Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > કોરોનાનાં નવેસરથી ડાકલાં વાગ્યાં, વિશ્વભરનાં શૅરબજાર ધૂણવા લાગ્યાં

કોરોનાનાં નવેસરથી ડાકલાં વાગ્યાં, વિશ્વભરનાં શૅરબજાર ધૂણવા લાગ્યાં

27 November, 2021 11:12 AM IST | Mumbai
Anil Patel

સેન્સેક્સ ૧૬૧૮ પૉઇન્ટ અને નિફ્ટી ૫૧૦ પૉઇન્ટ ખાબક્યા, રોકાણકારોના ૭.૩૬ લાખ કરોડ સ્વાહા

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સેન્સેક્સ ૧૬૧૮ પૉઇન્ટ અને નિફ્ટી ૫૧૦ પૉઇન્ટ ખાબક્યા, રોકાણકારોના ૭.૩૬ લાખ કરોડ સ્વાહા : ફાર્મા અને હેલ્થકૅર સેક્ટર કોરોના-પ્રૂફ, બાકીનાં તમામ સેક્ટર રેડ ઝોનમાં બંધ : બજારની ખુવારી વચ્ચે ટારસન્સ પ્રોડક્ટ્સ શૅરદીઠ ૧૭૮ રૂપિયાના લિસ્ટિંગ ગેઇન સાથે ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં રહ્યો : બિટકૉઇન ઑલટાઇમ હાઈથી ૨૨ ટકા ગગડી ૫૪૦૦૦ ડૉલરે, બેર-માર્કેટમાં એન્ટ્રી? 

સાઉથ આફ્રિકામાં કોવિડે નવા અવતારમાં દેખા દીધી છે. આ નવું વર્ઝન વધુ હાનિકારક અને વૅક્સિનની અસરથી મુક્ત હોવાની દહેશત દર્શાવાઈ રહી છે. એના પગલે શુક્રવાર દેશ અને દુનિયાભરનાં શૅરબજારો માટે બ્લૅક-ફ્રાઇડે પુરવાર થયો છે. ચાઇનાના અડધા ટકાના ઘટાડાને અપવાદ ગણતાં તમામ અગ્રણી એશિયન-યુરોપિયન બજારો દોઢ ટકાથી માંડીને સાડાત્રણ ટકા તૂટ્યાં છે. અમે સિનડાઉ ફ્યુચર નીચામાં ૩૪૮૦૨ બતાવી રનિંગમાં ૮૨૦ પૉઇન્ટની ખુવારીમાં ૩૪૯૨૯ દેખાતો હતો એ જોતાં અમેરિકન બજારો પણ મોટા પાયે ખરડાશે એવી આશંકા સર્વત્ર હતી. ઘરઆંગણે બજાર નેગેટિવ ઝોનમાં ખૂલ્યા પછી સતત રગડતું રહીને ૧૬૮૮ પૉઇન્ટ તથા નિફ્ટી ૫૧૦ પૉઇન્ટ ડૂલ થયું છે. રોકાણકારોના ૭.૩૬ લાખ કરોડ એમાં હોમાઈ ગયા છે. રનિંગ ક્વોટમાં બિટકૉઇન પોણાસાત ટકાથી વધુની ખરાબીમાં ૫૪૦૩૨ દેખાયો છે. મતલબ કે ચાલુ મહિને ૬૯૦૦૦ ડૉલરની ઑલટાઇમ હાઈથી બિટકૉઇન ૨૦ ટકા કરતાં વધુ નીચે આવી ગયો છે. ટ્રેડિશનલી કહીએ તો બિટકૉઇન હવે બેર માર્કેટની ઑર્બિટમાં પ્રવેશ્યો છે, પણ બિટકૉઇન સહિતની ક્રિપ્ટો કરન્સીને તેજી-મંદીનાં પરંપરાગત ધોરણ કેટલાં લાગુ પડે એ એક સવાલ છે. ગઈ કાલે સેન્સેક્સના ૩૦માંથી ૨૬ અને નિફ્ટીના ૫૦માંથી ૪૬ શૅર માઇનસ ઝોનમાં હતા. રિલાયન્સ આગલા દિવસે ભ્રામક કારણ હેઠળ ઇન્ડેક્સ મૅનેજમેન્ટને કારણે ૬ ટકા વધ્યા પછી ગઈ કાલે નીચામાં ૨૪૦૩ થઈ સવાત્રણ ટકા ગગડી ૨૪૧૨ના બંધમાં સેન્સેક્સને સૌથી વધુ ૨૪૦ પૉઇન્ટ નડ્યો છે. ફાર્મા-હેલ્થકૅર સિવાય બજારના તમામ ઇન્ડાઇસિસ રેડ ઝોનમાં હતા. લેટેન્ટ વ્યુ ૭૫૫ની નવી વિક્રમી સપાટી બાદ એકાદ ટકો ઘટી ૬૯૬ રહ્યો છે. નાયકા ૨૫૭૪ની નવી સર્વોચ્ચ સપાટી બનાવી દોઢ ટકો વધી ૨૪૩૫, પેટીએમ પોણો ટકો ઘટી ૧૭૮૧, પૉલિસી બાઝાર સવા ટકો વધીને ૧૨૭૪ બંધ હતા. ટારસન્સ પ્રોડક્ટ્સ ૭૦૦ ખૂલી નીચામાં ૬૩૪ બતાવી ૨૦ ટકાની ઉપલી સર્કીટે ૧૭૮ રૂપિયા કે ૨૬.૯ ટકાના લિસ્ટિંગ ગેઇનમાં ૮૪૦ રૂપિયા બંધ આવ્યો છે.
ફાર્મા-હેલ્થકૅર સેક્ટર સામા પ્રવાહે સારી તેજીમાં
બજારની ઑલરાઉન્ડ ખરાબી વચ્ચે શુક્રવારે હેલ્થકૅર તેમ જ ફાર્મા શૅરોમાં વ્યાપક અને સારી એવી મજબૂતી જોવા મળી છે. નિફ્ટી ફાર્મા ૨૦માંથી ૧૩ શૅરની આગેકૂચમાં ૧.૭ ટકા કે ૨૩૧ પૉઇન્ટ તો નિફ્ટી હેલ્થકૅર ઇન્ડેક્સ ૨૦માંથી ૧૫ શૅર પ્લસમાં આપીને પોણાબે ટકા કે ૧૫૨ પૉઇન્ટ વધ્યો છે. બીએસઈ ખાતે હેલ્થકૅર ઇન્ડેક્સ ઉપરમાં ૨૫૯૫૭ વટાવી છેલ્લે ૨૯૯ પૉઇન્ટ કે સવા ટકો ઊંચકાયો છે. એના ૯૦માંથી ૪૪ શૅર અપ હતા. અપોલો હૉસ્પિટલ્સ, કોપરાન, લાયકા લૅબ્સ, વિમતા લૅબ જેવાં કેટલાંક કાઉન્ટર નવા બેસ્ટ લેવલે ગયાં હતાં. સિપ્લા સરેરાશ કરતાં ૧૬ ગણા વૉલ્યુમે ઉપરમાં ૯૭૬ થઈ ૭.૪ ટકાના ઉછાળે ૯૬૬ બંધ આપી નિફ્ટી ખાતે ટૉપ ગેઇનર, તો ડૉ. રેડ્ડીઝ લૅબ સાડાપાંચ ગણા કામકાજમાં ઉપરમાં ૪૮૨૦ નજીક જઈ ૩.૩ ટકા કે ૧૫૨ રૂપિયાના જમ્પમાં ૪૭૪૫ બંધ આપીને સેન્સેક્સ ખાતે ટૉપ અને નિફ્ટી ખાતે સેકન્ડ બેસ્ટ પર્ફોર્મર બન્યો છે. ડિવીઝ લૅબ ૫૦૭૭ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ ત્રણ ટકા વધીને ૪૯૩૫ હતો. યુનિકેમ લૅબ જેમાં સોમવારે ૧૯૭ની ઐતિહાસિક બૉટમ બની હતી એ ૨૦૬ના આગલા બંધ સામે ગઈ કાલે ૨૦ ટકાની ઉપલી સર્કિટ નજીક જઈ ૧૫.૫ ટકાની તેજીમાં ૨૩૮ રૂપિયા બંધ થયો છે. કામકાજ સવાપાંચ ગણાં હતાં. વિનસ રેમેડીઝ ત્રણ ટકા, સોલરા ઍક્ટિવ ૭.૮ ટકા, અલ્કેમ લૅબ ૭.૯ ટકા, ડૉ. લાલ પેથલૅબ્સ ૬.૭ ટકા, એસ્ટ્રા ઝેનેકા ૪.૬ ટકા, ટેક સૉલ્યુશન્સ ૪.૫ ટકા, ફર્મેન્ટા ૪.૩ ટકા અપ હતા. પૅૅનેસિયા બાયો, ઇન્ડસ્વિફટ લૅબ પાંચ-પાંચ ટકાની ઉપલી સર્કિટે ગયા છે. મેટ્રોપૉલિસ ત્રણ ટકા વધી ૩૦૩૭ થયો છે. ફાઇઝર ૪.૯ ટકા વધીને ૫૧૩૫ હતો. સનફાર્મા ઉપરમાં ૭૯૯ થયા બાદ ૧.૯ ટકાની નરમાઈમાં ૭૬૮ રૂપિયા રહ્યો હતો. લુપિન ૧.૮ ટકા, કૅડિલા હેલ્થકૅર ૨.૪ ટકા, અરબિંદો ફાર્મા સવા ટકા તો ટૉરન્ટ ફાર્મા સાધારણ પ્લસ હતા. હાઇકલ સવાછ ટકા, સસ્તાસુંદર પાંચ ટકા, સિક્વન્ટ સાયન્ટિફિક ૩.૮ ટકા, કીમ્સ અઢી ટકા, જીએસકે ફાર્મા સાડાત્રણ ટકા, સ્પાર્ક ૩ ટકા, નારાયણ હૃદયાલય ૪.૨ ટકા, લોરસ લૅબ બે ટકા નરમ હતા. અપોલો હૉસ્પિટલ્સ ૫૯૩૧ નજીક નવી ટૉપ બતાવ્યા બાદ સવા ટકાની નરમાઈમાં ૫૬૩૯ હતો.
રિયલ્ટી તથા મેટલ શૅરોમાં મસમોટાં ગાબડાં પડ્યાં
ગઈ કાલે તમામ શૅરની ખુવારીમાં બીએસઈનો રિયલ્ટી ઇન્ડેક્સ ૬.૪ ટકા તો મેટલ ઇન્ડેક્સ ૫.૪ ટકા તૂટ્યા છે. નિફ્ટી રિયલ્ટી ઇન્ડેક્સ ૬.૩ ટકા તરડાયો હતો, જ્યારે નિફ્ટી મેટલ ઇન્ડેક્સ હિન્દુ ઝિન્કના નજીવા સુધારાને બાદ કરતાં બાકીના ૧૪ શૅરોની ખરાબીમાં ૫.૩ ટકા ડાઉન હતો. રિયલ્ટી સેગમેન્ટમાં ડીએલએફ ૭.૫ ટકા, સનટેક રિયલ્ટી ૬.૬ ટકા, ફિનિક્સ સાડાઆઠ ટકા, ગોદરેજ પ્રૉપર્ટીઝ સવાછ ટકા, બ્રિગેડ એન્ટર ૫.૮ ટકા, ઇન્ડિયા બુલ્સ રિયલ્ટી ૬.૩ ટકા, પ્રેસ્ટિજ ૫.૭ ટકા, ઑબેરૉય રિયલ્ટી ૫.૪ ટકા, શોભા ૩.૯ ટકા તો મહિન્દ્ર લાઇફ ત્રણ ટકા ડૂલ થયા છે લોઢા કે મેક્રોટેક ડેવલપર્સ પાંચ ટકા ડાઉન થઈ ૧૩૪૦ હતી. રિયલ્ટી સેક્ટરના કુલ ૧૧૬ શૅરમાંથી ૩૩ શૅર પ્લસ હતા. રાધે ડેવલપર્સે પાંચ ટકાની ઉપલી સર્કિટ મારીને ૩૪૨ના નવા શિખરે ગયો છે. ચાલુ વર્ષે ૧૯ એપ્રિલમાં આ શૅર લગભગ પોણાઆઠ રૂપિયાના તળિયે હતો. ઠક્કર ડેવલપર્સ પણ પાંચ ટકાની તેજીની સર્કિટે ૧૧૫ નજીક નવી ટોચે ગયો છે. અજમેરા રિયલ્ટી નીચલી સર્કિટે પાંચ ટકા ગગડી ૨૯૯ નજીક બંધ હતો. હબ ટાઉન ૪.૪ ટકા, કોલ્તે પાટીલ પોણાચાર ટકા અને કાર્દા કન્સ્ટ્રક્શન્સ ૨.૩ ટકા નરમ હતા.
મેટલ ઇન્ડેક્સ ૫.૪ ટકા કે ૧૦૫૮ પૉઇન્ટ પીગળ્યો છે. જેએસડબ્લ્યુ સ્ટીલ ૭.૬ ટકા, જિન્દલ સ્ટીલ સાત ટકા, હિન્દાલ્કો ૬.૮ ટકા, સેઇલ પોણાછ ટકા, તાતા સ્ટીલ ૫.૨ ટકા, વેદાન્તા ૩.૮ ટકા, નાલ્કો નવ ટકા, કોલ ઇન્ડિયા ૧.૭ ટકા, હિન્દુ. કૉપર ૩.૮ ટકા, એનએમડીસી પાંચ ટકા ગગડ્યા છે. સાન્ડૂર મૅન્ગેનીઝ પાંચ ટકા તૂટી ૧૮૯૯ હતો. ઓડિશા મિનરલ્સ ૩.૭ ટકા તો આશાપુરા માઇન સવા ટકો ઢીલા હતા.
ઑટો ઇન્ડેક્સ ૧૦૮૭ પૉઇન્ટ તૂટ્યો, એસ્કોર્ટ નવા શિખરે
બીએસઈનો ઑટો ઇન્ડેક્સ નીચામાં ૨૪૨૫૪ બતાવી ૪.૨ ટકા કે ૧૦૮૭ પૉઇન્ટ ગગડીને ૨૪૩૩૧ બંધ થયો છે. એસ્કોર્ટ્સ ૧૮૮૮ની નવી ટૉપ બનાવી ત્રણ ટકા વધી ૧૮૭૦ ઉપર બંધ થયો છે. બાકીના ૧૪ શૅર લથડ્યા છે. તાતા મોટર્સ સાડાછ ટકાના ધોવાણમાં ૪૬૦ તથા એનો ડીવીઆર ૬.૯ ટકા ડૂલ થઈ ૨૫૭ બંધ હતા. અશોક લેલૅન્ડ છ ટકા, મારુતિ સુઝુકી ૩૯૯ રૂપિયા કે સવાપાંચ ટકા, મહિન્દ્ર સવાચાર ટકા, ટીવીએસ મોટર સાડાત્રણ ટકા, આઇસર સવાત્રણ ટકા, બજાજ ઑટો બે ટકા બગડ્યા છે. હીરો મોટોકૉર્પ ૨૫૦૫ની નવી ઐતિહાસિક બૉટમ બનાવી અઢી ટકાની નબળાઈમાં ૨૫૩૦ હતો. કોઇનેટિક એન્જી. આટલા ખરાબ બજારમાં ય પાંચ ટકાની સર્કિટ જારી રાખતાં ૬૮ ઉપર જોવાયો છે. અતુલ ઑટો સવા ટકો નરમ હતો. ઑટો એન્સિલિયરી સેગમેન્ટમાં ૧૦૪માંથી માત્ર ૨૦ શૅર સુધર્યા છે. સિમોન્ડ માર્શલ, ઑટોપિન્સ, ઑટોમોટિવ સ્ટૅમ્પિંગ, જૈનેક્સ, પંકજ પીયૂષ લગભગ પાંચ ટકાની ઉપલી સર્કિટે બંધ હતા. જગન લૅમ્પ્સ આઠ ટકાના ઉછાળે ૮૦ રૂપિયા થયો છે. હિમટેક, એસજેએસ, અસાહી ઇન્ડિયા, મધરસન સુમિ, જય ભારત મારુતિ, ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ, પ્રિસિઝન કેમ સાફ્ટ, હાઇટેક ગિયર, ઑટો કૉર્પોરેશન ઑફ ગોવા, ઇગરશી, પ્રિકોલ, રાણે મદ્રાસ, સુબ્રોસ, મેનન બેરિંગ્સ, વ્હીલ્સ ઇન્ડિયા જેવાં કાઉન્ટર પાંચથી દસ ટકા તૂટ્યાં છે. બૉશ પોણાપાંચ ટકા કે ૭૯૯ રૂપિયા ખરડાઈ ૧૬૦૫૬ હતો. ટાયર ક્ષેત્રે અપોલો પાંચ ટકાના પંક્ચરમાં ૨૧૧ હતો. પિક્સ ટ્રાન્સમિશન સવાચાર ટકા, ગુડયર સાડાત્રણ ટકા, બાલક્રિશ્ના સવાત્રણ ટકા, જેકે ટાયર સવાત્રણ ટકા, ટીવીએસ શ્રીચક્ર અઢી ટકા, સીએટ પોણાબે ટકા, એમઆરએફ અડધો ટકો માઇનસ હતા.
બૅન્કિંગના ૩૬માંથી ૩૫ શૅર બગડ્યા, સીએસબી બૅન્ક સાધારણ સુધર્યો
બૅન્ક નિફ્ટી શુક્રવારે તમામ ડઝન શૅરની ખરાબીમાં નીચામાં ૩૫૯૦૪ થઈ સાડાત્રણ ટકા કે ૧૩૩૯ પૉઇન્ટ તૂટી ૩૬૦૨૫ બંધ થયો છે, તો પીએસયુ બૅન્ક નિફ્ટી તમામ ૧૩ શૅરની ખરાબીમાં સવાચાર ટકા લથડ્યો છે. બૅન્કેક્સ ૧૫૧૩ પૉઇન્ટ કે સાડાત્રણ ટકા કટ થયો હતો. સેન્સેક્સ પૅકમાં ઇન્ડસઇન્ડ બૅન્ક છ ટકા, સ્ટેટ બૅન્ક ચાર ટકા, આઇસીઆઇસીઆઇ બૅન્ક ૩.૯ ટકા, કોટક મહિન્દ્ર બૅન્ક સાડાત્રણ ટકા, ઍક્સિસ બૅન્ક ૨.૭ ટકા તથા એચડીએફસી બૅન્ક સવાબે ટકા ગગડ્યા છે. આને લીધે સેન્સેક્સને ૫૪૬ પૉઇન્ટનો ફટકો પડ્યો હતો. એચડીએફસી સાડાચાર ટકા ખાબકીને ૨૭૪૨ બંધ આવતાં એમાં બીજા ૨૦૯ પૉઇન્ટનો ઉમેરો થયો છે. બજાજ ફાઇનૅન્સ ૩૨૮ રૂપિયા કે સાડાચાર ટકાથી વધુ બગડીને ૬૮૦૪ તો બજાજ ફિનસર્વ ૬૭૪ રૂપિયા કે ૩.૯ ટકા તૂટી ૧૬૬૮૦ થતાં આ બે શૅર બજારને ૧૧૫ પૉઇન્ટ નડ્યા હતા. આમ બૅન્કિંગ તેમ જ ફાઇનૅન્સ સેગમેન્ટના ૯ શૅરની નબળાઈ સેન્સેક્સને ગઈ કાલે ૮૭૦ પૉઇન્ટ નડી છે. બૅન્કિંગ ક્ષેત્રના કુલ ૩૬ શૅરમાંથી સીએસબી બૅન્ક એકાદ રૂપિયો સુધરીને ૨૮૩ બંધ હતી. બાકીની ૩૫ જાતો બૂરાળઈમાં હતી. બંધન બૅન્ક ૧૦ ટકા જેવો તૂટી ૨૮૩ ઉપર રહ્યો હતો. પંજાબ-સિંધ બૅન્ક અને આરબીએલ બૅન્ક સવાસાત ટકાથી વધુ, ફીનો પેમેન્ટ બૅન્ક પોણાસાત ટકા, કૅનેરા બૅન્ક ૫.૯ ટકા, ડીસીબી બૅન્ક પોણાછ ટકા, જેકે બૅન્ક તથા એયુ બૅન્ક સાડાપાંચેક ટકા, આઇડીબીઆઇ બૅન્ક પોણાપાંચ ટકાથી વધુ ડાઉન હતા. બીએસઇનો ફાઇનૅન્સ ઇન્ડેક્સ ૧૨૦માંથી ૧૧૨ શૅરના ઘટાડે સાડાત્રણ ટકા ઢીલો હતો. ઇન્ડિયા બુલ્સ હાઉસિંગ ૮.૮ ટકા વધી ૨૪૬, પીએનબી હાઉસિંગ પાંચ ટકાની ઉપલી સર્કિટે ૫૦૦ નજીક તો રિલાયન્સ કૅપિટલ પાંચ ટકાની તેજીમાં બંધ હતા.


Whatsapp-channel Whatsapp-channel

27 November, 2021 11:12 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK