Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > મેટલ શૅરોની મોજ વચ્ચે શૅરબજાર સતત પાંચમા દિવસે પૉઝિટિવ ઝોનમાં

મેટલ શૅરોની મોજ વચ્ચે શૅરબજાર સતત પાંચમા દિવસે પૉઝિટિવ ઝોનમાં

14 January, 2022 12:15 PM IST | Mumbai
Anil Patel

મેટલ ઇન્ડેક્સ તમામ શૅરની મજબૂતીમાં ચારેક ટકા કે ૭૫૮ પૉઇન્ટ ગરમ થયો , રિલાયન્સના સાધારણ સુધારા સામે અદાણી ગ્રુપ મજબૂત, અદાણી ટ્રાન્સ. અને અદાણી ગ્રીન નવા શિખરે, સતત નવા નીચા બૉટમ સાથે પેટીએમ ચાર આંકડાની અંદર જવાની તૈયારીમાં

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ક્રિસિલનો રિપોર્ટ કહે છે, ડિસેમ્બર ક્વૉર્ટરમાં કૉર્પોરેટ નફાશક્તિ છેલ્લા બાર ક્વૉર્ટર દરમિયાન પ્રથમ વાર ઘટશે. એના મતે થર્ડ ક્વૉર્ટરમાં આ વખતે કંપનીઓનું એબિટા માર્જિન કે ઑપરેટિંગ પ્રૉફિટનો દર વાર્ષિક ધોરણે પોણાથી એક ટકા નીચે જશે અને અત્યાર સુધીમાં આવેલાં મોટા ભાગનાં કંપની પરિણામમાં ઑપરેટિંગ માર્જિન વત્તે-ઓછે અંશે ઘટ્યું હોવાનું જણાયું છે, જેમાંથી બજારની ધારણા કરતાં બહેતર દેખાવ કરનાર ઇન્ફી પણ બાકાત નથી. મૅન્યુફૅક્ચરિંગ કંપનીઓના કિસ્સામાં પ્રૉ‌ફિટ માર્જિન સારા એવા નીચા જવાના છે. શૅરબજાર ગુરુવારે પણ પૉઝિટિવ ઝોનમાં બંધ થયું છે. જોકે સુધારો ૮૫ પૉઇન્ટ જેવો મામૂલી હતો. નિફ્ટી ૪૫ પૉઇન્ટ આગળ વધ્યો છે. વધ-ઘટની રેન્જ ઘણી સાંકડી હતી. કટાવારીની રીતે સેન્સેક્સના મુકાબલે નિફ્ટી થોડો વધુ પ્લસ હતો અર્થાત ગઈ કાલની ચાલ અથડાયેલી કહી શકાય. સેન્સેક્સના ૩૦માંથી ૧૯ અને નિફ્ટીના ૫૦માંથી ૩૬ શૅર વધ્યા છે. તાતા સ્ટીલ લગભગ સાડાછ ટકાની તેજીમાં બંને બજાર ખાતે મોખરે હતો. આ તેજી કોઈ રીતે હજમ થાય એવી નથી. હા, બજારને એના લીધે ૫૦ પૉઇન્ટનો ફાયદો અવશ્ય થયો છે. ઇન્ફી તથા ટીસીએસના સુધારાથી સેન્સેક્સને ૧૦૦ પૉઇન્ટ મળ્યા હતા જેમાં વિપ્રો અને એચસીએલ ટેક્નો નબળા પડતાં ૭૧ પૉઇન્ટ નીકળી જતાં નેટ ગેઇન ૨૯ પૉઇન્ટ બચે છે. એચડીએફસી બૅન્ક જેના પરિણામ શનિવારે જાહેર થવાના છે એ ૧.૮ ટકા ગગડી ૧૫૨૭ના બંધમાં બજારને સૌથી વધુ ૧૦૯ પૉઇન્ટ નડી છે.
રિલાયન્સ અડધો ટકો વધી ૨૫૩૫ બંધ હતો, પરંતુ અદાણી ગ્રુપ જોરમાં છે. અદાણી એન્ટર સવા ટકો વધી ૧૮૫૪, અદાણી પોર્ટ્સ ૧.૧ ટકો વધી ૭૭૨, અદાણી ટોટલ સવાબે ટકા વધીને ૧૮૧૫ બંધ હતા. અદાણી ટ્રાન્સમિશન સાડાત્રણ ગણા કામકાજમાં ૨૦૩૮ નજીક સર્વોચ્ચ સપાટી બતાવી ચાર ટકાની તેજીમાં ૨૦૧૮ તો અદાણી ગ્રીન ૧૬૮૪ની નવી વિક્રમી સપાટી હાંસલ કરી એક ટકો વધી ૧૬૬૪ બંધ આવ્યો છે. અદાણી પાવર પોણાબે ટકા જેવા ઘટાડે ૧૧૭નો બંધ આપીને અપવાદ બન્યો છે. 
ઇન્ફીમાં પરિણામ, ટીસીએસમાં બાયબૅકની હૂંફ, વિપ્રો ગગડ્યો
વિશ્લેષકોની એકંદર ધારણા કરતાં સારા પરિણામના પગલે ઇન્ફોસિસ ગુરુવારે સવાબે ગણા કામકાજમાં ૧૯૧૪ની ઑલટાઇમ હાઈની નજીક, ૧૯૧૨ થઈ એક ટકાના સુધારામાં ૧૮૯૭ બંધ રહ્યો છે. જ્યારે ટીસીએસ પરિણામ ઍવરેજ હોવા છતાં શૅરદીઠ ૪૫૦૦ રૂપિયાના બાયબૅકની હૂંફના કારણે ત્રણ ગણા કામકાજમાં ઉપરમાં ૩૯૪૪ વટાવી એક ટકો વધીને ૩૮૯૭ હતો. વિપ્રોમાં માર્જિન ચાર ટકાથીય વધુ ગગડતાં બૉટમ લાઇન ભીંસમાં આવી છે. એમાં ઓમાઇક્રોનની ભારે આફતને લઈ કંપનીએ એની તમામ ગ્લોબલ ઑફિસ ચાર સપ્તાહ માટે બંધ કરવાની જાહેરાત કરી છે. આથી શૅર ભળતી ખરાબીમાં ગઈ કાલે સાડાત્રણ ગણા વૉલ્યુમમાં ૬૪૮ની ઇન્ટ્રા-ડે બૉટમ બતાવી છ ટકાની ખરાબીમાં ૬૫૦ નજીક હતો. એચસીએલ ટેક્નૉલૉજીસ જે છેલ્લા બે દિવસથી સારો એવો મજબૂત દેખાતો હતો એ પરિણામની પૂર્વસંધ્યાએ નીચામાં ૧૩૨૧ બતાવી ૧.૩ ટકા ઘટીને ૧૩૩૩ રૂપિયા બંધ આવ્યો છે. માઇન્ડ ટ્રી ૪૭૬૦ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ ૨.૪ ટકા વધીને ૪૭૪૪ હતો. એમાં પરિણામ બજાર બંધ થયા પછી આવ્યા હતા. બીએસઈનો આઇટી ઇન્ડેક્સ ૬૦માંથી ૨૨ શૅર પ્લસમાં આવીને ૯૬ પૉઇન્ટ જેવો સામાન્ય વધ્યો છે ટેક મહિન્દ્રા ૧૭૪૯ની દિવસની ટૉપ બતાવી અડધો ટકો ઘટી ૧૭૧૯ હતો. તાતા એલેક્સી ૬૪૪૯ની ઇન્ટ્રા-ડે હાઈ બનાવી ૪.૫ ટકા કે ૨૭૭ રૂપિયાની મજબૂતીમાં ૬૪૦૧ થયો છે. તાન્લા પ્લૅટફૉર્મના રિઝલ્ટ ૨૧મીએ છે. ભાવ ગઈ કાલે પાંચ ટકાની તેજીની સર્કિટમાં ૧૯૭૩ નજીક જઈને ત્યાં જ રહ્યો છે. 
તાતા સ્ટીલની આગેવાની હેઠળ મેટલ ઇન્ડેક્સ ૩.૯ ટકા મજબૂત 
સ્ટીલ શૅરોમાં વિશ્લેષકો અને બ્રોકરેજ હાઉસના એકંદર બેરિશ-વ્યુ વચ્ચે ગઈ કાલે મેટલ ઇન્ડેક્સ ૩.૯ ટકા કે ૭૫૮ પૉઇન્ટ ઊછળ્યો છે. એના ૧૦માંથી ૧૦ શૅર વધ્યા હતા. જિંદાલ સ્ટીલ દોઢા વૉલ્યુમમાં ૫.૯ ટકાની તેજીમાં ૪૧૩ બંધ હતો. તાતા સ્ટીલ ચાર ગણા કામકાજ સાથે ૧૨૨૫ની ઇન્ટ્રા-ડે હાઈ બનાવી ૬.૪ ટકાના જમ્પમાં ૧૨૨૦, જેએસડબલ્યુ સ્ટીલ ૪.૭ ટકા ઊચકાઈને ૬૮૮ તથા સેઇલ ત્રણ ટકા વધી ૧૦૮ ઉપર બંધ હતા. વેદાન્ત બે ટકા, હિન્દાલ્કો ૧.૯ ટકા, એનએમડીસી ૩.૪ ટકા, કોલ ઇન્ડિયા ૧.૯ ટકા, એનએમડીસી ૩.૪ ટકા, કોલ ઇન્ડિયા ૩.૫ ટકા, હિન્દુસ્તાન કોપર દોઢ ટકા વધ્યા છે. નિફ્ટી મેટલ ઇન્ડેક્સ ૧૫માંથી ૧૪ શૅરના સુધારામાં ૩.૫ ટકા મજબૂત રહ્યો છે. માઇનિંગ સેગમેન્ટમાં આશાપુર માઇનકેમ ચાર ટકા, સાંડૂર મેંગેનીઝ ૪.૧ ટકા, ટ્વેન્ટી માઇક્રોન્સ ૧૦ ટકા પ્લસ હતા. 
કેપિટલ ગુડ્સ ઇન્ડેક્સ ૨૪માંથી ૧૮ શૅરના સુધારામાં ૩૦૫૩૪ની નવી વિક્રમી સપાટી બનાવી ૪૬૮ પૉઇન્ટ વધી ૩૦૪૪૦ હતો. અત્રે લાર્સન ૨૦૨૮ની નવી ટૉપ બતાવી ૨.૩ ટકાની આગેકૂચમાં ૨૦૧૮ થયો છે. પૉલિકેબ ત્રણ ગણા વાલ્યુમમાં ૨૬૯૮ની નવી ઊંચી સપાટી બાદ ૮.૩ ટકા કે ૨૦૬ રૂપિયાના ઉછાળે ૨૬૮૬ હતો. ભારત ફોર્જ એક ટકો સુધર્યો છે. પ્રાજ ઇન્ડ પાંચેક ટકાના ઉછાળે ૩૮૨ હતો. ગ્રેફાઇટ ઇન્ડિયા બે ટકા તો એચઈજી પોણો ટકો અપ હતા. 
બૅન્કિંગ ઉદ્યોગમાં એકંદર સુધારા વચ્ચે બૅન્ક નિફ્ટીમાં નરમાઈ
બૅન્કિંગ શૅરોમાં એકંદર સુધારાના વલણ વચ્ચે બૅન્ક નિફ્ટી ૨૫૮ પૉઇન્ટ નરમ હતો. એના ૧૨માંથી સાત શૅર પ્લસ હતા, પરંતુ એચડીએફસી બૅન્ક, ઇન્ડ્સઇન્ડ બૅન્ક, કોટક મહિન્દ્રા બૅન્ક ૧.૪થી ૧.૮ ટકા તથા ઍક્સિસ બૅન્ક ૦.૯ ટકા નરમ રહેતાં એની સમગ્ર ઇન્ડેક્સ પર નેગેટિવ અસર દેખાઈ છે. પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૩માંથી નવ શૅરના સુધારામાં અડધો ટકો પ્લસ હતો. બૅન્કિંગ ક્ષેત્રના ૩૬માંથી ૧૩ શૅર નરમ હતા. સીએસબી બૅન્ક બમણા કામકાજમાં ૨૫૬ની ઇન્ટ્રા-ડે હાઈથી નીચામાં ૨૩૯ થઈ ૫.૩ ટકાની ખરાબીમાં ૨૪૦ હતી. આરબીએલ બૅન્ક પોણો ટકો, બૅન્ક ઑફ ઇન્ડિયા એક ટકો તથા બૅન્ક ઑફ મહારાષ્ટ્ર એક ટકો નરમ હતા. સામે પક્ષે કરૂર વૈશ્ય બૅન્ક અઢી ગણા વૉલ્યુમમાં ઉપરમાં બાવન નજીક જઈ ૪.૮ ટકાના ઉછાળે ૫૦ રહી છે. આઇડીબીઆઇ બૅન્ક ૩.૯ ટકા, બંધન બૅન્ક ૩.૭ ટકા, સિટી યુનિયન બૅન્ક અઢી ટકા, કર્ણાટકા બૅન્ક અઢી ટકા, ફેડરલ બૅન્ક ૨.૨ ટકા અને જેકે બૅન્ક ૧.૭ ટકા અપ હતા. બીએસઈનો ફાઇનૅન્સ ઇન્ડેક્સ ૧૨૨માંથી ૬૧ શૅરના સુધારા વચ્ચે ૨૧ પૉઇન્ટ ઢીલો હતો. બજાજ ફિનસર્વ દોઢ ટકા, બજાજ ફાઇનૅન્સ સાધારણ, એચડીએફસી પોણો ટકો વધ્યા છે. પૂનાવાલા ફિનકૉર્પ પાંચ ટકાની ઉપલી સર્કિટે ૨૮૫ નજીક
હતો. જીઓજીત ૪.૭ ટકા અને રેલીગેર ૪.૨ ટકા મજબૂત હતા. આદિત્ય બિરલા મની ત્રણ ટકા અને મોતીલાલ ઓસ્વાલ ૩.૪ ટકા વધ્યા છે. 
પેટીએમ સતત નવા નીચા તળિયે, બે મહિનામાં બાવન ટકા મૂડી સાફ...
પેટીએમ સળંગ આઠમા દિવસની નરમાઈ અને સતત ચોથા દિવસે નવા નીચા બૉટમ બનાવતો રહી ગઈ કાલે ૧૦૨૫ના ઑલટાઇમ તળિયે જઈ ૪.૮ ટકાના ધબડકામાં ૧૦૩૧ બંધ આવ્યો છે. વૉલ્યુમ સરેરાશ કરતાં ત્રણેક ગણું હતું. આઠ દિવસ પૂર્વે ભાવ ૧૩૪૦ જેવો બંધ હતો. આ શૅર છેલ્લા એક સપ્તાહમાં ૧૮ ટકાથી વધુ તૂટ્યો છે. બેએક મહિના પહેલાં એનો આઇપીઓ શૅરદીઠ ૨૧૫૦ના ભાવે આવ્યો હતો. આજે ભાવ અડધો ય નથી રહ્યો. દરમિયાન ગઈ કાલે ફેબિનો લાઇફનું લિસ્ટિંગ હતું. શૅરદીઠ ૩૬ની ઇશ્યુ પ્રાઇસ સામે ભાવ ૩૮ ખૂલી પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૪૦ ઉપર બંધ રહેતાં ૧૨ ટકાનો લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. બુધવારે લિસ્ટેડ થયેલ એસેન્સિવ એજ્યુકૅર પોણાચાર ટકા વધીને ૩૦ રૂપિયા તો ટાઇમસ્કેન લૉજિસ્ટિક્સ ઉપલી સર્કિટે પાંચ ટકા વધી ૯૦ ઉપર નવી ટોચે બંધ હતો. એબીકોટસ્પિન પણ એક વધુ તેજીની સર્કિટ મારીને ૪૫ નજીક સરક્યો છે. પૉલિસી બાઝાર સતત બીજા દિવસની આગેકૂચમાં સવાપાંચ ટકા ઊછળીને ૯૧૮, નાયકા અઢી ટકા વધી ૨૦૬૧, સ્ટાર હેલ્થ પોણો ટકો ઘટીને ૮૧૪, વ્હેરલેઝ ૧૧ ટકા ઊચકાઈને ૧૯૪, બ્રૅન્ડબકેટ મીડિયા પાંચ ટકાની ઉપલી સર્કિટે ૬૦ની પાર તથા મેડપ્લસ દોઢ ટકો ઘટીને ૧૦૯૭ બંધ હતા. 
સનફાર્મા પાંચ વર્ષની નવી ટોચે, ફાર્મા ફ્રન્ટલાઇન જાતો સુધરી
બીએસઈનો હેલ્થકૅર ઇન્ડેક્સ ગુરુવારે ૮૯માંથી ૫૬ શૅરના સુધારામાં એક ટકાથી વધુ કે ૨૮૨ પૉઇન્ટ વધ્યો છે, જેમાં સનફાર્માનું પ્રદાન ૧૨૪ પૉઇન્ટનું હતું. આ શૅર ત્રિમાસિક પરિણામ સારા આવવાના આશાવાદ પાછળ ત્રણ ગણા વૉલ્યુમાં ૮૭૧ની પાંચેક વર્ષની નવી ટૉપ બતાવી સાડાત્રણ ટકાની મજબૂતીમાં ૮૬૬ નજીક બંધ રહેતાં એનું માર્કેટ કૅપ ૨.૦૭ લાખ કરોડને વટાવી ગયું છે. અન્ય ફ્રન્ટલાઇનમાં દીવીસ લૅબ ૨.૧ ટકા, સિપ્લા બે ટકા, ડૉ. રેડ્ડીઝ લૅબ પોણા ટકાથી વધુ, બાયોકોન દોઢ ટકા, લુપિન અડધા ટકાથી વધુ, આરપીજી લાઇફ ત્રણેક ટકા, એસ્ટ્રાઝૅનેકા બે ટકાની નજીક વધ્યા હતા. ન્યુલૅન્ડ લૅબ સાડાપાંચ ટકાની તેજીમાં ૧૬૮૨, ન્યુરેકા પાંચ ટકા ઊછળી ૧૯૦૦, દિશમાન ૪.૫ ટકાની મજબૂતીમાં ૨૨૦ તથા એફડીસી સવાચાર ટકા વધીને ૩૧૨ બંધ હતા. ઇપ્કા લૅબ સવા ટકો સુધર્યો છે. ડૉ. લાલ પેથલૅબ્સ એકાદ ટકો વધી ૩૭૦૬ અને મેટ્રો પોલીસ સાધારણ વધીને ૩૧૧૯ બંધ હતા. સ્પાર્ક બે ટકા અને વૉકહાર્ટ પોણાબે ટકા અપ હતા. યુનીકેમ, ટીટીકે હેલ્થ, કીમ્સ, સસ્તા-સુંદર, માર્કસન્સ, થેમિસ મેડી, વિમતા લૅબ, ફોર્ટિસ સવાથી સવાબે ટકા જેવા નરમ હતા. 


Whatsapp-channel Whatsapp-channel

14 January, 2022 12:15 PM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK