સહારા ઇન્ડિયાએ ન્યુ યૉર્કની પ્લાઝા હોટેલમાં ૭૫ ટકા જેટલો હિસ્સો ખરીદ્યો

Published: 4th December, 2012 06:08 IST

સહારા ઇન્ડિયાએ ન્યુ યૉર્કમાં આવેલી પ્લાઝા હોટેલનો ૭૫ ટકા હિસ્સો ખરીદ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. મિડિયાના અહેવાલ પ્રમાણે સુબ્રતો રૉય દ્વારા પ્રમોટ કરવામાં આવેલી સહારાએ ૭૫ ટકા હિસ્સા માટે ૫૭.૫ કરોડ ડૉલરની ચુકવણી કરી છે અને બાકીનો ૨૫ ટકા હિસ્સો સાઉદી રાજકુમાર અલ્વાલીદ બિન તલાલનો અંકુશ ધરાવતી કંપની કિંગડમ હોલ્ડિંગ કો પાસે છે.


આ હોટેલનું સંચાલન કરતી કંપની ફેરમોન્ટ હોટેલ્સ ઍન્ડ રિસૉર્ટ્સે જણાવ્યું હતું કે હોટેલની માલિકીમાં ફેરફાર થયા છે પરંતુ કંપનીએ આ સોદાની વધુ વિગતો આપવાનું ટાળ્યું હતું.

ફેરમોન્ટ હોટેલ્સ ઍન્ડ રિસૉર્ટ્સના પબ્લિક રિલેશન્સ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર લોરી હૉલૅન્ડે ઈ-મેઇલ દ્વારા પીટીઆઇને આપેલા જવાબમાં જણાવ્યું હતું કે ‘ફેરમોન્ટ દ્વારા સંચાલિત હોટેલ પ્લાઝાના માલિકીપણામાં તાજેતરમાં ફેરફાર થયા હતા. અત્યારે આ હોટેલની માલિકી સહારા ઇન્ડિયા પરિવાર અને કિંગ્ડમ હોલ્ડિંગ કંપની તથા પેરન્ટ કંપની ફેરમોન્ટ રેફલ્સ હોટેલ્સ ઇન્કના શૅરહોલ્ડર પાસે છે.’

આ વિશે સંપર્ક સાધવામાં આવતાં સહારા ઇન્ડિયા પરિવારના પ્રવક્તાએ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. પ્લાઝા હોટેલનું સંચાલન ફેરમોન્ટ હોટેલ્સ ઍન્ડ રિસૉર્ટ્સ પાસે જળવાઈ રહેશે. હૉલૅન્ડે કહ્યું હતું કે આ હોટેલની સફળતાને આગળ વધારવા માટે અમે નવા માલિકો સાથે કામ કરી રહ્યા છીએ. આ સોદાની વધુ વિગતો વિશે પૂછવામાં આવતાં હૉલૅન્ડે કહ્યું હતું કે ‘ફેરમોન્ટ હોટેલ્સ ઍન્ડ રિસૉર્ટ્સ આ હોટેલની ઑપરેટર છે અને આથી અમારા માલિકોની બિઝનેસ વિગતો વિશે અમે ટિપ્પણી ન કરી શકીએ.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK