૨૦ લાખ કરોડનું આત્મનિર્ભર ભારત પૅકેજ

Published: May 15, 2020, 15:30 IST | Mumbai Correspondence | Mumbai Desk

પૅકેજ–ટૂમાં પરપ્રાંતીય મજૂરોને મફત અનાજ, ખેડૂતોને લોન અને મધ્યમ વર્ગને મકાન લોનમાં વ્યાજ સબસિડી

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

૧૬.૦૪ લાખ કરોડ રૂપિયાની જાહેરાત થઈ, સરકાર પર માત્ર ૩૩,૨૫૦ કરોડ રૂપિયાનો બોજઃ બાકી બધું અન્ય સૉર્સથી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ૨૦ લાખ કરોડ રૂપિયાના આર્થિક પૅકેજની જાહેરાત કરી કોરોના વાઇરસની આફતને અવસરમાં બદલી દેશને આત્મનિર્ભર બનાવવાની વાત કરી હતી. બુધવારે આત્મનિર્ભરના પ્રથમ તબક્કા બાદ ગઈ કાલે નાણાપ્રધાન નિર્મલા સીતારમણે વધુ ૭૫ મિનિટ ચાલેલી પત્રકાર પરિષદમાં બીજા તબક્કાની ઘોષણા કરી હતી.
પ્રથમ ઘોષણામાં ૫,૯૪,૨૫૦ કરોડ રૂપિયાના પૅકેજમાં કેન્દ્રની તિજોરી પર માત્ર ૨૩,૨૫૦ કરોડ રૂપિયાનો બોજ હતો અને બાકીની ૫,૭૧,૦૦૦ કરોડ રૂપિયાની રકમ પરોક્ષ રીતે આવવાની હતી. ગઈ કાલે કરેલી જાહેરાતમાં પણ ૩.૧૬ લાખ કરોડ રૂપિયાની જાહેરાતમાં સરકાર પર માત્ર ૧૦,૦૦૦ કરોડ રૂપિયાનો બોજ આવવાનો છે. બાકીની રકમ અન્યત્રથી ઊભી થશે.
આ સાથે બે પૅકેજ ભેગાં મળી કુલ ૨૦ લાખ કરોડમાંથી ૧૬.૦૪ લાખ કરોડ રૂપિયાની જાહેરાત થઈ ચૂકી છે (સરકારે કોઈ સ્પષ્ટતા નથી કરી, પણ રિઝર્વ બૅન્કે જાહેર કરેલાં પગલાં ઉમેરી લેવામાં આવ્યાં છે). હવે, માત્ર ૩.૯૬ લાખ કરોડ રૂપિયાનું પૅકેજ જ બાકી છે. કેન્દ્ર સરકારની તંગ નાણાકીય હાલત, કરની ઘટી રહેલી આવક અને વિકરાળ ખાધના કારણે બજેટ પર બોજ પડે નહીં એ પ્રકારે રાહતનો પિટારો ખૂલી રહ્યો છે. ગઈ કાલની જાહેરાતોમાં પણ મોટા ભાગની રકમ બૅન્કો અને અન્ય એજન્સી દ્વારા ફાળવવામાં આવી હોવાથી સરકારની તિજોરી પર બોજ પડશે નહીં. આ જાહેરાતોમાં મહદઅંશે નાણાપ્રવાહિતા ઊભી કરવાની કે લોકોને રાહત આપવાની જ વાત છે. બેસી ગયેલા અર્થતંત્રને બેઠું કરે એ પ્રકારે મૂડીરોકાણ આવે, માગ વધે એવાં પગલાંનો અભાવ જોવા મળી રહ્યો છે. આત્મનિર્ભર ભારતના મોરચે ભારતમાં વધુ ઉત્પાદન થાય, ભારતીય ઉત્પાદકો વધુ સક્ષમ બને, વૈશ્વિક સ્પર્ધામાં વધુ સજ્જ બને એવાં કોઈ પગલાં છે જ નહીં.
પરપ્રાંતીય મજૂરોને મફત અનાજ
રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા હેઠળ નહીં હોય, જેમની પાસે રૅશન કાર્ડ પણ નથી એવા મજૂરોને આવરી લેતાં સરકારે આગામી બે મહિના સુધી તેમને કુટુંબના વ્યક્તિદીઠ પાંચ કિલો ઘઉં કે ચોખા અને કુટુંબદીઠ મહિને ૧ કિલો ચણા આપવાની જાહેરાત કરી છે. આ બે મહિના અનાજ અને દાળ પાછળ સરકારને ૩૫૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ અંદાજિત છે અને લગભગ આઠ કરોડ મજૂરોને એનો લાભ મળવાનો છે.
શિશુ મુદ્રા લોનમાં વ્યાજની રાહત
મુદ્રા યોજના હેઠળ ૫૦,૦૦૦ રૂપિયા કે એથી ઓછી લોન માટે શિશુ શ્રેણી છે. આ લોન માટે સરકારે હપ્તો સમયસર ભરે તો બે ટકા વ્યાજ સબસિડી આપવાની જાહેરાત કરી છે. આ સબસિડી ૧૨ મહિના માટે રહેશે અને એની પાછળ સરકારને ૧૫૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થશે.
ફેરિયાઓને સસ્તી લોન
લૉકડાઉનના કારણે ધંધો બંધ હોવાથી ફેરિયાઓને ભારે નુકસાન થઈ રહ્યું છે. દેશમાં આવા ૫૦ લાખ જેટલા ફેરિયાઓને પગભર કરવા માટે, લૉકડાઉન ખૂલ્યા પછી તેમનો વ્યાપાર ફરી શરૂ થઈ શકે એ માટે કેન્દ્ર સરકારે એક મહિનામાં ૧૦,૦૦૦ રૂપિયા સુધીની લોન આપવાની જાહેરાત કરી છે અને એ માટે ૫૦૦૦ કરોડ રૂપિયાના ફંડની જાહેરાત કરી છે.
મધ્યમ વર્ગને મકાનની લોનના વ્યાજમાં રાહત
કેન્દ્ર સરકારે વર્ષ ૨૦૧૭માં શરૂ કરેલી ક્રેડિટ લિન્ક્ડ સબસિડી યોજનાની મુદત માર્ચ ૨૦૨૦ના બદલે એક વર્ષ વધારી માર્ચ ૨૦૨૧ કરી છે. ૬ લાખથી ૧૮ લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરવતા લોકો, પોતાનું પ્રથમ મકાન ખરીદે તો તેમને વ્યાજમાં સબસિડી આપવાની આ સ્કીમ છે. કેન્દ્ર સરકાર આ યોજના હેઠળ ૬થી ૧૨ લાખ રૂપિયાની આવકમર્યાદામાં ૯ લાખ રૂપિયા સુધીની લોન પર વ્યાજમાં ૪ ટકા અને ૧૨થી ૧૮ લાખ માટે ૧૨ લાખ રૂપિયા સુધીની લોનના વ્યાજમાં બે ટકા સબસિડી આપે છે. સરકારની એવી ધારણા છે કે આ સ્કીમથી ૭૦,૦૦૦ કરોડ રૂપિયાનું મૂડીરોકાણ આવશે અને એનાથી સ્ટીલ, સિમેન્ટ અને અન્ય ચીજોની માગ વધશે.
આદિવાસીઓમાં રોજગારીનું સર્જન
વનવાસી અને આદિવાસીઓના ઉત્થાન માટે અત્યારે કામ્પા (કમ્પલસરી એફોરેસ્ટેશન મૅનેજમેન્ટ ઍન્ડ પ્લાનિંગ ઑથોરિટી) હેઠળ ફંડ એકત્ર કરવામાં આવે છે. વન વિસ્તારમાં જે ઉદ્યોગો અને વ્યવસાયને કારણે નુકસાન થાય એના થકી આ ફંડ ઊભું કરવામાં આવે છે. આ ફંડના ૬૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરી વિવિધ પ્રકારના વન સંરક્ષણના પ્રોજેક્ટ ચલાવવામાં આવશે.
નાના ખેડૂતોને સસ્તું ધિરાણ, ક્રેડિટ કાર્ડ
નાબાર્ડની વર્તમાન ૯૦,૦૦૦ કરોડ રૂપિયાની સ્કીમમાં વધારે ૩૦,૦૦૦ કરોડ રૂપિયા છુટા કરી કેન્દ્ર સરકારે આ યોજના જાહેર કરી છે. આ રકમનો ઉપયોગ નાબાર્ડ રીફાઇનૅન્સ સ્કીમ હેઠળ રવી પાકની ટેકાના ભાવે ખરીદી માટે રાજ્ય સરકાર કરશે અને કેન્દ્રના અંદાજ અનુસાર એનો લાભ ત્રણ કરોડ ખેડૂતને થશે.
આ ઉપરાંત, નાના ખેડૂતો કે જેમની પાસે કિસાન ક્રેડિટ કાર્ડ નથી તેમને આ કાર્ડ આપવામાં આવશે જેથી તેમને પણ વધારાનું ૨ લાખ કરોડ રૂપિયાનું ધિરાણ મળે. આ સ્કીમ હેઠળ માછીમારો અને પશુપાલકોને પણ આવરી લેવામાં આવશે. લગભગ ૨.૫ કરોડ કુટુંબને ફાયદો થશે. હવે પછી અમલમાં આવે એવી સ્કીમની જાહેરાતો.
દેશમાં એક જ રૅશન કાર્ડ
મજૂરો અને કામદારો એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતર કરતા રહે છે. તેમની પાસે રૅશન કાર્ડ હોવા છતાં તેમને એનો લાભ મળતો નથી. આથી કેન્દ્ર સરકારે રૅશન કાર્ડ દેશમાં કોઈ પણ સ્થળે, કોઈ પણ દુકાને ચાલે એવી સ્કીમ બનાવી છે. આ સ્કીમ હેઠળ અત્યારે ૨૩ રાજ્યોના જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળની ૮૩ ટકા સંખ્યા આવરી લેવામાં આવી છે અને એ માર્ચ ૨૦૨૧ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. આ યોજના થકી હવે દેશમાં માત્ર એક જ રૅશન કાર્ડની જરૂરિયાત રહેશે.
મજૂરો માટે ભાડે મકાન
શહેરી ગરીબ અને કામદારો માટે પીએમ આવાસ યોજના હેઠળ હવેથી ભાડે મકાન માટેની એક સ્કીમ શરૂ કરવામાં આવી રહી છે. સરકારે બનાવેલાં મકાનોને રેન્ટિંગ હાઉસિંગ કૉમ્પ્લેક્સ, ઉત્પાદન કરતા એકમો પોતાની જગ્યાએ મજૂરોને રહેવા માટે જમીન ફાળવે અને મકાન બનાવે તો તેમને રાહત આપી આવાં મકાનો ઊભાં કરવામાં આવશે.
આ ઉપરાંત કેન્દ્ર સરકારે ૪૪ જેટલા લેબર કાયદાઓ એક કરી ૪ જેટલા લેબર કોડ બનાવ્યા છે. આ લેબર કોડ પર સંસદની સ્ટેન્ડિંગ કમિટી ચર્ચા કરી રહી છે એના થકી કામદારો અને કર્મચારીઓએ અલગ-અલગ લાભ મળે, સમગ્ર દેશમાં એક જ લઘુતમ વેતન હોય એવી જાણકારી પણ નાણાપ્રધાને આપી હતી. આ ખરડા સંસદમાંથી પસાર થાય, રાજ્ય સરકાર એનો અમલ કરે પછી જ એ યથાર્થ ઠરે. બીજું, આ કાયદા પૅકેજનો ભાગ ગણવા જોઈએ નહીં, કારણ કે સરકાર એના પર ચાર વર્ષથી કામગીરી કરી રહી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK