુલેટર ડિરેક્ટરેટ જનરલ ઑફ સિવિલ એવિયેશને મંજૂર કરેલા વિન્ટર શેડ્યુલ મુજબ ૨૦૧૧ની સરખામણીએ કંપનીને ૪૦૦ ડિપાર્ચર્સ ઓછાં મળ્યાં છે. વર્તમાન વિન્ટર શેડ્યુલમાં કંપનીને ૨૫૧૫ વીકલી ફ્લાઇટ્સ માટે મંજૂરી મળી છે એવા સમાચારને પગલે ભાવ ઘટ્યો હતો.

કેઇર્ન ઇન્ડિયા

કેઇર્ન ઇન્ડિયાનો ભાવ ૨.૪૮ ટકા ઘટીને ૩૧૨.૨૦ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૩૨૦.૯૦ રૂપિયા અને ઘટીને નીચામાં ૩૦૯.૩૦ રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો. ૨૦.૩૯ કરોડ રૂપિયાનું ટર્નઓવર રહ્યું હતું. છેલ્લાં બે સપ્તાહમાં દૈનિક સરેરાશ ૩.૯૭ લાખ શૅરના ટ્રેડિંગ સામે ગઈ કાલે ૬.૫૪ લાખ શૅરનું ટ્રેડિંગ થયું હતું. કંપનીના રાજસ્થાનમાં આવેલા ભાગ્યનગર ઑઇલ ફીલ્ડમાં પ્રેશર પ્રૉબ્લેમ્સને કારણે ઉત્પાદન વધારવામાં અવરોધ આવી રહ્યો છે. કંપની થર્ડ ક્વૉર્ટરનાં પરિણામોની જાહેરાત વખતે જાન્યુઆરી ૨૦૧૩માં પ્રોડક્શન ગાઇડન્સમાં ફેરફાર કરે એવી અપેક્ષા છે.

પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ

પર્સિસ્ટન્સ સિસ્ટમ્સનો ભાવ ૪.૨૮ ટકા વધીને ૫૨૨.૦૫ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને છેલ્લા એક વર્ષના ઊંચા લેવલ ૫૩૦ રૂપિયાએ પહોંચ્યો હતો અને ઘટીને નીચામાં ૫૦૦ રૂપિયાએ પહોંચ્યો હતો. ૪૫ કરોડ રૂપિયાનું ટર્નઓવર રહ્યું હતું. છેલ્લાં બે સપ્તાહમાં દૈનિક સરેરાશ ૦.૨૪ લાખ શૅરના ટ્રેડિંગ સામે ગઈ કાલે ૮.૯૩ લાખ શૅરનું ટ્રેડિંગ થયું હતું. કંપનીએ કરેલા ડિસ્ક્લોઝર મુજબ ફૉરેન ઇãન્સ્ટટ્યુશનલ ઇન્વેસ્ટર નૉર્વેસ્ટ વેન્ચર પાર્ટનર્સે કંપનીના ૨૬.૬૦ લાખ શૅર્સનું ઓપન માર્કેટ વેચાણ કર્યું છે. આ શૅર્સ કુલ ઇક્વિટીના ૬.૬૪ ટકા જેટલા હતા.

ઓએનજીસી

જાહેર ક્ષેત્રની કંપની ઓએનજીસીએ વર્ષ ૨૦૧૨-’૧૩ માટે ૧૦૦ ટકા ઇન્ટરિમ ડિવિડન્ડની જાહેરાત કરી છે. ર્બોડ ઑફ ડિરેક્ટરે ગઈ કાલે પાંચ રૂપિયાની મૂળ કિંમત ધરાવતા શૅરદીઠ પાંચ રૂપિયાના ઇન્ટરિમ ડિવિડન્ડને મંજૂરી આપી હતી.

એફઆઇઆઇની ચોખ્ખી ખરીદી

મુંબઈ શૅરબજાર અને નૅશનલ સ્ટૉક એક્સચેન્જમાં ગઈ કાલે એફઆઇઆઇની કુલ ખરીદી ૨૬૯૧.૦૯ કરોડ રૂપિયા, કુલ વેચવાલી ૨૫૭૫.૭૪ કરોડ રૂપિયા અને ચોખ્ખી લેવાલી ૧૧૫.૩૪ કરોડ રૂપિયા જોવા મળી હતી. સ્થાનિક ફન્ડોની કુલ ખરીદી ૧૪૨૬.૦૫ કરોડ રૂપિયા, કુલ વેચવાલી ૧૧૬૭.૮૪ કરોડ રૂપિયા અને ચોખ્ખી ખરીદી ૨૫૮.૨૧ કરોડ રૂપિયા રહી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK