રૂપિયાના રેલામાં શૅરબજાર રોળાયું

Published: 22nd November, 2011 10:08 IST

રૂપિયો છેવટે બાવન બતાવી ૩૨ મહિનાના નવા તળિયે પહોંચતાં પડતાને પાટુ જેવા બજારના હાલ(શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ)

ડૉલર સામે માર ખાવાનો સિલસિલો જાળવી રાખતાં રૂપિયો ૧.૩ ટકા કે ૬૮ પૈસા તૂટી બાવન પ્લસ થઈ જતાં શૅરબજારની રહીસહી તાકાત પણ હણાવા માંડી છે. તેમાં દોઢથી પોણાત્રણ ટકાનો યુરોપિયન માર્કેટ્સનો પ્રારંભિક ઘટાડો પડતા પર પાટુ બન્યો હતો. સેન્સેક્સ ૪૨૫ પૉઇન્ટ ખાબકી ગઈ કાલે છેવટે ૧૬,૦૦૦ની નીચે ૧૫,૯૪૬ તથા નિફ્ટી ૧૨૭ પૉઇન્ટ ગગડી ૪૭૭૮ બંધ આવ્યા હતા. ઇન્ટ્રા-ડેમાં શૅરઆંકે નીચામાં ૧૫,૯૦૦ની બૉટમ બતાવી હતી. સેન્સેક્સના ૩૦માંથી ૨૮ શૅર અને માર્કેટના તમામ ૨૧ ઇન્ડેક્સ નેગેટિવ ઝોનમાં હતા. બજારનું માર્કેટ કૅપ સવાલાખ કરોડ રૂપિયાના ધોવાણમાં હવે ૫૬.૧૨ લાખ કરોડ રૂપિયા થઈ ગયું હતું. ખાસ્સી નેગેટિવ માર્કેટ બ્રેડ્થમાં ૭૮૬ શૅર વધેલા હતા, સામે ૧૯૭૪ જાતો નરમ હતી. એ ગ્રુપના તો ૮૫ ટકા શૅર ડાઉન હતા. ૯૭ જાતોમાં ઉપલી સર્કિટ લાગી હતી તો ૩૦૩ શૅર મંદીની સર્કિટે બંધ હતા. સેન્સેક્સના ૨.૬ ટકાના ઘટાડા સામે મેટલ ઇન્ડેક્સ સાડાત્રણ ટકા પીગળી બાવન સપ્તાહના નવા તળિયે ગયો હતો. ત્યાર પછી બૅન્કેક્સ સવાત્રણ ટકા, રિયલ્ટી ઇન્ડેક્સ ત્રણ ટકા, પાવર ઇન્ડેક્સ ૨.૮ ટકા અને ઑટો ઇન્ડેક્સ ૨.૭ ટકા ગબડ્યા હતા. મિડ-કૅપ બેન્ચમાર્ક ૧.૯ ટકા અને સ્મોલ કૅપ ઇન્ડેક્સ ૧.૭ ટકા નરમ હતા.

આઇસીઆઇસીઆઇ બૅન્કની સૌથી વધુ અસર

ટોચની બૅન્ક સ્ટેટ બૅન્કમાં રેટિંગના ડાઉનગ્રેડ તથા ત્યાર પછી એકંદર બજારની નબળાઈ વચ્ચે ઘસારો ચાલુ રહ્યો હતો. આ શૅર ત્રણ ટકાની પીછેહઠમાં ૧૬૭૩ રૂપિયા બંધ આવ્યો હતો. ઇન્ટ્રા-ડેમાં તેમાં ૧૬૫૭ રૂપિયાની વર્ષની નવી બૉટમ બની હતી. બૅન્કેક્સ સવાત્રણ ટકા ડાઉન હતો અને ૯૮૩૧ના વર્ષના તળિયે ગયો હતો. એના તમામ ૪૧ શૅર માઇનસમાં હતા. આંધ્ર બૅન્ક, દેના બૅન્ક, આઇસીઆઇસીઆઇ બૅન્ક, આઇડીબીઆઇ બૅન્ક, સ્ટેટ બૅન્ક ઑફ ત્રાવણકોર, સ્ટેટ બૅન્ક ઑફ માયસોર, વિજયા બૅન્કમાં બાવન  સપ્તાહની નવી બૉટમ બની હતી. આઇસીઆઇસીઆઇ બૅન્ક સર્વાધિક ૪.૩ ટકા ઘટીને ૭૩૨ રૂપિયા બંધ રહેતાં સેન્સેક્સને સૌથી વધુ એવો ૫૪ પૉઇન્ટનો માર પડ્યો હતો. એચડીએફસી બૅન્કે ૨.૮ ટકાના ઘટાડામાં ૪૪૪ રૂપિયાનો બંધ આપી એમાં ૩૦ પૉઇન્ટનો અને એસબીઆઇ થકી ૧૮ પૉઇન્ટનો ઉમેરો થયો હતો. હેવીવેઇટ્સ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૨૧ રૂપિયાની નરમાઈમાં ૭૮૭ રૂપિયા નજીક બંધ આવ્યો હતો. આના લીધે બજારને ૪૭ પૉઇન્ટની હાનિ થઈ હતી. તાતા મોટર્સ ૫.૨ ટકાના કડાકામાં ૧૬૧ રૂપિયા બંધ હતો, જે ટકાવારી ઘટાડાની રીતે સેન્સેક્સ શૅરોમાં સૌથી વધુ હતો. તાતા સ્ટીલે ત્રણ ટકાની પીઠહેઠ સાથે ૩૮૦ રૂપિયાનો બંધ તથા ઇન્ટ્રા-ડેમાં ૩૭૮ રૂપિયાનો ભાવ બતાવી વર્ષની નવી નીચી સપાટી જોઈ હતી. સન ફાર્મા અને મારુતિ સુઝુકીના નહીંવત્ સુધારાને બાદ કરતાં સેન્સેક્સના ૩૦માંથી ૨૮ શૅર નેગેટિવ ઝોનમાં બંધ હતા. ઇન્ફોસિસ ૨.૯ ટકા ઘટી ૨૬૬૧ રૂપિયા બંધ હતો. એનાથી બજારને ૪૭ પૉઇન્ટનો માર પડ્યો હતો.

રિયલ્ટી પર રોજ હથોડા પડે છે

રિયલ્ટી ઇન્ડેક્સની રોજ બાવન સપ્તાહની નવી બૉટમ બનાવવાનું ચાલુ હતું. ગઈ કાલે આ બેન્ચમાર્ક ૧૫૫૧ થયો હતો. સપ્તાહમાં બાર ટકા તૂટેલા આ ઇન્ડેક્સના ૧૪માંથી ત્રણ શૅર પ્લસ હતા, જેમાં પેનિન્સુલા લૅન્ડ, ઑબેરૉય રિયલ્ટી તથા શોભા ડેવલપર્સ સામેલ છે. સામે અનંતરાજ ઇન્ડસ્ટ્રીઝ સાત ટકા તૂટી ૪૩ રૂપિયાની નીચે વર્ષના નવા તળિયે ગયો હતો. ડીએલએફ ૫.૨ ટકા ઘટીને ૧૯૩ રૂપિયા, પાશ્ર્વનાથ ડેવલપર્સ પાંચ ટકા ગગડી પંચાવન રૂપિયા, એચડીઆઇએલ સાડાચાર ટકાના ઘટાડે ૬૯ રૂપિયા થયા હતા. ઇન્ડિયાબુલ્સ રિયલ્ટી ૩.૭ ટકા, ડીબી રિયલ્ટી ૩.૨ ટકા, યુનિટેક ૨.૫ ટકા, ગોદરેજ પ્રૉપર્ટીઝ ૨.૩ ટકા ડાઉન હતા.

કેઇર્ન છ ટકા તૂટ્યો

વિશ્વબજારમાં ક્રૂડ દોઢ ટકાથી વધુ ઘટીને બેરલદીઠ ૯૬ ડૉલર આવી જતાં એની સાહજિક અસર ક્રૂડ-ઉત્પાદક શૅરોને થાય જ. કેઇર્ન ઇન્ડિયા સોમવારે બમણા વૉલ્યુમમાં છ ટકાથી વધુ લપસીને ૨૮૮ રૂપિયા બોલાયો હતો. ઑઇલ-ગૅસ ઇન્ડેક્સના તમામ ૧૦ શૅર નરમ હતા. એસ્સાર ઑઇલ્સે સાડાત્રણ ટકાની પીછેહઠમાં ૭૦.૫૦ રૂપિયા તથા ભારત પેટ્રોએ પણ લગભગ આટલા જ ઘટાડામાં ૪૯૬ રૂપિયાની વર્ષની નીચી સપાટી નોંધાવી હતી. ઑઇલ ઇન્ડિયાએ બે ટકાની નરમાશે ૧૧૯૮ રૂપિયાની વર્ષની બૉટમ બતાવી હતી. ઓએનજીસી પોણાબે ટકા, ગેઇલ સવાબે ટકા, આઇઓસી અડધો ટકો, પેટ્રોનેટ એલએનજી બે ટકાથી વધુ ખરાબ હતા.

કિંગફિશરમાં એલઆઇસી હિસ્સો લેશે?

કિંગફિશર ઍરલાઇન્સમાં એલઆઇસી આશરે ૧૦૦-૧૨૫ કરોડ રૂપિયામાં ૧૦ ટકા હિસ્સો લેશે એવા અહેવાલમાં શૅર ઇન્ટ્રા-ડેમાં ચારેક ટકા વધી પચીસ રૂપિયા થયો હતો. જોકે પાછળથી સાર્વત્રિક ખરાબીમાં સુધારો ધોવાઈ જતાં નીચામાં ૨૩.૭૦ રૂપિયાની બૉટમ બની હતી, તો જેટ ઍરવેઝ દિવસ દરમ્યાન સાતેક ટકા ઘટી ૨૩૭ રૂપિયા બોલાયો હતો. સ્પાઇસ જેટ ચાર ટકાની નબળાઈમાં ૨૧ રૂપિયાની નીચે ચાલી ગયો હતો. કિંગફિશરના ડેબ્ટ-રીસ્ટ્રક્ચરિંગની કારવાઈ હાથ ધરવાની હિલચાલમાં આ કાઉન્ટર ૧૯ રૂપિયાની ઑલટાઇમ નીચી સપાટી બાદ ગણતરીના દિવસોમાં ૩૦ ટકા જેટલો વધ્યો હતો. જોકે બજારનું ખરાબ માનસ હોવાથી રીસ્ટ્રક્ચરિંગ બ્લુની અસર જસદી ઓસરવા માંડશે એવી ધારણા છે.

જૅપનીઝ માર્કેટ ૩૨ માસના તળિયે

એશિયન શૅરબજારો સળંગ પાંચમા દિવસે પાછાં પડ્યાં હતાં. એમાંય જૅપનીઝ નિક્કી ૮૩૪૮ બંધ આવ્યો, જે ૩૧ માર્ચ ૨૦૦૯ પછીનું નવું તળિયું હતું. જોકે પૉઇન્ટની રીતે આ માર્કેટ ૨૬ પૉઇન્ટ કે ૦.૩ ટકા જ ડાઉન હતું. એશિયા ખાતે તાઇવાનીઝ ત્વેસી ઇન્ડેક્સ ૨.૭ ટકાના સર્વાધિક ઘટાડામાં બંધ આવ્યો હતો. ગઈ કાલે ઇન્ડોનેશિયન માર્કેટ બે ટકા, થાઇલૅન્ડનું બજાર ૧.૮ ટકા, હૉન્ગકૉન્ગ દોઢ ટકો, સિંગાપોર તથા કોરિયન બજારો એક ટકો ડાઉન હતાં. ચાઇનીઝ શૅરમાર્કેટ સૌથી ઓછા એવા ૦.૧ ટકા નરમ હતું. અમેરિકા ખાતે બજેટકાપ વિશેની ગડમથલ ચાલુ રહેવાથી ક્રેડિટ રેટિંગ એજન્સીઝ દ્વારા યુએસના ડાઉનરેટિંગની આશંકામાં યુરોપિયન શૅરબજારો નબળા ઓપનિંગ પછી સતત ત્રીજા દિવસે ડાઉનવર્ડ હતાં. ત્યાંનાં અગ્રણી શૅરબજારો દોઢ ટકાથી લઈ અઢી ટકા નીચે ઊતરી જવાના સમાચારથી ઘરઆંગણે દલાલસ્ટ્રીટમાં એક તબક્કે વેચવાલીનું જબરું જોર પાછલા સત્રમાં દેખાયું હતું.

એફઆઇઆઇની ચોખ્ખી વેચવાલી

મુંબઈ શૅરબજાર અને નૅશનલ સ્ટૉક એક્સચેન્જમાં ગઈ કાલે એફઆઇઆઇ (ફૉરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટરો)ની કુલ ખરીદી ૧૮૮૬.૪૯ કરોડ રૂપિયા, કુલ વેચવાલી ૨૬૨૯.૫૧ કરોડ રૂપિયા અને ચોખ્ખી વેચવાલી ૭૪૩.૦૨ કરોડ રૂપિયા જોવા મળી હતી. સ્થાનિક ફન્ડોની કુલ ખરીદી ૧૩૫૧.૩૬ કરોડ રૂપિયા, કુલ વેચવાલી ૭૫૫.૮૦ કરોડ રૂપિયા અને ચોખ્ખી ખરીદી ૫૯૫.૫૫ કરોડ રૂપિયા રહી હતી.
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK