Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > સોનાની વિક્રમી આયાત સાથે પૂરું થયેલું ૨૦૨૧નું વર્ષ ૨૦૨૨માં ઊજળી આશાનું કિરણ બનશે

સોનાની વિક્રમી આયાત સાથે પૂરું થયેલું ૨૦૨૧નું વર્ષ ૨૦૨૨માં ઊજળી આશાનું કિરણ બનશે

10 January, 2022 02:18 PM IST | Mumbai
Mayur Mehta | mayur.mehta@mid-day.com

કોરોનાકાળના કપરા સંજોગો સામે ઝઝૂમી રહેલી ભારતીય પ્રજાએ સોનાની ખરીદીમાં પાછલાં ૧૦ વર્ષનો વિક્રમ તોડી નાખ્યો : ૨૦૨૨માં અનેક નાણાકીય વિપરીત પ્રવાહો વચ્ચે સોના-ચાંદીના ભાવની ઉતાર-ચડાવ ઇન્વેસ્ટરો અને ગ્રાહકોમાં ખરીદીનું આકર્ષણ જાળવી રાખે એવી ધારણા

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


તાજેતરમાં પૂરા થયેલા ૨૦૨૧ના વર્ષમાં ભારતે ૧૦૪૦ ટન સોનાની આયાત કરીને છેલ્લાં ૧૦ વર્ષની આયાતનો રેકૉર્ડ તોડી નાખ્યો હતો. ૨૦૨૦માં ૪૪૬.૪ ટનની સરખામણીમાં સવાબે ગણી આયાત વધુ થઈ હતી. કોરોનાની મુશ્કેલીભરી સ્થિતિમાં પણ સોનાની ખરીદીનું આકર્ષણ વધ્યું હતું. ૨૦૨૦માં કોરોનાને કારણે અટકેલાં લગ્નો ૨૦૨૧માં લેવાતાં સોનાની ખરીદી વધવી સ્વાભાવિક હતી. હવે ૨૦૨૨ના આરંભથી જ કોરોનાની ત્રીજી લહેરે સમગ્ર ભારતમાં દસ્તક દઈ દીધી છે ત્યારે સોના-ચાંદીના ભાવ ૨૦૨૨માં કેવા રહેશે? સોનાની આયાતનું ચિત્ર, સરકારની પોલૉસી અને બજેટમાં સોનાની આયાત ઘટાડાશે કે કેમ? આવી બધી જ ચર્ચાઓ વચ્ચે ૨૦૨૨નું વર્ષ ઊજળી આશાના કિરણ સાથે શરૂ થયું છે. 
આંતરરાષ્ટ્રીય માર્કેટમાં અમેરિકાની નાણાનીતિ અને ખાસ કરીને ફેડરલ રિઝર્વની પૉલિસી સોનાના ભાવ પર હંમેશાં હાવી રહી છે. અમેરિકાના પ્રેસિડન્ટ પદે ડોનાલ્ડ ટ્રમ્પ હતા ત્યારે તેમની વિવાદાસ્પદ નીતિ અને તરંગીપણાના કારણે સોનાના ભાવ સતત વધતા રહ્યા હતા. અમેરિકાના પ્રેસિડન્ટ પદે સ્થિર માનસિકતા ધરાવતા અને સૌમ્ય એવા જો બાઇડન આવતાં ૨૦૨૧માં સોનાના ભાવ વૈશ્વિક સ્તરે ચાર ટકા ઘટ્યા હતા. 
૨૦૨૧ના અંતિમ તબક્કામાં કોરોનાનો કેર ઓછો થતાં અમેરિકા સહિત તમામ દેશોની સેન્ટ્રલ બૅન્કોએ સ્ટીમ્યુલેસ પૅકેજો પાછાં ખેંચીને ઇન્ટરેસ્ટ રેટ વધારવાના મનસૂબા ઘડી રાખ્યા હતા, પણ ૨૦૨૨ના આરંભે કોરોનાના કેસ અગાઉની બે લહેર કરતાં પણ વધુ ઝડપથી વધી રહ્યા હોવાથી સેન્ટ્રલ બૅન્કો સ્ટીમ્યુલેસ પૅકેજો પાછાં ખેંચી શકશે કે કેમ? એ એક મોટો પ્રશ્ન છે. અમેરિકન ફેડરલ રિઝર્વે ૨૦૨૨માં ત્રણ વખત ઇન્ટરેસ્ટ રેટ વધારવાનો પ્લાન ઘડ્યો છે, પણ કોરોનાના કેસ જે રીતે વધી રહ્યા છે એ જોતાં ફેડરલ રિઝર્વ ત્રણ વખત ઇન્ટરેસ્ટ રેટ વધારી શકે એવી શક્યતા હાલ ઓછી દેખાય છે. આ સંજોગોમાં ૨૦૨૨માં સોનાના ભાવમાં મોટી ઉતાર-ચડાવ જોવા મળી શકે છે. આ તમામ ઉતાર-ચડાવ અને કોરોનાની અગાઉની બંને લહેર કરતાં ખતરનાક ત્રીજી લહેરની વચ્ચે ભારતીય ઇન્વેસ્ટરો અને ગ્રાહકો ૨૦૨૧ જેવો ખરીદીનો મૂડ જાળવી રાખશે એવી આશા છે. આંતરરાષ્ટ્રીય બજારના વર્તમાન પ્રવાહો સોના-ચાંદીમાં રોકાણકારોને સારું રિટર્ન આપશે એવા દેખાઈ રહ્યા છે. 

ચાંદી ૨૦૨૨માં મોટી કમાણી કરાવશે; સોનું ટૂંકા ગાળામાં વધશે, લાંબા ગાળે ઘટશે : ચિરાગ શેઠ - પ્રિન્સિપલ કન્સલ્ટન્સ-સાઉથ એશિયા-મેટલ ફોકસ



ચાંદીની ઇન્ડસ્ટ્રિયલ ડિમાન્ડ મોટા પ્રમાણમાં વધી રહી હોવાથી ૨૦૨૨માં બૅલૅન્સશીટ ડેફિસિટવાળી રહેશે. પ્રેસિયસ મેટલ કૉમ્પ્લેક્સમાં ૨૦૨૨માં ચાંદી સૌથી વધુ કમાણી કરાવશે. જોકે અમેરિકન ફેડની પૉલિસી અને સોનાના ભાવની ચાલ પણ ચાંદીના ભાવ નક્કી કરવા માટે નિર્ણાયક ભૂમિકા ભજવશે. બીજી મહત્ત્વની વાત એ છે કે ફેડ પ્લાન મુજબ જો ત્રણ વખત ઇન્ટરેસ્ટ રેટ વધારશે તો ઇકૉનૉમિક કન્ડિશન વધુ સ્ટ્રૉન્ગ થશે. આ બાબત પણ ચાંદી માટે બુલિશ ફૅક્ટર બનશે, કારણ કે ઇકૉનૉમિક કન્ડિશન સ્ટ્રૉન્ગ બનશે તો  ફાઇવ-જી, ઇલેક્ટ્રિક વેહિકલ, સોલાર પૅનલ, ફોટોજેનિક ઇન્સ્ટ્રુમેન્ટનું પ્રોડક્શન વધશે જેમાં ચાંદીનો વપરાશ વધવાનો છે. ચાંદીનો ભાવ હાલ વૈશ્વિક માર્કેટમાં પ્રતિ ઔંસ ૨૨.૫૦ ડૉલર આસપાસ ચાલી રહ્યો છે જે માર્ચ સુધીમાં વધીને ૨૬થી ૨૮ ડૉલર થશે. ૨૦૨૨માં ચાંદીની માર્કેટ સતત વધતી રહે એવા સંજોગો હોવાથી ચાંદીમાં રોકાણ કરનારાઓને સારું રિટર્ન મળે એવી શક્યતા દેખાય છે. સોનાની તેજી માટે હાલ સૌથી મુખ્ય ચાલકબળ ઇન્ફ્લેશન છે. દુનિયાના તમામ દેશોમાં ઇન્ફ્લેશન હાલ મલ્ટિયર હાઈ છે. ફેડ દ્વારા ઇન્ટરેસ્ટ રેટ વધારવાથી ડિમાન્ડ ડ્રિવન ઇન્ફ્લેશનને રોકી શકાશે, પણ સપ્લાય ડ્રિવન ઇન્ફ્લેશનને રોકી નહીં શકાય. કોરોનાના કારણે હાલનું ઇન્ફ્લેશન સપ્લાય ડ્રિવન હોવાથી ફેડ ઇન્ટરેસ્ટ રેટ વધારે તો પણ ઇન્ફ્લેશનના વધારાને ખાળવું મુશ્કેલ છે. આ સંજોગોમાં માર્ચ સુધીમાં સોનાનો વૈશ્વિક ભાવ વધીને ૧૯૦૦થી ૧૯૫૦ ડૉલર થવાની ધારણા છે જે હાલ ૧૭૯૮ ડૉલર આસપાસ ચાલી રહ્યો છે. જોકે સોનાના ભાવ લાંબા ગાળે ઘટશે, પણ ધીમે-ધીમે ઘટશે અને આગામી બેથી અઢી વર્ષમાં સોનાના ભાવ ઘટીને ૧૪૦૦ ડૉલર સુધી જઈ શકે છે. 


૨૦૨૨માં સોનું ૨૨૦૦ ડૉલર અને ચાંદી ૪૦ ડૉલર થશે; બજેટમાં સોનાની ઇમ્પોર્ટ ડ્યુટી ઘટશે : સુરેન્દ્ર મહેતા - નૅશનલ સેક્રેટરી, ઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલરી અસોસિએશન

વિશ્વના મોટા ભાગના વિકસિત દેશોમાં હાલ ઇન્ફ્લેશન મલ્ટિયર હાઈ લેવલે છે. અમેરિકામાં છેલ્લાં ૪૦ વર્ષનું સૌથી ઊંચુ ઇન્ફ્લેશન છે. ઇન્ફ્લેશનને રોકવાના સેન્ટ્રલ બૅન્કોના તમામ પ્રયાસો બૂમરેંગ સાબિત થઈ શકે છે. અમેરિકન ફેડરલ રિઝર્વ સ્ટીમ્યુલેસ પૅકેજ બંધ કરીને ઇન્ફ્લેશનને રોકવા ઇન્ટરેસ્ટ રેટ વધારશે તો આગળા જતાં એમ્પ્લોયમેન્ટ ડેટા અને અન્ય ઇકૉનૉમિક ડેટા વધુ ખરાબ આવશે. ગયા સપ્તાહે જાહેર થયેલા ડિસેમ્બર મહિનાના જૉબડેટા અત્યંત ખરાબ આવ્યા હતા છતાં પણ ફેડ ઇન્ટરેસ્ટ રેટ વધારશે તો ડૉલરની મજબૂતીને કારણે ભારતીય રૂપિયો વધુ નબળો પડશે જે સોનાના ભાવને ઊંચકાવશે. આ સંજોગોમાં ૨૦૨૨માં સોનું વધીને પ્રતિ ઔંસ ૨૨૦૦ ડૉલર સુધી જઈ શકે છે. ચાંદીનાં હવે પોતાનાં કારણો સોનાથી અલગ છે. વળી છેલ્લા ચાર મહિનાથી સોનું અને ચાંદીનું કો-રિલેશન તૂટી ગયું છે. વળી ચાંદી લાંબા સમયથી ૨૧ ડૉલરના સ્તરથી નીચે જતી નથી. ઇલેક્ટ્રિક વેહિકલ, સોલાર પૅનલ વગેરેમાં ચાંદીની ડિમાન્ડ સતત વધી રહી છે, જેની અસરે ચાંદી ૨૦૨૨માં વધીને પ્રતિ ઔંસ ૩૫થી ૪૦ ડૉલર થઈ શકે છે. બજેટમાં સોનાની ઇમ્પોર્ટ ડ્યુટીમાં ઘટાડો કરવામાં આવશે તો સામે જીએસટી (ગુડ્સ  ઍન્ડ સર્વિસ ટૅક્સ)માં વધારો થશે. ભારતમાં ગોલ્ડ સ્પૉટ એક્સચેન્જ ચાલુ થવા જઈ રહ્યું છે જેમાં ઇલેકટ્રોનિક્સ ગોલ્ડ રિસિપ્ટમાં રોકાણ કરવાનું આકર્ષણ વધે એ માટે સોનાની જીએસટી વધારવી જ પડે, કારણ કે ઇલેકટ્રોનિક્સ ગોલ્ડ રિસિપ્ટમાં જીએસટી લાગતી નથી. જો ફિઝિકલ ગોલ્ડ અને ઇલેકટ્રોનિક્સ ગોલ્ડ રિસિપ્ટ વચ્ચે માત્ર ત્રણ ટકાનો જ ગાળો હોય તો ઇલેક્ટ્રોનિક્સ ગોલ્ડ રિસિપ્ટ ખરીદવાનું કોઈ આકર્ષણ રહેતું નથી. આથી આગામી બજેટમાં સોનાની ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડીને સોના પરની જીએસટી ત્રણ ટકાથી વધારીને ૧૦ ટકા કરવામાં આવે એવી શક્યતા દેખાય છે. 


Whatsapp-channel Whatsapp-channel

10 January, 2022 02:18 PM IST | Mumbai | Mayur Mehta

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK