વેપારીઓમાં જાગરૂકતા ફેલાવવા યોજાશે અધિવેશન

Published: 23rd November, 2011 09:11 IST

રવિવારે પુણેમાં પુણે મર્ચન્ટ્સ ચેમ્બરના નેજા હેઠળ મહારાષ્ટ્ર રાજ્યવ્યાપી વેપારી પરિષદ પૂરી થઈ હતી. આ પરિષદમાં મુંબઈ, નવી મુંબઈ, થાણે જિલ્લો, સાંગલી, સતારા, કોલ્હાપુર, રત્નાગિરિ, અહમદનગર, સોલાપુર, બીડ, નાગપુર, ચંદ્રપુર, ચિપલૂણ, માલેગાંવ, વેરાડ, નાતે પોતે, અમરાવતી, અક્કલકોટ, અકલૂજ, સંગમનેર, પંઢરપુર, પરભણી, પંચગની, નંદુરબાર, ધુળે અને પુણે જિલ્લા તેમ જ રાજ્યનાં વિવિધ સ્થળોએથી ૭૮ વેપારી સંઘટનાના ૪૦૦ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.વેપારના વિવિધ પ્રશ્નો જેમ કે ફૂડ સેફ્ટી ઍક્ટ, જકાત, સીધાં વિદેશી રોકાણ રીટેલ વેપારમાં, પૅકેજ કૉમોડિટીઝ નિયમ, માલ અને સર્વિસ-ટૅક્સ બાબતે યોજાયેલી આ પરિષદમાં પુણે મર્ચન્ટ્સ ચેમ્બરના અધ્યક્ષ અજિત શેઠિયા, કૉન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સના રાષ્ટ્રીય અધ્યક્ષ બી. સી. ભરતિયા, કૅટ મહારાષ્ટ્ર તેમ જ નવી મુંબઈ મર્ચન્ટ્સ ચેમ્બરના અધ્યક્ષ કીર્તિ રાણા, ગ્રોમાના સચિવ કાનજી ગાલા, મહારાષ્ટ્ર વેપારી સંઘના અધ્યક્ષ અતુલ શાહ, ફેડરેશન ઑફ રીટેલ ટ્રેડર્સના અધ્યક્ષ વીરેન શાહ, કૅટ તથા મહારાષ્ટ્ર ટી ફેડરેશનના અધ્યક્ષ હરેન્દ્ર શાહ, બૉમ્બે ગ્રેન સબર્બનના રમણીક છેડા, મુંબઈ મેવા મસાલા અસોસિએશનના રમેશ સાવલા, થાણે જિલ્લા હોલસેલ વ્યાપારી સંઘના અધ્યક્ષ સુરેશ ઠક્કર, ધી મુંબઈ ઘાંચી રીટેલ ઑઇલ મર્ચન્ટ્સ અસોસિએશનના એમ. આર. બિલખિયા, ફામના અધ્યક્ષ મોહન ગુરનાની, કોલ્હાપુર ચેમ્બરના પ્રદીપ કાપડિયા, સાંગલી ચેમ્બરના રામવિલાસ મુંદડા, શરદ શાહ, શાંતિલાલ ગાંધી, પુણે મર્ચન્ટ્સ ચેમ્બરના ભૂતપૂર્વ અધ્યક્ષ રાજેશ ફૂલપગર, મોહન ઓસવાલ, રાજેન્દ્ર બાઠિયા, દીપક બોરા તેમ જ ઉપાધ્યક્ષ રમેશ પટેલ હાજર રહ્યા હતા. આભારપ્રદર્શન સચિવ અશોક લોઢા દ્વારા કરવામાં આવ્યું હતું અને સૂત્રસંચાલન સચિવ નીતિન નિહાર દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

લાઇસન્સ-ફી ઓછી કરી વાજબી કરો

લાઇસન્સ આપવાની પદ્ધતિનું સરળીકરણ કરો. લાઇસન્સ નૂતનીકરણની મુદત ૩૧-૩-’૧૨ સુધી કરો તેમ જ રિન્યુઅલ કરતા કાયદાના નિયમો મુજબ જો દુકાન વ્યવસ્થાપનમાં ફેરફાર ન થતો હોય તો રિન્યુઅલ સાથે પુરાવા માગવાની માગણી ન કરવી. આ કાયદાની અમલબજાવણી કૃષિ ઉત્પન્ન બજાર સમિતિ માર્કેટોમાં ન થવી જોઈએ. અન્ન પદાર્થના વર્ગીકરણ અનુસાર દંડ હોવો જોઈએ. દંડની રકમ વ્યવહારુ તેમ જ રાષ્ટ્રીય આવકના ધોરણે હોવી જોઈએ. જ્યાં સુધી શાસન દ્વારા મૂળભૂત પાયાની સુવિધાઓ ઉપલબ્ધ ન થાય તેમ જ વેપારીઓને કાયદાની પૂર્ણ સમજણ કે પ્રશિક્ષણની વ્યવસ્થાનો સમય આપવામાં નહીં આવે ત્યાં સુધી કોઈ પણ અન્ન પદાર્થના વ્યવસાય કરનાર પર આ કાયદા મુજબ દંડ કે સજા કરવામાં ન આવવી જોઈએ. આ ફૂડ સેફ્ટી ઍક્ટ બાબત રાષ્ટ્રીય તેમ જ કેન્દ્રીય સમિતિઓમાં વેપારીઓના પ્રતિનિધિઓને સ્થાન મળવું જરૂરી છે.

જકાત નિમૂર્લન

સરકાર દ્વારા વારંવાર આશ્વાસન આપવા છતાં રાજ્ય સરકારની જકાતકર પૂર્ણપણે રદ કરવાની ટાળાટાળ ચાલુ જ છે. કોઈ પણ પ્રકારના નવા કર કે નવા ઉપકર ન લગાડતાં કે લોકલ બૉડી ટૅક્સ વગેરે ન લગાડતાં રાજ્યભરની જકાતને તાત્કાલિક પૂર્ણપણે રદ કરવી જોઈએ. મહારાષ્ટ્ર શાસને સદર પ્રશ્નનો શિયાળુસત્ર પૂર્વે નિકાલ કરવો જોઈએ.

રીટેલ વેપારમાં સીધું વિદેશી રોકાણ

આ અત્યંત સંવેદનશીલ વિષય બાબતે કેન્દ્ર સરકારે સર્વે મુખ્ય રાજકીય પક્ષોની સહમતીથી નિર્ણય લેવો યોગ્ય ગણાશે. વિદેશી રોકાણકારોને સરકાર વિશેષ સવલતો આપે છે એવી જ સમાન સવલતો અને સગવડો ભારતભરના વેપારીઓને મળવી જરૂરી છે. આ ક્ષેત્રે વિદેશી કંપનીઓને રોકાણ માટે પરવાનગી આપવાથી બેકારી વધશે એવી તમામ શક્યતાઓ  છે. રીટેલ વેપાર કરનાર વેપારીઓને સંરક્ષણ આપવા અલગ કાયદો કરવો આવશ્યક છે. મોટા પ્રમાણમાં સ્વયં રોજગાર પ્રાપ્ત કરવા પારંપરિક રીટેલ વેપારમાં સીધાં વિદેશી રોકાણને પરવાનગી ન આપવી.

પૅકિંગ કૉમોડિટીઝ બાબત નિયમ

બજાર સમિતિનાં ક્ષેત્રોમાં આ નિયમોની અમલબજાવણી કરતાં પહેલાં બજાર સમિતિઓમાં લેબલ તથા માલોની શુદ્ધતા માટેની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી. ત્યાં સુધી આ નિયમોને બજાર સમિતિ ક્ષેત્રમાં સ્થગિત રાખો. આવા નિયમો બાબતે ખેડૂતોને શિક્ષણ અને સુવિધા પૂરી પાડવી જરૂરી છે.

માલ અને સર્વિસ-ટૅક્સ

૩૧ માર્ચ ૨૦૧૨ સુધી રાજ્યભરમાં જે ખાદ્યાન્ન વસ્તુઓ કરમુક્ત શ્રેણીમાં છે એ વસ્તુઓ ભવિષ્યમાં માલ અને સર્વિસ-ટૅક્સની અમલબજાવણી પછી પણ કરમુક્ત જ રાખો. જીવનાવશ્યક ચીજવસ્તુઓ પર ગુડ્સ અને સર્વિસ-ટૅક્સ ન લગાડવો. એ વસ્તુઓ નેગેટિવ લિસ્ટમાં મૂકીને ગુડ્સ ઍન્ડ સર્વિસ-ટૅક્સની અમલબજાવણી વખતે ઇતર બધા અપ્રત્યક્ષ ટૅક્સ રદ કરવા.

વીમો અને મેડિકલ સંરક્ષણ

રાજ્યની અર્થવ્યવસ્થામાં અતિશય મોટી રકમો કોઈ પણ જાતના વળતર વગર જમા કરાવતા અલ્પ સંખ્યાના વેપારી વર્ગને શાસન દ્વારા વીમો તેમ જ મેડિકલ સંરક્ષણ આપવું જોઈએ.

ઉપરોક્ત તમામ યોગ્ય માગણીઓનો ઠરાવ એકમતે મંજૂર કર્યો છે. એ તમામ શાસન સ્તરે મોકલાવીને યોગ્ય નિરાકરણ કરવા માટે મહારાષ્ટ્રભરમાં અગ્રણી વેપારીઓની એક ઍક્શન કમિટીની નિમણૂક કરવામાં આવી છે. ટૂંક સમયમાં આ ઍક્શન કમિટીની બેઠક કોલ્હાપુર અને નાગપુરમાં યોજાશે. આ મહત્વના મુદ્દાઓ બાબતે શાસનકર્તાઓને સંયુક્ત મીટિંગો યોજવાનું ઠરાવ્યું છે. આ ઉપરાંત સરકારી બેધારી નીતિઓના ભોગ ન બનવા નાના-મોટા તમામ વેપારી વર્ગમાં જાગરૂકતા ફેલાવવા મહારાષ્ટ્રભરના વેપારીઓનું અધિવેશન બોલાવવામાં આવશે એવું કૉન્ફડરેશન ઑફ ઑલ ઇન્ડિયા મહારાષ્ટ્ર એકમના અધ્યક્ષ કીર્તિ રાણાએ જણાવ્યું હતું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK