વિપ્રોનો સેકન્ડ ક્વૉર્ટરનો નફો સવા ટકો વધ્યો

Published: 1st November, 2011 18:43 IST

સૉફ્ટવેર એક્સપોર્ટર વિપ્રોએ ગઈ કાલે એના બીજા ક્વૉર્ટરલી ગાળાનાં પરિણામોની ઘોષણા કરી એમાં કન્સોલિડેટેડ ધોરણે નેટ નફામાં ગત વર્ષના સેકન્ડ ક્વૉર્ટરના ૧૨૮૪.૯ કરોડની તુલનાએ માત્ર ૧.૨૪ ટકાનો જ વધારો થતાં એ ૧૩૦૦.૯ કરોડ રૂપિયા થયો હતો.

 

આ ઇન્ટરનૅશનલ સ્ટાન્ડર્ડ્સ અનુસારનાં હિસાબો મુજબનો આંકડો હતો. વેચાણમાંથી નેટ આવક ૯૦૯૪.૫ કરોડ રૂપિયા થઈ હતી જે ગત વર્ષના સેકન્ડ ક્વૉર્ટરમાં ૭૭૩૦.૫ કરોડ રૂપિયા હતી. આ ૧૭.૬૪ ટકાનો વધારો ગણાય. વિપ્રોના ચૅરમૅન અઝીમ પ્રેમજીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ‘મેક્રો ઇકૉનૉમિક (બૃહત આર્થિક) સેન્ટિમેન્ટ્સ  અનિશ્ચિતતા સૂચવે છે. તંદુરસ્ત જથ્થાત્મક (વૉલ્યુમ) ગ્રોથ સાથે અમારા આઇટી બિઝનેસમાં વૃદ્ધિ વેગ પકડતી જણાઈ છે અને અમારો ફોક્સ્ડ ઇન્વેસ્ટમેન્ટ વ્યૂહ બિઝનેસને ઉચ્ચ વિકાસ માર્ગે લઈ જશે.’

કંપનીની સેકન્ડ ક્વૉર્ટરની કુલ આવકમાં આઇટી સર્વિસિસનો હિસ્સો ૭૫ ટકા જેટલો રહ્યો હતો. કંપનીએ ૩૧ ડિસેમ્બરે પૂરા થનારા થર્ડ ક્વૉર્ટરમાં આઇટી સર્વિસ રેવન્યુ ૧૫૦૦-૧૫૩૦ મિલ્યન ડૉલર થશે એવું ગાઇડન્સ આપ્યું હતું. આ રેવન્યુ સેકન્ડ ક્વૉર્ટરમાં ૧૪૭૨ મિલ્યન ડૉલર થયું હતું જે ક્વૉર્ટર ઑન ક્વૉર્ટર ૪.૬ ટકા તો યર ઑન યર ૧૫.૭ ટકા વધ્યું હતું. રૂપિયાની ગણતરીએ આઇટી સર્વિસ રેવન્યુ સેકન્ડ ક્વૉર્ટરમાં ૭૧૩૯.૨ કરોડ રૂપિયાથી વધી ૭૨૭૫થી ૭૪૨૦.૫ કરોડ રૂપિયાના સ્તરે ત્રીજા ક્વૉર્ટરના અંતે પહોંચવાનું કંપનીનું ગાઇડન્સ છે.

આઇટી સર્વિસ ડિવિઝને સેકન્ડ ક્વૉર્ટરમાં ૫૨૪૦ નવા એમ્પ્લૉઇઝની નિમણૂક કરતાં ટોટલ હેડ કાઉન્ટ ૧,૩૧,૭૩૦નો ૩૦ સપ્ટેમ્બરે થયો હતો. આ રિપોર્ટિંગ ક્વૉર્ટરમાં વિપ્રોએ ૪૪ નવા ગ્રાહકોનો ઉમેરો કર્યો હતો. વિપ્રોના ટૉપ કસ્ટમરનો રેવન્યુ રનરેટ ૨૦૦ મિલ્યન ડૉલર અર્થાત્ ૯૭૦ કરોડ રૂપિયાનો અને ટોચના પાંચ કસ્ટમરનું યોગદાન એથી અડધું રહેતાં ક્લાયન્ટો વિશેની વિપ્રોની નવી સ્ટ્રૅટેજી કારગત નીવડી હોવાનું કંપનીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને ચીફ ફાઇનૅન્શિયલ ઑફિસર સુરેશ સેનાપતિએ જણાવ્યું હતું.

સ્ટૅન્ડઅલોન ધોરણે એકલી વિપ્રોનો નેટ નફો ૧૦૫૦.૬ કરોડ રૂપિયા થતાં યર ઑન યર ૧૦.૩૬ ટકા ઘટ્યો હતો. આઇટી પ્રોડક્ટ્સનો કંપનીના રેવન્યુમાં ૧૧ ટકાનો હિસ્સો હતો અને એ સેકન્ડ ક્વૉર્ટરમાં ૧૦૦૦ કરોડનું વેચાણ આ વિભાગે નોંધાવ્યું હતું, જે યર ઑન યર છ ટકાનો ઘટાડો સૂચવતું હતું. વિપ્રોના કન્ઝ્યુમર કૅર અને લાઇટિંગ બિઝનેસનો રેવન્યુ આ ક્વૉર્ટરમાં ૮૦૦ કરોડ રૂપિયાનું થતાં યર ઑન યર ૨૦ ટકા વધ્યું હતું અને વિપ્રોના કુલ રેવન્યુમાં એનો હિસ્સો ૯ ટકા રહ્યો હતો.

શુક્રવારના ૩૭૪.૦૫ના બંધ સામે વિપ્રોનો શૅર ગઈ કાલે નૅશનલ સ્ટૉક એક્સચેન્જમાં ૩૭૫ ખૂલી ૩૮૫ સુધી જઈ ૩૬૩.૪૦ થયા બાદ ૩૬૬.૬૦ના સ્તરે બંધ રહેતાં ૧.૭૮ ટકા ઘટ્યો હતો. કુલ ૩૫.૦૫ લાખ શૅરોનું કામકાજ થયું હતું. બીએસઈમાં ૧.૭૦ ટકા ઘટી ૩૬૬.૪૫ રૂપિયા બંધ આવ્યો એમાં ૩.૮૮ લાખ શૅરોનું કામકાજ થયું હતું. એનએસઈમાં નવેમ્બર વાયદામાં ૧.૬૧ ટકા ઘટી ૩૬૯.૨૫ બંધ રહ્યો એમાં ૨૧.૫૩ લાખ શૅરનું કામકાજ થવા સાથે ઓપન ઇન્ટરેસ્ટ ૯૮,૦૦૦ શૅર વધી ૩૬.૩૭ લાખ શૅર થયું હતું. આમ ઓપનિંગમાં જોવા મળેલ ૩ પ્લસ ટકાનો સુધારો દિવસના અંતે અડધો થઈ ગયો હતો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK