Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > બજાર વિશેના નેગેટિવ ભ્રમમાંથી બહાર આવવાનો સંકલ્પ કરીએ

બજાર વિશેના નેગેટિવ ભ્રમમાંથી બહાર આવવાનો સંકલ્પ કરીએ

31 October, 2011 07:56 PM IST |

બજાર વિશેના નેગેટિવ ભ્રમમાંથી બહાર આવવાનો સંકલ્પ કરીએ

બજાર વિશેના નેગેટિવ ભ્રમમાંથી બહાર આવવાનો સંકલ્પ કરીએ


 

(શૅરબજારની સાદી વાત - જયેશ ચિતલિયા)



આટલી ભવ્ય વિશાળ વસ્તીવાળા દેશમાં અર્થતંત્ર પણ વિશાળ તો છે અને એનો ગ્રોથ રેટ પણ સારો કહી શકાય એવો છે, આપણા દેશમાં ભવ્ય શૅરબજારો છે. વિશ્વમાં ગૌરવ લઈ શકાય એવો ઊંચો બચતદર પણ છે, તેમ છતાં શૅરબજારની વાત આવે ત્યારે માંડ એક ટકો વસ્તી (એક કે સવા કરોડ લોકો) આ બજારમાં સીધું રોકાણ ધરાવે છે, જેનું કારણ એ છે કે શૅરબજાર વિશે અનેક ભયભીત કરતી ભ્રમણા તો છે જ, તદુપરાંત ખોટા અને અવાસ્તવિક ખ્યાલો પણ છે, જેને લીધે લાખો લોકો આજે પણ શૅરબજારથી દૂર છે કે પછી શૅરબજારમાં આવતાં ખચકાય છે. આમ કરીને લોકો એક સારું વળતર આપી શકતા બજાર કે માર્ગને ચૂકી જાય છે. તાજેતરમાં પસાર થયેલા નવા વર્ષ નિમિત્તે આપણે આ વખતે શૅરબજાર માટેની ખોટી ભ્રમણાઓમાંથી બહાર નીકળવાનો સંકલ્પ કરવા કેટલીક સાદી વાતોને સમજીએ.

દરેકના અનુભવો જુદા-જુદા હોઈ શકે, પરંતુ આપણે અહીં સામાન્ય લોકોમાં પ્રવર્તતી કે ફેલાતી રહેતી કેટલીક ગેરસમજ અથવા ખોટા ખ્યાલ પર નજર કરીએ અને તેનાં કારણો સમજવાનો પ્રયાસ કરીએ. કદાચ એ પછી આપણને નવા ઉપાય સૂઝે કે માર્ગ દેખાય એવું બની શકે.

બજાર ખૂબ જ જોખમી છે, એમાં ન પડાય

હા, શૅરબજાર જોખમી છે અને રહેશે, પરંતુ જોખમ ક્યાં નથી? ફરક માત્ર જોખમની માત્રાનો રહે છે. શૅરબજારમાં વધુપડતો સટ્ટો કરો તો ચોક્કસ જોખમ હોય છે ત્યાં વળતર પણ ઊંચું રહે છે, પરંતુ અમે તો કહીએ છીએ કે ગોળી મારો ઊંચા વળતરને! તમારી મૂડી સલામત રહેતી હોય અને વાજબી વળતર પણ મળતું હોય તો શું ખોટું છે? યસ, શૅરબજારમાં એ સંભવ છે, જે માટે શૅરની પસંદગી તેમ જ સમયગાળો વધુ મહત્વનાં બની રહે છે. એટલું જ નહીં, શૅરો સિવાયનાં સાધનો પણ છે, જે તમને સારા-વાજબી સાથે ઓછા જોખમે ઑફર થાય છે, પણ શૅરબજાર એ માત્ર જોખમી જ છે એવા ભ્રમમાંથી પહેલાં બહાર આવવું બહેતર છે.

બજાર એટલે કેવળ ગરબડ-ગોટાળા કે સ્કૅમ

શૅરબજારને સ્કૅમનું કલંક કાયમ લાગેલું રહે છે. દર થોડાં વર્ષે એવી ઘટના બને છે, જે સ્કેમ ગણાય છે અથવા સ્કૅમ જ હોય છે, પરંતુ ખરેખર તો આવી ઘટનાઓથી દુનિયાના કોઈ માર્કેટ કે એક્સચેન્જ મુક્ત નથી. બધે જ આવું બને છે. સવાલ માત્ર શૅરબજારનો જ નથી હોતો, દરેક બજારમાં કંઈક એવું બનતું રહે છે. ડાયમન્ડ હોય કે દાણાબંદર હોય, સ્કૅમનાં નામ અને સ્વરૂપ બદલાય છે. બાકી એને લીધે એ બજારની સારી બાબતો છોડી દેવામાં શાણપણ નથી, તેમ છતાં આપણે શૅરબજારના સ્કૅમથી મુક્ત પણ રહી શકીએ છીએ. સ્કૅમમાં ફસાવા માટે ક્યાંક આપણે પણ જવાબદાર તો હોઈએ જ છીએ. હર્ષદ મહેતા વખતે કે કેતન પારેખ વખતે જે ગાંડપણ ચાલ્યું હતું એમાં બધાને રાતોરાત લાખોપતિ થઈ જવું હતું. હર્ષદ મહેતા ખરીદે છે એટલે આપણે લો, કે પછી કે. પી. ખરીદે એટલે આપણે પણ એ શૅરો જમા કરવાના, આવી ટોળાશાહીમાં ભલભલા ઊતરી ગયા હતા, જેમણે એ વખતે પોતાની બુદ્ધિ વેચી નાખી હતી. કોઈ પણ સ્કૅમમાં ફસાયેલા બધા જ રોકાણકારો સાવ નિર્દોષ હોતા નથી. અલબત્ત, આમાં બજાર તૂટી ગયું ત્યારે નિર્દોષ રોકાણકારોએ પણ સહન કરવાનું આવ્યું એ ખરું, પરંતુ સારા શૅરો - મજબૂત કામગીરીવાળી કંપનીઓના શૅરોના ભાવો પાછા ફરી ગયા હતા એ પણ યાદ રાખવું. બીજું અનેક શાણા રોકાણકારો એ વખતે ટોળામાં નહીં ભળીને પોતાની શિસ્ત, વ્યૂહરચના અને નિર્ણયને વળગી રહ્યા તેમને કંઈ થયું નહીં, અને હા, આવાં સ્કૅમ કેટલાં થયાં? કેટલાં વર્ષે થયાં? શું એને કારણે આખું બજાર જ સ્કૅમ છે એવું માની લેવું વાજબી છે? યાદ રહે, સ્કૅમ પછી ઘટેલા ભાવોએ બજારમાં પ્રવેશેલા અનેક લોકો ભરપૂર કમાયા પણ હતા અને હા, આજે પણ બજાર ક્યાં છે એ તમારી નજર સામે છે.

શૅરબજાર એટલે માત્ર સટ્ટો કે જુગાર

આ સટ્ટો શબ્દ પણ બદનામ છે, જ્યારે સટ્ટાની પણ પોતાની એક ખાસિયત હોય છે. આ જોખમ લેનારાને લીધે તો માર્કેટ રસપ્રદ અને રોમાંચક બને છે. હા, સટ્ટાનો અતિરેક ખોટો અને ગેરવાજબી હોઈ શકે. બાકી તંદુરસ્ત સટ્ટો જરૂરી પણ છે. અહીં ફિલોસૉફરો એમ પણ કહી શકે કે એમ તો જિંદગી પણ એક સટ્ટો જ છેને, વળી કોઈ અપરિણીત એમ પણ કહે કે લગ્ન બી તો સટ્ટો જ કહેવાયને! જ્યાં તમે લૉસ પણ બુક નથી કરી શકતા અને કરો તોય આખી જિંદગી એ કૅરી ફૉર્વર્ડ થાય છે... ખેર, આપણે શૅરબજારના સટ્ટાની વાત પર આવી જઈએ તો એ યાદ રાખવું જરૂરી છે કે આપણા પોતાના પર આ વાત વધુ નર્ભિર રહે છે કે આપણે શૅરબજારમાં શું કરવું છે? ઇન્વેસ્ટમેન્ટ કે સટ્ટો? આપણા વ્યવહારને આધારે નક્કી થાય છે કે આપણે સટ્ટો કરી રહ્યા છીએ કે રોકાણ? જો આપણે સતત લે-વેચ કરી રહ્યા છીએ કે થોડા દિવસમાં જ ખરીદીને વેચી દેવાના વ્યવહાર કરી રહ્યા છીએ તો આપણે પણ સટોડિયા જ કહેવાઈએ. જેઓ સટ્ટો જ વધુ કરે છે તેના માટે શૅરબજાર સટ્ટાબજાર છે અને જેઓ રોકાણ કરે છે તેના માટે એ ઇન્વેસ્ટમેન્ટ માર્કેટ છે. શૅરબજાર વિશેની વધુ કેટલીક ભ્રમણા અને ગેરસમજની ચર્ચા આવતા સોમવારે કરીશું.


Whatsapp-channel Whatsapp-channel

31 October, 2011 07:56 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK