° °

આજનું ઇ-પેપર
Wednesday, 26 January, 2022


ઉત્તરાયણે બજારનો પતંગ ૬૨૦૦૦ની હવામાં ચગતો દેખાય તો નવાઈ નહીં !

13 January, 2022 01:12 PM IST | Mumbai | Anil Patel

આજે ઇન્ફી નવા શિખર બતાવશે, વિપ્રો નરમ રહેવાની ધારણા : સીએલએસએના ડાઉન ગ્રેડિંગનો આંચકો ભારત ફોર્જે પચાવ્યો : ભારતી અૅરટેલ અને તેના પાર્ટપેઇડ શૅરમાં નોંધપાત્ર ઉછાળો : ઇઝી ટ્રિપનું ઉદાર બોનસ એળે ગયું, પેટીએમ સતત નવા તળિયાની શોધમાં

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

આઇટી ઉદ્યોગના ત્રિદેવ, અર્થાત ટીસીએસ, ઇન્ફોસિસ તથા વિપ્રોનાં પરિણામ એક જ દિવસે આવવાના હોય તેવી અભૂતપૂર્વ ઘટના વચ્ચે શૅરબજાર ૫૩૩ પૉઇન્ટની આગેકૂચ દાખવી ૬૧ની પાર, ૬૧૧૫૯ બંધ આવ્યું છે. નિફ્ટી ૧૫૭ પૉઇન્ટ ઊંચકાઈ ૧૮૨૧૨ થયો છે. આ સાથે સળંગ ચાર દિવસના સુધારામાં શૅરઆંક ૧૫૪૮ પૉઇન્ટ વધી ગયો છે. જો આ ટ્રેન્ડ બરકરાર રહે તો સક્રાંતે બજારનો પતંગ ૬૨૦૦૦ની હવા, સંભવતઃ સર્વોચ્ચ સપાટીએ ચગતો જોવા મળશે! બજારની ગઈ કાલની મજબૂતી મુખ્યત્વે રિલાયન્સને આભારી હતી. બૅન્કિંગ તેમ જ ફાઇનૅન્સનો પસંદગીયુક્ત સાથ મળ્યો હતો. આઇટીનું પ્રદાન લગભગ શૂન્ય હતું. ઇન્ફીના ફાળાને ટીસીએસ તથા વિપ્રોએ બહુધા ધોઈ નાખ્યો હતો. દરમ્યાન બજાર બંધ થયા પછી આવેલાં પરિણામ જોતાં લાગે છે કે ગુરુવારે ઇન્ફોસિસ નવી ઑલટાઇમ હાઈ બતાવશે, વિપ્રો ઢીલો પડશે. આ લખાય છે ત્યાં સુધી ટીસીએસના રિઝલ્ટ આવ્યા નથી એટલે તેનું કંઈ કહેવાનો અર્થ નથી. ઇન્ફીએ કોન્સો. ધોરણે ૨૩ ટકાના વધારામાં ૩૧૮૬૭ કરોડની આવક ઉપર ૧૨ ટકાના વધારા સાથે ૫૩૦૯ કરોડનો નેટ પ્રૉફિટ આપી ધારણા કરતાં ઘણો સારો દેખાવ કર્યો છે. જોકે ઑપરેટિંગ માર્જિન બે ટકા ઘટી ૨૩.૫ ટકા રહ્યું છે, પણ ૨૦૨૨-૨૩ માટેના ગાઇડન્સીસ દમદાર આવ્યા છે. વિપ્રોએ આવકમાં તો ૨૯.૬ ટકાનો વધારો મેળવ્યો છે પરંતુ નફો ફ્લૅટ છે, સ્ટેન્ડ અલોન ધોરણે તો તે નવ ટકા ઘટ્યો છે. માર્જિન ચાર ટકા ગગડ્યું છે. 
ગઈ કાલે સેન્સેક્સ ખાતે ૩૦માંથી ૨૪ અને નિફ્ટીના ૫૦માંથી ૩૫ શૅર વધ્યા છે. મહિન્દ્ર ૪.૭ ટકાની તેજીમાં ૮૮૧ બંધ આપી મોખરે હતો. ટીસીએસ દોઢ ટકો અને ટાઇટન દોઢ ટકાથી વધુની ખરાબીમાં વર્સ્ટ પર્ફોર્મર બન્યા છે. ઇન્ડ્સ ઇન્ડ બૅન્ક ૨.૭ ટકા, આઇસીઆઇસીઆઇ બૅન્ક ૧.૭ ટકા, બજાજ ફાઇ ૧.૪ ટકા, એચડીએફસી તથા કોટક બૅન્ક એકાદ ટકો અપ હતા. માર્કેટ કૅપ ૨૭૭.૨૩ લાખ કરોડના નવા શિખરે પહોંચી ગયું છે. 
પરિણામ પૂર્વે ઇન્ફી વધ્યો,
ટીસીએસ દોઢ ટકા ડાઉન
પરિણામ પૂર્વે ઇન્ફી અને ટીસીએસ ગઈ કાલે સામસામા રાહે તો વિપ્રો સાધારણ ઘટ્યો હતો. માર્કેટ લીડર ટીસીએસ ૩૯૩૦ની ઇન્ટ્રા-ડે હાઈથી દોઢ ટકાની નરમાઈ સાથે ૩૮૫૭ બંધ આપી બજારને સર્વાધિક ૫૪ પૉઇન્ટ નડ્યો છે. ઇન્ફોસિસ ઉપરમાં ૧૮૮૯ બતાવી એક ટકાથી વધુની આગેકૂચમાં ૧૮૭૮ નજીક રહ્યો છે, બજારને ૭૦ પૉઇન્ટ ફળ્યો છે, જ્યારે વિપ્રો ઉપરમાં ૭૦૧ અને નીચામાં ૬૮૩ થયા બાદ પોણા ત્રણ રૂપિયા કે ૦.૪ ટકાના સાધારણ ઘટાડામાં ૬૯૧ ઉપર હતો. માઇન્ડ ટ્રી પરિણામની પૂર્વસંધ્યાએ એક ટકાના સુધારામાં ૪૬૩૪ થયો છે. એચસીએલ ટેક્નૉલૉજીઝ અડધો ટકો વધીને ૧૩૫૧ હતો, તેના પરિણામ ૧૪મીએ છે. આઇટી ઇન્ડેક્સ મિશ્ર વલણમાં ૬૦માંથી ૨૭ શૅર પ્લસમાં આપી ૭૫ પૉઇન્ટ જેવો સામાન્ય સુધર્યો છે. માસ્ટેકના રિઝલ્ટ ૧૯મીએ આવશે. શૅર નવગણા કામકાજમાં બુધવારે સાડાસાત ટકા કે ૨૨૮ રૂપિયા ઊછળી ૩૨૪૮ રૂપિયા જોવાયો છે. ઇન્ડિયા માર્ટ ૫.૩ ટકા કે ૩૪૫ રૂપિયા ઊંચકાયો હતો. એપટેક ૪૪૮ની નવી ટૉપ બનાવી અડધા ટકા જેવા ઘટાડે ૪૨૬ તો નીટ અઢી ટકા વધીને ૪૭૮ નજીક ગયા છે. નેલ્કો, એચસીએલ ઇન્ફો અને ૬૩ મૂન્સમાં પાંચ-પાંચ ટકાની તેજીની સર્કિટ હતી. ડેલ્ટોન ટેક્નો સવા આઠ ટકા ગગડીને ૮૫ રૂપિયા હતો. હિન્દુજા ગ્લોબલ અઢી ટકાની આગેકૂચમાં ૩૦૮૪ થયો છે. 
ઇઝી ટ્રીપનું શૅરદીઠ એક બોનસ, પણ શૅર સાવ સુસ્ત રહ્યો
ગત માર્ચમાં બેના શૅરદીઠ ૧૮૭ના ભાવે ૫૧૦ કરોડનો ઇશ્યુ લાવનારી ઇઝી ટ્રીપ પ્લાનર્સે શૅર દીઠ એક બોનસ જાહેર કર્યું છે. શૅર ગઈ કાલે આ જાહેરાત બાદ ઉપરમાં ૬૦૦ અને નીચામાં ૫૭૨ થઈ નજીવો વધી ૫૮૦ બંધ આવ્યો છે. બેના શૅરની બુકવૅલ્યુ માંડ સવા પંદર રૂપિયાની છે. આઇપીઓને દસેક મહિના થયા છે, ત્યાં આ પ્રકારે બોનસની જાહેરાત ખરેખર નવાઈજનક છે. ૧૯ એપ્રિલના રોજ શૅર ૧૪૭ના ઑલટાઇમ તળિયે હતો તે ૧૭ સપ્ટે.ના રોજ ૭૧૭ની સર્વોચ્ચ સપાટીએ જોવાયો હતો. વિદેશી બ્રોકરેજ હાઉસ સીએલએસએ તરફથી અમેરિકા ખાતે કોવિડ કેરના પગલે ભારત ફોર્જની ટાર્ગેટ પ્રાઇસ ૨૩ ટકા જેવી ઘટાડીને ૬૯૦ની કરી નખાઈ છે. શૅર આની અસરમાં બેગણા કામકાજમાં નીચામાં ૭૩૬ થઈ એક ટકો ઘટી ૭૬૧ બંધ આવ્યો છે. ડેલ્ટા કોર્પ દ્વારા ડિસેમ્બર ક્વૉર્ટરમાં અગાઉના ૧૨૮ લાખની સામે આ વેળા ૭૦ કરોડથી વધુનો નેટ પ્રૉફિટ આવતાં શૅર ઉપરમાં ૨૯૯ બતાવી ૩ ટકાના સુધારામાં ૨૯૧ હતો. હિન્દુસ્તાન યુનિલીવરે કાચા માલના ભાવવધારાને મજરે લેવા તેના સૉપ્સ અને ડિટર્જન્ટસના ભાવ ૩થી ૨૦ ટકા જેવા વધારી દીધા છે. શૅર ૨૩૯૯ની ઇન્ટ્રા-ડે બૉટમથી વધી ૨૪૧૬ થઈ સાધારણ સુધારે ૨૪૧૧ બંધ હતો. ડીએલએફના નવા પ્રોજેક્ટમાં ૧૫૦૦૦ કરોડનું વેચાણ થતાં શૅર ૪૨૭ થઈ બે ટકા વધીને બંધ હતો. 
તાતા કૉમ્યુ. નવા બેસ્ટ લેવલે, વોડાફોન ૮.૫ ટકા બાઉન્સબૅક
સ્પેક્ટ્રમ અને એજીઆર પેટેના સરકારનાં લેણાંનું ઇક્વિટીમાં કન્વર્ઝન કરવાના નિર્ણયના પગલે મંગળવારે ૨૦ ટકાથી વધુ ખરડાયેલો વોડાફોન ગઈ કાલે દોઢા કામકાજમાં ઉપરમાં સવાતેર વટાવી ૮.૫ ટકાના બાઉન્સબૅકમાં ૧૩ નજીક બંધ આવ્યો છે. ૩૬.૫ ટકાના લાર્જેસ્ટ શૅરહોલ્ડર બન્યા પછી સરકાર કંપનીમાં કોઈ પણ પ્રકારે દખલ નહીં કરે એવા આશ્વાસનની આ અસર છે. વોડાફોનના પગલે તાતા ટેલિ સર્વિસિસે પણ તેના સ્ટેચ્યુટરી લેણાં બદલ સરકારને શૅરદીઠ ૪૧.૫૦ના ભાવે આશરે સાડાનવ ટકા શૅર આપવાનું નક્કી કર્યું છે. તેનો શૅર ગઈ કાલે પાંચ ટકાની નીચલી સર્કિટમાં ૨૭૬ બંધ હતો. તાતા કૉમ્યુનિકેશન્સ પોણાબે ગણા વૉલ્યુમમાં ૧૦૮ રૂપિયાના ઉછાળે ૧૫૮૭ની વિક્રમી સપાટી બનાવી પાંચ ટકાની મજબૂતીમાં ૧૫૫૪ હતો. તો ભારતી અૅરટેલ અઢીગણા કામકાજમાં ૭૩૨ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ ૩.૮ ટકાની તેજીમાં ૭૩૦ અને તેનો પાર્ટપેઇડ શૅર ૫.૫ ટકાના જમ્પમાં ૩૮૩ બંધ આવ્યા છે. ઇન્ડ્સટાવર ત્રણ ટકા વધ્યો હતો, એમટીએનએલ ત્રણ ટકા તથા આર.કૉમ એક ટકા જેવા ડાઉન હતા. વિન્દ્ય ટેલિમાં સાધારણ નરમાઈ હતી. ટેલિકોમ ઇન્ડેક્સ ગઈ કાલે ૧૭માંથી ૯ શૅરની મજબૂતીમાં ૧૯૪૦ની ઑલટાઇમ હાઈ બનાવી ૩.૨ ટકા ઊછળીને ૧૯૩૬ બંધ આવ્યો છે. તેજસ નેટ, રાઉટ મોબાઇલ, એચએફસીએલ પોણાથી ચાર ટકા સુધર્યા હતા. 
રિલાયન્સ ૨.૭ ટકા વધીને બજારને ૨૦૧ પૉઇન્ટ ફળ્યો, અદાણી મજબૂત 
વર્ષ ૨૦૨૧માં સેન્સેક્સના ૨૨ ટકાના અને નિફ્ટીના ૨૪ ટકાના વધારા સામે રિલાયન્સ ૧૯.૩ ટકાનો વધારો દર્શાવી છેલ્લાં સાત વર્ષમાં પ્રથમવાર અંડર-પર્ફોર્મર બન્યો હતો. હવે કહે છે કે ૨૦૨૨નું વર્ષ રિલાયન્સનું હશે. વૅલ્યુ અનલૉકિંગ અને વેલ્થ ક્રિએશનના મામલે તે મોખરે રહેશે. આવો આશાવાદ વહેતો થવાની પ્રાથમિક અસરમાં ભાવ ગઈ કાલે ઉપરમાં ૨૫૨૪ થઈ ૨.૭ ટકા વધીને ૨૫૨૧ બંધ થયો છે. કંપનીનું માર્કેટ કૅપ ૧૭.૦૫ લાખ કરોડ થઈ ગયું. છે. તેની તેજીથી બજારને બુધવારે સર્વાધિક ૨૦૧ પૉઇન્ટનો ફાયદો થયો હતો. બીજી તરફ અદાણી એન્ટર ૧૮૮૩ની નવી વિક્રમી સપાટી બનાવી પોણો ટકા ઘટીને ૧૮૩૦ હતી. અદાણી ગ્રીન સાડાછ ગણા કામકાજમાં ૧૬૬૬ની નવી ઑલટાઇમ હાઈ બતાવી પાંચ ટકા વધી ૧૬૪૭ રહેતા તેનું માર્કેટ કૅપ ૨.૫૭ લાખ કરોડને વટાવી ગયું છે. અદાણી પાવર પોણાબે ગણા કામકાજમાં ૧૦ ટકાની ઉપલી સર્કિટે ૧૧૯ નજીક જઈને ત્યાં જ બંધ રહ્યો છે. અદાણી ટ્રાન્સમિશન ૪.૩ ટકા વધીને ૧૯૪૧ હતો. અદાણી પોર્ટસ સાધારણ ઘટી ૭૬૩ રૂપિયા અને અદાણી ટોટલ અડધો ટકો ઘટી ૧૭૭૫ રૂપિયા બંધ હતા. અદાણી-વિલ્મરનો આઇપીઓ આવે અને શૅર લિસ્ટેડ થાય ત્યાં સુધીમાં રિલાયન્સ નોંધપાત્ર રીતે વધી નવા શિખર નહીં બનાવે તો અદાણી ધનકુબેર નં. ૧ બનશે.
ટાઇમસ્કેન ૬૯ ટકા પ્રીમિયમે લિસ્ટેડ, પેટીએમ નવા તળિયે
ટાઇમસ્કેન લોજિસ્ટિક ૧૦ના શૅરદીઠ ૫૧ની ઇશ્યુ પ્રાઇસ સામે બુધવારે ૮૨ રૂપિયા ખૂલીને ઉપલી સર્કિટમાં ૮૬ ઉપર બંધ થતાં ૬૮.૮ ટકાનો લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. તો એસેન્સીવ એજ્યુકૅર ૨૬ની ઇશ્યુ પ્રાઇસ સામે ૨૭.૬૦ ખૂલી પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૨૯ નજીક બંધ થયો છે જે ૧૧.૪ ટકાનો લિસ્ટિંગ ગેઇન સૂચવે છે. મંગળવારે લિસ્ટેડ થયેલી એબી કોટસ્પીન એક વધુ ઉપલી સર્કિટમાં ૪૨.૪૦ બંધ આવી છે. હવે ગુરુવારે ફેબિનો લાઇફનું લિસ્ટિંગ છે. 
દરમ્યાન પેટીએમ ખરાબીની હેટ ટ્રિક ૧૦૭૫ની નવી ઑલટાઇમ બૉટમ બનાવી ૩.૨ ટકા ઘટીને ૧૦૮૩ બંધ આવ્યો છે. આગલા દિવસે ૮૫૭ની સૌથી વરવી સપાટી બનાવનાર પૉલિસી બાઝાર સવા ટકાના સુધારામાં ૮૭૨ હતો. ગત માર્ચમાં ૧૦ના શૅરદીઠ ૧૦૨ના ભાવે એસએસઈ ઇશ્યુ લાવનારી ઇકેઆઇ એનર્જી ૧૧૬૧૧ રૂપિયાની સર્વોચ્ચ સપાટી નોંધાવી પાંચ ટકાની નીચલી સર્કિટમાં ૧૦૮૧૪ થઈ ત્યાં જ બંધ હતો. મુંબઈના ડોમ્બિવલીની બીઇડબ્લ્યુ એનર્જી પાંચ ટકાની તેજીની સર્કિટમાં ૬૫૪ નજીક નવી ટોચે પહોંચી છે. તેનો ઇશ્યુ ફક્ત ૫૮ના ભાવે ગત સપ્ટે.માં આવ્યો હતો. સોમવારે ૫૦૫ની વિક્રમી સપાટી બાદ એચપી એડ્હેસિવ્સ ઘટાડાની ચાલ જારી રાખતાં ગઈ કાલે ૪૩૫ની અંદર જઈને ૪.૬ ટકાની ખરાબીમાં ૪૪૦ હતી. બોરીવલીની યુરો પૅનલ ૧૧૫ના શિખર બાદ ૧.૭ ટકા ઘટી ૧૧૧ હતી.

13 January, 2022 01:12 PM IST | Mumbai | Anil Patel

અન્ય લેખો

શેરબજાર ખૂલતાની સાથે જ ગબડી પડ્યું, સેન્સેક્સ 1000 પોઈન્ટથી વધુ તૂટ્યો

બાદમાં બજારની સ્થિતિમાં થોડો સુધારો જોવા મળ્યો હતો.

25 January, 2022 01:31 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

News In Short: સ્વિગી બની ગઈ ડેકાકૉર્ન : ભેગું કર્યું ૭૦૦ મિલ્યન ડૉલરનું ભંડોળ

આમ આ કંપની હવે ડેકાકૉર્ન (જેનું મૂલ્ય ૧૦ અબજ ડૉલરથી વધારે હોય એવી કંપની) બની ગઈ છે. 

25 January, 2022 12:33 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફેડરલ રિઝર્વની આગામી બેઠકે બન્ને માર્કેટમાં અજંપો વધાર્યો

ટેલિગ્રામના સ્થાપકે ક્રિપ્ટો પર પ્રતિબંધના રશિયાના પ્રસ્તાવનો વિરોધ કર્યો : આઇસી૧૫ ઇન્ડેક્સમાં ૮.૬ ટકા કરતાં વધુનો ઘટાડો

25 January, 2022 12:18 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK