° °

આજનું ઇ-પેપર
Monday, 05 December, 2022


ટ‍્વિટર અને અન્ય અમેરિકન કંપનીઓના કર્મચારીઓને પાણીચું એ મંદી આગળ ધપવાનો અને જૉબ માર્કેટને લાગેલા ગ્રહણનો સંકેત

21 November, 2022 05:01 PM IST | Mumbai
Jitendra Sanghvi

ભાવવધારાને બ્રેક અને વિદેશી હૂંડિયામણનો જંગી વધારો ભારત માટે સારા સમાચાર

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક) આર્થિક પ્રવાહ

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

ગયે અઠવાડિયે G20ના પ્લૅટફૉર્મ પર ઇન્ડોનેશિયા (બાલી)માં મળેલી શિખર પરિષદમાં જિનપિંગ અને બાઇડન તેમ જ જિનપિંગ અને મોદી વચ્ચે દ્વિપક્ષી મંત્રણાઓ યોજાઈ હતી. ૯ મહિનાથી ચાલી રહેલ રશિયા-યુક્રેન યુદ્ધ તેમ જ ચીન અને તાઇવાન વચ્ચેની તંગદિલી હળવી કરવામાં આ મંત્રણાઓ મહત્ત્વનો ભાગ ભજવી શકે. હાલના યુદ્ધનું રાજદ્વારી સમાધાન શોધવાની મોદીની  અપીલ પણ વિશ્વમાં જિયોપૉલિટિકલ તણાવ ઘટાડવાની પ્રક્રિયામાં વેગ લાવી શકે. આ યુદ્ધ સમયસર નહીં અટકાવાય તો વિશ્વમાં અનાજની અછત અને ભૂખમરો સર્જાવાની ચેતવણી પણ તેમણે આપી છે. દુનિયાના ગરીબ દેશોની હાલત એનાથી વધુ બદતર થઈ શકે. આ જ પ્લૅટફૉર્મ પર મોદી અને સુનક વચ્ચેની પ્રથમ મીટિંગ ભારત અને યુકેના રાજકીય સંબંધોમાં ઉષ્મા લાવી શકે. 

આમ પણ વિશ્વ આજે વધતી જતી અનિશ્ચિતતાઓ, પડકારો અને આર્થિક જોખમોથી પીડાઈ રહ્યું છે. આ પડકારોમાં જિયોપૉલિટિકલ તણાવ, સતત થઈ રહેલ ભાવવધારો અને એને રોકવા સતત કરાતા વ્યાજના દરનો વધારો, મજબૂત બનતો જતો ડૉલર, પુરવઠાના ભંગાણ અને આર્થિક સ્લોડાઉન મુખ્ય ગણાય.

વિશ્વમાં પ્રવર્તમાન અનિશ્ચિતતાઓનું પ્રતિબિંબ ભારતના અર્થતંત્રમાં જોવા મળે છે. ભૂતકાળમાં (૨૦૦૮) આવી અનિશ્ચિતતાઓને કારણે મૂડીરોકાણ લગભગ બે વરસ માટે ઠપ થઈ ગયું હતું, તો આવી અનિશ્ચિતતાઓ ઓછી થતાં પછીના દોઢ વરસ માટે એ વધ્યું હતું. આ પરિસ્થિતિનું પુનરાવર્તન થાય તો ૨૦૨૩ના અંત સુધી મૂડીરોકાણ ઘટી શકે અને ત્યાર બાદ એમાં વધારો થાય.

આ બધી અનિશ્ચિતતાઓ વચ્ચે વિશ્વની ખ્યાતનામ કંપનીઓમાં ખાસ કરીને આઇટી કંપનીઓમાં, કર્મચારીઓની છટણી (લે-ઑફ) જોર પકડી રહી છે. ટ‍્વિટર અને મેટા (ફેસબુકની પેરન્ટ કંપની) પછી હવે ઍમેઝૉન તેમ જ અમેરિકાની બીજી ટેક્નૉલૉજી કંપનીઓમાં આ વલણ વધતું ચાલ્યું છે. મંદીની શક્યતાઓ વચ્ચે રોજગારી ઘટવાની અપેક્ષા હતી જે આખરે બનીને રહી છે. છટણીના વિરોધમાં ટ્વિટરમાં તો સંખ્યાબંધ કર્મચારીઓએ રાજીનામાં પણ આપ્યાં છે. 

યુકેમાં ઑક્ટોબર મહિને ભાવવધારો (૧૧.૧ ટકા) ચાલુ રહ્યો છે, જે ૪૧ વરસનો વિક્રમ છે. ભારતમાં ઑક્ટોબર મહિને છૂટક તેમ જ જથ્થાબંધ ભાવાંકના દરમાં ઘટાડો થયો છે, તો પણ ફેડરલ રિઝર્વનો વ્યાજના દર વધારવા માટેનો હુંકાર ચાલુ રહેતાં રિઝર્વ બૅન્ક પણ આવતે મહિને વ્યાજના દરનો વધારો ચાલુ રાખે તો નવાઈ નહીં. 

ભારતની આર્થિક પરિસ્થિતિનો નિર્દેશ કરતા મેક્રો-ઇકૉનૉમિક પૅરામીટર્સ મિશ્ર વલણ દર્શાવે છે. નિકાસોમાં ૧૮ મહિના પછી ઑક્ટોબર મહિને ઘટાડો થયો છે. નવેમ્બર મહિને વિદેશી પોર્ટફોલિયો મૂડીરોકાણનો ઇન્ફ્લો ફરી એક વાર ચાલુ થયો છે. મોટી રાહતના સમાચાર તો એ છે કે ઘણાં અઠવાડિયાંઓના ઘટાડા પછી વિદેશી હૂંડિયામણમાં મોટો વધારો (૧૫ બિલ્યન ડૉલર) થયો છે.

રૉકેટ વિક્રમ-એસના સફળ લૉન્ચિંગ સાથે ભારતના ખાનગી ક્ષેત્રે (સ્ટાર્ટ-અપ સ્કાયરૂટ દ્વારા)  સ્પેસ સાયન્સના ક્ષેત્રે મોટી હરણફાળ ભરી છે. 

ગયે અઠવાડિયે (નવેમ્બર ૧૫) વિશ્વની વસ્તી આઠ અબજ (૮૦૦  કરોડ) પર પહોંચી જે એક સી‌માચિહ્‍‍ન છે.

G20ની હવે પછીની શિખર પરિષદ દિલ્હીમાં મોદીના પ્રમુખસ્થાને યોજાશે, જેને કારણે વરસોથી ઘોંચમાં પડેલ પર્યાવરણની સુરક્ષા અને આતંકવાદને ડામવા જેવા મહત્ત્વના એજન્ડા પર ઝડપી નિર્ણયો લેવાની શક્યતા ઊજળી બની છે. 

જથ્થાબંધ ભાવાંક ૧૮ મહિનાનો સૌથી નીચો : સિંગલ ડિજિટમાં

અઢાર મહિના ડબલ ડિજિટમાં રહ્યા પછી ઑક્ટોબર મહિને જથ્થાબંધ ભાવાંક સિંગલ ડિજિટમાં (૮.૪ ટકા) આવ્યો છે. આ ઘટાડાનું મુખ્ય કારણ ખાદ્ય પદાર્થોના ભાવોમાં થયેલ ઘટાડો (૬.૫  ટકા) છે, જે ૧૨ મહિનાનો સૌથી નીચો છે. વિશ્વબજારમાં ચીજવસ્તુઓના ઘટી રહેલ ભાવોએ પણ જથ્થાબંધ ભાવાંકના ઘટાડાને પુશ કર્યો છે. આ ઘટાડો આવતા થોડા મહિનાઓમાં આગળ વધશે. 

જોકે, રિઝર્વ બૅન્કના વ્યાજના દરના ફેરફાર માટે તો છૂટક ભાવાંક જ ગણતરીમાં લેવાય છે. તો પણ જથ્થાબંધ ભાવાંકનો ઘટાડો થોડા ટાઇમ-ગેપ સાથે છૂટક ભાવાંકના ઘટાડામાં પરિણમે છે. એવા આપણા ભૂતકાળના અનુભવને કારણે જથ્થાબંધ ભાવાંકના ઘટાડાની શરૂઆત રિઝર્વ બેંક માટે, સરકાર માટે અને પ્રજા માટે રાહતના સમાચાર ગણાય. 

છૂટક ભાવવધારો ત્રણ મહિનાનો સૌથી નીચો : સાત ટકાથી ઓછો તો પણ રિઝર્વ બૅન્કની ટૉલરન્સ લિમિટથી ઉપર

બેઝ ઇફેક્ટને લીધે ઑક્ટોબર મહિને છૂટક ભાવવધારો ત્રણ મહિનાનો સૌથી ઓછો (સપ્ટેમ્બરના ૭.૪ ટકામાંથી ૬.૮ ટકા) રહ્યો. ખાદ્ય ચીજવસ્તુઓના હળવા થયેલ ભાવવધારાએ (સપ્ટેમ્બરના ૮.૬ ટકામાંથી ૭ ટકા) પણ છૂટક ભાવવધારાને ધીમો પાડવામાં મદદ કરી. વિશ્વ બજારમાં ક્રૂડ અને ધાતુઓના ઘટેલા ભાવો અને સરકાર દ્વારા કરાયેલ ટૅરિફ (ડ્યુટી)ના માળખાના તાર્કિકીકરણને લીધે ઇન્પુટનો પુરવઠો સુધરતાં છૂટક ભાવવધારાનુ જોર થોડું નરમ પડ્યું. ઘઉં અને ચોખા બાબતે લેવાયેલ ટ્રેડ-રિલેટેડ પગલાંઓને લીધે આવતા થોડા મહિનાઓમાં ભાવવધારો નરમ રહી શકે. 

પૉલિસીના દર વધારાની સાઇકલનો અંત નજીકમાં હોઈ શકે

ઑક્ટોબરના ઘટાડા પછી પણ છૂટક ભાવવધારો સતત દસમા મહિને રિઝર્વ બૅન્કની ટૉલરન્સ લિમિટ (છ ટકા)ની ઉપર છે. વ્યાજના દરવધારા બાબતે રિઝર્વ બૅન્ક બે બાબતોને નજરઅંદાજ ન કરી શકે. ૧. છૂટક ભાવવધારો. ૨. ફેડ દ્વારા કરાતા વ્યાજના દરના ફેરફાર અને એના અધ્યક્ષ દ્વારા ભવિષ્યમાં કરાનાર વ્યાજના દરના ફેરફારના સંકેતો. 

ઑક્ટોબર મહિને છૂટક ભાવવધારાનો દર ઓછો થયો જે નવેમ્બર મહિને પણ ચાલુ રહેવાની અપેક્ષા છે. એ સંદર્ભમાં રિઝર્વ બૅન્ક પૉ‌લિસી દરના વધારા પર બ્રેક મારવાનું વિચારી શકે. તો બીજી તરફ ફેડના નજીકના ભવિષ્યમાં પોલીસીના દરનો વધારો ચાલુ રાખવાના સંકેતો રિઝર્વ બૅન્કેને આમ કરતાં અટકાવી પણ શકે. 

ફેડના અને આપણા પૉલિસી દરનો તફાવત ઘટતાની સાથે જ ડૉલર મજબૂત થતાં મૂડીનો આઉટફ્લો ચાલુ થઈ જાય છે, જેને કારણે રૂપિયાની બાહ્ય કિંમત ઘટવા માંડે છે. રિઝર્વ બૅન્ક કે ઊભરતા દેશોની કેન્દ્રવર્તી બૅન્કો વિદેશી હૂંડિયામણ બજારમાં ઠાલવીને આવી મધ્યસ્થી દ્વારા પોતાના ચલણની બાહ્ય કિંમત ઘટતી અટકાવવાનું પગલું અમુક મર્યાદામાં જ લઈ શકે. 
 સમગ્ર રીતે જોતા દેશના અર્થતંત્રના હિતમાં ભાવવધારો અંકુશમાં રાખવા સાથોસાથ રૂપિયાની બાહ્ય કિંમત જાળવી રાખવા માટે રિઝર્વ બૅન્ક સમતુલિત અભિગમ (બૅલૅન્સ્ડ અપ્રોચ) અપનાવી રેપો રેટમાં ૫૦ નહીં પણ ૩૦-૩૫ બેસિસ પૉઇન્ટનો વધારો કરશે એવો અડસટ્ટો લગાવી શકાય. 

વ્યાજના દર વધતા અટકે તો ચીજવસ્તુઓની માગ વધવાની ધારણા રાખી શકાય, જેને કારણે ડિમાન્ડ સાઇડથી ધીમા પડી રહેલ આર્થિક વિકાસનો દર વધવાની શરૂઆત એપ્રિલ ૨૦૨૩ (ફિસ્કલ ૨૪)થી થઈ શકે. 

ફિસ્કલ ૨૩ના સપ્ટેમ્બર ક્વૉર્ટરનો આર્થિક વિકાસનો દર બેઝ ઇફેક્ટ અને કંપનીઓની નફાક્ષમતા ઘટવાને કારણે નીચો (અગાઉના ક્વૉર્ટરના ૧૩.૫ ટકા સામે ૬.૫ ટકા) રહેવાની સંભાવના છે. ફિસ્કલ ૨૩ના ઉત્તરાર્ધ ઑક્ટોબર-માર્ચ ૨૦૨૩)માં આર્થિક વિકાસના દરનો વધારો ઝડપથી નીચો જશે. સરવાળે, ચાલુ નાણાકીય વરસે આર્થિક વિકાસના ૬.૩ ટકાના દરનો રિઝર્વ બૅન્કનો અંદાજ છે. 

નિકાસોમાં ઑક્ટોબરમાં ૧૭ ટકાનો ઘટાડો, આયાતોનો વધારો બે વર્ષનો સૌથી ઓછો

આપણી નિકાસો ઑક્ટોબરમાં ૧૭ ટકા જેટલી ઘટી તો આયાતો છ ટકા જેટલી વધી. નિકાસોમાં છેલ્લા અઢાર મહિનાનો આ પહેલો ઘટાડો છે. એટલું જ નહીં, પણ મે ૨૦૨૦ પછીનો આ સૌથી મોટો ઘટાડો છે. આ ઘટાડો મુખ્યત્વે વૈશ્વિક સ્લોડાઉન અને વિશ્વ બજારમાં ચીજવસ્તુઓના ઘટેલા ભાવોને આભારી છે. આયાતો વધી, પણ આ વધારો લગભગ ૨૪ મહિનાનો સૌથી ઓછો વધારો હતો. એ પણ મુખ્યત્વે ચીજવસ્તુઓના ઘટી રહેલ ભાવોને આભારી છે. 

વૈશ્વિક સ્લોડાઉનને કારણે માગ ઘટતાં કન્ટેનરના ભાવો (ફ્રેઇટ ચાર્જિસ)માં છેલ્લા નવ મહિનામાં ૨૨ ટકાનો ઘટાડો થયો છે. આ ઘટાડા પછી પણ કન્ટેનરના સરેરાશ ભાવો મહામારીના લેવલ પહેલાંના ભાવો કરતાં બેથી ત્રણ ગણા છે. તો પણ હાલના ઘટાડાને લીધે આપણી નિકાસોની હરીફશક્તિ વધશે. 

વિદેશી હૂંડિયામણમાં ૧૫ બિલ્યન ડૉલરનો જંગી અઠવાડિક વધારો એક નવો વિક્રમ છે

ફેબ્રુઆરી ૨૦૨૨થી વિદેશી હૂંડિયામણમાં ૧૦૦ બિલ્યન ડૉલરનો ઘટાડો થયા પછી છેલ્લાં થોડાં અઠવાડિયાંથી એમાં વધારો થઈ રહ્યો છે. એનું મુખ્ય કારણ રિઝર્વ બૅન્કે બજારમાંથી છેલ્લા એક મહિનામાં આઠ બિલ્યન ડૉલર ખરીદ્યા એ છે. એથીય આગળ વધીને ગયે અઠવાડિયે (નવેમ્બર ૧૧) વિદેશી હૂંડિયામણમાં ૧૫ બિલ્યન ડૉલરનો ધરખમ વધારો થયો છે. આ વધારો ડૉલર નબળો પડતાં થઈ રહેલ વૅલ્યુએશનના ફેરફારને લીધે અને વિદેશી પોર્ટફોલિયો મૂડીરોકાણનો આઉટફ્લો અટક્યો અને ઇન્ફ્લો શરૂ થયો એને કારણે છે. ઘટી રહેલ આયાતો વચ્ચે આપણી આયાતો માટેનું વિદેશી હૂંડિયામણનું કવર ઓછું થઈ રહ્યાનો ભય પણ ઓછો થયો છે.

રિઝર્વ બૅન્ક બજારમાંથી ડૉલર ખરીદે એટલે બજારમાં રૂપિયા ઠલવાતાં સિસ્ટમમાં લિક્વિડિટી વધી છે (છેલ્લા એક મહિનામાં ૬૭,૦૦૦ કરોડ રૂપિયા). સ્પેશ્યલ ડ્રૉઇંગ રાઇટ્સની વધઘટને ધ્યાનમાં ન લઈએ તો નવેમ્બર ૧૧ના અઠવાડિયે ફૉરેન એકસચેન્જ ઍસેટ્સના વધારાએ એક નવો વિક્રમ સર્જ્યો છે. એક ખાસ સંદર્ભમાં વિદેશી હૂંડિયામણને દેશની આર્થિક સધ્ધરતાનું નક્કર પ્રમાણ ગણી શકાય. 

21 November, 2022 05:01 PM IST | Mumbai | Jitendra Sanghvi

અન્ય લેખો

મહારેરાએ ફરિયાદોનું જલદી નિરાકરણ લાવવાની જરૂર

રેરા હેઠળ ખરીદદારોની ફરિયાદોનું ત્વરિત નિરાકરણ આવે એવો હેતુ રખાયો છે. આમ છતાં જ્યારે મહારેરાએ પોતાની જવાબદારીનું નિર્વહન કર્યું નથી તેથી અદાલતે એની પાસે ખુલાસો માગવો પડ્યો છે. 

03 December, 2022 03:57 IST | Mumbai | Parag Shah

News Shorts:સ્ટાર્ટઅપ્સ માટે આઇપી ફૅસિલિટેટર્સના વ્યાવસાયિક ચાર્જમાં વધારો કરાયો

સરકારે શુક્રવારે કહ્યું કે તેણે સ્ટાર્ટઅપ્સ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રૉપર્ટી પ્રોટેક્શન (એસઆઇપીપી) સ્કીમ હેઠળ આઇપી ફૅસિલિટેટર્સ માટેની ફી લગભગ બમણી કરી દીધી છે.

03 December, 2022 03:53 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

રિઝર્વ બૅન્કને સાધારણ વ્યાજદર વધારવા અસોચેમની રજૂઆત

રિઝર્વ બૅન્ક સાતમી ડિસેમ્બરે વ્યાજદર વિશે નિર્ણય જાહેર કરશે

03 December, 2022 03:49 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK