° °

આજનું ઇ-પેપર
Sunday, 11 April, 2021

સેન્સેક્સમાં 599 અને નિફ્ટીમાં 165 પૉઇન્ટનો ઘટાડો

05 March, 2021 09:07 AM IST | Mumbai | Stock Talk

સેન્સેક્સમાં 599 અને નિફ્ટીમાં 165 પૉઇન્ટનો ઘટાડો

બીએસઈ

બીએસઈ

ભારતીય ઇક્વિટી માર્કેટમાં બુધવારે આવેલા મોટા ઉછાળાને પગલે આખલાઓ ફરી જોરમાં આવ્યા હોય એવું લાગ્યું હતું, પરંતુ છેલ્લાં બે સપ્તાહથી ઇક્વિટી માર્કેટ માટે અમેરિકન બૉન્ડની ઊપજનો પ્રશ્ન મોટો થઈ ગયો છે. આથી જ બુધવારે અમેરિકન બજાર તૂટ્યું હતું અને એને પગલે સમગ્ર વિશ્વમાં એની અસર થઈ છે. ગુરુવારે ગૅપથી ખૂલેલા ભારતીય બજારમાં ઘટાડો દિવસભર ચાલુ રહ્યો હતો અને સત્રના અંતે એસઍન્ડપી બીએસઈ સેન્સેક્સ ૫૯૮.૫૭ પૉઇન્ટ (૧.૧૬ ટકા) ઘટીને ૫૦,૮૪૬.૦૮ તથા નિફ્ટી-૫૦ ઇન્ડેક્સ ૧૬૪.૮૫ (૧.૦૮ ટકા) ઘટીને ૧૫,૦૮૦.૭૫ બંધ રહ્યા હતા. ગુરુવારના ઘટાડા માટે બૅન્કિંગ સ્ટૉક્સમાં અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં થયેલું પ્રૉફિટ-બુકિંગ પણ કારણભૂત હતું.
નૅસ્ડૅક બુધવારે ૨.૭૦ ટકા ઘટ્યો હતો. એને પગલે એશિયન બજારમાં ગુરુવારે નિક્કી-૨૨૫ ઇન્ડેક્સ ૨.૧૩ ટકા, હૅન્ગસેંગ ૨.૧૫ ટકા, તાઇવાન વેઇટેડ ૧.૮૮ ટકા અને શાંઘાઈ કમ્પોઝિટ ૨.૦૫ ટકા તૂટ્યા હતા. યુરોપમાં પણ ઘટાડાનું વલણ સ્પષ્ટ થયું હતું. અમેરિકામાં બૉન્ડની ઊપજ ૧.૪૮ ટકા તથા ભારતમાં ૧૦ વર્ષના બેન્ચમાર્ક બૉન્ડની ઊપજ વધીને ૬.૨૬ ટકા થઈ ગઈ છે, જે એપ્રિલ ૨૦૨૦ બાદની સર્વોચ્ચ સપાટી છે.

એચડીએફસી બેલડીમાં ઘટાડો

સેન્સેક્સના ૩૦માંથી ૨૫ સ્ટૉક્સ ઘટ્યા હતા, જેમાં એચડીએફસી (૨.૬૨ ટકા), બજાજ ફિનસર્વ (૨.૪૯ ટકા), લાર્સન ઍન્ડ ટુબ્રો (૨.૩૧ ટકા), સ્ટેટ બૅન્ક (૨.૨૮ ટકા), ઍક્સિસ બૅન્ક (૨.૨૪ ટકા), એચડીએફસી બૅન્ક (૨.૧૦ ટકા) સામેલ હતા. વધેલા પાંચ સ્ટૉક્સ અલ્ટ્રાટેક સિમેન્ટ (૪.૨૬ ટકા), ડૉ. રેડ્ડી (૧.૬૩ ટકા), એશિયન પેઇન્ટ (૦.૬૫ ટકા), મારુતિ (૦.૧૩ ટકા) અને હિન્દુસ્તાન યુનિલિવર (૦.૧૨ ટકા) હતા. બીએસઈ પર મુખ્ય ઇન્ડેક્સની તુલનાએ મિડ કૅપ (૦.૪૮ ટકા) અને સ્મૉલ કૅપ (૦.૮૦ ટકા)માં વૃદ્ધિ થઈ હતી. બીએસઈ સેન્સેક્સ-૫૦ ઇન્ડેક્સ ૧.૦૭ ટકા, બીએસઈ-૧૦૦ ઇન્ડેક્સ ૦.૮૯ ટકા, બીએસઈ-૨૦૦ ઇન્ડેક્સ ૦.૭૩ ટકા, બીએસઈ-૫૦૦ ઇન્ડેક્સ ૦.૬૦ ટકા, બીએસઈ ઑલ કૅપ ૦.૫૬ ટકા અને બીએસઈ લાર્જ કૅપ ૦.૯૭ ટકા ઘટ્યા હતા. બીએસઈ આઇપીઓ ઇન્ડેક્સ ૧.૮૬ ટકા વધ્યો હતો અને બીએસઈ એસએમઈ આઇપીઓ ૦.૪૪ ટકા ઘટ્યો હતો. સેક્ટોરલ ઇન્ડેક્સમાં બેઝિક મટીરિયલ્સ ૦.૨૭ ટકા, સીડીજીએસ ૦.૩૨ ટકા, એફએમસીજી ૦.૦૮ ટકા, ઇન્ડસ્ટ્રિયલ્સ ૦.૨૧ ટકા, યુટિલિટીઝ ૦.૪૬ ટકા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ૦.૨૮ ટકા, પાવર ૦.૬૩ ટકા અને રિયાલ્ટી ૦.૦૫ ટકા વધ્યા હતા, જ્યારે એનર્જી ૧.૦૧ ટકા, ફાઇનૅન્સ ૧.૪૬ ટકા, હેલ્થકૅર ૦.૧૮ ટકા, આઇટી ૦.૫૨ ટકા, ટેલિકૉમ ૦.૯૨ ટકા, ઑટો ૦.૪૭ ટકા, બૅન્કેક્સ ૧.૪૫ ટકા, કૅપિટલ ગુડ્સ ૦.૫૧ ટકા, મેટલ ૨.૩૧ ટકા, ઑઇલ ઍન્ડ ગૅસ ૦.૬૦ ટકા અને ટેક ૦.૫૮ ટકા ઘટ્યા હતા.

નિફ્ટી મીડિયા અને રિયાલ્ટી વધ્યા

એનએસઈ પર નિફ્ટી મીડિયા ૧.૬ ટકા અને નિફ્ટી રિયાલ્ટી ૦.૧૧ ટકા વધ્યા હતા, જ્યારે બીજા બધા સેક્ટોરલ ઇન્ડેક્સ ઘટ્યા હતા, જેમાં નિફ્ટી મેટલ ૨.૦૧ ટકા, નિફ્ટી ફાઇનૅન્શિયલ સર્વિસિસ ૧.૮ ટકા અને નિફ્ટી બૅન્ક ૧.૫૬ ટકા સાથે સામેલ હતા. નિફ્ટીએ ૧૫,૦૦૦ની સપાટી ટકાવી રાખી છે, પરંતુ એનાથી ઉપર નરમાશ જોવા મળી છે. માર્કેટ બ્રેડ્થ અને મિડ કૅપ પૉઝિટિવ હોવાથી અત્યારે બજાર દિશાવિહોણી સ્થિતિમાં દેખાય છે.

સિમેન્ટ કંપનીઓના શૅરમાં તેજી

દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે સરકારે કરેલી જાહેરાતોને પગલે સિમેન્ટ કંપનીઓના શૅર તેજીમાં છે. ગુરુવારે સેન્સેક્સમાં ટોચનો વધનાર શૅર અલ્ટ્રાટેક સિમેન્ટનો હતો. એ ઉપરાંત અંબુજા સિમેન્ટ અને રેમકો સિમેન્ટમાં પણ નવી વિક્રમી સપાટી આવી ગઈ છે. બીએસઈ પર ઓરિયેન્ટ સિમેન્ટમાં ગુરુવારે ઇન્ટ્રા-ડે ધોરણે ૧૧૩.૬૫ની નવી સર્વોચ્ચ સપાટી આવી ગયા બાદ સ્ટૉક ૧૦.૪૭ ટકાની વૃદ્ધિ સાથે ૧૧૦.૨૫ બંધ રહ્યો હતો. આ શૅર હાલમાં ૧૩ ટકા વધી ગયો છે. ઇન્ડિયા સિમેન્ટ પણ ઇન્ટ્રા-ડે ધોરણે ૧૮૭ની બાવન સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યા બાદ દિવસના અંતે ૪.૭૭ ટકા વધીને ૧૮૨.૪૦ બંધ રહ્યો હતો. ગયા જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં વર્ષાનુવર્ષ ધોરણે સિમેન્ટની માગમાં ૮થી ૧૦ ટકાની વૃદ્ધિ થઈ છે. દક્ષિણ ભારતને બાદ કરતાં સમગ્ર દેશમાં સિમેન્ટની માગ વધી હોવાનું બ્રોકરોના અહેવાલોમાં કહેવામાં આવ્યું છે.

અદાણી પોર્ટ્સ ઍન્ડ એસઈઝેડ ૩ ટકા વધ્યો

અદાણી પોર્ટ્સ ઍન્ડ એસઈઝેડનો શૅર બીએસઈ પર ૭૬૫.૭૦ના ઇન્ટ્રા-ડે ધોરણે આવેલી બાવન સપ્તાહની ટોચથી ઘટીને ૩.૦૯ ટકાની વૃદ્ધિ સાથે ૭૫૨.૧૦ બંધ રહ્યો હતો. કંપનીએ ગંગાવરમ પોર્ટમાં વૉરબર્ગ પિંકસનો હિસ્સો ૧૯૫૪ કરોડ રૂપિયામાં ખરીદવાનું જાહેર કર્યા બાદ સ્ટૉક ઊછળ્યો છે.

આઇઆરસીટીસીનો સ્ટૉક ફરી ઊછળ્યો

આઇઆરસીટીસીનો શૅર છેલ્લા એક મહિનામાં ૩૦ ટકા કરતાં વધુ વધ્યો છે. ગુરુવારે બીએસઈ પર એમાં ૭ ટકાના ઉછાળા સાથે ઇન્ટ્રા-ડેમાં ૨૦૧૪.૬૦ની બાવન સપ્તાહની નવી ઊપલી સપાટી આવી હતી. દિવસના અંતે સ્ટૉક ૪.૧૦ ટકાની વૃદ્ધિ સાથે ૧૯૬૧.૫૫ બંધ રહ્યો હતો. આની પહેલાં ગયા વર્ષની ૨૫ ફેબ્રુઆરીએ સ્ટૉક ૧૯૯૫ની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો.

ટેક્નિકલ દૃષ્ટિએ

નિફ્ટીના ચાર્ટ પર બ્રોડનિંગ ટ્રાયેન્ગલની સ્થિતિ રચાતી હોય એવું લાગે છે. બજારમાં ઘણી વૉલેટિલિટી હોય એવા સમયે આવો ચાર્ટ બનતો હોય છે. ટ્રેડરો કોઈ પણ બાજુએથી બ્રેકઆઉટ થાય ત્યારે એમાં ફસાઈ જવાની શક્યતા આવા બજારમાં હોય એવું વિશ્લેષકોનું કહેવું છે.

બજાર કેવું રહેશે?

નિષ્ણાતોએ ટ્રેડરોને ભલામણ કરી છે કે તેઓ ઇન્ડેક્સમાં સ્પષ્ટ દિશા દેખાય ત્યાં સુધી હળવે હલેસે કામ લે. શુક્રવારના સત્રમાં ૧૪,૯૦૦ અને ૧૪,૮૦૦ની સપાટીએ સપોર્ટ છે, જ્યારે રેઝિસ્ટન્સની સપાટી પહેલાં ૧૫,૨૦૦ અને પછી ૧૫,૩૦૦ની રહેશે એવું જણાય છે. ઇન્ટ્રા-ડે ધોરણે સ્ટૉક સ્પેસિફિક હિલચાલ કરી શકાય. આ લખાઈ રહ્યું છે ત્યારે અમેરિકન ફ્યુચર્સમાં ઘટાડો થવાના સંકેત પ્રાપ્ત થયા છે.

05 March, 2021 09:07 AM IST | Mumbai | Stock Talk

અન્ય લેખો

રોકાણની સફરને આરામદાયક બનાવવા માટે પોર્ટફોલિયોનું સંતુલન કરવું જરૂરી

રોકાણની સફરને આરામદાયક બનાવવા માટે પોર્ટફોલિયોનું સંતુલન કરવું જરૂરી

15 March, 2021 10:32 IST | Mumbai | Khyati Mashroo Vasani

ખાનગી ક્ષેત્રના સહયોગથી વૅક્સિનેશન વધારીને સ્વાસ્થ્ય સામેનું જોખમ ટાળવુ

ખાનગી ક્ષેત્રના સહયોગથી વૅક્સિનેશન વધારીને સ્વાસ્થ્ય સામેનું જોખમ ટાળવુ

15 March, 2021 10:26 IST | Mumbai | Jitendra Sanghvi

ટ્રેનમાં સપનાં જોવાનોય ચાર્જ વસૂલ થશે કે શું?

ટ્રેનમાં સપનાં જોવાનોય ચાર્જ વસૂલ થશે કે શું?

15 March, 2021 10:25 IST | Mumbai | Anil Patel

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK