આપણા દેશની જે પ્રોડક્ટ્સ છે એની ક્વૉલિટી સારી હોય છે
પ્રતીકાત્મક તસવીર
અમારા ધ સ્કૂટર પાર્ટ્સ ડીલર્સ અસોસિએશનની સ્થાપના ૧૯૭૫માં થઈ હતી. અમારા ૭૦૦થી વધુ મેમ્બરો છે. મુંબઈથી થાણે અને વેસ્ટર્ન સબર્બ્સમાં વિરાર સુધી અમારા સભ્યો ફેલાયેલા છે. અમારા અસોસિએશનમાં મેઇન ટ્રેડર્સ એટલે કે વેપારીઓ છે. એ સિવાય મૅન્યુફૅક્ચરર્સ, ઇમ્પોર્ટર્સ અને એક્સપોર્ટર્સનો પણ એમાં સમાવેશ થાય છે.
અમારી માર્કેટ મુખ્યત્વે ગ્રાન્ટ રોડમાં આવેલી છે. અમને હાલ જે મોટી સમસ્યા છે એ એક્સપાન્શનની છે. ૧૯૭૫માં દેશમાં બેથી ત્રણ બ્રૅન્ડનાં જ સ્કૂટર હતાં. હવે બજારમાં ૧૦૦ ટાઇપનાં સ્કૂટર, સ્કૂટી અને ૧૦૦ ટાઇપની બાઇક અવેલેબલ છે. એથી એ બધાના પાર્ટ્સની સંખ્યા બહુ જ વધી ગઈ છે. એની સાથે એટલું જ ઇન્વેસ્ટમેન્ટ પણ વધી ગયું છે. સ્ટૉક તો કરવો જ પડે, પરંતુ સામે જગ્યા પણ વધારે જોઈએ. સાઉથ મુંબઈમાં જગ્યાની કમી છે.
ADVERTISEMENT
અમે કોઈ પણ મદદ વગર છેલ્લાં ૬૦ વરસથી ધંધો કરીએ છીએ, પણ સરકાર તરફથી સામે ખાસ કશું મળતું નથી. ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST) આવ્યા પછી અમારી હાલત વધુ કફોડી થઈ ગઈ છે. સ્કૂટર, બાઇક અને રિક્ષા વાપરવાવાળો વર્ગ ખાસ કરીને મિડલ ક્લાસ વર્ગ છે. એમ છતાં સરકારે અમારી મોટા ભાગની આઇટમો (પાર્ટ્સ) પર ૨૮ ટકા GST લગાડી દીધો છે. ૨૫થી ૩૦ લાખ રૂપિયાની સ્પોર્ટ્સ યુટિલિટી ટાઇપની લક્ઝરી ગાડી હોય એના પર ૨૮ ટકા GST હોય તો કદાચ સમજી શકાય, પણ સ્કૂટર અને રિક્ષાના પાર્ટ્સ પર એ બહુ વધારે કહેવાય. અમે આ વિશે અલગ-અલગ લેવલ પર રજૂઆત કરી છે અને દિલ્હી સુધી પહોંચ્યા છીએ. આ સરકાર સારું કામ કરી રહી છે, પણ વેપારીઓ તરફ એનું દુર્લક્ષ છે.
આપણા દેશની જે પ્રોડક્ટ્સ છે એની ક્વૉલિટી સારી હોય છે. લોકો પંદર વર્ષ જૂનું સ્કૂટર કે રિક્ષા પણ સારી રીતે મેઇન્ટેઇન કરી રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસ (RTO)માં એની કેટલીક ટેસ્ટ આપીને ચલાવી શકે છે. ભારત સ્ટાન્ડર્ડ ૬ હેઠળ જે પાર્ટ્સ હવે વપરાય છે એ કૉસ્ટ્લી બની ગયા છે. ફ્યુઅલ ઇન્જેક્ટર, ફ્યુઅલ પમ્પ મોટર વગેરેના ભાવ વધવાથી કસ્ટમરની કૉસ્ટ વધી ગઈ છે.
નવી પેઢી માર્કેટથી દૂર રહેવાનું પસંદ કરે છે એનું મુખ્ય કારણ એ છે કે કોઈ પણ સરકારી ડિપાર્ટમેન્ટ વેપારીને ફક્ત ને ફક્ત એક ટૅક્સ-કલેક્ટરની નજરે જુએ છે. વેપારીઓને કોઈ બેનિફિટ આપવામાં આવતો નથી. વેપારી બાપડો ટૅક્સ ભર્યે જ રાખે છે. આજે અમે ૨૮ ટકા GST ભરીએ છીએ. ઇન્કમ-ટૅક્સ પણ ભરીએ અને બીજા ઇનડાયરેક્ટ ટૅક્સ પણ ભરીએ છીએ. અમારી મહેનત અને આવડત સાથે જ રિસ્ક લઈને મેળવેલી કમાણીનો મોટા ભાગનો હિસ્સો ગવર્નમેન્ટ લઈ જાય છે. એક રૂપિયો કમાઈને ઘરે લઈ જવા માટે અમે સરકારને ત્રણથી ચાર રૂપિયા ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ ટૅક્સ આપીએ છીએ.
આ પરિસ્થિતિમાં આટલી મોટી ઇન્વેન્ટરી (સ્ટૉક)ને મેઇન્ટેઇન કરવી અને ફ્લડિંગ, જગ્યા નથી, હેવી રેટ જેવા રિસ્કને જોતાં નવી પેઢી આ ધંધામાં આવવા તૈયાર જ નથી. યુવાનો ચોખ્ખું કહે છે કે તમારાથી થાય ત્યાં સુધી કરો, બાકી અમે દુકાનનું શટર ખોલવા પણ આવવાના નથી. હાલ માર્કેટમાં ત્રીજી પેઢી છે, પણ ચોથી પેઢી આવે એવી શક્યતા બહુ ઓછી છે.
બીજું સૌથી મોટું રિસ્ક ફૅક્ટર ઇલેક્ટ્રિક વેહિકલ (EV)નું છે. સામાન્ય રીતે બાઇક કે સ્કૂટીમાં ૫૦૦ જેટલા નાન-મોટા પાર્ટ્સ લાગે છે, જ્યારે રિક્ષામાં ૧૨૦૦થી ૧૫૦૦ પાર્ટ્સ લાગે છે. હવે જો EVની વાત કરીએ તો એમાં ૨૫ પાર્ટ્સ મૅક્સિમમ છે. એથી રોજગારને બહુ મોટો ફટકો પડશે. લાખો લોકો એના મૅન્યુફૅક્ચરિંગ અને ટ્રેડિંગ સાથે સંકળાયેલા છે. એ બધાને કામ મળતું બંધ થઈ જશે. ફૉરેનની જે કંપનીઓ આવે છે તેઓ પાર્ટ્સ પણ તેમની જ કંપનીના વપરાય એવી કન્ડિશન રાખે છે. એથી એ લોકોને ધંધો મળશે, પણ સામે આપણા દેશના લાખો લોકો બેકાર થઈ જશે. આજે મુંબઈમાં જ ૨૫થી ૩૦ લાખ જેટલાં ટૂ-વ્હીલર રસ્તા પર છે. સરકાર ૨૦૩૦ સુધીમાં ૩૦થી ૪૦ ટકા ટૂ-વ્હીલર EV કરવા માગે છે. એક દૃષ્ટિએ એમાં કંઈ ખોટું પણ નથી, પણ સામે જે લાખો લોકો બેકાર થશે એનું શું? સરકાર પૉલિસી બનાવે ત્યારે એણે એ બાબતે પણ વિચારવું જોઈએ. જો EV આવશે તો નવી પૉલિસીમાં હાલના વેપારીવર્ગને કઈ રીતે સાંકળી શકાય, નવી પ્રોડક્ટ્સ સ્કૂટી અને બાઇકમાં લોકલ પાર્ટ્સ કઈ રીતે વાપરી શકાય, કેટલા લોકલ પાર્ટ્સ હોવા જોઈએ એનો કશો ઉલ્લેખ જ નથી. આપણી આખી ઇકૉનૉમીનો ટ્રેડર્સ મહત્ત્વનો હિસ્સો છે, પણ તેમની કશે નોંધ લેવાતી નથી. તે વગર પગારે સરકાર માટે ટૅક્સ-કલેક્ટરનું કામ કરે છે. એમ છતાં વેપારીઓ માટે કોઈ પણ સરકાર ક્યારેય વિચારતી નથી એ બહુ દુ:ખદ વાત છે.
- દેવેન દાણી (લેખક ધ સ્કૂટર પાર્ટ્સ ડીલર્સ અસોસિએશનના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ છે)

