Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > મુંબઈ કાપડબજારના જાજરમાન ઇતિહાસ અને રોનકને ઉજાગર કરવાનો અનોખો ભગીરથ પ્રયાસ

મુંબઈ કાપડબજારના જાજરમાન ઇતિહાસ અને રોનકને ઉજાગર કરવાનો અનોખો ભગીરથ પ્રયાસ

20 June, 2022 03:04 PM IST | Mumbai
Mayur Mehta | mayur.mehta@mid-day.com

૧૫૨ વર્ષ જૂની મુંબઈની કાપડબજાર થકી ધબકતા અર્થતંત્રના સોનેરી દિવસો પાછા લાવવાનો નિર્ધાર : જુલાઈ બાદ શરૂ થતી તહેવારોની મોસમમાં ઘરાકી સારી રહેતાં કાપડબજારનો ધમધમાટ પાછો ફરવાનો વિશ્વાસ

પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક

કૉમોડિટી વૉચ

પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક


દેશની આર્થિક રાજધાની મુંબઈની ઓળખ બનાવવામાં અહીંની કાપડબજારનો સિંહફાળો છે. ૧૪૩ વર્ષ જૂનું મુંબઈ ટેક્સટાઇલ મરચન્ટ મહાજન અને ૧૫૨ વર્ષ જૂની મૂળજી જેઠા માર્કેટનો જાજરમાન ઇતિહાસ દંતકથા સમાન છે. સમગ્ર દેશમાંથી મુંબઈ આવીને વસતા અનેક લોકોને રોજગારી આપીને મુંબઈને ધબકતું રાખવામાં કાપડબજારે વર્ષોથી મહત્ત્વનો ભાગ ભજવ્યો છે
ત્યારે મુંબઈમાં કાપડની મિલો બંધ થયા બાદ કાપડબજારનો બિઝનેસ દેશનાં જુદાં-જુદાં શહેરોમાં કેન્દ્રિત થવા લાગ્યો છે જેને કારણે મુંબઈ કાપડબજારની રોનક થોડી ઓછી થઈ રહી છે છતાં મુંબઈ કાપડબજારની અનેક વિશેષતા હોવાથી અહીં કાપડબજાર પ્રત્યે દેશભરના લોકોનું આકર્ષણ હજી પણ બરકરાર છે. 
મુંબઈ કાપડબજારના જાજરમાન ઇતિહાસ અને રોનકને ઉજાગર કરવા મુંબઈ ટેક્સટાઇલ મરચન્ટ મહાજનના ઉપક્રમે ૨૯ અને ૩૦ જૂને બીટુબી (બિઝનેસ ટુ બિઝનેસ) કાપડ ફેરનું આયોજન થયું છે. મુંબઈમાં અત્યાર સુધીનો સૌથી મોટો ફેર યોજાઈ રહ્યો છે જેમાં ફૉર્મલ, કૅઝ્‍યુઅલ, ઍથ્નિક, શર્ટિંગ, શૂટિંગ, ડ્રેસ મટીરિયલ્સ, કુર્તીવેર, લેડીઝ માટે પ્રિન્ટેડ મટીરિયલ્સ, પ્યૉર લીનન, કૉટન પ્રિન્ટેડ, અનસ્ટિચ ડ્રેસ મટીરિયલ્સ સહિતની ૨૫થી ૩૦ આઇટમોનો ફેર યોજાવાનો છે જેમાં સમગ્ર દેશના કાપડ સાથે સંકળાયેલા વેપારીઓનું ભારે આકર્ષણ છે. 
કોરોનાનાં કપરાં બે વર્ષમાં કાપડબજારને ભારે ધક્કો પહોંચ્યો છે. ખાસ કરીને કાપડબજારમાં કામ કરતા કારીગરો, મજૂરો અને હિસાબ-કિતાબનું કામ કરતા અનેક લોકોને નાછૂટકે તેમના વતનમાં શિફ્ટ થવું પડ્યું હતું અને ત્યાર બાદ તેઓ યેનકેન પ્રકારેણ પાછા ફરી શક્યા નથી. એ ઉપરાંત જૂની ઉઘરાણીઓની પતાવટ શક્ય ન બની એને કારણે અનેક વેપારીઓનું નાણાકીય ચક્ર જૅમ થઈ ગયું અને તેમણે ધંધો છોડીને અન્ય ધંધા તરફ ડાઇવર્ટ થવું પડ્યું હતું, પણ ૨૦૨૦ અને ૨૦૨૧માં બેથી ત્રણ સીઝનમાં ઘરાકીનો ધમધમાટ ફરી દેખાવા લાગતાં કાપડબજારને થોડી કળ વળી હતી. હાલમાં ફરી કોરોનાના કેસ મુંબઈ અને મહારાષ્ટ્રમાં કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે, પણ હૉસ્પિટલાઇઝેશન અને મૃત્યુદર એકદમ ઓછો હોવાથી અગાઉના કોરોના જેવો ડર હાલમાં નથી. સરકારે પણ કોરોનાની તીવ્રતા ઓછી હોવાથી કોઈ નિયંત્રણ લાદ્યાં નથી એથી લોકોમાં પણ ડર ઓછો છે. જુલાઈ મહિનાથી તહેવારોની સીઝન ચાલુ થશે. જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી, નવરાત્રિ, દશેરા અને દિવાળીના તહેવારોમાં કાપડબજારમાં પહેલાં જેવી ઘરાકી આવવાનો વિશ્વાસ છે. જોકે શૅરબજારની મંદી, પેટ્રોલ-ડીઝલના ઊંચા ભાવને કારણે કાળઝાળ મોંઘવારી અને રૂના ઊંચા ભાવને કારણે કાપડના ઊંચા ભાવ વગેરે નકારાત્મક પરિબળો છતાં ભારતીય પરંપરા ઉત્સવપ્રિય હોવાથી આટલાં બધાં નકારાત્મક પરિબળો વચ્ચે પણ કાપડબજારમાં ઘરાકીનો ઉત્સાહ જોવા મળશે એવી આશા છે.

મુંબઈ કાપડબજારની વરાઇટી જેવું વૅલ્યુએડિશન અને ક્રીએટિવિટી સમગ્ર દેશમાં ક્યાંય નથી  
કનુભાઈ નરસાણા 
પ્રમુખ, મુંબઈ ટેક્સટાઇલ મરચન્ટ મહાજન
મુંબઈમાં કાપડની મિલો બંધ થયા બાદ કાપડનો બિઝનેસ ભીલવાડા, લુધિયાણા, ભિવંડી, ઇચલકરંજી, અમદાવાદ, સુરત તરફ ડાઇવર્ટ થયો અને મુંબઈ કાપડબજારમાં બિઝનેસ ધીમે-ધીમે ઘટતો ગયો હતો. કોરોના પછી આવેલી નાણાંની ક્રાઇસિસની અભૂતપૂર્વ પછડાટ સહન કરીને પણ મુંબઈ કાપડબજારે જૂની શાખને બરકરાર રાખવામાં મહદંશે સફળતા મેળવી હતી. કાપડના ભાવમાં એક વર્ષમાં ૧૦૦ ટકા ભાવવધારો થયો હોવાથી થોડો વખત ગ્રાહકી અને નિકાસને અસર થઈ હતી, પણ હાલમાં રૂપિયાની મંદીને કારણે નિકાસને પ્રોત્સાહન મળતાં કાપડની નિકાસનાં કામ ફરી ધમધમવા લાગ્યાં છે. મુંબઈ કાપડબજારનો જાજરમાન ઇતિહાસ છે અને મહાજન પ્રથાની ખૂબીઓનું જીવતું-જાગતું ઉદાહરણ મુંબઈ કાપડબજાર છે ત્યારે કાપડબજારની રોનકને પાછી મેળવીને અહીંના વેપારીઓમાં વિશ્વાસનું પુન: સ્થાપન થાય એ માટે કાપડબજાર સાથે સંકળાયેલા તમામ લોકો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. મુંબઈ કાપડબજારની વરાઇટી જેવું વૅલ્યુએડિશન અને ક્રીએટિવિટી સમગ્ર દેશમાં ક્યાંય નથી એ એક મુંબઈ કાપડબજારનો પ્લસ પૉઇન્ટ છે અને કાપડ ફેર દ્વારા આ પ્લસ પૉઇન્ટને વધુ ઉજાગર કરીને મુંબઈ કાપડબજારમાં ફરી વિશ્વાસનું જોમ ઊભું થાય એ માટેના પ્રયત્નને ૧૦૦ ટકા સફળતા મળશે એવો મારો વિશ્વાસ છે.



દિવાળી આ વર્ષે વહેલી હોવાથી કાપડબજારમાં ઘરાકીની રોનક વહેલી શરૂ થવાની આશા 
સુનીલ મજીઠિયા
માનદ સચિવ, મુંબઈ ટેક્સટાઇલ મરચન્ટ મહાજન
રૂના ભાવમાં અત્યાર સુધી ન જોયો હોય એવો વધારો થતાં કાપડની તમામ વરાઇટીના ભાવમાં મોટો વધારો થયો છે જેને કારણે કાપડબજારમાં જોઈએ એવી ઘરાકી નથી. રૂના ભાવ ૧ લાખ રૂપિયાને  ઓળંગી જતાં કાપડના ભાવમાં મોટો વધારો થયો છે. વળી કોરોના પછી કારીગરોની શૉર્ટેજ દરેક સ્તરે રહી છે. કોરોનાના કેસ ફરી વધતાં થોડો ગભરાટ છે, પણ અગાઉનાં બે વર્ષ જેવો ગભરાટ નથી છતાં હાલમાં ઘરાકીનો વસવસો જોવા મળી રહ્યો હોવાથી કાપડબજારમાં પરેશાની વધી છે. વળી ઇચલકરંજીના કારીગરો ભાવવધારો માગી રહ્યા હોવાથી પરેશાની થોડી વધી છે, પણ ચાલુ વર્ષે દિવાળી વહેલી એટલે કે ૨૪-૨૫ ઑક્ટોબરે હોવાથી ઘરાકીના દિવસો ઝડપથી કાપડબજારમાં આવશે એવી બધાને આશા છે. મુંબઈ ટેક્સટાઇલ મરચન્ટ મહાજન દ્વારા યોજાઈ રહેલો કાપડ ફેર તમામ રીતે અનોખો છે અને અનેક પ્રકારની વરાઇટી તએમાં સામેલ હોવાથી તમામને આ ફેરમાં ભાગ લેવાનો ઉત્સાહ છે. મુંબઈ માટે જ મર્યાદિત રાખવામાં આવેલા કાપડ ફેરમાં દેશભરના કાપડના વેપારીઓને ભાગ લેવાનો ઉત્સાહ પ્રથમથી દેખાઈ રહ્યો છે. વળી કાપડ ફેરમાં પ્રવેશ નિઃશુલ્ક (રજિસ્ટ્રેશન ફરજિયાત) રાખવામાં આવ્યો હોવાથી દેશભરમાંથી રોજબરોજ મોટી ઇન્ક્વાયરી આવી રહી છે. 


જીએસટી અને કોરોનાની અસરમાંથી કાપડબજારને ઉગારવાનો ‘કાપડ ફેર’નો ઉદ્દેશ
દિવ્યેશ પંચમતિયા
કમિટી મેમ્બર, મુંબઈ ટેક્સટાઇલ મરચન્ટ મહાજન
જીએસટી (ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ)ના અમલ બાદ કાપડબજારમાં ધરમૂળથી ફેરફાર થયા હતા. અગાઉ વેપારીઓ પાંચથી દસ હજાર મીટર કાપડ ખરીદીને સ્ટૉક રાખતા હતા એ હવે બંધ થઈ ગયો છે. વળી ટ્રાન્સપોર્ટેશન ફૅસિલિટી વધતાં હવે દેશના કોઈ પણ ખૂણામાંથી ૨૪ કલાકમાં જોઈતું મટીરિયલ્સ મળી જાય છે એથી કાપડના વેપારીઓ હવે હૅન્ડ ટુ માઉથ થઈ ગયા છે. જોકે જીએસટીના અમલ બાદ આખી બજારમાં બધુ જ ક્લીન થઈ ગયું અને તંદુરસ્ત વેપાર કરનારાઓની અનુકૂળતા અનેકગણી વધી. કોરોનાનો માર બહુ મોટો રહ્યો છે. અનેક વેપારીઓએ બિઝનેસ બંધ કરવાની નોબત આવી હતી. આ તમામ અસરમાંથી મુંબઈ કાપડબજારને બહાર લાવવા મુંબઈ કાપડ ફેરનું આયોજન થયું છે. આ ફેર દ્વારા મુંબઈ કાપડ બજારના વેપારીઓનો વિશ્વાસ અનેકગણો વધશે અને આગામી તહેવારોની ઘરાકીનો લાભ ઉઠાવી વેપારીઓ ઉત્સાહભેર પ્રગતિના પંથે આગળ વધશે એવો વિશ્વાસ છે. રૂના ઊંચા ભાવને કારણે દર મહિને કૉટન યાર્નના ભાવ વધી રહ્યા છે. ભાવઘટાડાની બજારમાં વાત થાય છે, પણ દર મહિને કૉટન યાર્નના ભાવ વધીને આવે છે જેની અસર મે-જૂનમાં ઘરાકી પર રહી છે. સ્કૂલ-ડ્રેસ અને રેઇની આઇટમોમાં ઘરાકી રાબેતા મુજબ રહી છે. હવે તહેવારોની ઘરાકી પર બધાની નજર છે. 


Whatsapp-channel Whatsapp-channel

20 June, 2022 03:04 PM IST | Mumbai | Mayur Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK