Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > તમામ શૅર અને તમામ સેક્ટોરલના સુધારા સાથે શૅરઆંકમાં ૧૩૪૫ પૉઇન્ટનો જમ્પ જોવા મળ્યો

તમામ શૅર અને તમામ સેક્ટોરલના સુધારા સાથે શૅરઆંકમાં ૧૩૪૫ પૉઇન્ટનો જમ્પ જોવા મળ્યો

18 May, 2022 01:29 PM IST | Mumbai
Anil Patel

એલઆઇસીનું નબળું લિસ્ટિંગ પરંતુ એના સહારે માર્કેટ કૅપ એક જ દિવસમાં બાર લાખ કરોડ રૂપિયા વધ્યું

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ઇન્ડિયન ઑઇલમાં બે શૅરદીઠ એક બોનસ, શૅર રિઝલ્ટ પૂર્વે પોણાબે ટકા અપ : રિલાયન્સે સેન્ચુરી ફટકારીને બજારને ૩૧૫ પૉઇન્ટ આપ્યા, તાતા સ્ટીલ અને હિન્દાલ્કો સેન્સેક્સ-નિફ્ટી ખાતે બેસ્ટ ગેઇનર્સ બન્યા : મેટલ ઇન્ડેક્સ સાડાસાત ટકા કે ૧૩૭૬ પૉઇન્ટ ઊછળ્યો, વેદાન્તા બારેક ટકાની તેજીમાં મોખરે : જથ્થાબંધ ભાવાંકની રીતે ફુગાવો સતત ૧૩મા મહિને બે આંકડે રહી ૧૫ ટકાને વટાવી ગયો, ડૉલર સામે રૂપિયો ઘટીને ૭૭.૮૦ નજીક નવા ઑલટાઇમ તળિયે દેખાયો

મંગળવાર મોંઘવારી અને રૂપિયા માટે અમંગળકારી નીવડ્યો છે, પરંતુ સેન્સેક્સે આરંભથી અંત સુધી મજબૂત વલણ સાથે ૧૩૪૫ પૉઇન્ટ અને નિફ્ટીમાં ૪૧૭ પૉઇન્ટની તેજી દેખાડી છે. માર્કેટના અઢી ટકા પ્લસના બાઉન્સબૅકની એક વધુ ખાસિયત કે જમા પાસું એ હતું કે ગઈ કાલે બન્ને બજારના તમામ સેક્ટોરલ તેમ જ મેન બેન્ચ માર્કના તમામ શૅર વધીને બંધ રહ્યા છે. ઘણા વખતે આવો પરફેક્ટ જમ્પ બજારમાં જોવા મળ્યો છે. એશિયા અને યુરોપનાં તમામ અગ્રણી બજારો સારા એવા સુધારામાં હતા. હૉન્ગકૉન્ગ સવાત્રણ ટકાની તેજી સાથે મોખરે હતું. વિશ્વબજારમાં ક્રૂડ એક ટકાની આગેકૂચમાં ૧૧૫ ડૉલરને આંબી ગયું છે. લંડન ધાતુ બજારમાં ઇન્ડ. મેટલ્સ એકથી બે ટકા ઉપર ગઈ છે. ડૉલરની સામે રૂપિયો ઇન્ટ્રા-ડેમાં ૭૭.૮૦ની નજીક નવી ઑલટાઇમ બૉટમ બતાવી છેલ્લે ૧૨ પૈસાના ઘટાડે ૭૭.૫૬ ઉપર રહ્યો છે. જથ્થાબંધ ભાવાંકની રીતે એપ્રિલમાં દેશનો ફુગાવાનો દર ૧૫.૦૮ ટકા થઈ ગયો છે. આ સાથે સતત ૧૩મા મહિને ફુગાવો ડબલ ડિજિટમાં જોવા મળ્યો છે. 
મંગળવારે એક મહત્ત્વની ઘટના તરીકે એલઆઇસીના ૨૧,૦૦૦ કરોડના આઇપીઓનું લિસ્ટિંગ ધારણા કરતાં પણ કમજોર નીવડ્યું છે. શૅર તેની ૯૪૯ની ઇશ્યુ પ્રાઇસ સામે પોણાઆઠ ટકાની લિસ્ટિંગ લોસમાં ૮૭૫ રૂપિયા બંધ થયો છે. પૉલિસી હોલ્ડર્સની કોસ્ટ ડિસ્કાઉન્ટના કારણે ૮૮૯ રૂપિયા તથા રીટેલ ઇન્વેસ્ટર્સની પડતર શૅરદીઠ ૯૦૪ રૂપિયા હતી તેમને પણ લિસ્ટિંગમાં ખોટ ખાવાનો વારો આવ્યો છે. ગ્રે-માર્કેટમાં આગલા દિવસે ૨૦-૨૨ના ડિસ્કાઉન્ટ હતા, પરંતુ અહીં તો શૅર ૭૪ રૂપિયા જેવો ડિસ્કાઉન્ટમાં સરી પડ્યો છે અને તે પણ ૧૩૪૫ પૉઇન્ટની તેજીવાળા બજારમાં. માર્કેટ બગડ્યું હોત તો શું થાત? એની વે, લિસ્ટિંગની સાથે જ એલઆઇસી ૫૫૩૭૨૨ કરોડ રૂપિયા માર્કેટ કૅપ સાથે દેશની ટોચની પાંચમા નંબરની મોટી કંપની બની ગઈ છે. એક મજાની વાત એ છે કે ગઈ કાલે માર્કેટ કૅપની રીતે દેશની ટોચની ૧૦૦ કંપનીઓમાંથી ૯૬ કંપનીઓના શૅર સુધર્યા છે. પેજ ઇન્ડસ્ટ્રીઝ તથા ગ્લેન્ડ ફાર્મા સાધારણ તો આઇસીઆઇસીઆઇ પ્રુ નામકે વાસ્તે નરમ હતા, જ્યારે એલઆઇસી પોણાઆઠ ટકા ગગડી છે. 
સેન્સેક્સ-નિફ્ટીના તમામ શૅર પૉઝિટિવ ઝોનમાં, બધા જ ઇન્ડાઇસિસ પ્લસ
ગઈ કાલે સેન્સેક્સના ત્રીસે-ત્રીસ તથા નિફ્ટીના તમામ ૫૦ શૅર પ્લસમાં બંધ થયા છે. તાતા સ્ટીલ સાડાસાત ટકાની તેજીમાં ૧૧૮૮ના બંધમાં સેન્સેક્સ ખાતે તો હિન્દાલ્કો પોણાદસ ટકાની છલાંગમાં નિફ્ટી ખાતે ટૉપ ગેઇનર બન્યો છે. આ ઉપરાંત રિલાયન્સ ૨૫૪૦ની ઇન્ટ્રા-ડે ટૉપ બતાવી ૧૦૩ રૂપિયા કે સવાચાર ટકાના જમ્પમાં ૨૫૩૧ નજીક બંધ હતો તેના લીધે સેન્સેક્સને સર્વાધિક ૩૧૫ પૉઇન્ટનો લાભ થયો છે. આઇટીસી, વિપ્રો, આઇસીઆઇઆઇ બૅન્ક, મારુતિ સુઝુકી, લાર્સન, એચસીએલ ટેક્નૉલૉજીઝ, કોલ ઇન્ડિયા, જેએસડબ્લ્યુ સ્ટીલ, ઓએનજીસી, અદાણી પોર્ટસ, તાતા મોટર્સ, અપોલો હૉસ્પિટલ્સ, બજાજ ફાઇનૅન્સ જેવી જાતો સાડાત્રણ ટકાથી લઈને સાડાસાત ટકા સુધી ઊંચકાઈ છે. મિડ કૅપ, સ્મૉલ કૅપ તથા બ્રોડર માર્કેટના બેન્ચમાર્ક પણ બજારની સમકક્ષ, અઢી ટકા મજબૂત હતા. તેથી માર્કેટ બ્રેડ્થ સારી એવી સ્ટ્રૉન્ગ રહી છે. એનએસઈ ખાતે ઘટેલા એક શૅર સામે છ શૅર વધ્યાનો ઘાટ હતો. ૩૨૫ જાતો નરમ હતી, સામે ૧૮૩૨ શૅર વધીને બંધ થયા છે. મંગળવારે બજારનું માર્કેટ કૅપ સીધું ૧૨.૦૫ લાખ કરોડના જબ્બર ઉછાળામાં ૨૫૫.૫૫ લાખ કરોડે આવી ગયું છે જોકે અહીં એલઆઇસીના લિસ્ટિંગના કારણે માર્કેટ કૅપમાં ૫.૫૪ લાખ કરોડનો નવો ઉમેરો થવાનો સહારો બજારને મળ્યો હતો તેની નોંધ લેવી રહી. બીએસઈનો સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ૨.૮ ટકા કે ૭૧૨ પૉઇન્ટ તેજીમાં હતો. અત્રે ૯૧૭માંથી ફક્ત ૮૭ શૅર માઇનસ હતા, જ્યારે બ્રોડર માર્કેટ ૫૦૧ જાતમાંથી ૪૪૪ શૅરના સુધારામાં ૨.૬ ટકા કે ૫૬૭ પૉઇન્ટ વધ્યું છે.
મેટલ શૅરોમાં લાવ-લાવનો રંગ, એનર્જીમાં ચાર ટકાનો કરન્ટ
મેટલ ઇન્ડેકસ તમામ શૅરની મજબૂતીમાં સર્વાધિક ૭.૬ ટકા કે ૧૩૭૬ પૉઇન્ટ વધ્યો છે. અત્રે વેદાન્તા ૧૧.૮ ટકા, જિંદલ સ્ટીલ ૪.૭ ટકા, હિન્દાલ્કો સાડાનવ ટકા, તાતા સ્ટીલ સાડાસાત ટકા, કોલ ઇન્ડિયા સાડાસાત ટકા, જેએસડબ્લ્યુ સ્ટીલ ૬.૭ ટકા, સેઇલ સવાપાંચ ટકા, હિન્દુસ્તાન કોપર પોણાદસ ટકા અને નાલ્કો પોણાઆઠ ટકા ઊંચકાયા હતા. પાવર ઇન્ડેક્સ ૨.૩ ટકા, યુટિલિટીઝ બેન્ચમાર્ક અઢી ટકા, ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ સાડાત્રણ ટકા તો એનર્જી ઇન્ડેક્સ ચાર ટકાથી વધુ ઝળક્યા છે. અત્રે એનએલસી ઇન્ડિયા, રિલાયન્સ ઇન્ફ્રા, તાતા પાવર, બીએફ યુટિલિટી, અદાણી પાવર, રિલાયન્સ પાવર, જેપી પાવર, એમઆરપીએલ, ઑઇલ ઇન્ડિયા, જીએમડીસી, ગોવા કાર્બન, પનામા પેટ્રો, ઓએનજીસી, કોલ ઇન્ડિયા, ચેન્નઈ પેટ્રો, જિંદલ ડ્રીલિંગ, અદાણી ટોટલ, જેએસડબ્લ્યુ એનર્જી જેવા કાઉન્ટર્સ પાંચ ટકાથી માંડીને અગિયાર ટકા સુધીના જોરમાં જોવાયા છે. ગુજરાત ગૅસ પોણો ટકો નરમ હતો. કેપિટલ ગુડ્સ બેન્ચમાર્ક ૭૮૩ પૉઇન્ટ કે ત્રણ ટકાથી વધુ અપ હતો. તેના ૨૪માંથી માત્ર એસકેએફ ઇન્ડિયા અડધો ટકો નરમ રહ્યો છે. લાર્સન પોણાચાર ટકા કે ૫૯ રૂપિયા ઊછળી ૧૬૦૪ બંધ થતાં કેપિટલ ગુડ્સ ઇન્ડેક્સને ૪૭૧ પૉઇન્ટ મળ્યા હતા. એલ્જી ઇક્વિપમેન્ટ આગલા દિવસની ૧૭ ટકા પ્લસની તેજી આગળ ધપાવતા સાડાસાત ટકા વધીને ૩૨૪ થયો છે. દરમ્યાન ઇન્ડિયન ઑઇલ તરફથી બે શૅરદીઠ એક શૅરનું બોનસ જાહેર થયું છે. આ તેનું સાતમું બોનસ છે. પરિણામ બજાર બંધ થયા પછી આવ્યા હતા. શૅર ૧.૯ ટકા વધીને ૧૨૪ બંધ હતો. ગ્રેફાઇટ ઇન્ડિયા, પ્રાજ ઇન્ડ., સોના કોમસ્ટાર, એચઇજી, એચએએલ સવાચારથી સાતેક ટકા અપ હતા. ઑટો ઇન્ડેક્સ ૧૫માંથી ૧૩ શૅરના સથવારે ૨.૪ ટકા કે ૫૭૨ પૉઇન્ટ વધ્યો છે. તાતા મોટર્સ અને સુંદરમ ફાસ્ટનર્સ સાડાચાર ટકા મજબૂત હતા. મારુતિ સુઝુકી ૨૭૯ રૂપિયા કે ૩.૯ ટકાની તેજીમાં ૭૫૩૩ થયો છે. બજાજ ઑટો સૌથી ઓછો એવો પોણો ટકો પ્લસ હતો. 
આઇટી શૅરો ઘણા દિવસ પછી રંગતમાં, બૅન્કિંગના ૩૬માંથી ૩૪ શૅર પ્લસ, આઇટી ઇન્ડેક્સ મંગળવારે અઢી ટકાથી વધુ કે ૭૭૫ પૉઇન્ટ લોગ-ઇન થયો છે. અત્રે ૬૨માંથી માત્ર પાંચ શૅર નરમ હતા. સિગ્નિટી સાડાઆઠ ટકાની ખરાબીમાં મોખરે હતો. રેટગેઇન સાડાચાર ટકા, બ્રાઇટકૉમ દોઢ ટકો, નઝારા ટેક્નો સામાન્ય ઘટ્યા છે. ડેટા મેટિક્સ ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૨૯૬ને વટાવી ગયો છે. એફ્લી ઇન્ડિયા સાડા ચૌદ ટકાની તેજીમાં ૧૧૦૮ હતો, ઇન્ટલેક્ટ ડિઝાઇન સાડાદસ ટકા, રામકો સિસ્ટમ્સ સાડાનવ ટકા, લાર્સન ટેક્નો આઠ ટકા ઊછળ્યા છે. ફ્રન્ટલાઇનમાં ઇન્ફી બે ટકા, ટીસીએસ સવાબે ટકા, એચસીએલ ટેક્નો ૩.૮ ટકા, વિપ્રો ચાર ટકા, લાર્સન ઇન્ફોટેક પોણાપાંચ ટકા, ટેક મહિન્દ્ર પોણો ટકો જેવા પ્લસ હતા. ૬૩ મૂન્સમાં પાંચ ટકાની ઉપલી સર્કિટ હતી. એમસીએક્સ પોણાત્રણ ટકા વધીને ૧૨૧૧ હતો. ભારતી એરટેલના પરિણામ બંધ બજારે આવ્યા છે. નફો ૧૬૪ ટકા વધ્યો છે. શૅર ગઈ કાલે બે ટકા વધી ૭૦૭ હતો. વોડાફોનની પોણા ટકાની નરમાઈ બાદ કરતાં ટેલિકૉમના તમામ શૅર પ્લસ હતા. સ્ટરલાઇટ ટેક્નો ૧૩ ટકા ઊંચકાયો છે. 
બૅન્ક નિફ્ટી તમામ બાર શૅરની આગેકૂચ સાથે બે ટકા કે ૭૧૦ પૉઇન્ટ વધ્યો છે. આઇસીઆઇસીઆઇ બૅન્ક સવાચાર ટકા નજીકની તેજીમાં ૭૧૨ બંધ આપીને મોખરે હતી. પીએસયુ બૅન્ક નિફ્ટી પણ બે ટકા વધ્યો છે. અત્રે એકમાત્ર યુકો બૅન્ક ૦.૪ ટકા ડાઉન હતો. બાકીના ૧૧ શૅર વધ્યા છે. આઇઓબી સવાચાર ટકા ઊછળી ૧૭ ઉપરના બંધમાં અગ્રક્રમે રહી છે. સ્મૉલ બૅન્કમાં સૂર્યોદય બૅન્ક સાડાપાંચ ટકા વધીને ૧૨૭ રહી છે. સમગ્ર બૅન્કિંગ ક્ષેત્રના ૩૬માંથી ૩૪ શૅર ગઈ કાલે વધ્યા છે. ફાઇનૅન્સ ઇન્ડેક્સ બે ટકા પ્લસ હતો, તેની ૧૨૮માંથી ૧૧૨ જાતો સુધરી છે. રેલિગેર ૧૦.૩ ટકા, એન્જલ વન ૯.૭ ટકા, આદિત્ય બિરલા કૅપિટલ ૭.૪ ટકા, આનંદરાઠી વેલ્થ સવાસાત ટકા, પિરામલ એન્ટર પોણાછ ટકા મજબૂત હતા. સ્ટાર હેલ્થ સારા બજારમાં સાડાચાર ટકા ખરડાઈને ૬૫૧ રહી છે. ક્રિસિલ અઢી ટકા તથા ઇન્ડોસ્ટાર કૅપિટલ પોણાત્રણ ટકા ડાઉન હતા. એચડીએફસી પોણો ટકો તથા તેની બૅન્ક ૦.૭ ટકા વધી છે. 


Whatsapp-channel Whatsapp-channel

18 May, 2022 01:29 PM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK