Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > રેલો આવ્યો રાજ... બજાર 1708 પૉઇન્ટ લથડ્યું, 8.77 લાખ કરોડ રૂપિયા સ્વાહા

રેલો આવ્યો રાજ... બજાર 1708 પૉઇન્ટ લથડ્યું, 8.77 લાખ કરોડ રૂપિયા સ્વાહા

13 April, 2021 09:50 AM IST | Mumbai
Anil Patel

પ્રત્યેક મિનિટે રોકાણકારોએ આશરે ૩૦૦૦ કરોડ રૂપિયા ગુમાવ્યા : તમામ ઇન્ડાઇસિસ રેડ ઝોનમાં; રિયલ્ટી, બૅન્કિંગ, ઑટો, મેટલ અને રોકડામાં ખુવારી

બીએસઈ

બીએસઈ


કોરોનાના નવા કેસના મામલે વરવા વિક્રમની વણઝાર વણથંભી છે. મૃતકોના અપ-મૃત્યુના આંકડા બિહામણા બની રહ્યા છે. ફુલ ફ્લેજડ લૉકડાઉનનાં ડાકલાં વાગવા માંડ્યાં છે. સરકાર સસ્તા વ્યાજથી એનો જંગી માર્કેટ બોરોઇંગ પ્રોગ્રામ પાર પાડી શકે એ માટે રિઝર્વ બૅન્ક દ્વારા અપનાવવામાં આવેલી ટૂંકી દૃષ્ટિની નીતિથી ડૉલર સામે રૂપિયો ૭૫ની પાર થઈ ગયો છે. નોમુરાએ ૨૦૨૧ માટે ભારતના જીડીપી ગ્રોથનું અનુમાન એકાદ ટકો ડાઉન ગ્રેડ કર્યું છે. આ ડી-રેટિંગ આગળ ચાલશે. બીજાય એમાં જોડાશે. સરવાળે ૧૨ એપ્રિલનો સોમવાર શૅરબજારના બાર વગાડનારો પુરવાર થયો છે. ચાલુ કૅલેન્ડર વર્ષના બીજા નંબરના મોટા કડાકામાં સેન્સેક્સ ૧૭૦૮ પૉઇન્ટ કે ૩.૪૪ ટકા અને નિફ્ટી ૫૨૪ પૉઇન્ટ કે ૩.૫૩ ટકા ધરાશાયી થયા છે. બન્ને બેન્ચમાર્કમાં નજીકના મહત્ત્વના સપોર્ટ લેવલ તૂટી ગયાં છે. એટલે વધ-ઘટે માર્કેટની ચાલ ઘટાડાતરફી જ રહેવાની છે. ગઈ કાલે બન્ને બજારોના તમામ બેન્ચમાર્ક માઇનસમાં હતા. સૌથી ઓછી ખરાબી ફાર્મા અને હેલ્થકૅર સેગમેન્ટમાં હતી. દરમિયાન રશિયન વૅક્સિન સ્પુટનિકને સરકારે મંજૂરી આપતાં ડૉ. રેડ્ડીઝ લૅબ એનએસઈમાં ૭ ટકાની તેજીમાં ૫૦૯૮ની વિક્રમી સપાટીએ તો બીએસઈ ખાતે ૪.૮ ટકાના ઉછાળે ૪૯૮૯ બંધ રહ્યો છે. જ્યારે પેનેસિયા બાયોટેક ત્રણ ગણા વૉલ્યુમમાં ૨૮૦ની બેસ્ટ સપાટી મેળવી ૧૦.૮ ટકાની તેજીમાં ૨૫૯ નજીક બંધ હતો. માર્કેટ લીડર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૧૯૦૧ની અંદર જઈ અંતે સાડાત્રણ ટકાથી વધુની ખરાબીમાં ૧૯૧૧ બંધ રહ્યો છે. આ કાઉન્ટર ૧૯૦૦નું લેવલ હવે તોડશે એ નક્કી.

ગઈ કાલે માર્કેટ આરંભથી અંત સુધી માઇનસ ઝોનમાં હતું. બગાડ ઉત્તરોતર વધતો ગયો હતો. એનએસઈ ખાતે ૨૪૧ શૅર વધ્યા હતા સામે ૧૭૪૯ જાતો નરમ હતી. બોલે તો એક વધ્યો, સાત ગયા. સોમવારે માર્કેટ કૅપની રીતે રોકાણકારોની મૂડીમાં ૮.૭૭ લાખ કરોડનું ધોવાણ થયું છે. સાદી ભાષામાં કહીએ તો દરેક મિનિટે ઇન્વેસ્ટરોએ લગભગ ૩૦૦૦ કરોડ રૂપિયા ગુમાવ્યા છે. બીએસઈ ખાતે ૫૧૦ શૅર પ્લસ હતા સામે ૨૪૭૭ કાઉન્ટર ડાઉન હતાં, જેમાંથી ૪૫૦ શૅર મંદીની સર્કિટે બંધ રહ્યા છે. એક આડ વાત, ગઈ કાલે જે થયું એ તો મોટા રેલાનું ટ્રેલર માત્ર છે. ઇબ્તદા એ-ઇશ્ક હૈ, રોતા હૈ ક્યા, આગે આગે દેખિયે હોતા હૈ ક્યા!!



દરમિયાન ક્રિપ્ટો કરન્સી સેગમેન્ટમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન માર્કેટ લીડર બીટકૉઇન ઉપરમાં ૬૧૨૮૫ ડૉલર થયો છે જે ૧૩ માર્ચની તેની ૬૧૭૪૨ ડૉલરની ઑલટાઇમ હાઈની નજીક કહી શકાય. ક્રિપ્ટો કરન્સીના ટ્રેડિંગ માટેનું લાર્જેસ્ટ અમેરિકન એક્સચેન્જ કૉઇન બેઝ ગ્લોબલ ઇન્ફોર્મોરેશનનું નૅસ્ડેક ખાતે લિસ્ટિંગ થવાની તૈયારી છે એનો કરન્ટ બીટકૉઇનમાં આવ્યો લાગે છે.


ઇન્ફોસિસ નવા શિખરે જઈને પાછો પડ્યો, બાયબૅક પર નજર

અમે અહીંથી ચારેક દિવસ પહેલાં જણાવ્યું હતું એ સાચું પડ્યું છે. ઇન્ફી તરફથી ૧૪મીએ પરિણામની સાથે બાયબૅક અંગે વિચારણા કરવાની વિધિવત્ જાહેરાત કરાઈ છે. છેલ્લાં ચાર વર્ષમાં કંપનીનું આ ત્રીજું બાયબૅક આવશે. બાય ધ વે, ટ્રેક રેકૉર્ડ જોતાં કંપની એકાદ વર્ષમાં બોનસ પણ જાહેર કરશે એમ લાગે છે. જાણકારોના કહેવા પ્રમાણે બાયબૅક પ્રાઇસ શૅરદીઠ ૧૬૦૦ રૂપિયા પ્લસની જાહેર થવા સંભવ છે. બાયબૅકની સાઇઝ ૧૪,૦૦૦ કરોડ રૂપિયા આસપાસ અપેક્ષિત છે.


બાયબૅકની વિધિવત્ નોટિસ આવતાં શૅર ગઈ કાલે બીએસઈ ખાતે ૧૪૮૦ અને એનએસઈમાં ૧૪૭૭ રૂપિયાના નવા સર્વોચ્ચ શિખરે ગયો હતો. પાછળથી બજારની સાર્વત્રિક ખરાબીના પગલે નીચામાં ૧૪૧૫ થઈ અંતે એક ટકો ઘટી ૧૪૨૬ રૂપિયા બંધ આવ્યો છે બને બજાર ખાતે કુલ ૧૬૯ લાખ શૅરના કામકાજ થયા હતા ઇન્ફીના પગલે વિપ્રો, ટીસીએસ સહિત અન્ય આઇટી કંપનીઓ પણ વહેલી-મોડી બાયબૅક જાહેર કરે એમ મનાય છે.
 
આઇટી ઇન્ડેક્સ ટૉપથી ૧૦૦૦ પૉઇન્ટ લોગ-આઉટ થયો 

સોમવારે બીએસઈ ખાતે આઇટી ઇન્ડેક્સ ૨૮૩૮૬ની સર્વાચ્ચ સપાટીએ ખુલ્યા બાદ બજારની જબ્બર બુરાઈમાં ૧૦૦૦ પૉઇન્ટથી વધુની ખરાબીમાં ૨૭૩૩૦ની અંદર આવી ગયો હતો. છેલ્લે ૨.૨ ટકા ઘટી ૨૭૪૭૪ બંધ રહ્યો છે. એના ૫૧ શૅરમાંથી ૫૧ શૅર માઇનસ હતા. સપ્ટેમ્બર ૨૦૨૦માં જેનો આઇપીઓ શૅરદીઠ ૩૫૦ના ભાવે આવ્યો હતો અને લિસ્ટિંગમાં ભાવ ૭૦૦ રૂપિયાની ઉપર ખુલ્યો હતો એ રાઉટ મોબાઇલ ગઈ કાલે નીચામાં ૧૫૨૭ થઈ અંતે ૯.૨ ટકા ગગડી ૧૫૪૦ રૂપિયા બંધ હતો. એપટેક ૯.૬ ટકા, ૬૩ મૂન્સ ૭.૬ ટકા, હિન્દુજા ગ્લોબલ ૬.૭ ટકા, ઇન્ટલેક્ટ ડિઝાઇન આઠ ટકા, નેલ્કો ૭.૨ ટકા ડાઉન હતા, ફ્રન્ટલાઇનમાં જેનાં પરિણામ સોમવારે બંધ બજારે આવવાનાં હતાં એ ટીસીએસ ઉપરમાં ૩૩૪૪ અને નીચામાં ૩૨૧૮ થઈ છેલ્લે અઢી ટકા ઘટી ૩૨૪૧ બંધ હતો. ટેક મહિન્દ્રાના પરિણામ ૨૭મીએ છે. એ ૧.૪ ટકા ઘટી ૧૦૩૮ હતો. વિપ્રોના પરિણામ ૧૫મીએ આવશે. ભાવ ગઈ કાલે ૩.૮ ટકા ખરડાઈને ૪૩૩ હતો. એચસીએલ ટેકનો ૩.૪ ટકા, તાતા એલેક્સી ૫.૮ ટકા, માઇન્ડ ટ્રી ૩.૨ ટકા, લાર્સન ટેકનો અઢી ટકા ડાઉન હતા. 

પસંદગીયુક્ત લેવાલીનો ટેકો મળતાં ફાર્મા ઇન્ડેક્સમાં ઓછું ધોવાણ

ગઈ કાલથી ઑલરાઉન્ડ ખુવારીમાં ફાર્મા શૅરો પ્રમાણમાં ઓછા ખરડાયા હતા. નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ ૧૦માંથી ૭ શૅરની નરમાઈમાં ૦.૨ ટકા તો બીએસઈનો હેલ્થકૅર ઇન્ડેક્સ ૭૨માંથી ૫૬ શૅરની પીછેહઠ વચ્ચે પોણો ટકો ડાઉન હતો. ઇન્ટ્રા-ડેમાં કેડિલા હેલ્થકૅર, સિપ્લા, ડૉ. લાલ બેથલૅબ્સ, ન્યુલૅન્ડ લૅબ, મેટ્રોપોલીસ, આરપીજી લાઇફ સાયન્સ, એસએમએસ  ફાર્મા, વિમતા લૅબ જેવાં કાઉન્ટર નવા ઊંચા શિખરે જોવાયાં હતાં. દિવસના અંતે સોલારા ઍક્ટિવ ફાર્મા ૧૧ ગણાથી વધુના વૉલ્યુમે ઉપરમાં ૧૫૨૯ થઈ અંતે ૫.૧ ટકાની મજબૂતીમાં ૧૪૪૧ રૂપિયા બંધ હતો. ઔરોરે લાઇફ સાયન્સ તથા હાયડ્રા ઍક્ટિવ ફાર્મા સાથે એમાલ્ગમેશનની યોજનાના પગલે આ શૅર સતત ચોથા દિવસે વધ્યો છે. ડૉ. લાલ પેથલૅબ્સ ૬.૪ ટકા, આરપીજી લાઇફ ૫.૫ ટકા, વિમતા લૅબ ૪.૩ ટકા, ઇપ્કા લૅબ ૩.૬ ટકા, ઍસ્ટ્રાઝેનેકા અઢી ટકા, ડૉ. રેડ્ડીઝ લૅબ ૪.૮ ટકા, સિપ્લા ૨.૪ ટકા અપ હતા. હાઇકલ, મોરપેન, હેસ્ટર બાયો, દિક્ષમાન, સિકવન્ટ, આઇઓએલ જેવાં કાઉન્ટર આઠ-નવ ટકા તૂટ્યાં હતાં. 

ઑટો શૅરમાં સાર્વત્રિક ધોવાણ 

બીએસઈનો ઑટો ઇન્ડેક્સ ૧૧૫૩ પૉઇન્ટ કે ૫.૨ ટકા અને નિફ્ટી ઑટો ૫૦૭ પૉઇન્ટ કે પાંચ ટકા ખુવાર થયા છે. અત્રે તમામ શૅર રેડ ઝોનમાં હતા. તાતા મોટર નીચામાં ૨૮૪ થઈ અંતે ૧૦ ટકા તૂટીને ૨૮૭ બંધ રહ્યો છે એનો ડીવીઆર ૭.૮ ટકા ખરાબ થયો છે. મારુતિ સુઝુકી અઢી ગણા કામકાજમાં નીચામાં ૬૫૦૪ થઈ છેલ્લે ૪.૬ ટકા કે ૩૧૧ રૂપિયા ધોવાઈને ૬૫૧૯ હતો. અશોક લેલૅન્ડ ૭.૪ ટકા, મહિન્દ્રા પાંચ ટકા, ટીવીએસ મોટર્સ ૪.૯ ટકા, હીરો મોટોકોર્પ ૪.૨ ટકા, બજાર ઑટો ૩.૧ ટકા, એસ્કોર્ટ ૪.૨ ટકા, આઇશર ૩.૭ ટકા, અતુલ ઑટો ૩.૩ ટકા ડુલ થયા હતા. એટલાસ સાયકલ ૨.૪ ટકા વધ્યો હતો. એ સિવાય ટૂ-થ્રી વ્હીલર્સ સેગમેન્ટના બાકીના નવ શૅર માઇનસ હતા. 

બૅન્ક નિફ્ટીમાં ૧૬૫૬ પૉઇન્ટનો ધબડકો ઃ તમામ ૩૫ બૅન્ક શૅર લાલ થયા

સોમવારે બૅન્કિંગમાં ભારે તારાજી હતી. બૅન્ક નિફ્ટી ૩૧૬૯૮ની ઇન્ટ્રા-ડે ટૉપથી ગગડી ૩૦૫૨૦ થઈ અંતે ૩૦૭૯૨ બંધ રહ્યો છે જે આગલા બંધના મુકાબલે પાંચ ટકાથી વધુ કે ૧૬૫૬ પૉઇન્ટનો કડાકો કહી શકાય. બીએસઈનો બૅન્કેક્સ ૩૪૬૬૩ની ઇન્ટ્રા-ડે બૉટમ બનાવી અંતે ૪.૯ ટકા કે ૧૮૦૩ પૉઇન્ટ ખરડાઈ ૩૪૯૬૮ બંધ હતો. પીએસયુ બૅન્ક નિફ્ટી સર્વાધિક ૮.૬ ટકા ડુલ થયો છે. સમગ્ર બૅન્કિંગ સર્વાધિક ૮.૬ ટકા ડુલ થયો છે. સમગ્ર બૅન્કિંગ સેક્ટરની ૩૫માંથી એક પણ સ્ક્રીપ્સ ગઈ કાલે વધી નથી. વાત અહીં જ નથી અટકતી, આ તમામ ૩૫ શૅર ત્રણ ટકાથી લઈને ૧૧ ટકા સુધી લાલ થયા છે. ઇન્ડિયન બૅન્ક, કૅનેરા બૅન્ક, પીએનબી, આરબીએલ બૅન્ક, બૅન્ક ઑફ ઇન્ડિયા, પંજાબ સિંધ બૅન્ક, બૅન્ક ઑફ બરોડા, ડીસીબી બૅન્ક, કરૂર વૈશ્ય બૅન્ક, આઇઓબી, યુનિયન બૅન્ક તથા આઇપીએફસી ફર્સ્ટ બૅન્ક જેવી ડઝન આઇટમો નવ ટકાથી લઈને ૧૧ ટકા તૂટી છે. સેન્સેક્સ પેકમાં ઇન્ડસઇન્ડ બૅન્ક ૮.૬ ટકા, સ્ટેટ બૅન્ક ૬.૯ ટકા, ઍક્સિસ બૅન્ક પાંચ ટકા, આઇસીઆઇસીઆઇ બૅન્ક ૪.૬ ટકા, કોટક બૅન્ક ૩.૩ ટકા તથા એચડીએફસી બૅન્ક સવાત્રણ ટકાથી વધુ માઇનસ થયા છે. ફાઇનૅન્શિયલ સર્વિસીસ સેગમેન્ટમાં શ્રી રામ ટ્રાન્સપોર્ટ ફાઇનૅન્સ ૧૧.૪ ટકા, મહિન્દ્રા ફાઇનૅન્સ ૧૧.૩ ટકા, પિરામલ એન્ટરપ્રાઇસીસ ૯.૫ ટકા, ચોલા મંડલમ ફાઇનૅન્સ ૮.૫ ટકા, બજાજ ફાઇનૅન્સ સવાત્રણ ટકા, પાવર ફાઇનૅન્સ ૭.૫ ટકા સહિત તમામ ૨૦ શૅર લથડતાં નિફ્ટી ફાઈ ઇન્ડેક્સ પાંચ ટકા તૂટ્યો હતો. હાઉસિંગ ફાઇનૅન્સ સેક્ટરના તમામ ૧૮ શૅર રેડ ઝોનમાં બંધ હતા. 

માર્કેટ કેપ

બીએસઇનું માર્કેટ કૅપ ગઈ કાલે ૮.૭૭ કરોડ રૂપિયા ઘટીને ૨૦૦.૮૩ લાખ કરોડ રૂપિયા થયું. એનએસઇનું માર્કેટ કેપ ૮.૭૩ કરાેડ રૂપિયા ઘટીને૧૯૯.૪૬ લાખ કરોડ રૂપિયા થયું.

માર્કેટ બ્રેડ‍્થ

ગઈ કાલે બીએસઇમાં ૩૧૬૧ શૅરમાં ટ્રેડિંગ થયું. ૪૮૭ શૅર વધ્યા, ૨૫૦૨ શૅર ઘટ્યા, ૧૭૨ શૅર યથાવત‍્ હતા.

Whatsapp-channel Whatsapp-channel

13 April, 2021 09:50 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK