છેલ્લા ૧૯ મહિનામાં આ ૧૩મો વધારો છે. વ્યાજદરના આ વધારાથી રાબેતા મુજબ હોમલોન, પર્સનલ લોન, વાહનલોન સહિત બૅન્ક ધિરાણદરનું સમગ્ર માળખું એકંદરે વત્તે-ઓછે અંશે ઊંચકાશે. અર્થાત્ લોન મોંઘી બનશે. ઑટો, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, રિયલ્ટી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ફાઇનૅન્સ વગેરે જેવાં ઇન્ટરેસ્ટ-સેન્સિટિવ સેક્ટર્સની કઠણાઈ વધશે એ બધી વાત સાચી. આમ છતાં નાણાનીતિની આગામી સમીક્ષા જે ૧૬ ડિસેમ્બરના રોજ નિર્ધારવામાં આવી છે એ વખતે વ્યાજદરના વધારાનો શિરસ્તો અટકાવાશે એવી રિઝર્વ બૅન્કની લેખિત બાંયધરી જબરી મનોવૈજ્ઞાનિક અસર કરી છે. વ્યાજદરમાં વધારાની તાત્કાલિક પીડા એમાં વીસરાઈ ગઈ છે.
ખાસ્સી અફડાતફડી
આગલા બંધની તુલનાએ આશરે ૭૪ પૉઇન્ટ પર ગૅપમાં ખૂલ્યા પછી શૅરબજાર ધિરાણનીતિ પૂર્વે ૧૮૫ પૉઇન્ટના વધારામાં ઉપરમાં ૧૭,૧૨૪ થયું હતું. વ્યાજદરનો વધારો તથા સેવિંગ્સ રેટના ડીરેગ્યુલેશનના સમાચાર આવતાંની સાથે જ દસેક મિનિટમાં જ ત્યાંથી ૨૨૪ પૉઇન્ટ ગગડી નીચામાં ૧૬,૯૦૦ થયું હતું. બાદમાં આઘાત પચાવી એક વાગ્યા પછી એકધારી અપવર્ડ મૂવમેન્ટ કામે લાગી બજાર બંધ થવાના ટાંકણે સેન્સેક્સ ૧૭,૩૦૪ પૉઇન્ટની ટોચે પહોંચ્યો હતો, જે ઇન્ટ્રા-ડે બૉટમથી ૪૦૪ પૉઇન્ટનો ઉછાળો કહી શકાય. બજાર છેલ્લે ૧.૯ ટકા કે ૩૧૫ પૉઇન્ટની મજબૂતીમાં ૧૭,૨૫૫ નજીક તથા નિફ્ટી ૯૩ પૉઇન્ટની તેજીમાં ૫૧૯૧ પર
બંધ હતા. સેન્સેક્સના ૩૦માંથી માત્ર ત્રણ શૅર તથા માર્કેટના ૨૧માંથી પાંચ બેન્ચમાર્ક માઇનસમાં હતા. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઇન્ડેક્સ સર્વાધિક ત્રણેક ટકા તૂટ્યો હતો. બૅન્કેક્સ સવા ટકો ડાઉન હતો. સ્મૉલ કૅપ, આઇપીઓ અને પીએસયુ ઇન્ડેક્સ નહીંવત્ ઘટીને બંધ હતા. માર્કેટ બ્રેડ્થમાં ૫૦:૫૦નો રંગ હતો. ૧૩૭૫ શૅર વધેલા હતા, ૧૩૭૪ જાતો નરમ હતી. એ ગ્રુપના ૬૬ ટકાની સામે રોકડામાં વધેલા શૅરનું પ્રમાણ માંડ ૪૬ ટકા હતું. મતલબ કે ગઈ કાલની તેજીનો દોર અગ્રણી ચલણી શૅરોના હાથમાં હતો. રોકડું એકંદર ઠંડું હતું. ૧૫૭ શૅરમાં તેજીની તો ૧૭૬ જાતોમાં મંદીની સર્કિટ લાગેલી હતી.
રિલાયન્સ માર્કેટ-લીડર
બજારનું માર્કેટકૅપ ગઈ કાલે ૫૯,૦૦૦ કરોડ રૂપિયા વધી ૬૦.૮૮ લાખ કરોડ રૂપિયા થયું હતું. સેન્સેક્સના ૩૧૫ પૉઇન્ટ કે ૧.૯ ટકાના ઉછાળાની તુલનામાં આ વધારો ઓછો કહી શકાય. ઑટો ઇન્ડેક્સ ત્રણ ટકા, આઇટી ઇન્ડેક્સ ૨.૭ ટકા, ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ સવાબે ટકા, ટેક્નૉલૉજી ઇન્ડેક્સ ૨.૨ ટકા, મેટલ તથા કૅપિટલ ગુડ્ઝ બેન્ચમાર્ક ૧.૯ ટકા અપ હતા. મિડ કૅપ ઇન્ડેક્સ ફક્ત ૦.૪ ટકા વધ્યો હતો તો સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ૦.૧ ટકા નજીક નરમ હતો. હેવીવેઇટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સાડાત્રણ ટકાના જમ્પમાં ૮૭૫ રૂપિયા બંધ આવતાં સેન્સેક્સને સર્વાધિક ૬૪ પૉઇન્ટનો ફાયદો થયો હતો. ઇન્ફોસિસે ત્રણ ટકાથી વધુની તેજીમાં ૨૮૫૩ રૂપિયાનો બંધ આપી બાવન પૉઇન્ટ પ્રદાન કર્યા હતા. એચડીએફસી સવાચાર ટકા ઊછળતાં (૬૬૮ રૂપિયા બંધ) બજારને બીજા ૪૫ પૉઇન્ટ મળ્યા હતા. આમ અડધોઅડધ તેજી આ ત્રણ શૅરો થકી થઈ હતી. એચડીએફસી બૅન્ક
ઇન્ટ્રા-ડેમાં સાત ટકા તૂટ્યા પછી છેવટે ત્રણ ટકાની નરમાઈમાં તથા એસબીઆઇ સાડાત્રણ ટકાની નરમાઈમાં બંધ આવતાં આ બન્ને શૅરોએ લગભગ ૬૦ પૉઇન્ટનો માર માર્યો હતો. ભેલ એક ટકો ડાઉન હતો. કોલ ઇન્ડિયા જૈસે થે હતો.
એફઆઇઆઇની ચોખ્ખી ખરીદી
મુંબઈ શૅરબજાર અને નૅશનલ સ્ટૉક એક્સચેન્જમાં ગઈ કાલે એફઆઇઆઇ (ફૉરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટરો)ની કુલ ખરીદી ૩૬૭૮.૦૭ કરોડ રૂપિયા, કુલ વેચવાલી ૩૨૩૩.૩૧ કરોડ રૂપિયા અને ચોખ્ખી લેવાલી ૪૪૪.૭૬ કરોડ રૂપિયા રહી હતી. સ્થાનિક ફન્ડોની કુલ ખરીદી ૧૩૪૧.૪૫ કરોડ રૂપિયા, કુલ વેચવાલી ૨૨૨૦.૯૧ કરોડ રૂપિયા અને ચોખ્ખી વેચવાલી ૮૭૯.૪૬ કરોડ રૂપિયા જોવા મળી હતી.