° °

આજનું ઇ-પેપર
Sunday, 22 May, 2022


સ્ટેટ બૅન્કના ડખામાં ૮૫૬ પૉઇન્ટ વધેલો સેન્સેક્સ ૧૧૩૫ પૉઇન્ટ પટકાયો

14 May, 2022 09:30 AM IST | Mumbai
Anil Patel

મેટ્રિમોનીમાં ૧૧૫૦ના ભાવના બાયબૅકથી સાડાપંદર ટકાનો જમ્પ : વીકલી ધોરણે સતત પાંચમા સપ્તાહે બજાર ડાઉન, મેટલ-પાવર યુટિલિટી ઇન્ડેક્સ તેર-તેર ટકા તૂટ્યા

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

વિશ્વબજારો એકથી પોણાત્રણ ટકા સુધારાની ચાલમાં, બીટકૉઇન ૧૬ મહિનાના બૉટમથી ૧૦ ટકા બાઉન્સબૅક : પરિણામ પછી રિલાયન્સ પ્રથમ વાર સુધર્યો, અદાણી મિશ્ર વલણમાં, અદાણી ગ્રીન ૨૬૪ રૂપિયા તૂટ્યો : તાતા ઍલેક્સીમાં ૧૦૦૪ રૂપિયા અને એમઆરએફમાં ૪૪૧૫ રૂપિયાની તેજી : મેટ્રિમોનીમાં ૧૧૫૦ના ભાવના બાયબૅકથી સાડાપંદર ટકાનો જમ્પ : વીકલી ધોરણે સતત પાંચમા સપ્તાહે બજાર ડાઉન, મેટલ-પાવર યુટિલિટી ઇન્ડેક્સ તેર-તેર ટકા તૂટ્યા

સળંગ પાંચ દિવસની નરમાઈમાં ૨૭૭૨ પૉઇન્ટની ખરાબી તથા માર્કેટકૅપમાં ૧૮.૭૫ લાખ કરોડના ધોવાણ પછી શુક્રવારે સેન્સેક્સ ૧૩૭ પૉઇન્ટ અને નિફ્ટી ૨૬ પૉઇન્ટના ઘટાડે બંધ આવ્યા છે. ૫૦૦ પૉઇન્ટ પ્લસના ગૅપ-અપ ઓપનિંગ બાદ સેન્સેક્સ ઇન્ટ્રા-ડેમાં ૮૫૬ પૉઇન્ટ ઉપર ગયો હતો, પરંતુ દોઢ વાગ્યા પછી, સ્ટેટ બૅન્કનાં રિઝલ્ટ બાદ ડખો શરૂ થયો, જેમાં શૅરઆંક ઉપલા મથાળેથી ૧૧૩૧ પૉઇન્ટ ખરડાઈ ૫૨૬૫૫ થઈ ગયો હતો. વિશ્વ બજારો ગઈ કાલે પ્રત્યાઘાતી સુધારાના મૂડમાં હતા. થાઇલૅન્ડ તથા ઇન્ડોનેશિયા ફ્લૅટ હતા. અન્યત્ર એકથી પોણાત્રણ ટકાની મજબૂતી હતી. હૉન્ગકૉન્ગ તેમ જ જપાન પોણાત્રણ ટકાની નજીક તો સાઉથ કોરિયન કોસ્પી બે ટકા અપ હતા. યુરોપ પણ સારા ઓપનિંગ બાદ સવાથી પોણાબે ટકા ઉપર દેખાતું હતું. બ્રેન્ટ ક્રૂડ એકાદ ટકો વધી ૧૦૮ ડૉલર ઉપર મક્કમ હતું. ઍલ્યુમિનિયમ, કૉપર, ઝિન્ક અને ટિન જેવી ઇન્ડસ્ટ્રિયલ મેટલ્સ સવા ટકાથી માંડીને સાડાપાંચ ટકા નીચે ઊતરી ગયા હતા. બીટકૉઇન ગુરુવારે ઇન્ટ્રા-ડેમાં ૨૬૨૯૨ ડૉલરની ૧૬ મહિનાના નવા બૉટમ બાદ બાઉન્સ બૅકમાં ૩૦૯૪૭ ડૉલરે જઈ રનિંગમાં પોણાદસ ટકાની તેજીમાં ૩૦૩૩૫ ચાલતો હતો. સેન્સેક્સ નિફ્ટી અને લાર્જકૅપના સામાન્ય ઘટાડા વચ્ચે રોકડું અને બ્રૉડર માર્કેટ સારું રહ્યું હોવાથી માર્કેટ-બ્રેડ્થ પૉઝિટિવ બની છે. એનએસઈ ખાતે ૧૩૬૬ શૅર પ્લસ હતા. સામે ૭૧૮ જાતો નરમ રહી છે. સ્મૉલ કૅપ ઇન્ડેક્સના ૯૧૭માંથી ૬૭૧ શૅરના સુધારે સવા ટકો વધ્યા હતા. સેન્સેક્સના ૩૦માંથી ૧૫ અને નિફ્ટીના ૫૦માંથી ૨૫ શૅર પૉઝિટિવ ઝોનમાં રહ્યા છે. તાતા મોટર્સ ૮.૫ ટકાના ઉછાળે ૪૦૪ બંધ આપી નિફ્ટી ખાતે તો સનફાર્મા સારા પરિણામમાં ૮૮૯ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ ૩.૮ ટકા ઊંચકાઈને ૮૮૨ના બંધમાં સેન્સેક્સ ખાતે ટૉપ ગેઇનર બન્યા છે. મહિન્દ્ર, રાઇટન, હિન્દુસ્તાન યુનિલીવર, આઇટીસી, આઇશર, યુપીએલ, હીરો મોટોકૉર્પ પોણાબે ટકાથી લઈને ત્રણ ટકા અપ હતા. હિન્દાલ્કો વધુ ૪.૮ ટકાની ખરાબીમાં ૩૮૬ બંધ આપીને નિફ્ટી ખાતે, જ્યારે સ્ટેટ બૅન્ક ૩.૮ ટકા તૂટી
૪૪૫ના બંધમાં સેન્સેક્સ ખાતે ખરાબીમાં મોખરે હતા. બાય ધ વે, વીકલી ધોરણે સેન્સેક્સ ૩.૭ ટકાને નિફ્ટી ૩.૮ ટકા ડાઉન થયા છે. આ સળંગ પાંચમા વીકની નરમાઈ છે. સપ્તાહ દરમ્યાન મેટલ ઇન્ડેક્સ ૧૩.૨ ટકા, પાવર અને યુટિલિટી બેન્ચમાર્ક ૧૩-૧૩ ટકા, બૅન્ક નિફ્ટી ૪.૩ ટકા ધોવાયા છે. 
સ્ટેટ બૅન્કનાં પરિણામોએ બૅન્કિંગમાં મોરલ બગાડ્યું, આરબીએલ તેજીમાં
સ્ટેટ બૅન્ક તરફથી ૪૧ ટકાના વધારામાં ૯૧૧૩ કરોડનો ત્રિમાસિક નફો દર્શાવાયો છે. એકંદર અપેક્ષા ૯૯૨૮ કરોડના ચોખ્ખા નફાની હતી. સરવાળે શૅર ત્રણ ગણા કામકાજમાં ૪૭૭ના ઉપલા મથાળેથી પોણાપાંચ ટકા તૂટી ૪૪૦ બંધ થયો છે. સ્ટેટ બૅન્ક પાછળ અન્ય બૅન્કિંગ શૅરોમાંય માનસ બગડ્યું હતું. બૅન્ક નિફ્ટી ૩૪૦૦૨ની ઇન્ટ્રા-ડે ટૉપથી ૯૯૪ પૉઇન્ટ ગગડી છેલ્લે સવા ટકો કે ૪૧૧ પૉઇન્ટ ઘટી ૩૩૧૨૧ બંધ થયો છે. અહીં બારમાંથી પાંચ શૅર પ્લસ હતા. એયુ સ્મૉલ બૅન્કનો એમએસસીઆઇ ઇન્ડેક્સમાં સમાવેશ થતાં ભાવ પાંચ ટકાના જમ્પમાં ૧૩૦૩ થયો છે. બંધન બૅન્ક ચાર ટકા, પીએનબી ત્રણ ટકા અને કોટક બૅન્ક એક ટકાની નજીક પ્લસ હતા. પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૯ શૅરના સુધારામાં નામ કે વાસ્તે વધ્યો છે. યુનિયન બૅન્ક ૭.૪ ટકા, ઇન્ડિયન બૅન્ક સવાપાંચ ટકા, પંજાબ સિંધ બૅન્ક સવાચાર ટકા, યુકો બૅન્ક ૪ ટકા પ્લસ હતા. બૅન્ક ઑફ બરોડાનાં પરિણામ બંધ બજારે આવ્યાં હતાં, પરંતુ સ્ટેટ બૅન્કવાળી થવાની આશંકામાં સવા ટકો ઘટીને ૯૫ની અંદર ઊતરી ગયો છે. આરબીએલ બૅન્ક નવેક ટકાના તગડા ઉછાળે ૧૧૧ નજીક રહી છે. આઇસીઆઇસીઆઇ બૅન્ક ૨.૭ ટકા ઘટીને ૬૭૭ બંધ આપીને બજારને સર્વાધિક, ૧૧૩ પૉઇન્ટ નડી છે. સ્ટેટ બૅન્ક ત્યાર પછી ૫૯ પૉઇન્ટના મારમાં બીજા ક્રમે હતી. એચડીએફસી બૅન્કનો એક ટકાનો ઘટાડો બજારને ૪૭ પૉઇન્ટમાં અને ઍક્સિસ બૅન્કની બે ટકાની બૂરાઈ ૩૨ પૉઇન્ટમાં પડી છે. ફાઇનૅન્સ ઇન્ડેક્સ ૧૨૮માંથી ૭૫ શૅરના સુધારા વચ્ચે એક ટકો કટ થયો છે, જે હેવીવેઇટ બૅન્કિંગ શૅરને આભારી છે, અન્યથા અહીં પૂનાવાલા ફિનકૉર્પ સવાચૌદ ટકા, ઉજ્જીવન સ્મૉલ બૅન્ક પોણાનવ ટકા, પૈસા લો ડિજિટલ ૭.૩ ટકા, રેલીગેર સાડાછ ટકા, ઉજ્જીજવન સવાછ ટકા, ઍપ્ટસ વૅલ્યુ અને ક્રેડિટ એક્સેસ છ-છ ટકા, એડલવિસ સવાપાંચ ટકા મજબૂત હતા. એડીએફસી પોણો ટકો ઘટી ૨૧૩૨ રહી છે. બજાજ ફાઇ. સવા ટકો અને બજાજ ફિનસર્વ પોણાબે ટકા ડાઉન હતા. 
અદાણી ગ્રીન ૧૧ ટકા તૂટ્યો, અદાણી પાવર તેજીની સર્કિટમાં બંધ રહ્યો
અદાણી ગ્રુપ મિશ્ર વલણમાં હતું. અદાણી ગ્રીન ૨૫૪૫ની ઇન્ટ્રા-ડે ટૉપથી નીચામાં ૨૧૦૫ બતાવી ૨૬૪ રૂપિયા કે ૧૧ ટકા જેવા કડાકામાં ૨૧૭૨ બંધ થયો છે. અદાણી પાવર પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૨૫૫ નજીક ગયો છે. અદાણી ટોટલ સાડાત્રણ ટકા, અદાણી ટ્રાન્સ. સવા ટકો અને અદાણી એન્ટર પોણો ટકો વધ્યા છે. અદાણી વિલ્મર પોણાબે ટકા અને અદાણી પોર્ટ્સ એક ટકો નરમ હતો. મુકેશ અંબાણીની રિલાયન્સ રિઝલ્ટ બાદ ચાર દિવસ પછી શુક્રવારે એકાદ ટકો સુધરીને ૨૪૨૮ બંધ આવી છે. લાર્સન ટૂબ્રો ગુરુવારના પ્રમાણમાં ઢીલા પરિણામ પછી ગઈ કાલે પ્રારંભિક નરમાઈમાં ૧૫૦૨ બતાવી ઉપરમાં ૧૫૭૫ વટાવી અંતે ૦.૭ ટકા વધી ૧૫૩૪ હતી. યુટિલિટીઝ તથા પાવર બેન્ચમાર્ક સવાબે ટકાની આસપાસ ડાઉન થયા છે. અહીં અદાણી ગ્રીનના કડાકા ઉપરાંત જીએસપીએલ, એનટીપીસી, ટૉરન્ટ પાવર અઢીથી સાડાત્રણ ટકા નરમ હતા. એનર્જી ઇન્ડેક્સ ૨૫માંથી ૧૭ શૅરના સુધારામાં પોણો ટકો વધ્યો છે. હિન્દુ. ઑઇલ એકસ્પ્લોરેશન નવ ટકાની તેજીમાં ૧૭૪ થયો છે.
ઇન્દ્રપ્રસ્થ ગૅસ ૭.૭ ટકા, ચેન્નઈ પેટ્રો સાડાચાર ટકા, ગોવા કાર્બન ચાર ટકા અને જિન્દલ ડ્રિલિંગ સાડાત્રણ ટકાની ઝમકમાં હતા. જીએમડીસી ચાર ટકા તો પેટ્રોનેટ પોણાત્રણ ટકા ડાઉન હતા. હિન્દુસ્તાન પેટ્રોલિયમ બે ટકા અને ઓએનજીસી દોઢ ટકો ઘટ્યા છે. બેઝિક મટીરિયલ્સ સેગમેન્ટમાં આશાપુરા માઇન, પ્રિવી સ્પે. કેમિકલ્સ ફોસેકો ઇન્ડિયા સાડાનવથી દસ ટકા ઊછળ્યા છે. જીએનએફસી સવાનવ ટકાના ધબડકામાં ૬૧૯ દેખાયો છે. વેદાન્તા સવાછ ટકા અને જેએસડબ્લ્યુ સ્ટીલ ચાર ટકા ગગડ્યા છે. મેટલ ઇન્ડેક્સ અઢી ટકા કે ૪૫૩ પૉઇન્ટ માઇનસ હતો. તાતા સ્ટીલ બે ટકા ઘટીને ૧૦૯૬ થયો છે.
તાતા મોટર્સની આગેવાની હેઠળ ઑટો ઇન્ડેક્સ અઢી ટકા વધ્યો 
તાતા મોટર્સની અગાઉની ૭૭૦૦ કરોડ જેવી ચોખ્ખી ખોટ આ વખતે માર્ચ ક્વૉર્ટરમાં ઘટીને ૧૦૦૦ કરોડ રૂપિયા આસપાસ આવી ગઈ છે. જોકે આમાં વાઉ-ફૅક્ટર જેવું કાંઈ નથી. બ્રોકરેજ હાઉસ તરફથી રિડ્યુસ્ડ ટ્રાર્ગેટ પ્રાઇસ સાથે બાયનું રેટિંગ જાળવી રખાયું છે. શૅર ગઈ કાલે ઊભરામાં સવાબે ગણા કામકાજમાં ઉપરમાં ૪૧૬ નજીક જઈ છેલ્લે ૮.૭ ટકાના જમ્પમાં ૪૦૪ બંધ થયો છે, જેને કારણે ઑટો ઇન્ડેક્સને ૨૭૭ પૉઇન્ટનો ફાયદો થયો છે. આ આંક ૧૫માંથી ૧૨ શૅર પ્લસમાં આપી અઢી ટકા કે ૫૭૨ પૉઇન્ટ વધ્યો છે. એમઆરએફ ઉપરમાં ૭૩૧૪ થઈ સાડાછ ટકા કે ૪૪૧૫ રૂપિયાની તેજીમાં ૭૨૦૦૦ બોલાયો છે. જેકે ટાયર્સ સવાછ ટકા, અપોલો ટાયર્સ અઢી ટકા અને સીએટ પોણાબે ટકા અપ હતા. ટીવીએસ મોટર્સ સવાપાંચ ટકા, અશોક લેલૅન્ડ સાડાચાર ટકા,
મહિન્દ્ર પોણાત્રણ ટકા, એસ્કોર્ટ્સ સવાબે ટકા અને હીરો મોટોકૉર્પ પોણાબે ટકા જેવા ઊંચકાયા હતા. મારુતિ સુઝુકી બે ટકા બગડીને ૭૧૦૧ થયો છે. બજજા ઑટો દોઢ ટકા વધ્યો હતો. 
આઇટી ઇન્ડેક્સ ૬૨માંથી ૩૮ શૅર વધવા છતાં ચાર પૉઇન્ટ જેવો મામૂલી નરમ હતો. મેટ્રિમોની ડૉટકૉમની બોર્ડ મીટિંગમાં શૅરદીઠ મહત્તમ ૧૧૫૦ સુધીના ભાવે બાયબૅકનો નિર્ણય લેવાતાં ભાવ ૧૫.૪ ટકાની તેજીમાં ૭૬૯ બંધ આવ્યો છે. તાતા ઍલેક્સી પાંચ ગણા વૉલ્યુમે સાડાચૌદ ટકા કે ૧૦૦૪ રૂપિયાના ઉછાળે ૭૮૯૦ બંધ હતો. નજારા ટેક્નૉલૉજીઝ સાડાતેર ટકાના જમ્પમાં ૧૨૪૪ને વટાવી ગયો છે. થ્રી આઇ ઇન્ફોટેક ૧૧.૮ ટકા, સુબેક્સ સવાસાત ટકા, સિગ્નેટી સાત ટકા મજબૂત હતા. ૬૩ મૂન્સ મંદીની સર્કિટમાં ૧૪૫ દેખાયો છે. ટીસીએસ નહીંવત્ સુધર્યો છે. ઇન્ફોસિસ ૧૫૦૦ની અંદર ૧૪૯૮ બતાવી સાધારણ ઘટાડે ૧૫૦૩ થયો છે. ટેક મહિન્દ્રનાં પરિણામ બજાર બંધ થયા પછી આવ્યાં હતાં. ભાવ એક ટકો ઘટીને ૧૨૦૨ હતો. વોડાફોન પોણાબે ટકા પ્લસ થયો છે, પરંતુ ભારતી ઍરટેલ સવાબે ટકા અને ઇન્ડસ ટાવર ચાર ટકા તૂટ્યા છે. તાતા ટેલિમાં નીચલી સર્કિટ હતી. નેટવર્ક૧૮ છ ટકા વધ્યો હતો, સામે ટીવી૧૮માં સાડાત્રણ ટકાની નબળાઈ હતી. 

14 May, 2022 09:30 AM IST | Mumbai | Anil Patel

અન્ય લેખો

News In Short: શૅરબજારમાં સંભવિત કાર્ટેલાઇઝેશન વિશે નાણાપ્રધાને ચિંતા વ્યક્ત કરી

દેશ માટે કાર્ટેલાઇઝેશન પડકાર બની રહેશે

21 May, 2022 01:52 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

રેરાના અમલને થયાં પાંચ વર્ષ : બ્રોકરોએ રજિસ્ટ્રેશનનું નવીનીકરણ કરાવવાનું રહેશે

રિયલ એસ્ટેટનો બ્રોકિંગ બિઝનેસ વાર્ષિક આશરે ૧૮,૦૦૦ કરોડ રૂપિયાનો છે

21 May, 2022 01:45 IST | Mumbai | Parag Shah

સુપ્રીમનો ચુકાદો ‘વન નેશન-વન ટૅક્સ’ને કોઈ અસર નહીં કરે : સરકાર

તરુણ બજાજે કહ્યું કે રાજ્યોને કાઉન્સિલની ભલામણ સ્વીકારવાનો-નકારવાનો અધિકાર

21 May, 2022 01:37 IST | New Delhi | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK