Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ૨૦ લાખ કરોડ રૂપિયા : આત્મનિર્ભર ભારત પૅકેજ

૨૦ લાખ કરોડ રૂપિયા : આત્મનિર્ભર ભારત પૅકેજ

16 May, 2020 10:52 AM IST | Mumbai Desk
Mumbai Correspondence

૨૦ લાખ કરોડ રૂપિયા : આત્મનિર્ભર ભારત પૅકેજ

નિર્મલા સીતારમણ

નિર્મલા સીતારમણ


વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ૨૦ લાખ કરોડ રૂપિયાના આર્થિક પૅકેજની જાહેરાત કરી કોરોના વાઇરસની આફતને અવસરમાં બદલી દેશને આત્મનિર્ભર બનાવવાની વાત કરી હતી. બુધવારે આત્મનિર્ભરના પ્રથમ તબક્કા બાદ આજે નાણાપ્રધાન નિર્મલા સીતારમણે વધુ ૭૫ મિનિટ ચાલેલી પત્રકાર પરિષદમાં બીજા તબક્કાની ઘોષણા કરી હતી.

પ્રથમ ઘોષણામાં ૫,૯૪,૨૫૦ કરોડ રૂપિયાના પૅકેજમાં કેન્દ્રની તિજોરી ઉપર માત્ર ૨૩,૨૫૦ કરોડ રૂપિયાનો બોજ હતો અને બાકીની ૫,૭૧,૦૦૦ કરોડ રૂપિયાની રકમ પરોક્ષ રીતે આવવાની હતી. બીજા પૅકેજની જાહેરાતમાં પણ ૩.૧૬ લાખ કરોડ રૂપિયાની જાહેરાતમાં સરકાર ઉપર માત્ર૧૦,૦૦૦ કરોડ રૂપિયાનો બોજ આવવાનો છે. બાકીની રકમ અન્યત્રથી ઊભી થશે અથવા તો ખાનગી રોકાણ છે. આજે ત્રીજા પૅકેજની જાહેરાતોમાં ૧.૬૩ લાખ કરોડ રૂપિયાની જાહેરાતો છે. મોટા ભાગના ફંડ્સ લાંબા ગાળાના આયોજન હોવાથી એક જ વર્ષમાં કેન્દ્રના બજેટ ઉપર તેની અસર પડે એવું લાગી રહ્યું નથી.



આ સાથે ત્રણ પૅકેજ ભેગા મળી કુલ ૨૦ લાખ કરોડ રૂપિયામાંથી ૧૭.૬૭ લાખ કરોડ રૂપિયાની જાહેરાત થઈ ચૂકી છે (સરકારે કોઈ સ્પષ્ટતા નથી કરી, પણ રિઝર્વ બૅન્કે જાહેર કરેલા પગલાં ઉમેરી લેવામાં આવ્યા છે). હવે માત્ર ૨.૩૩ લાખ કરોડ રૂપિયાના પૅકેજ બાકી છે. આજની પત્રકાર પરિષદ ઉપરથી લાગી રહ્યું છે કે હજુ બે તબક્કામાં જાહેરાત થવાની બાકી છે. કેન્દ્ર સરકારની તંગ નાણાકીય હાલત, કરની ઘટી રહેલી આવક અને વિકરાળ ખાધના કારણે બજેટ ઉપર બોજ પડે નહીં એ પ્રકારે રાહતનો પીટારો ખૂલી રહ્યો છે. આજની જાહેરાતોમાં પણ મોટા ભાગની રકમ બૅન્કો અને અન્ય એજન્સી દ્વારા ફાળવવામાં આવી હોવાથી સરકારની તિજોરી ઉપર બોજ પડશે નહીં.


પ્રથમ બે તબક્કાની જાહેરાતો, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પૅકેજ અને રિઝર્વ બૅન્કનાં પગલાંઓમાં નાણાં પ્રવાહિતા ઊભી કરવાની કે લોકોને રાહત આપવાની જ વાત છે. બેસી ગયેલા અર્થતંત્રને બેઠું કરે તે પ્રકારે મૂડીરોકાણ આવે, માગ વધે એવાં પગલાંનો અભાવ જોવા મળી રહ્યો છે. આત્મનિર્ભર ભારતના મોરચે ભારતમાં વધુ ઉત્પાદન થાય, ભારતીય ઉત્પાદકો વધુ સક્ષમ બને, વૈશ્વિક સ્પર્ધામાં વધુ સજ્જ બને એવાં કોઈ પગલાં છે જ નહીં.

આજની જાહેરાતોમાં કૃષિ, પશુપાલન અને મત્સ્યોદ્યોગ માટે જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે આ સિવાય આવશ્યક ચીજવસ્તુ કાયદો (એસેન્શીયલ કૉમોડિટી એક્ટ)માં સુધારો કરવા, ખેડૂતો સરહદ કે સીમા વગર કોઈ પણ સ્થળે પોતાનું ઉત્પાદન વેચી શકે અને કેટલું ઉત્પાદન કરવું, ક્યાં ભાવ મળશે એવા આયોજન માટે કાયદાકીય સુધારાઓ જાહેર કરવામાં આવ્યા છે. આ એક સારો ઉદ્દેશ છે પણ તેના માટે કાયદો ઘડવાનો, દરેક રાજ્યોને તેમાં સામેલ કરવા (કારણ કે કૃષિ બંધારણીય રીતે રાજ્યોનો વિષય છે) અને તે અંગે રાજકીય સહમતી બનાવવી એક લાંબા ગાળાની વાત છે.


૧ લાખ કરોડ રૂપિયાનું ફંડ : ઉત્પાદન પછીના માળખા માટે
ખેડૂતો ખેતરમાંથી ઉત્પાદન કરે અને તેના સંગ્રહ, તેનું વિતરણ કોલ્ડ સ્ટોરેજ, પ્રોસેસિંગ માટે આ ફંડની જાહેરાત કરવામાં આવી છે. આ ફંડ પ્રાથમિક કૃષિ સહકારી મંડળી, ફાર્મર પ્રોડ્યુસ ઓર્ગેનાઈઝેશન, કૃષિ ઉદ્યોગ સાહસિકોને આ માળખું ઊભું કરવા માટે આપવામાં આવશે. આ ફંડ તાકીદે ઊભું કરવામાં આવશે એવી નાણાપ્રધાન સીતારમણે જાહેરાત કરી હતી.

૨૦,૦૦૦ કરોડ રૂપિયા માછીમારો માટે
આ યોજના હેઠળ મત્સ્યોદ્યોગ ક્ષેત્રમાં પ્રધાનમંત્રી મત્સ્યસંપદા યોજના શરૂ કરવામાં આવશે. જેમાં ૧૧,૦૦૦ કરોડ રૂપિયાની રકમ માછીમારી માટે અને ૯૦૦૦ કરોડ રૂપિયાની રકમ કૉલ્ડ ચેન, હાર્બર વગેરે ઊભી કરવામાં વપરાશે.

૧૩,૩૪૩ કરોડ રૂપિયાના ખર્ચે પશુઓમાં વેક્સિન
કેન્દ્રની વર્તમાન યોજના છે. આ યોજના હેઠળ દેશનાં પશુઓને ફૂટ એન્ડ માઉથ રોગથી બચાવવા માટે તેમને રસી આપવામાં આવે છે. અત્યારે ૧.૫ કરોડ પશુઓને રસી આપવામાં આવી છે.

પશુપાલનમાં માળખું ઊભું કરવા ૧૫,૦૦૦ કરોડ રૂપિયા
આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર ડેરી, પ્રોસેસિંગ, કેડલ ફીડ વગેરે ક્ષેત્રમાં વધારે મોટું માળખું ઊભું કરશે જેથી દૂધ, દૂધની બનાવટો, તેનો સંગ્રહ, તેમાં વેલ્યુ એડિશન કરી શકાય.

સંગ્રહના નિયંત્રણ નાબૂદ થશે
કેન્દ્ર સરકારે એસેન્શિયલ કૉમોડિટી એક્ટમાં સુધારો કરવાની જાહેરાત કરી છે. આ માટે સમય લાગશે પણ તેમાં અનાજ, કઠોળ, તેલીબિયાં, કાંદા, બટેટા ઉપરના સંગ્રહના દરેક નિયંત્રણ હટાવી લેવાની જાહેરાત કરવામાં આવી છે. આ નિયંત્રણ ઉત્પાદક, નિકાસકાર, પ્રોસેસરને તેના સંગ્રહની છૂટ મળશે. માત્ર આકસ્મિક સંજોગો કે બહુ ઊંચા ભાવ થાય ત્યારે જ આ નિયંત્રણ લાગુ થશે.

ખેડૂતને વેચાણ માટે સ્વતંત્રતા માટે નવો કાયદો
અત્યારે ખેડૂત પરવાનેદારોને અને એક નિશ્ચિત રાજ્યમાં જ પોતાની પેદાશ વેચી શકે છે. કેન્દ્ર સરકારે એક નવો કેન્દ્રીય કાયદો લાવવાની જાહેરાત કરી છે. આ જાહેરાતથી ખેડૂત એક રાજ્યથી બીજા રાજ્યમાં અને પરવાનો હોય નહીં તેને પણ પોતાનો માલ વેચી શકશે. આ કાયદા હેઠળ ઑનલાઈન વેચાણ પણ શક્ય બનશે. કૃષિ અને સહકાર રાજ્યનો વિષય છે એમાં આ કેન્દ્રીય કાયદો કઈ રીતે સરકાર લાવશે તે જોવાનું રહ્યું.

સમાપન : તાકીદે કોઈ ફાયદો નહીં, લાંબાગાળાનું આયોજન
આજની જાહેરાતોમાં તાકીદે, વર્તમાન પરિસ્થિતિમાં ખેડૂતો, પશુપાલકોને કે માછીમારોને કોઈ સીધો ફાયદો થશે નહીં. આ જાહેરાતો યોગ્ય રીતે અમલમાં આવશે તો લાંબાગાળે તેનો ફાયદો મળશે. આ કૃષિ ક્ષેત્રમાં સુધારણા માટે – ખાસ કરીને કૃષિ ઉત્પાદન, વેચાણ, સંગ્રહ અને ભાવ નિયત કરવાની પ્રણાલીમાં સુધારણાની દિશામાં પગલાં છે.
જે રીતે ફંડ્સની જાહેરાત કરવામાં આવી છે તેના ઉપરથી લાગી રહ્યું છે કે કેન્દ્રના બજેટ ઉપર તેનો સીધો કે મોટો કોઈ બોજ આવશે નહીં. આ યોજનાઓનો ખર્ચ વર્તમાન અને આગામી વર્ષોના બજેટમાંથી એકત્ર કરવામાં આવશે.

Whatsapp-channel Whatsapp-channel

16 May, 2020 10:52 AM IST | Mumbai Desk | Mumbai Correspondence

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK