આઇટીઆઇ ૨૦ ટકા ઊછળ્યો, એફઆઇઆઇની નેટ વેચવાલી કરતાં ડીઆઇઆઇની વધુ લેવાલી, વાઇરસના કારણે અમુક ફાર્મા હેલ્થકૅર શૅરો સુધર્યા, મણપ્પુરમમાં ધોળે દિવસે લૂંટના સમાચાર કન્ફર્મ, પીએસયુ બૅન્ક શૅરો પાણી-પાણી
માર્કેટ મૂડ
શૅરબજારની પ્રતીકાત્મક ફાઈલ તસવીર
બજારને બે ડર : નવા વાઇરસનો અને અર્થતંત્રના વિકાસની ધીમી પડતી ગતિનો
જાન્યુઆરીના બીજા સપ્તાહની શરૂઆત શુક્રવારે અમેરિકન બજારોમાં આવેલા સુધારાને અવગણી સોમવારે નબળા ટોને થઈ હતી. સેન્સેક્સ 1.59 ટકા, 1258.12 પૉઇન્ટ્સના ગાબડાએ 77,964.99ના સ્તરે બંધ રહ્યો હતો. 31 ટ્રેડિંગ સેશનનું આ લોએસ્ટ બંધ હતું. ૨૧મી નવેમ્બરના અગત્યના 76,802.73થી સોમવારનો 77,781.62નો લો ભાવ 979 પૉઇન્ટ્સ જ ઉપર હતો. મુખ્યત્વે બે ચિંતાએ બજારનો મૂડ બગાડ્યો હતો. પહેલું – બર્ડ ફ્લુ, સાર્સ, કોવિડની જેમ ઝડપથી ફેલાતા અને શ્વસનતંત્રને અસર કરનારા HMPV વાઇરસના કેસ ભારતમાં અને એક શંકાસ્પદ કેસ ગુજરાતમાં નોંધાયો હોવાને લઈને છવાયેલા ડરનું કારણ અને બીજું - ભારતીય અર્થતંત્ર નબળું પડતું જતું હોવાના તારણના આધારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ચાલુ રહેલી આક્રમક વેચવાલી. પરિણામે શુક્રવારના 79,223.11ના બંધ સામે સેન્સેક્સ 79,281.65 ખૂલી વધીને 79,532.67 સુધી શરૂઆતના કલાકમાં જ ગયા પછી ગબડીને બપોરે બે પછી 77,781.62નો દૈનિક લો બનાવી 77,964.11 બંધ રહ્યો હતો. એનએસઈના વાયદાવાળા પાંચેય ઇન્ડેક્સ ઘટીને બંધ રહ્યા એમાં સૌથી વધુ નિફ્ટી નેક્સ્ટ ફિફ્ટી 3.17 ટકાના લોસે 2195.65 પૉઇન્ટ્સના ઘટાડાએ 66,996.80 અને મિડકૅપ સિલેક્ટ 2.41 ટકા, 313.25 પૉઇન્ટ્સ તૂટી 12,696.60 રહ્યા હતા. મિડકૅપ સિલેક્ટ ઇન્ડેક્સનો જાન્યુઆરી વાયદો છેલ્લા 12,747.90ના ભાવે થયેલા સોદા મુજબ 2.34 ટકા ઘટી 13,053.80 બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સના એક માત્ર એમ્ફેસિસના અપવાદે બાકીના 24 શૅરો ઘટીને બંધ રહ્યા હતા. બ્રેન્ટ ક્રૂડ તેલના ભાવ આજે પણ વધ્યા હોવાની અસરે એચપીસીએલ પોણાછ ટકા તૂટી 389 રૂપિયા થઈ ગયો હતો. આઇડિયા, ઇન્ડસ ટાવર અને ગોદરેજ પ્રૉપર્ટી પ્રત્યેક ચારેક ટકા ઘટી અનુક્રમે 7.89, 328.75 અને 2623.60 રૂપિયાની સપાટીએ વિરમ્યા હતા. એમ્ફેસિસ પોણો ટકો સુધરીને 2890 રૂપિયા બોલાતો હતો. નિફ્ટી નેક્સ્ટ ફિફ્ટીના 50માંથી 43 શૅરો માઇનસમાં બંધ હતા. ઘટવામાં પીએસયુ બૅન્કોના બે શૅરો યુનિયન બૅન્ક અને બૅન્ક ઑફ બરોડાએ 7.79 ટકા અને 5.85 ટકાના મૂલ્યહ્રાસે 114.40 અને 227.5 રૂપિયાના બંધ આપ્યા હતા. એનર્જી ક્ષેત્રના અદાણી એનર્જી સૉલ્યુશન્સ 771.65 રૂપિયા અને અદાણી ગ્રીન 984.5 રૂપિયાએ પાંચ ટકા ઉપરાંતના ઘટાડા થકી નિફ્ટી નેક્સ્ટ 50 ઇન્ડેક્સના ઘટાડામાં ભૂમિકા ભજવી હતી. એનએસઈના 24 ઇન્ડેક્સ સોમવારે 3-4 ટકા ઘટીને બંધ રહ્યા એમાં પીએસયુ બૅન્ક ઇન્ડેક્સ 4 ટકા સાથે સૌથી વધુ ઘટ્યો હતો. અન્ય ઇન્ડેક્સમાં નિફ્ટી કૅપિટલ માર્કેટ્સ 3.92 ટકા, જાહેર ક્ષેત્રના એકમોના ઇન્ડેક્સ પીએસઈ 3.58 ટકા અને સીપીએસઈ 3.42 ટકા, ઇન્ડિયા ડિફેન્સ 3.37 ટકા, આઇપીઓ 3.33 ટકા, એનર્જી 3.24 ટકા, નિફ્ટી નેક્સ્ટ ફિફ્ટી 3.17 ટકા, નિફ્ટી રિયલ્ટી 3.16 ટકા અને નિફ્ટી મેટલ્સ 3.14 ટકા મુખ્ય ડ્રેગર્સ હતા. બૅન્ક નિફ્ટી 2.09 ટકા ગુમાવી 49,922ના સ્તરે વિરમ્યો હતો. નિફ્ટી ફાઇનૅન્શ્યલ સર્વિસિસે પણ 1.76 ટકાના લોસે 23,317.85 બંધ આપી બૅન્કિંગ અને ફાઇનૅન્સ શૅરોની નબળાઈ આગળ વધારી હતી. રિઝર્વ બૅન્ક તરફથી ગ્રાહકોની ક્રેડિટ ઇન્ફર્મેશનને લઈને બૅન્કોને કડક સૂચનાઓ અપાશે એવી ધારણાએ પણ બૅન્કિંગ શૅરોમાં વસવસો હતો. સાંજે આરબીઆઇએ આ ડાયરેક્ટિવ્સ જાહેર કર્યા એમાં આવી સૂચનાઓ જોવા મળતી હતી. મુખ્ય આંક નિફ્ટીએ પણ દૈનિક 1.62 ટકાનો લોસ કરી 23,606.05નું ક્લોઝ આપ્યું હતું. આ ઇન્ડેક્સ 24,045 ખૂલી 24,090 અને 23,551 વચ્ચે રમી 388 પૉઇન્ટ્સ ગુમાવી બંધ હતો. ડિફેન્સિવ ગણાતા નિફ્ટી આઇટી ઇન્ડેક્સ 0.12 ટકા ઘટી 43,674.85, નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ 0.82 ટકા ઘટી 23,073.05 અને નિફ્ટી હેલ્થકૅર ઇન્ડેક્સ 0.61 ટકા ઘટી 14,808.45 બંધ રહ્યા હતા. ફાર્મા અને હેલ્થકૅર ક્ષેત્રના લૅબોરેટરી ટેસ્ટિંગનું કામ કરતા શૅરોમાં વાઇરસના સ્પ્રેડના સમાચારે સુધારો જોવા મળ્યો હતો. નિફ્ટી પ્રતિનિધિ અપોલો હૉસ્પિટલ બે ટકા સુધરી 7440 રૂપિયા, થાયરોકૅર 10 ટકા ઊછળી 1007 રૂપિયા, ડૉ. લાલપથ લૅબ પોણાબે ટકા વધી 3000 રૂપિયા અને મેટ્રોપોલીસ બે ટકાના ગેઇને 2038 રૂપિયાના સ્તરે બંધ હતા. હૉસ્પિટલ શૅરો પણ ટકેલા હતા. નિફ્ટીના 50માંથી 43, નિફ્ટી નેક્સ્ટ ફિફ્ટીના 50માંથી 49, મિડકૅપ સિલેક્ટના 25માંથી 24, નિફ્ટી ફાઇનૅન્શ્યલ સર્વિસિસના 20માંથી 18 અને બૅન્ક નિફ્ટીના 12માંથી 11 શૅરો ઘટાડા સાથે બંધ રહ્યા હતા. સેન્સેક્સના 30માંથી 28 શૅરો ડાઉન હતા. ઇન્ડેક્સના પ્રતિનિધિ શૅરોમાંથી પાંચ ટકાથી વધુ ઘટનારા શૅરોની યાદીમાં આઇઆરએફસી 145 રૂપિયા અને એમસીએક્સ 5817 રૂપિયાનો સમાવેશ થતો હતો.
ADVERTISEMENT
એનએસઈ લિસ્ટેડ શૅરોનું માર્કેટ કૅપિટલાઇઝેશન ઘટીને 435.78 (447.40) લાખ કરોડ રૂપિયાના સ્તરે તો બીએસઈ લિસ્ટેડ શૅરોનું 438.79 (449.78) લાખ કરોડ રૂપિયા હતું. એનએસૅના 2951 ટ્રેડેડ શૅરોમાંથી 2473 તથા બીએસઈના 4244 ટ્રેડેડ શૅરોમાંથી 3533 ઘટ્યા હતા. એનએસઈ ખાતે 73 અને બીએસઈમાં 176 શૅરો બાવન સપ્તાહની નવી ટોચે હતા તો સામે અનુક્રમે 111 અને 113 શૅરો 52 વીક લો પર હતા. એનએસઈના 73 શૅરો ઉપલી સર્કિટે અને 237 શૅરો નીચલી સર્કિટે પહોંચ્યા હતા.
FIIની નેટ વેચવાલી યથાવત્
સોમવારે એફઆઇઆઇની 2575.06 કરોડ રૂપિયાની નેટ વેચવાલી રહી હતી. સામે ડીઆઇઆઇની 5749.65 કરોડ રૂપિયાની નેટ લેવાલી થવા છતાં બજાર ઘટ્યું હતું. આમ કૅશ સેગમેન્ટમાં સમગ્રતયા 3174.59 કરોડ રૂપિયાની નેટ લેવાલી જોવા મળી હતી.
સમાચારવાળા શૅરો
છેલ્લા આઠ ત્રિમાસિકમાં નુકસાન કરનાર આઇટીઆઇનો શૅર સોમવારે 20 ટકા ઊછળી 548.50 રૂપિયાની ઉપલી સર્કિટે બંધ રહ્યો હતો. આ ઉછાળાને અનુલક્ષીને એક્સચેન્જોએ કંપનીને પત્ર લખી માહિતી મગાવી છે અને એ આવવાની રાહ જોવાય છે. કંપનીમાં 90 ટકા હોલ્ડિંગ સરકારનું અને માત્ર બે ટકા જ પબ્લિકનું છે. મણપ્પુરમ ફાઇનૅન્સનો શૅર સાડાચાર ટકાના ઘટાડાએ 179 રૂપિયા બંધ રહ્યો હતો. કંપનીએ ધોળા દિવસે 20 કરોડ રૂપિયાની લૂંટ ઓડીશાના સંબલપુર બ્રાન્ચમાં થઈ હોવાના સમાચાર સાચા હોવાનું જણાવ્યું હતું. સોનાના દાગીના અને કૅશની લૂંટ થઈ હતી.
૩૦ દિવસ નિષ્ક્રિય રહેલા ક્લાયન્ટ્સના ખાતામાં જમા રકમ: સેબીની નવી સૂચના
સેબીએ બ્રોકર્સની સુવિધા માટે 30 દિવસ સુધી ટ્રેડિંગ ન કરનારા ક્લાયન્ટ્સના ખાતામાં જમા રકમનું પેઆઉટ મન્થ્લી કે ક્વૉર્ટર્લી કોઈ પણ વિકલ્પ ક્લાયન્ટે જણાવ્યો હોય તો પણ આગામી માસિક પેઆઉટની તારીખે કરી શકશે એવી છૂટ દલાલોને આપી છે. પૂર્વે દલાલોએ આવા નિષ્ક્રિય ખાતાં ઓળખી કાઢ્યાના 3 દિવસમાં જ રકમ પરત કરવી પડતી હતી. આવી રકમ ક્લિયરિંગ કૉર્પોરેશનમાં જ જમા રહેતી હોવા છતાં અનેક વિધિની વિટંબણામાંથી દલાલોએ પસાર થવું પડતું હતું એમાંથી તેમને બચાવવા ધ બ્રોકર્સ ઇન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડ્સ ફોરમે રજૂઆત કરી એના પગલે આ નિર્ણય લેવાયો છે.