° °

આજનું ઇ-પેપર
Sunday, 28 November, 2021


ખેડૂતોની લાંબી લડાઈ પછી ત્રણ કૃષિ કાયદાઓ પાછા ખેંચાયાની મોટી અસર પડશે

22 November, 2021 01:12 PM IST | Mumbai | Mayur Mehta

આંતરરાષ્ટ્રીય ફલક પર નરેન્દ્ર મોદી અને ભારતની છબી ખરડાતી બચાવવા માટે નિર્ણય લેવાયો હોવાની ચર્ચા : ઉત્તર પ્રદેશ-પંજાબ સહિત પાંચ રાજ્યોની ચૂંટણીમાં ખેડૂતની વોટ બૅન્કને તૂટતી બચાવવા માટે નિર્ણય લેવાયો હોવાની ચર્ચા

ફાઇલ ફોટો

ફાઇલ ફોટો

કૃષિપ્રધાન ભારતમાં ખેડૂતો એક મજબૂત વોટ બૅન્ક હોઈ કોઈ પણ રાજકીય પક્ષની સરકાર ખેડૂતોને ખુશ કરવા તમામ શક્તિ લગાડતી આવી છે. ૨૦૧૪માં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બીજેપીની સરકાર બની ત્યારથી દેશના કૃષિ ક્ષેત્રે ક્રાંતિ લાવવા ભૂમિ અધિગ્રહણ કાયદો લાવવામાં આવ્યો તેમાં પણ સરકારને પીછેહઠ કરવી પડી અને ત્યારબાદ ૨૦૨૦માં ત્રણ નવા કૃષિ કાયદા બનાવવામાં આવ્યા તેના વિરોધમાં ઐતિહાસિક ખેડૂત આંદોલન ચાલ્યું, જોકે હજી ચાલુ જ છે. આ આંદોલનને બદનામ કરવા સરકારે આકાશ-પાતાળ એક કર્યા તેમ છતાં આંદોલનકારી ખેડૂત નેતાઓ ઝૂક્યા નહીં આથી સરકારને ત્રણ કૃષિ કાયદાઓ રદ કરવાની ફરજ પડી છે. આ ત્રણ કાયદા રદ કર્યા તેની પાછળ અનેક કારણો ચર્ચાય છે, પણ આ ત્રણ કાયદાઓ રદ થયાની બહુ જ મોટી અસર આવનારા દિવસોમાં જોવા મળશે તે નક્કી છે. 
આંતરરાષ્ટ્રીય ફલક પર અનેક દેશો ખેડૂતોને થોકબંધ સબસિડીઓ આપી રહ્યા છે ત્યારે ભારતના ખેડૂતો લાંબા સમયથી આંદોલન કરી રહ્યા હોય તેને કારણે નરેન્દ્ર મોદી અને ભારતની છબી આંતરરાષ્ટ્રીય ફલક પર બગડી રહી હતી તેને કારણે આટલો મોટો નિર્ણય લેવાયાની ચર્ચા છે. ઉત્તર પ્રદેશ-પંજાબ સહિત પાંચ રાજ્યોની ચૂંટણીમાં ખેડૂતોની વોટ બૅન્ક જાળવવા માટે આ નિર્ણય લેવાયાની પણ ચર્ચા છે. આ ત્રણ કાયદા રદ થતાં ખેડૂતોની તાકાત વધશે અને ભવિષ્યમાં સરકારને ખેડૂતોને લગતાં કોઈ પણ મોટા નિર્ણય લેતાં પહેલાં સો વખત વિચાર કરવો પડશે.

આંદોલનકારી નેતાઓએ ખેડૂતોની આત્મહત્યા રોકવાના ઉપાય સરકારને બતાવવા જોઈએ

પાશા પટેલ
ભૂતપૂર્વ ચૅરમૅન, મહારાષ્ટ્ર એગ્રિકલ્ચર પ્રાઇસ કમિશન

ગામડામાં રહેતા નાના ખેડૂતોએ ઉગાડેલી કૃષિપેદાશો સહેલાઈથી વેચાઈ જાય તે માટે પ્રાઇવેટ માર્કેટયાર્ડને મંજૂરી આપવા અને ખેડૂતોને અન્ય સવલતો આપવા ત્રણ કૃષિ કાયદાઓ બનાવવામાં આવ્યા હતા, પણ દેશના કેટલાક ખેડૂત અગ્રણીઓ સરકારના ઉદ્દેશ્યને સમજી શક્યા નહોતા અને સરકારી સંસાધનો પણ દેશના તમામ ખેડૂતોને ત્રણ કૃષિ કાયદાના ફાયદાઓ સમજાવી શકવામાં નિષ્ફળ જતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આ ત્રણ કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની ફરજ પડી હતી. હવે દર વર્ષે દેશના ચારથી પાંચ લાખ ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે તેને રોકવાનો ઉપાય ખેડૂતોએ સરકારને બતાવવો પડશે. ખેડૂતોને લગતા કાયદામાં ૧૯૬૦થી કોઈ ફેરફાર થયા નથી અને હાલના કાયદા હેઠળ દેશના ખેડૂતો અનેક મુશ્કેલીઓ હેઠળ દબાયેલા છે ત્યારે તેમાં ફેરફાર અત્યંત આવશ્યક છે. આંદોલનકારીઓએ સરકારને ત્રણ કૃષિ કાયદાઓ રદ કરવામાં આવે ત્યાર બાદ મંત્રણા શરૂ કરવાની શરત મૂકી હતી જે વડા પ્રધાને માની છે, હવે આંદોલનકારી નેતાઓએ ખેડૂતોનાં હિત માટે સરકારને સૂચનો કરવા જોઈએ. દરેક ખેડૂતોને એમએસપી (મિનિમમ સપોર્ટ પ્રાઇસ) મળે તે માટે આયાત-નિકાસ નીતિમાં જરૂરી ફેરફાર કરવા જોઈએ. 

આઝાદી પછી પ્રથમ વખત દેશના ખેડૂતોની તાકાત જીતી, મહિલા ખેડૂતોની ભૂમિકા મહત્ત્વની

ડૉ. વિભૂતિ પટેલ
ભૂતપૂર્વ હેડ-અર્થશાસ્ત્ર વિભાગ, એસએનડીટી મહિલા વિદ્યાપીઠ-ચર્ચગેટ

ભારતની આઝાદી પછી પ્રથમ વખત ખેડૂત એકતાનો વિજય થયો છે. વર્ષોથી ખેડૂતોનું શોષણ થતું હતું જેને કારણે ખેડૂતોને નછૂટકે આત્મહત્યાનો માર્ગ અપનાવવો પડતો હતો, પણ પ્રથમ વખત ખેડૂતોએ સંગઠિત થઈને સરકારના અન્યાયી વલણ સામે અવાજ ઉઠાવીને લાંબા સમય સુધી લડત લડી હતી. દેશના ખેડૂતોની જીતમાં આ વખતે મહિલાઓનો બહુ જ મોટો ફાળો રહ્યો છે, કારણ કે અનેક મહિલાઓએ લાંબા સમય સુધી ખેતીને સંભાળી હતી જેને કારણે પુરુષ ખેડૂતો આટલી લાંબી લડાઈ લડી શક્યા હતા. બીજું ખેડૂતોની આ લડાઈથી હવે આંતરરાષ્ટ્રીય નેટવર્ક સાથે ભારતના ખેડૂતો જોડાઈ ગયા છે. આંતરરાષ્ટ્રીય ફલક પર દરેક દેશ ખેડૂતોને મદદ કરવા થોકબંધ સબસિડીઓ, સવલતો આપે છે ત્યારે ભારતના ખેડૂતોને મહિનાઓ સુધી આંદોલન કરવું પડ્યું તેની ખરાબ છાપ આંતરરાષ્ટ્રીય સ્તરે પડી છે. ભારતીય ખેડૂતોના આટલા મોટા આંદોલન બાદ ખેડૂતોની જીત થતાં વિશ્વની સંસ્થાઓનું ધ્યાન ભારતીય ખેડૂતોની સમસ્યા તરફ પડ્યું છે જેનો ફાયદો ભારતના ખેડૂતોને થશે. ખેડૂત પરિવારના વિદેશમાં ભણતાં પુત્ર-પુત્રીઓની ભૂમિકાએ ખેડૂતોના આંદોલનને સફળ બનાવવામાં મોટો ફાળો આપતા ખેડૂતોની શક્તિ અનેકગણી વધી છે.

આવશ્યક ચીજવસ્તુઓને લગતા કાયદામાં વિસંગતતા દૂર થવી જ જોઈએ 

કીર્તિ રાણા 
ચૅરમૅન, નવી મુંબઈ મર્ચન્ટ ચેમ્બર્સ

નવા કૃષિ કાયદાનો વિરોધ રાજકારણ પ્રેરિત હોઈ અને દેશના હિતને નુકસાન થતું હોઈ વડા પ્રધાને યોગ્ય નિર્ણય લઈને ત્રણ કૃષિ કાયદાઓ રદ કર્યા છે જે પગલું એકદમ યથાયોગ્ય ગણી શકાય, પણ દેશના વેપારીઓ અને ગ્રાહકોને ખેડૂતોનાં હિતના નામે થતા અન્યાયને હવે ભવિષ્યમાં કોઈ નવા કાયદા ઘડવામાં આવે ત્યારે ખાસ ધ્યાનમાં લેવાવો જોઈએ. આખા દેશમાં જીએસટી (ગુડ્ઝ અૅન્ડ સર્વિસ ટૅક્સ) જો એકસરખો હોય તો જુદાં-જુદાં રાજ્યોમાં મંડી ટૅક્સ અલગ-અલગ ન હોવો જોઈએ, વળી મંડી ટૅક્સને બદલે મંડીને મેઇન્ટેનન્સ કરવાનો ટૅક્સ લેવાવો જોઈએ, કારણ કે હાલ મંડી ટૅક્સ જે પણ ઉઘરાવવામાં આવે છે તેનો બોજ તો આખરે ગ્રાહક પર પડી રહ્યો છે. નવી મુંબઈની માર્કેટમાં જે ચીજવસ્તુઓનો વેપાર થાય છે તે તમામની આયાત-નિકાસ થતી હોઈ તેની અસર આંતરરાષ્ટ્રીય વેપાર પર થતી હોય ત્યારે સરકારે ખેડૂતોનાં હિતનું નામ લઈને વેપારીઓ અને ગ્રાહકો પર વધારાનો બોજો નાખવો ન જોઈએ. એક તરફ આપણે મુક્ત વ્યાપારની વાત કરીએ છીએ અને બીજી તરફ વેપારીઓ પર અનેક પ્રકારનાં નિયંત્રણો લાદવામાં આવે છે તે બન્ને બાબતો એકદમ અન્યાયી છે. આમ હાલના કાયદાની વિસંગતતાને દૂર કરવી ખૂબ જ જરૂરી છે.

22 November, 2021 01:12 PM IST | Mumbai | Mayur Mehta

અન્ય લેખો

એમેઝોન ઇન્ડિયાના ચીફને EDએ પાઠવ્યું સમન્સ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે એમેઝોન ઇન્ડિયાના વડા અમિત અગ્રવાલને સમન્સ પાઠવ્યું છે.

28 November, 2021 06:20 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

News in short: અશોક લેલૅન્ડના એમડી વિપિન સોંધીનું રાજીનામું

સોંધી આવતી ૩૧ ડિસેમ્બરે પદત્યાગ કરશે.

27 November, 2021 12:14 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

હોમ લોનનું અમોર્ટાઇઝેશન શેડ્યુલ એટલે શું?

આપણે ગયા વખતે હોમ લોનને લગતા કેટલાક શબ્દોની વાત કરી. બાકી રહી ગયેલા શબ્દોના અર્થ આજે જાણી લઈએ :  

27 November, 2021 12:04 IST | Mumbai | Ram Prasad Padhi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK