° °

આજનું ઇ-પેપર
Sunday, 11 April, 2021

સેન્સેક્સમાં 1148 અને નિફ્ટીમાં 326 પૉઇન્ટની વૃદ્ધિ:ઑટો સેક્ટરમાં ઘટાડો

04 March, 2021 08:46 AM IST | Mumbai | Stock Talk

સેન્સેક્સમાં 1148 અને નિફ્ટીમાં 326 પૉઇન્ટની વૃદ્ધિ:ઑટો સેક્ટરમાં ઘટાડો

બીએસઈ

બીએસઈ

અમેરિકન બજાર મંગળવારે નબળું રહ્યું હોવા છતાં એશિયન બજારોની સાથે તાલ મિલાવીને ભારતમાં આખલાઓએ પોતાનું જોર બતાવ્યું હતું. પુલ બૅક રૅલી બાદ ગૅપ સાથે ખૂલીને બજારે તેજીની રૂખ અપનાવી હતી અને ઇન્ડેક્સ એક પછી એક મહત્ત્વપૂર્ણ સપાટી પાર કરતાં ગયા હતા. નિફ્ટીમાં ૧૫,૦૦૦ અને સેન્સેક્સમાં ૫૦,૭૦૦ની ઉપર ગૅપ સાથે બજાર ખૂલ્યું હતું. ત્યાર બાદ ઇન્ડેક્સ અનુક્રમે ૧૫,૦૬૪.૪૦ અને ૫૧,૫૩૯.૮૯ની સપાટી સુધી ઊંચા ગયા હતા. દિવસના અંતે નિફ્ટી ૫૦ ઇન્ડેક્સ ૩૨૬.૫૦ (૨.૧૯ ટકા) અને એસઍન્ડપી બીએસઈ સેન્સેક્સ ૧૧૪૭.૭૬ (૨.૨૮ ટકા) વધીને અનુક્રમે ૧૫,૨૪૫.૬૦ અને ૫૧,૪૪૪.૬૫ની સપાટીએ બંધ રહ્યા હતા.

દેશમાં સુધરેલી આર્થિક સ્થિતિ, વૈશ્વિક સ્તરે બૉન્ડની ઊપજમાં આવેલી સ્થિરતા અને ઘટાડે ખરીદી કરવાના વ્યૂહને કારણે બજાર તેજીમાં રહ્યું હતું. બૅન્કિંગ અને મેટલ શૅરો ઊંચે વધવાની સાથે સાથે રિલાયન્સમાં વધેલા કામકાજને પગલે બજાર પુરપાટ દોડ્યું હતું. ભારતમાં કોરોનાના કુલ કેસની સંખ્યા કરતાં રસીકરણ કરાવી ચૂકેલા લોકોની સંખ્યા વધી ગઈ છે અને રસીકરણને વેગ મળ્યો છે. એ ઉપરાંત હવે સરકારે રસીકરણ ઝુંબેશ સપ્તાહના સાતે દિવસ ચોવીસે કલાક ચાલુ રાખવાનું જાહેર કર્યું છે. આ બધાં પરિબળોને લીધે બજારમાં આશાવાદ વધ્યો છે.

ઑટોને બાદ કરતાં તમામ સેક્ટોરલ ઇન્ડેક્સ વધ્યા

ઑટોને બાદ કરતાં તમામ સેક્ટોરલ ઇન્ડેક્સમાં ૧.૫થી ૩.૩ ટકાની વૃદ્ધિ જોવા મળી હતી, જે બજારમાં સુધરેલા માનસનો પુરાવો પૂરો પાડે છે. એનએસઈ પર નિફ્ટી પીએસયુ બૅન્ક અને મેટલ ઇન્ડેક્સ ૩-૩ ટકા વધ્યા હતા. નિફ્ટી બૅન્ક, ફાઇનૅન્શિયલ સર્વિસિસ, પ્રાઇવેટ બૅન્ક, રિયલ્ટી અને આઇટી ઇન્ડેક્સમાં ૧.૮થી ૨.૮ ટકાનો વધારો જોવા મળ્યો હતો. નિફ્ટી ઑટો ઇન્ડેક્સમાં બોશ લિ. (૧.૨૯ ટકા), હીરો મોટો કોર્પ (૧.૫૪ ટકા) સહિતના અડધાથી વધુ સ્ટૉક્સ ઘટ્યા હતા. સેન્સેક્સમાં ઘટેલા ત્રણે સ્ટૉક ઑટો ક્ષેત્રના હતા. મારુતિ સુઝુકી, બજાજ ઑટો અને મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્ર અનુક્રમે ૧.૨૬ ટકા, ૧.૨૪ ટકા અને ૦.૯૦ ટકા ઘટ્યા હતા.

રિલાયન્સે તેજીનું જોર વધાર્યું

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એચડીએફસી, ઇન્ફોસિસ, આઇસીઆઇસીઆઇ બૅન્ક અને એક્સિસ બૅન્કે સેન્સેક્સમાં ૮૦૦ પૉઇન્ટ જેટલી વૃદ્ધિને ચાલકબળ પૂરું પાડ્યું હતું. સેન્સેક્સના વધેલા ૨૭ શૅરોમાંથી બજાજ ફિનસર્વ ૫.૧૮ ટકા, રિલાયન્સ ૪.૫૨ ટકા, બજાજ ફાઇનૅન્સ ૪.૪૭ ટકા, આઇસીઆઇસીઆઇ બૅન્ક ૩.૫૦ ટકા અને એચડીએફસી ૩.૪૩ ટકા સાથે મોખરે હતા. આ ઉપરાંત એક્સિસ બૅન્ક ૩.૦૪ ટકા, ઇન્ફોસિસ ૩.૦૩ ટકા, કોટક બૅન્ક ૨.૯૭ ટકા, સ્ટેટ બૅન્ક ૨.૮૨ ટકા, ઇન્ડસઇન્ડ બૅન્ક ૨.૫૩ ટકા અને ડૉ. રેડ્ડી ૨.૧૫ ટકા વધ્યા હતા. આ એક્સચેન્જ પર વૉલ્યુમની દૃષ્ટિએ વધેલા શૅરોમાં રિલાયન્સ, સ્ટેટ બૅન્ક, આઇસીઆઇસીઆઇ બૅન્ક, તાતા સ્ટીલ, ભારતી ઍરટેલ, એક્સિસ બૅન્ક, ટીસીએસ, બજાજ ફાઇનેન્સ અને ઇન્ફોસિસ મોખરે હતા.

મિડ કૅપ-સ્મૉલ કૅપમાં પણ વૃદ્ધિ

બીએસઈ પર મુખ્ય ઇન્ડેક્સની તુલનાએ મિડ કૅપ (૧.૪૫ ટકા) અને સ્મૉલ કૅપ (૧.૩૪ ટકા)માં વૃદ્ધિ ઓછી હતી. તેના સેક્ટોરલ ઇન્ડેક્સમાંથી બેઝિક મટીરિયલ્સ ૨.૦૯ ટકા, આઇટી ૨.૦૧ ટકા, મેટલ ૩.૨૩ ટકા, ટેક ૧.૮૬ ટકા અને રિયલ્ટી ૧.૪૭ ટકા વધ્યા હતા.

રોકાણકારોની સંપત્તિમાં ૩.૬૯ લાખ કરોડનો વધારો

બીએસઈનું માર્કેટ કૅપિટલાઇઝેશન પાછલા ૨૦૬.૫૩ લાખ કરોડમાં બુધવારે થયેલી ૩.૬૯ લાખ કરોડની વૃદ્ધિ બાદ ૨૧૦.૨૨ લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. બીએસઈ ૫૦૦ ઇન્ડેક્સમાં ૩૦૦થી વધુ શૅર વધ્યા હતા, જેમાં આઇએફસીઆઇ લિ. ૨૦ ટકા સાથે મોખરે હતો. અન્ય વધેલામાં અદાણી ટોટલ ગૅસ લિ. (૧૪.૭૦ ટકા), આલોક ઇન્ડસ્ટ્રીઝ લિ. (૧૨.૪૭ ટકા), આઇડીબીઆઇ બૅન્ક (૧૨.૦૮ ટકા), જિંદાલ સ્ટેનલેસ લિ. (૧૦.૭૦ ટકા) અને એડલવીઝ ફાઇનૅન્શિયલ સર્વિસિસ (૯.૯૪ ટકા) મુખ્ય હતા. ઘટેલા સ્ટૉક્સમાં ઇરકોન (૬.૯૦ ટકા), જસ્ટ ડાયલ (૬.૨૧ ટકા), એમએમટીસી (૫.૫૩ ટકા), રેડિંગ્ટન ઇન્ડિયા (૫.૫૦ ટકા) અને સિમ્ફની (૫.૨૫ ટકા) સામેલ હતા. એનએસઈનો ઇન્ડિયા વિક્સ (વૉલેટિલિટી ઇન્ડેક્સ) ૬.૪૧ ટકા ઘટીને ૨૨.૦૯ થયો હતો.

વૈશ્વિક બજારો

મંગળવારે નાસ્દાકમાં ૧.૬૯ ટકાનો ઘટાડો આવ્યો હોવા છતાં સમગ્ર યુરોપિયન બજારમાં વૃદ્ધિ થઈ હતી. એ જ રીતે એસજીએક્સ નિફ્ટીમાં નરમાશ જોવા મળી હોવા છતાં એશિયન બજારો જોરદાર વધ્યાં હતાં. હૅન્ગસૅન્ગમાં ૨.૭૦ ટકા, સેટ કમ્પોઝિટમાં ૨.૬૬ ટકા અને શાંઘાઈ કમ્પોઝિટમાં ૧.૯૫ ટકા જેટલો વધારો નોંધાયો હતો.

ટેક્નિકલ દૃષ્ટિએ

નિફ્ટીમાં ઉપલી અને નીચલી સપાટી ઊંચી ગયાનું ચિત્ર સ્પષ્ટ થયું છે. રિલેટિવ સ્ટ્રેન્થ ઇન્ડેક્સનો ઢોળાવ ઊંચે ચડી રહ્યો છે. બ્રોડર માર્કેટમાં પણ વૃદ્ધિનું વાતાવરણ છે. આ ઇન્ડેક્સ તેની ૨૧-ડીએમએની સપાટી ફરીથી હાંસલ કરી ચૂક્યો છે અને અત્યાર સુધીની ૧૫,૪૩૧ની સર્વોચ્ચ સપાટીથી માત્ર ૨૦૦ પૉઇન્ટ (૧.૨ ટકા) દૂર છે. વધેલા-ઘટેલા શૅરોનો ગુણોત્તર વૃદ્ધિતરફી સ્થિતિ દર્શાવે છે. નિષ્ણાતોના મતે હાલતુરત ૧૫,૩૭૦, ૫૧,૮૦૦ અને ૧૫,૧૦૦, ૫૧,૦૦૦ની વચ્ચે વધઘટ થવાની શક્યતા છે. નિફ્ટી ૧૫,૪૩૫ની સપાટી તોડશે પછી વૃદ્ધિનો વધુ એક દોર શરૂ થઈ શકે છે. એ સપાટીની ઉપર ૧૬,૦૦૦/૫૪,૨૦૦ તરફની આગેકૂચ શરૂ થવાની સંભાવના સર્જાશે.

બજાર કેવું રહેશે?

સતત ત્રણ દિવસની વૃદ્ધિને પગલે બજાર હજી વધવાની ધારણા રાખી શકાય, પરંતુ વિશ્લેષકો હાલ કોઈ અનુમાન લગાડવાને બદલે બજારની હિલચાલ પર જ આધાર રાખવાનું યોગ્ય ગણી રહ્યા છે. ટેક્નિકલી બજાર તેજીમાં છે.

04 March, 2021 08:46 AM IST | Mumbai | Stock Talk

અન્ય લેખો

રોકાણની સફરને આરામદાયક બનાવવા માટે પોર્ટફોલિયોનું સંતુલન કરવું જરૂરી

રોકાણની સફરને આરામદાયક બનાવવા માટે પોર્ટફોલિયોનું સંતુલન કરવું જરૂરી

15 March, 2021 10:32 IST | Mumbai | Khyati Mashroo Vasani

ખાનગી ક્ષેત્રના સહયોગથી વૅક્સિનેશન વધારીને સ્વાસ્થ્ય સામેનું જોખમ ટાળવુ

ખાનગી ક્ષેત્રના સહયોગથી વૅક્સિનેશન વધારીને સ્વાસ્થ્ય સામેનું જોખમ ટાળવુ

15 March, 2021 10:26 IST | Mumbai | Jitendra Sanghvi

ટ્રેનમાં સપનાં જોવાનોય ચાર્જ વસૂલ થશે કે શું?

ટ્રેનમાં સપનાં જોવાનોય ચાર્જ વસૂલ થશે કે શું?

15 March, 2021 10:25 IST | Mumbai | Anil Patel

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK