Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > વાયડી વૉલેટિલિટી હાલ કરેક્શન અને રિકવરી બન્નેને નચાવે છે !

વાયડી વૉલેટિલિટી હાલ કરેક્શન અને રિકવરી બન્નેને નચાવે છે !

06 December, 2021 11:34 AM IST | Mumbai
Jayesh Chitalia

ટ્રેન્ડ ભલે તેજીનો ચાલતો, પરંતુ કડાકા ક્યારે બોલાઈ જશે એ બાબત કમોસમી વરસાદ જેવી બની છે. વીતેલા સપ્તાહમાં કરેક્શન છવાઈ જવાની ધારણા અને માર્કેટ વધુ પાંચેક ટકા ઘટી જવાના અનુમાન વચ્ચે રિકવર થવા લાગ્યું અને છેલ્લે દિવસે શુક્રવારે ફરી પડી ગયું

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


બજાર વધે તો વધવા પર અને ઘટે તો ઘટવા પર વિશ્વાસ બેસે નહીં એવો માહોલ બન્યો છે. ટ્રેન્ડ ભલે તેજીનો ચાલતો, પરંતુ કડાકા ક્યારે બોલાઈ જશે એ બાબત કમોસમી વરસાદ જેવી બની છે. વીતેલા સપ્તાહમાં કરેક્શન છવાઈ જવાની ધારણા અને માર્કેટ વધુ પાંચેક ટકા ઘટી જવાના અનુમાન વચ્ચે રિકવર થવા લાગ્યું અને છેલ્લે દિવસે શુક્રવારે ફરી પડી ગયું. આગામી સપ્તાહ અનિ‌શ્ચિતતાનું ગણાય છે. ટ્રિગર ફિગર આઉટ થતું નથી. રિઝર્વ બૅન્કની મીટિંગ અને ફેડરલ રિઝર્વની ઍક્શન સામે સાવચેતી રાખવામાં સાર અને શાણપણ

હાલના દિવસોમાં શૅરબજારની ચાલ સમજાય છે? ગળે ઊતરે છે? આટલી કાતિલ વધઘટ જોઈ છે? એનાં કારણો શું હશે એ કળાય છે? આમ પણ શૅરબજારને સમજવું અઘરું અને આકરું છે ત્યાં આવા દિવસોમાં આંચકા અને આશ્ચર્ય બન્ને વારંવાર જોવા મળે છે. સવારે ખૂલે ત્યારે એકદમ ઊંચે જવા લાગે અને બંધ થવાની નજીક પહોંચતું જાય ત્યાં સુધીમાં નેગેટિવ થવા લાગે. આમ વાઇસ અ વર્સા પણ થાય, અર્થાત્ સાવ ઊલટું પણ બને. કરેક્શનનો દોર ઝડપથી આગળ વધે એવું લાગે અને ઝડપથી કરેક્શન આગળ વધવાની વાત બાજુએ રહી જાય અને ઝડપી રિકવરી થવા લાગે. હજી રિકવરી પર નજર કરીએ અને આ રિકવરી કયાંથી થઈ, શા માટે થઈ એ સમજવા બેસીએ ત્યાં તો પાછું કરેક્શન આવીને ઊભું રહી જાય. વિદેશોમાં કોરોના ફેલાય અને આપણી બજારમાં ગભરાટ ફેલાઈ જાય, ચિંતામાં માર્કેટ માંદું પડવા લાગે. એ જ માંદું માર્કેટ રેમડેસિવિર ઇન્જેક્શનનો ડોઝ મળી ગયો હોય એમ ઊછળવા માંડે. એનું મંદી કે કરેક્શનરૂપી ક્વૉરન્ટ‌ીન કયારે પૂરું થઈ જાય એ જ ખબર ન પડે અને વળી પાછું એ કયારે આઇસીયુમાં આવી જાય કે ઑક્સિજન ચડાવવું પડે એવી નોબતમાં આવી જાય.
આપણા દેશમાં કોરોના ભયંકર સ્વરૂપે ચાલતો હતો ત્યારે પણ આપણી શૅરબજાર કૂદકે ને ભૂસકે વધતી રહી હતી તો વિદેશોમાં આવેલા નવા વેરિઅન્ટની કેટલી અસર થઈ શકે? અલબત્ત, ભારતીય બજાર કે અર્થતંત્ર આ અસરથી સાવ મુક્ત રહી શકે નહીં, પણ જેટલી અસરની વાતોથી ડરાવવામાં આવી રહ્યા છે એ વધુ પડતી હોય એવું બની શકે યા લાગી શકે. હાલ તો નવા વાઇરસ ઓમાઇક્રોનની વાતે બજાર તૂટે છે અને ગભરાટ અનુભવે છે. આ કેટલું લાંબું ચાલશે એ કળવું કઠિન હોવાથી તેલ અને તેલની ધાર જોઈ ચાલવું પડશે. હાલ સંસદનું સત્ર ચાલુ હોવાથી એક યા બીજી જાહેરાત આવી શકે છે. દરમ્યાન ઇકૉનૉમીની ગતિવિધિ તો ઓમાઇક્રોન નડે નહીં તો તેજ રહેવાની આશા છે.
ગયા સોમવારે બજારમાં કરેક્શન આગળ વધવાની ભરપૂર ધારણા હતી. ખાસ કરીને એના આગલા શુક્રવારે અને સપ્તાહ દરમ્યાન પણ જે કડાકા જોવાયા હતા એના આધારે આ ધારણા સહજ તેમ જ લોજિકલ હતી તેમ છતાં, માર્કેટ વધઘટ સાથે પૉઝિટિવ બંધ રહ્યું અને મંગળવારે વળી પૉઝિટિવ ખૂલીને થોડા જ સમયમાં એ ૧૦૦૦ પૉઇન્ટ ઉપર સુધી વધીને પાછું નેગેટિવ પણ થઈ ગયું હતું. જોકે યુએસમાં લૉકડાઉનની જરૂર નહીં હોવાની બાઇડનની જાહેરાતે કંઈક અંશે રાહત આપી હતી, પરંતુ નવા વેરિઅન્ટ ઓમાઇક્રોન સામે વૅક્સિન અસરકારક કામ નહીં કરી રહી હોવાના અહેવાલે બજારમાં નકારાત્મક લાગણી ફરી વળી હતી. તેમ છતાં, સ્મૉલ અને મિડ કૅપમાં રિકવરી નોંધાઈ હતી, પણ માર્કેટનો અંત માઇનસ ૧૯૫ સેન્સેક્સ અને માઇનસ ૭૫ નિફ્ટીથી થયો હતો. વૉલેટિલિટીને તો જાણે રમવા માટે ખુલ્લું મેદાન મળી ગયું હોય એમ એ તોફાની બની હતી. એફપીઆઇ તરફથી પ્રૉફિટ-બુકિંગનું જોર પણ હતું.
આર્થિક આંકડા-સંકેત સારા
દરમ્યાન બજાર બંધ થયા બાદ જાહેર થયેલા જીડીપીના આંકડા પ્રોત્સાહક હતા. આર્થિક પ્રવૃત્ત‌િઓને વેગ મળવાને પગલે બીજા ક્વૉર્ટરમાં જીડીપી રિકવર થઈને ૮.૪ ટકા થયો હતો. આ ઉપરાંત આઠ મુખ્ય સેક્ટરનો ઑક્ટોબરનો ઉત્પાદન આંક પણ સપ્ટેમ્બરના ૪.૫ ટકા સામે વધીને ૭.૫ ટકા થયો હતો. એક નોંધપાત્ર વાત એ બની કે આ મહિને પણ જીએસટી કલેક્શન ૧.૩૦ લાખ કરોડ રૂપિયાને આંબી ગયું હતું. આ કલેક્શન આર્થિક પ્રવૃ‌ત્ત‌િની સક્રિયતાની સાક્ષી પૂરે છે. પરિણામે બુધવારે ફરી રિકવરી સાથે બજારે બે કલાકમાં તો ૭૦૦ પૉઇન્ટનો ઉછાળો મારી દીધો હતો. જાણે પૉઝિટિવ પરિબળો બધાં પાછાં ફર્યાં હોય એમ સેન્સેક્સ ૬૧૯ પૉઇન્ટ અને નિફ્ટી ૧૮૩ પૉઇન્ટ પ્લસ બંધ રહ્યા હતા. નવેમ્બરમાં ભારતીય ઉત્પાદન ઉદ્યોગમાં વૃદ્ધિની ધારણા વ્યક્ત થઈ હતી.
ગુરુવારે સુધારો, શુક્રવારે કડાકો
ગુરુવારે ગ્લોબલ નજર સાથે માર્કેટ રિકવરીના માર્ગે જ આગળ વધ્યું હતું. સેન્સેક્સ ૫૮,૦૦૦ ઉપર અને નિફ્ટી ૧૭,૩૦૦ ઉપર પહોંચી ગયા હતા. માર્કેટનું ધ્યાન ફેડરલ રિઝર્વની પૉલિસી પર રહેતું હતું, હવે રિઝર્વ બૅન્કની મીટિંગ પર પણ મંડાઈ ગયું છે. આની માર્કેટ પર તાત્કાલિક અસર રહેવાની શક્યતા ઊંચી છે. બાકી ભારતીય ઇકૉનૉમીનાં ફંડામેન્ટલ્સ સારાં-સુધરતાં જાય છે. શુક્રવારે બજારે ફરી કરેક્શનનો આશરો લીધો હતો. આગલા ત્રણ દિવસના વધારાએ આમ પણ નવાઈ તો પમાડી જ હતી. જોકે બજારના આગલા સુધારાને શુક્રવારે શિફતથી ધોઈ નાખ્યો હતો. સેન્સેક્સ ૭૬૪ પૉઇન્ટ અને નિફ્ટી ૨૦૫ પૉઇન્ટ ઘટીને બંધ રહ્યા હતા. જોકે ગ્લોબલ લેવલે સાધારણ સુધારો નોંધાયો હતો. ભારતીય માર્કેટની નજર હાલ તો મુખ્યત્વે નવા વાઇરસ ઓમાઇક્રોન, રિઝર્વ બૅન્કની મીટિંગ અને ફેડરલ રિઝર્વની ઍક્શન પર રહેશે. 
આઇપીઓની દુકાન ચાલુ 
દરમ્યાન સેકન્ડરી માર્કેટની વૉલેટિલિટીને ધ્યાનમાં લીધા વિના પ્રાઇમરી માર્કેટમાં આઇપીઓની વણઝાર ચાલુ રહી છે. આ દિવસોમાં નવા આઇપીઓ ખૂલવાનો માહોલ જોરમાં છે. મ્યુચ્યુઅલ ફંડ્સની નવી ઑફરો પણ સતત ચાલુ રહી છે. કયાંક કોરોનાની અને નિયંત્રણોની ચિંતા જરૂર છે, પણ આર્થિક પ્રવૃ‌ત્ત‌િ ચાલુ છે અને એનું જોર પણ અકબંધ છે. જોકે સ્ટાર હેલ્થના આઇપીઓના પ્રતિસાદમાં નિરાશા નોંધાઈ હતી. ઇશ્યુ સંપૂર્ણ ભરાયો નહોતો. નવાઈની વાત એ હતી કે આ આઇપીઓને બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલાનો સપોર્ટ હોવા છતાં આમ થયું હતું. હવે એનો ભાવ શું ખૂલે છે એના પર નજર રહેશે. 
સ્થાનિક ફંડ્સનો મજબૂત ટેકો
નવા વેરિઅન્ટને પગલે નવેમ્બર મહિનામાં એફઆઇઆઇ મહદઅંશે સેલર્સ રહ્યા છે, પરંતુ સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ નવેમ્બરમાં સતત લેવાલ રહ્યાં છે અને તેમણે આ મહિનામાં ૨૪,૨૭૦ કરોડ રૂપિયાની નેટ ખરીદી કરી છે. આ ખરીદી માર્ચ ૨૦૨૦ બાદની સૌથી મોટી ખરીદી છે. પરિણામે ફૉરેન સેલર્સની વેચવાલીનું દબાણ બજારને બહુ ભારે પડ્યું નથી.  
ગ્લોબલ રેટિંગ એજન્સી મૂડીઝે ભારતીય બૅન્કોનું આઉટલુક સ્ટેબલ દર્શાવ્યું છે. આ માટે એણે ક્રેડિટ ગ્રોથમાં વધારો થવાની અને કોસ્ટ ઑફ લૅન્ડિંગમાં ઘટાડો થવાની ધારણા મૂકી છે. બૅન્ક સ્ટૉક્સ માટે આ સારા સંકેત છે. બૅન્કોની બૅડ લોન્સના ઉપાય માટે આખરે નૅશનલ ઍસેટ રિકન્સ્ટ્રક્શન કંપની કાર્યરત બનવાની તૈયારી આખરી તબક્કામાં આવવા અહેવાલ પણ બૅન્કો માટે સારા નિર્દેશ ગણી શકાય. જીડીપીની વૃદ્ધિ પ્રી-કોવિડ લેવલ પર આવી ગઈ છે. વપરાશ, ડિમાન્ડ અને ખાનગી રોકાણ વધી રહ્યાં સાથે હજી વધતાં રહેવાની આશા છે, પરંતુ આ આર્થિક રિકવરીને બ્રેક લાગે એવો નવા વાઇરસનો ભય ઊભો છે ત્યાં સુધી ચોક્કસ અંશે સાવચેતી આવશ્યક છે. બાકી માર્કેટની ચાલનો કોઈ ભરોસો નહીં.


Whatsapp-channel Whatsapp-channel

06 December, 2021 11:34 AM IST | Mumbai | Jayesh Chitalia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK