Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > સેન્સેક્સ ૯૮૫ પૉઇન્ટ ગગડ્યો, બાઉન્સ બેક થયો અને જરાક વધીને બંધ રહ્યો!

સેન્સેક્સ ૯૮૫ પૉઇન્ટ ગગડ્યો, બાઉન્સ બેક થયો અને જરાક વધીને બંધ રહ્યો!

19 June, 2021 12:31 PM IST | Mumbai
Anil Patel

હિન્દુ. યુનિલિવર સતત ચોથા દિવસે વધીને ઑલટાઇમ હાઈ નજીક પહોંચ્યો : ટીસીએસ લાઇફટાઇમ હાઈને ટકોરો મારીની પાછો પડ્યો : સેન્સેક્સ, નિફ્ટી રિકવર થયાં, રોકડું બગડ્યું

મિડ-ડે લોગો

મિડ-ડે લોગો


અદાણી એન્ટર અને અદાણી પોર્ટની તેજી સામે ગ્રુપના બાકીના ચાર શૅર પાંચમા દિવસે પણ મંદીમાં, સરવાળે અદાણી ગ્રુપના ધોવાણમાં ૧૭૧૫ કરોડનો વધુ ઉમેરો થયો : અનિલ ગ્રુપના શૅરોની બાસ્કેટ વૅલ્યુ વડાપાંઉમાંથી હવે મૈસુર મસાલા થઈ ગઈ, ઉપલી સર્કિટનો સિલસિલો જારી: RZની નજારા ટેક્નો.માં ૧૦૬૫ની ટાર્ગેટ પ્રાઇસ સાથે બેરિશ નજારો આવતાં ભાવ તૂટ્યો : હિન્દુ. યુનિલિવર સતત ચોથા દિવસે વધીને ઑલટાઇમ હાઈ નજીક પહોંચ્યો : ટીસીએસ લાઇફટાઇમ હાઈને ટકોરો મારીની પાછો પડ્યો : સેન્સેક્સ, નિફ્ટી રિકવર થયાં, રોકડું બગડ્યું

યુએસ ફેડ રેટ વધવાની ફિકરમાં કૉમોડિટીઝમાં ભાવવૃદ્ધિ ડામવાના નામે શરૂ થયેલા ચાઇનીઝ નિમંત્રણોથી વધુ ઉમેરો થયો છે. હૉન્ગકૉન્ગના અપવાદ સિવાય એશિયન બજારો શુક્રવારે પણ એકાદ ટકા સુધીના ઘટાડે બંધ રહ્યાં છે. યુરોપ સાંકડી વધ-ઘટે નેગેટિવ બાયસમાં દેખાતું છે. ડૉલર સામે રૂપિયો ગઈ કાલે પીછેહઠમાં ૭૪.૨૩ સુધી ગયો હતો, જોકે પાછળથી સુધરીને ૭૩.૯૬ આસપાસ રનિંગમાં ક્વૉટ થયો છે. બૉન્ડ યીલ્ડમાં વૃદ્ધિ વલણ વર્તાય છે. ઘરઆંગણે કોરોનાનો સેકન્ડ વેવ ખાસ્સો ઓસરી ગયો છે. નવા કેસની સંખ્યા પિકના મુકાબલે ૮૫ ટકા જેવી ઘટી ગઈ છે, જોકે થર્ડ વેવના આગમનને લઈ નવા ખરાબ સમચાર પણ આવવા માંડ્યા છે. દેશમાં મોન્સૂનના મંડાણ સુપેરે થઈ ચૂક્યા છે. ત્રણ ચાર સપ્તાહ પછી જૂન ક્વૉર્ટરના કૉર્પોરેટ પરિણામની સીઝન શરૂ થઈ જશે. તેને લગતી અટકળ અને અનુમાન બજારને ઉપર-નીચે કરતાં રહેશે. દરમ્યાન સ્વીસ બ્રોકરેજ હાઉસ યુબીએસના અહેવાલ પ્રમાણે જૂન ક્વૉર્ટરમાં દેશનો જીડીપી ગ્રોથ બારેક ટકા માઇનસમાં રહેવાની દહેશત છે. સેકન્ડ વેવ દરમ્યાન દેશના ૯૦ ટકા વિસ્તારમાં લાગુ પડેલા લોકલ લૉકડાઉનનું આ પરિણામ છે. ગત વર્ષ કેન્દ્ર સરકાર તરફથી અઢી માસ સુધી દેશવ્યાપી લૉકડાઉન લાગુ કરાયું હતું તેમાં પણ જૂન ક્વૉર્ટરનો આર્થિક વિકાસદર માઇનસ ૨૩.૯ ટકાના વરવા વિક્રમે જોવાયો હતો. આ સાથે હવે એક વાત બહુ સ્પષ્ટ થઈ ગઈ છે કે આર્થિક રિકવરી વી-શેપમાં નહીં હોય. રિકવરી ધારણા કરતાં ધીમી અને અન-ઇવન હશે. કૉર્પોરેટ પરિણામોમાં પણ જૂન-ક્વૉર્ટર નબળું પુરવાર થયાનું છે. હવે કેન્દ્ર સરકાર અર્થતંત્રને ટેકો આપવા શું કરે છે અને ક્યારે કરે છે તેના પર ખાસ આધાર રહ્યો છે.
શૅરબજારનો વક્કર હજી તેજીતરફી જ છે. બજાર છે, એકાદ ટકાની વધ-ઘટ તો થતી રહેવાની અને યથાસમય નાના-મોટા આંચકાય આવતા જશે, પરંતુ મૂળ વક્કર આનાથી બદલાયો એમ માનવું નહીં. અમે એવું હરગીજ નથી કહેતા કે આ તેજી તદ્દન નક્કર છે, ફન્ડામેન્ટલ્સ આધારિત છે. સરકાર જેમ હેડલાઇન્સ મૅનેજમેન્ટમાં ઘણી પાવરધી છે તેમ બજારને ચલાવનારા તેના સૂત્રધારો પણ ઇન્ડેક્સ મૅનેજમેન્ટના ખેલમાં ઘણા માહેર છે. નાણાંની કોથળીનું જોર બહુ ભારે છે. માર્કેટમાં મિનિંગ ફુલ કરેક્શન ક્યારનુંય પાકી ગયું છે પરંતુ આવતું નથી. માતબર ખેલાડીઓની જીદ તેમાં રૂકાવટ બની છે અને આ સ્થિતિ જેટલી લાંબી ચાલશે એટલી આવનારી ખુંવારી મોટી બનશે એ ખાસ લખી રાખજો. હાલ તો બજાર મિનિંગ ફુલ કરેક્શનનું કામ ઇન્ટ્રા-ડે કરેક્શનથી ચલાવી રહ્યા છે.
શુક્રવારને આનું એક વધુ ઉદાહરણ કહી શકાય. બે દિવસની પીછેહઠ બાદ સેન્સેક્સ ૨૪૫ પૉઇન્ટની ગેપમાં ઉપર ખૂલ્યો, તરત ત્યાંથી સહેજ વધી ઉપરમાં ૫૨૫૮૬ને વટાવી ગયો અને સીધી લપસણીની ચાલમાં દોઢ કલાકમાં ૧૧ વાગે ૫૧૬૦૧ થઈ ગયો. મતલબ કે ઉપલા મથાળેથી સીધો ૯૮૫ પૉઇન્ટનો ધબડકો, જોકે ત્યાર પછી બજાર ક્રમશઃ સતત સુધરતું ગયું અને છેલ્લે ૨૧ પૉઇન્ટ વધી ૫૨૩૪૪ બંધ રહ્યું. નિફ્ટી ૧૫૭૬૧ની ઇન્ટ્રા-ડે ટૉપથી ૧૫૪૫૧ની અંદર ઊતરી ગયા પછી આઠ પૉઇન્ટ ઘટીને ૧૫૬૮૩ બંધ આવ્યો છે. નિફ્ટી ખાતે ૫૦માંથી વધેલા ૨૨ શૅરમાં અદાણી મોટર્સ ૭.૨ ટકાની મજબૂતીમાં ટૉપ ગેઇનર બન્યો છે તો સેન્સેક્સ ખાતે ૩૦માંથી વધેલા ૧૪ શૅરમાં બજાજ ઑટો અને હિન્દુ. યુનિલીવર અઢી ટકાની આસપાસ પ્લસ રહીને મોખરે હતા. સેન્સેક્સ-નિફ્ટી ઇન્ટ્રા-ડે બૉટમથી સારા એવા બાઉન્સ બેક થયા હોવા છતાં માર્કેટ બ્રેડથમાં નેગેટિવિટી નોંધપાત્ર રીતે વધી છે. એનએસઈમાં ૬૨૦ શૅર સુધર્યા સામે ૧૩૨૭ કાઉન્ટર માઇનસ ઝોનમાં બંધ થયાં છે. રોકડામાં ખરાબી વધુ હતી. બીએસઈનો સ્મૉલ કૅપ બેન્ચમાર્ક ૦.૯ ટકા ડાઉન હતો અને તેની ૬૯૦માંથી ૫૦૯ જાત રેડ-ઝોનમાં જોવાઈ છે. મિડ કૅપ ઇન્ડેક્સ પોણો ટકો નરમ હતો. બ્રોડર માર્કેટ અર્થાત બીએસઈ-૫૦૦ ૦.૩ ટકા કે ૬૨ પૉઇન્ટ જ ઢીલો પડ્યો છે. પરંતુ તેના ૫૦૧માંથી ૩૫૭ કાઉન્ટર ઘટ્યા હતા. ઓએનજીસીમાં પરિણામ તથા ડિવિડન્ડ માટે બોર્ડ મીટિંગ ૨૪ જૂને મળશે. શૅર સાડા ત્રણ ટકાથી વધુની ખરાબીમાં બન્ને મેઇન આંક ખાતે ટૉપ લૂઝર બન્યો છે.
RZ ની નજારામાં વિદેશી બ્રોકરેજ હાઉસનો બેરિશ નજારો!
રાકેશ ઝુનઝુનવાળાની નજારા ટેક્નૉલૉઝીસમાં વિદેશી બ્રોકરેજ હાઉસ CLSAને ભારે બેરિશ નજારો દેખાય છે. તેણે ૧૦૬૫ની ટાર્ગેટ પ્રાઇસ સાથે સેલનું રેટિંગ આપ્યું છે. આની અસરમાં ભાવ ગઈ કાલે સાડા ત્રણ ગણા વૉલ્યુમે નીચામાં ૧૪૬૪ થઈ છેલ્લે ૮.૮ ટકા ખરડાઈને ૧૫૧૮ રૂપિયા બંધ રહ્યો છે. અશોક લેલેન્ડમાં બ્રોકરેજ હાઉસ ક્રેડિટ સ્વીસ તરફથી રેટિંગ ડાઉનગ્રેડ થયાના અહેવાલ પાછળ ભાવ બમણા વૉલ્યુમમાં નીચામાં ૧૧૩ થઈ અંતે ૩.૯ ટકા ગગડી ૧૧૬ હતો. હિન્દુસ્તાન યુનિલીવર સારા કામકાજ સાથે સુધારાની ચાલમાં ચોથા દિવસે ઊંચકાઈ ૨૪૯૭ થઈ ૨.૬ ટકા વધીને ૨૪૮૧ જોવાયો છે. આ શૅર તેની ૨૫૦૪ની વિક્રમી સપાટી તોડવાની તૈયારીમાં છે. ભારત અર્થ મુવરમાં પ્રાઇવેટાઇઝેશન પેનલની શુક્રવારે મીટિંગ મળવાના સમાચાર શૅરમાં કે વૉલ્યુમમાં ઝમક લાવી શક્યા નથી, ભાવ પોણો ટકો ઘટીને ૧૩૭૧ રહ્યો છે. ટિપ્સ ઇન્ડસ્ટ્રીઝ સતત ચોથા દિવસે બમણા કામકાજમાં પાંચ ટકાની ઉપલી સર્કિટ મારીને ૧૧૨૫ નજીકની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો છે. સારા રિઝલ્ટના જોર વચ્ચે બલ્ક ડીલમાં બોલ્ડ બ્રિજ કેપિટલ નામના ફન્ડે અઢી ટકા ચાલ લેતાં ગ્લોબસ સ્પિરિટસ ૧૦ ટકાની સુધારેલી ઉપલી સર્કિટે ૫૮૪ના બેસ્ટ લેવલે બંધ આવ્યો છે. પાવરગ્રીડે ઠીકઠાક રિઝલ્ટ સાથે ત્રણ શૅર દીઠ એક બોનસ તેમ જ ૩૦ ટકા ડિવિડન્ડ જાહેર કર્યું છે. વધુમાં બ્રોકરેજ હાઉસ CLSA તરફથી ૨૭૫ની ટાર્ગેટ પ્રાઇસ સાથે બાયનું રેટિંગ આવ્યું છે. આમ છતાં શૅર દોઢા કામકાજમાં નીચામાં ૨૩૦ થઈ અંતે પોણા ત્રણ ટકાની નબળાઈમાં ૨૩૩ રૂપિયા બંધ હતો.
અદાણી પોર્ટ અને અદાણી એન્ટર સુધર્યા પણ બાકીના ૪ લથડતા જ રહ્યા
અદાણી ગ્રુપ ખાતે અદાણી ટ્રાન્સમિશન, અદાણી પાવર તથા અદાણી ટોટલ ગૅસ સતત પાંચમા દિવસે પણ પાંચ ટકાની નીચલી સર્કિટમાં જ બંધ રહ્યા છે. જ્યારે અદાણી ગ્રીન એનર્જી પાંચ ટકાની મંદીની સર્કિટ માર્યા પછી છેવટે સાડા ચાર ટકાની વધુ ખરાબીમાં ૧૦૬૩ની અંદર બંધ હતો. આ ચાર કાઉન્ટરના કારણે અદાણીના માર્કેટ કૅપમાં આશરે ૨૪૬૬૦ કરોડનું ધોવાણ થયું હતું. સામા પક્ષે ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝીસ બેગણાથી વધુમાં વૉલ્યુમમાં ૧૩૩૧ની ઇન્ટ્રા-ડે બૉટમથી ઉપરમાં ૧૫૦૪ થઈ છેલ્લે ૮.૮ ટકાના બાઉન્સ બેકમાં ૧૪૮૮ તો અદાણી પોર્ટસ અઢીગણા કામકાજમાં ૬૩૮ની ઇન્ટ્રા-ડે બૉટમથી ઊંચકાઈને ૭૦૫ બતાવી છેલ્લે ૭.૪ ટકાની તેજીમાં ૬૯૫ નજીક બંધ હતો. આ બન્ને શૅરની તેજીથી માર્કેટ કૅપ ૨૨૯૪૫ કરોડ રૂપિયા વધ્યું છે આમ છતાં નેટ ઇફેક્ટમાં તો અદાણી ગ્રુપનું માર્કેટ કૅપ ગી કાલે લગભગ ૧૭૧૫ કરોડ રૂપિયાના ઘટાડામાં જ આવે છે. આ સાથે ખરાબીના પાંચ દિવસમાં અદાણી ગ્રુપનું માર્કેટ કૅપ કુલ મળીને ૧૫૯૮૪૦ કરોડ રૂપિયા ડાઉન થઈ ચુક્યું છે. અદાણી ગ્રુપ માથે બેઠેલું પંચક આ સાથે ઊતરી જાય એવી આશા રાખીએ. જો આ પંચક શુક્રવાર પછી પણ ચાલુ રહે તો તેનો પ્રકોપ ભારે હશે એ વાત નક્કી.
અનિલ અંબાણીના શૅરમાં ઉપલી સર્કિટ સાથે નવા શિખરનો સિલસિલો
અનિલ અંબાણી ગ્રુપના શૅર છેલ્લા એક મહિનામાં બમણાથી અઢી ગણા કે તેથીય વધુ ઊંચકાયા છે ગઈ કાલે રિલાયન્સ કેપિટલ, રિલાયન્સ કમ્યુનિકેશન્સ, રિલાયન્સ હોમ, રિલાયન્સ પાવરમાં પાંચ-પાંચ ટકાની તેજીની સર્કિટ રાબેતા મુજબ લાગેલી હતી. રિલાયન્સ ઇન્ફ્રા તથા રિલાયન્સ નેવલ ઉપલી સર્કિટ માર્યા પછી છેવટે સવાચાર-સાડાચાર ટકાની મજબૂતીમાં બંધ હતા. આ સાથે ગ્રુપના તમામ શૅર સતત નવા ઐતિહાસિક ઊંચા શિખરે પહોંચ્યા છે. તાજેતરના ભૂતકાળમાં એક સમય એવો હતો કે અનિલ અંબાણી ગ્રુપના તમામ શૅર સાવ ખાડે ગયા હતા. એક વડાપાંઉની કિંમતમાં અનિલ ગ્રુપની તમામ કંપનીઓનો એક – એક શૅર આવી જાય એવી હાલત હતી. આજે આ બાસ્કેટની વેલ્યુ કમસેકમ એક મૈસુર મસાલા, ડબલચીઝ મારકે જેટલી અવશ્ય થઈ ગઈ છે. રિલાયન્સની ૪૪મી એજીએમ ૨૪મીએ છે આ એજીએમ વર્ચ્યુઅલ થવાની છે. શૅર ગઈ કાલે અડધા ટકા જેવા સુધારામાં ૨૨૨૫ બંધ રહ્યો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્રાસ્ટ્રકચર નીચામાં ૬૯૧ અને ઉપરમાં ૮૯૫ થઈ અંતે નહીંવત ઘટાડે ૭૬૩ બંધ હતો. જયકોર્પ પાંખા વૉલ્યુમમાં સાડા ચાર ટકા ઘટી ૧૪૬ની નીચે ગયો છે. પીએનબી હાઉસિંગ ૭૭૯ થઈ છેલ્લે સવા ટકા જેવી નરમાઈમાં ૭૪૦ તો ટાઇડ વૉટર ઑઇલ પોણા બે ટકાની કમજોરીમાં ૧૧૭૭૭ રૂપિયા રહ્યો છે.
ઇન્ફી ૧૦મા દિવસની આગેકૂચમાં ૧૫૧૬ની નવી ઑલટાઇમ હાઈ બનાવી અડધો ટકો વધી ૧૫૦૪ હતો. ટીસીએસ ૩૩૫૯ની વિક્રમી સપાટીની સાવ નજીક ૩૩૫૮ થઈ છેલ્લે પોણો ટકો ઘટીને ૩૨૯૭ દેખાયો છે. બૅન્ક નિફ્ટી ૩૪૭૮૭ની ટૉપથી ૩૩૯૦૯ થઈ અંતે ૪૭ પૉઇન્ટ જેવા મામુલી ઘટાડામાં ૩૪૫૫૮ બંધ હતો. જોકે તેની બારમાંથી ફક્ત ૪ જાત પ્લસ હતી. સમગ્ર બૅન્કિંગ સેગમેન્ટના ૩૫માંથી માત્ર ૬ શૅર સુધર્યા છે છતાં બૅન્કેક્સ તો જરાક અમથો ૦.૨ ટકા જ માઇનસ થયો છે. ઇન્ડેક્સ મૅનેજમેન્ટ એટલે શું તે સમજાય છે હવે? હિન્દુસ્તાન યુનિલીવરની તાકાતમાં ગઈ કાલે એફએમસીજી ઇન્ડેક્સ ૬૩માંથી ૪૨ શૅર ઘટવા છતાં ૨૭ પૉઇન્ટ વધ્યો છે. નિફ્ટી મેટલ ઇન્ડેક્સ એક ટકાથીય ઓછો ડાઉન હતો જ્યારે બીએસઈનો મેટલ ઇન્ડેક્સ બે ટકાથીય વધુ પીગળ્યો છે. કંઈ કહેવું છે?


Whatsapp-channel Whatsapp-channel

19 June, 2021 12:31 PM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK