° °

આજનું ઇ-પેપર
Tuesday, 27 September, 2022


ફેડના ફેંસલા પૂર્વે વિશ્વબજારોના તાલે શૅરબજારની પીછેહઠ, એફએમસીજી મજબૂત

22 September, 2022 04:54 PM IST | Mumbai
Anil Patel

અદાણીના નવમાંથી આઠ શૅર રેડ ઝોનમાં ગયા, પાવર યુટિલિટી ઇન્ડેક્સ સવાબે-અઢી ટકા ડૂલ થયા : વાડીલાલ એન્ટર સતત બીજી મંદીની સર્કિટમાં, બૅન્કિંગમાં વ્યાપક નબળાઈ વચ્ચે સેન્ટ્રલ બૅન્ક સામા પ્રવાહે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક) માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

અદાણીએ એસીસી અંબુજા ટેકઓવર કરીને ગિરવી મૂકતાં બન્ને શૅરમાં કડાકો, ૧૦,૧૩૫ કરોડનું ધોવાણ : સિમેન્ટ સેક્ટરમાં માનસ ખરડાયું, ૪૨માંથી ૩૮ જાતો મોટા પાયે તરડાઈ; નુવાકો, જેકે લક્ષ્મી, એસીસી ‘એ’ ગ્રુપમાં ટૉપ લૂઝર બની : અદાણીના નવમાંથી આઠ શૅર રેડ ઝોનમાં ગયા, પાવર યુટિલિટી ઇન્ડેક્સ સવાબે-અઢી ટકા ડૂલ થયા : વાડીલાલ એન્ટર સતત બીજી મંદીની સર્કિટમાં, બૅન્કિંગમાં વ્યાપક નબળાઈ વચ્ચે સેન્ટ્રલ બૅન્ક સામા પ્રવાહે

વ્યાજદરમાં વધારા વિશે અમેરિકન ફેડની બેઠક પૂર્વે એશિયન બજારો વત્તેઓછે અંશે માયૂસ રહ્યાં છે. હૉન્ગકૉન્ગ પોણાબે ટકા, જૅપનીઝ નિક્કી ૧.૪ ટકા, તાઇવાન તથા સાઉથ કોરિયા પોણા ટકાથી વધુના ઘટાડે બુધવારે બંધ થયાં છે. યુરોપ રનિંગમાં સાધારણ નેગેટિવ બાયસ દર્શાવતું હતું, પરંતુ લંડન ફુત્સી અડધો ટકો અપ હતો. યુક્રેન પરની પકડ વધારવા રશિયન સુપ્રીમો પુતિને વધુ લશ્કરી દળોને સાબદા કરવાનો આદેશ આપી દીધો છે. એનાથી યુક્રેન મોરચે ચિંતા વધી છે. ન્યુક્લિયર વૉરના તણખા પણ ઝરી શકે છે. પુતિનના પગલાથી ક્રૂડને થોડીક હૂંફ મળી છે. બ્રેન્ટ ક્રૂડ બે ટકા વધીને ૯૨ ડૉલરને વટાવી ગયું છે. ઘરઆંગણે બજાર બહુધા માઇનસ ઝોનમાં રહી ૨૬૩ પૉઇન્ટ નરમ થયું છે. નિફ્ટી ૯૮ પૉઇન્ટ ઘટ્યો છે. માર્કેટમાં વધઘટની રેન્જ સવાપાંચસો પૉઇન્ટ જેવી પ્રમાણમાં સાંકડી રહી હતી. શૅરઆંક ઉપરમાં ૫૯,૭૯૯ અને નીચામાં ૫૯,૨૭૫ થયો હતો. બન્ને બજારોના લગભગ તમામ બેન્ચમાર્ક નરમ હતા. એક માત્ર એફએમસીજી ઇન્ડેક્સ ૧૬,૩૧૪ની સર્વોચ્ચ સપાટી બનાવી એક ટકો કે ૧૮૪ પૉઇન્ટ વધીને ૧૬,૨૫૧ બંધ થયો છે. પાવર તથા યુટિલિટી ઇન્ડેક્સ સર્વાધિક સવાબે-અઢી ટકા ગગડ્યા છે. પાવર ઇન્ડેક્સના તમામ ૧૧ શૅર તો યુટિલિટીના ૨૪માંથી ૨૩ શૅર રેડ ઝોનમાં ગયા છે. ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ ૧.૩ ટકા જેવો લપસ્યો છે. મેટલ નિફ્ટી બે ટકા તો નિફ્ટી ફાર્મા ૧.૪ ટકા માઇનસ હતા. હેલ્થકૅર બેન્ચમાર્ક એક ટકા ઘટ્યો છે. સેન્સેક્સ નિફ્ટીની અડધા ટકા જેવી નબળાઈ વચ્ચે બ્રૉડર માર્કેટ અને રોકડું અંદરખાને વધુ ખરાબ રહેતાં માર્કેટ બ્રેડ્થ બગડી છે. એનએસઈમાં ૫૭૩ શૅર પ્લસ તો ૧૪૦૨ શૅર માઇનસ થયા છે. 

બ્રિટાનિયા, હિન્દુ. યુનિલીવર અને આઇટીસી બેસ્ટ ગેઇનર્સ રહ્યા 

ગઈ કાલે સેન્સેક્સના ૩૦માંથી ૮ અને નિફ્ટીના ૫૦માંથી ૧૪ શૅર સુધર્યા હતા. આઇટીસી ૩૪૫ની નવી મલ્ટિયર ટૉપ બતાવી ૧.૬ ટકા વધી ૩૪૧ તો હિન્દુસ્તાન યુનિલીવર ૧.૬ ટકા વધીને ૨૬૨૪ બંધ આપી મોખરે હતા. નિફ્ટી ખાતે બ્રિટાનિયા ૨.૯ ટકાની મજબૂતીમાં ૩૭૫૫ બંધ આપી ટૉપ ગેઇનર બન્યો છે. અપોલો હૉસ્પિટલ, કોલ ઇન્ડિયા, બજાજ ફાઇનૅન્સ પોણાથી એકાદ ટકો અપ હતા. હેવીવેઇટ ગણાતો રિલાયન્સ સાતેક રૂપિયા જેવા સામાન્ય સુધારામાં ૨૫૦૯ રહ્યો છે. રિલાયન્સ ઇન્ડ. ઇન્ફ્રા ૨.૭ ટકા તો જયકૉર્પ ૫.૫ ટકા ખરડાઈ હતી. 
શ્રી સિમેન્ટ ૧૨૧૯ રૂપિયા કે ૫.૨ ટકા તૂટી નિફ્ટી ખાતે ટૉપ લુઝર હતો. ઇન્ડસઇન્ડ બૅન્ક ૩.૨ ટકા ગગડી સેન્સેક્સમાં વર્સ્ટ પર્ફોર્મર બન્યો છે. અલ્ટ્રાકેટ અઢી ટકા, અદાણી પોર્ટ્સ ૩.૮ ટકા, પાવર ગ્રીડ ૨.૬ ટકા, લાર્સન ૧.૯ ટકા, એનટીપીસી .૮ ટકા, હિન્દાલ્કો સવાબે ટકા, ઓએનજીસી ૧.૮ ટકા, સિપ્લા ૨.૪ ટકા ડાઉન થયા છે. બાબા રામદેવની પતંજલિ ફૂડ્સ ૧૧ ગણા કામકાજમાં પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૧૪૭૧ના નવા શિખરે પહોંચી છે. આઇશર અને ટીવીએસ મોટર નવી ટોચે જઈને પોણાથી સવા ટકો પાછા પડ્યા હતા. અમૃત્તાંજન, ગ્લેન્ડ ફાર્મા, મેટ્રિમોની, કોપરાન, સનોફી, સોના કોમસ્ટાર જેવી જાણીતી જાતોમાં નવા નીચા બૉટમ બન્યા છે. હિન્દ રેક્ટિફાયર્સ ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં ૨૨૮ થઈ છે. અરવિંદ ફેશન્સ નવેક ગણા કામકાજે સવાદસ ટકા ઊછળી ૩૨૬ હતો. ટેસ્ટી બાઇટ ૫૧૫ રૂપિયા કે સવાચાર ટકાના જમ્પમાં ૧૨,૫૫૧ થયો છે. જે. કે. લક્ષ્મી ૭.૩ ટકા ગગડી ૬૧૫ બંધમાં ‘એ’ ગ્રુપ ખાતે ટૉપ લુઝર હતો. ત્યાર પછી એસીસી, નુવાકો વિસ્ટા અને અંબુજા સિમેન્ટ ક્રમબદ્ધ હતા.

અદાણીએ માલ ગિરવી મૂકતાં એસીસી અને અંબુજા સિમેન્ટમાં ઊભી તિરાડ 

અદાણી ગ્રુપ તરફથી અંબુજા સિમેન્ટ્સમાંના ૬૩.૨ ટકાના તથા એસીસીમાંના ૫૬.૭ ટકાના સંપૂર્ણ હોલ્ડિંગને વિદેશી બૅન્કો પાસે ગિરવે મૂકવામાં આવતાં બન્ને શૅર બુધવારે બગડ્યા છે. ગિરવે મુકાયેલ માલની માર્કેટ વૅલ્યુ મંગળવારના બંધભાવની રીતે એક લાખ કરોડ રૂપિયા કે ૧૩ અબજ ડૉલર જેવી થવા જાય છે. અદાણીએ આ બન્ને કંપનીઓ ટેકઓવર કરવા માટે આશરે સાડાછ અબજ ડૉલરની જોગવાઈ કરી હતી, જેમાંથી સાડાચાર અબજ ડૉલર ઉધારીના હતા. એસીસી ગઈ કાલે નીચામાં ૨૫૨૩ થઈ ૭.૨ ટકા ગગડી ૨૫૩૧ તો અંબુજા સિમેન્ટ ૫૩૩ની ઇન્ટ્રા-ડે બૉટમ બાદ ૫.૭ ટકા તૂટીને ૫૪૧ બંધ રહ્યો છે. એક જ દિવસમાં અહીં માર્કેટ કૅપ ૧૦,૧૩૫ કરોડ રૂપિયા ધોવાઈ ગયું છે. અદાણીના આ પગલાની અશર સમગ્ર સિમેન્ટ સેક્ટરના શૅરો પર વર્તાઈ છે. ઉદ્યોગના ૪૨માંથી કેવળ ચાર શૅર જ ગઈ કાલે સુધર્યા હતા. કરસન પટેલની નુવાકો વિસ્ટા નીચામાં ૪૧૧ થઈ આઠ ટકા ખરડાઈ ૪૨૦ બંધ થઈ છે. ગુજરાત સિદ્ધિ સિમેન્ટ ૫.૮ ટકા, જે. કે. લક્ષ્મી ૭.૩ ટકા, સૌરાષ્ટ્ર સિમેન્ટ ૪.૭ ટકા, બિગબ્લૉક પાંચ ટકા, ઇન્ડિયા સિમેન્ટ્સ ૩.૫ ટકા, સાંધી સિમેન્ટ ૫ ટકા, કાકટિયા સિમેન્ટ ૫.૭ ટકા, હેડલબર્ગ ૪.૫ ટકા તો ઓરિયેન્ટ સિમેન્ટ ચાર ટકા ડાઉન હતા. અદાણી ગ્રુપમાં પણ આની માઠી અસર દેખાઈ છે. અદાણી એન્ટર પાંચ ટકા, અદાણી પોર્ટ્સ ૩.૮ ટકા, અદાણી પાવર ૧.૯ ટકા, અદાણી ટ્રાન્સ ત્રણ ટકા, અદાણી ગ્રીન દોઢ ટકા, અદાણી ટોટલ ૩.૨ ટકા ઘટ્યા છે. અદાણી વિલ્મર દોઢ ટકો વધીને ૭૮૨ થયો હતો. એનડીટીવી ચાર ટકાની નબળાઈમાં ૪૨૩ થયો છે. ૬ સપ્ટેમ્બરે ચાલુ મહિને એમાં ૫૬૮ની ઐતિહાસિક ટોચ બની હતી. 

મહિન્દ્રનું હોલ્ડિંગ વધતાં સ્વરાજ એન્જિન નવા શિખરે, લિબર્ટી શૂઝ તેજીમાં 

રૂબી મિલ્સ શૅરદીઠ એક બોનસમાં ગુરુવારે એક્સ બોનસ થવાની છે. ભાવ ગઈ કાલે નહીંવત સુધારે ૬૩૧ બંધ થયો છે. ફેસવૅલ્યુ પાંચની છે. ચોઇસ શૅરદીઠ એક બોનસમાં એક્સ બોનસ થવાની પૂર્વસંધ્યાએ દોઢ ટકો વધી ૪૬૪ હતો. ઈ-કલેરેક્સ બે શૅરદીઠ એક બોનસમાં એક્સ બોનસ થતાં ૫.૩ ટકા વધીને ૧૫૨૫ રહ્યો છે. આઇએફએલ એન્ટર શૅરદીઠ એક બોનસમાં એક્સ બોનસ થઈ અડધો ટકો ઘટીને ૮૪, આલ્ફાલૉજિક બે શૅરદીઠ એક બોનસમાં એક્સ બોનસ થતાં પાંચ ટકા ઊંચકાઈને ૪૭ તો બોનસ બાદ થતાં એક વધુ નીચલી સર્કિટે પાંચ ટકા ગગડી ૯૨ની ૧૬ માસની બૉટમે બંધ આવ્યો છે. લીડિંગ લીઝિંગ ગુરુવારે ૧૦ના શૅરના એકમાં વિભાજનમાં એક્સ સ્પ્લિટ થશે. ભાવ ત્રણ ટકા ઘટીને ૧૧૧ હતો. સ્વરાજ એન્જિન્સમાં મહિન્દ્ર દ્વારા કિર્લોસ્કર ઇન્ડ. પાસેથી શૅરદીઠ ૧૪૦૦ના ભાવે ૧૭.૪ ટકા હિસ્સો ખરીદવાનું નક્કી થતાં શૅર ૧૯૬૦ના બેસ્ટ લેવલે જઈ ૭.૨ ટકાની તેજીમાં ૧૮૧૭ બંધ હતો. આ નવી ખરીદી બાદ કંપનીમાં મહિન્દ્રનું હોલ્ડિંગ વધીને ૫૨.૧ ટકા થઈ જશે. લિબર્ટી શૂઝ પાંચ ગણા વૉલ્યુમે ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૨૨૭ની ૪ વર્ષની ટૉપ બનાવી ૧૨.૭ ટકા ઊછળી ૨૧૭ રહ્યો છે. 

પીઅર ગ્રુપમાં ખાદીમ ઇન્ડિયા ૭ ટકા ઊંચકાઈને ૨૯૭, શ્રી લેધર ૩.૮ ટકાની મજબૂતીમાં ૨૧૬ અને બાટા ઇન્ડિયા એક ટકો વધી ૧૮૯૩ બંધ હતા. સ્પાઇસજેટ તરફથી ૮૦ પાઇલોટને વગર પગારે રજા પર ઉતારી દેવાતાં શૅર બમણા કામકાજે નીચામાં ૪૧.૭૫ થઈ ચાર ટકા ઘટીને ૪૨ નજીક થયો છે. વાડીલા એન્ટર. મંગળવારે ૪૩૪૮ની ઑલટાઇમ હાઈ બાદ નીચલી સર્કિટે ૩૯૩૬ બંધ થયા પછી ગઈ કાલે પણ ૫ ટકાની મંદીની સર્કિટમાં ૩૭૪૦ની અંદર આવી ગયો છે.

ભારતી ઍરટેલ નવી ટોચેથી પાછો પડ્યો, બૅન્કિંગમાં વ્યાપક નબળાઈ

ભારતી ઍરટેલ સરેરાશ ૧૭ ટકાના વૉલ્યુમમાં ૭૯૭ની નવી ઑલટાઇમ હાઈ બનાવી સવા ટકો ઘટીને ૭૯૦ બંધ થયો છે. એનો પાર્ટપેઇડ શૅર બે ટકા ઘટી ૩૮૫ હતો. વોડાફોન ૦.૩ ટકા, તેજસનેટ બે ટકા તો એચએફસીએલ સવા ટકો પ્લસ હતા. આઇટી બેન્ચમાર્ક ૬૨માંથી ૧૫ શૅરના સુધારા વચ્ચે પોણો ટકો નરમ હતો. ક્રેસેન્ડા સૉલ્યુશન્સ, ઓરિયન પ્રો, હેપ્પીએસ્ટ માઇન્ડ, કેપીઆઇટી ટેક્નૉ દોઢથી સાડાચાર ટકા વધ્યા છે. રેટગેઇન ટ્રાવેલ સવા ટકો વધી ૨૭૯ થયો છે. ફ્રન્ટલાઇન ઇન્ફી પોણો ટકો ઘટી ૧૩૭૬, ટીસીએસ સવા ટકો ઘટી ૩૦૦૨, વિપ્રો એક ટકાની નબળાઈમાં ૪૦૧ નજીક બંધ હતા. ટેક મહિન્દ્ર અડધો ટકો વધ્યો છે, પણ એચસીએલ ટેક્નૉ દોઢ ટકા ડાઉન હતો. વકરાંગી, ડી લિન્ક, બ્રાઇટકોમ, સાસ્કેન, ન્યુજેન ત્રણથી પાંચ ટકા માઇનસ થયા છે. લાર્સન ઇન્ફો નજીવો, લાર્સન ટેક્નૉ દોઢ ટકા અને માઇન્ડ ટ્રી પોણો ટકા અપ હતા. ટેક્નૉલૉજી ઇન્ડેક્સ એક ટકો ઘટ્યો છે. તાતા ટેલિ, સનટીવી, તાન્લા, પીવીઆર, રાઉટ મોબાઇલ, સારેગામા દોઢથી સાડાત્રણ ટકા ઘટ્યા છે. બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૧૧ શૅરના ઘટાડે ૦.૬ ટકા કે ૨૬૫ પૉઇન્ટ અને પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૯ શૅરની પીછહેઠમાં પોણો ટકો નરમ હતા. બૅન્કિંગ ક્ષેત્રના ૩૬માંથી ૭ શૅર પ્લસ હતા. રિઝર્વ બૅન્ક તરફથી પ્રોમ્પ્ટકરેક્ટિવ ઍક્શન સ્કીમ હેઠળના અંકુશ ઉઠાવી લેવાતાં સેન્ટ્રલ બૅન્ક નવેક ગણા વૉલ્યુમે ઉપરમાં ૨૩ વટાવી સાડાછ ટકાની મજબૂતીમાં ૨૧.૭૦ હતી. યસ બૅન્ક, સિટી યુનિયન બૅન્ક, સીએસબી બૅન્ક પોણાથી ત્રણ ટકા વધ્યા છે. સામે ડીસીબી બૅન્ક, કરુર વૈશ્ય બૅન્ક, ઇન્ડસઇન્ડ બૅન્ક, કોટક મહિન્દ્ર બૅન્ક, ઇન્ડિયન બૅન્ક, યુનિયન બૅન્ક, ફીનો પેમેન્ટ બૅન્ક એકથી સાડાપાંચ ટકા માઇનસ થયા છે. ફાઇનૅન્સ બેન્ચમાર્ક ૧૩૯માંથી ૧૧૩ શૅરના ઘટાડે ૪૭ પૉઇન્ટ નરમ હતો, પણ ટીએફસી અર્થાત ટૂરિઝમ ફાઇ. કૉર્પોરેશન ૨૦ ટકા ઉપલી સર્કિટે ૭૫ નજીક જઈ ત્યાં જ બંધ રહી સામા પ્રવાહે જોવાયો છે. કૅર રેટિંગ પાંચ ટકા વધી ૫૨૬ હતો. મુથુટ ફાઇ. ૪.૯ ટકા અને આઇઆઇએફએલ ૩.૭ ટકા સુધર્યા છે. તાતા ઇન્વેસ્ટમેન્ટ, ધાની સર્વિસિસ, એપ્ટસ વૅલ્યુ, ઇન્ડો સ્ટાર, પીએનબી હાઉસિંગ, મોનાર્ક, ઇન્ડિયા બુલ્સ હાઉસિંગ ૩.૮થી ૫.૮ ટકા ડાઉન હતા. સ્ટેટ બૅન્કમાં જેફરીઝે ૬૩૦ની ટાર્ગેટ પ્રાઇસ વધારીને ૭૦૦ કરી છે. શૅર પોણો ટકો ઘટીને ૫૭૦ રહ્યો છે. એચડીએફસી એક ટકા નરમ હતો. બજાજ ફીનસર્વ આગલા લેવલે ફ્લૅટ અને બજાજ ફાઇ. પોણો ટકો પ્લસ જોવાયો છે.  

22 September, 2022 04:54 PM IST | Mumbai | Anil Patel

અન્ય લેખો

અનિલ અંબાણીને મોટી રાહત, બોમ્બે HCએ આ કેસમાં કાર્યવાહી ન કરવાનો આપ્યો આદેશ

બોમ્બે હાઈકોર્ટે સોમવારે આવકવેરા વિભાગને બ્લેક મની એક્ટ હેઠળ રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણીની વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગ કરતી કારણ બતાવો નોટિસ પર 17 નવેમ્બર સુધી કોઈ જબરદસ્તી કાર્યવાહી ન કરવા નિર્દેશ આપ્યો હતો

26 September, 2022 05:23 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

નવ દિવસમાં દેવીનાં નવ સ્વરૂપ પાસેથી શીખવાના બોધપાઠ

નવરાત્રિમાં નાણાકીય બાબતોની નવી જાણકારી સાથે આગળ વધીને દશેરાનું શુભમુહૂર્ત ઊજવાય એવી શુભકામના. 

26 September, 2022 04:40 IST | Mumbai | Khyati Mashru Vasani

ઇન્ટરનૅશનલ માર્કેટમાં સોનાના ભાવ તળિયે : રૂપિયો ગગડતાં ભારતમાં ભાવઘટાડો ઓછો

દશેરા, ધનતેરસ, દિવાળીના તહેવારો અને નવેમ્બરથી જુલાઈ સુધીની લગ્નની સીઝનમાં સોનું ધૂમ ખરીદાશે ઃ સોનું ઘટીને ૪૮,૫૦૦થી ૪૯,૦૦૦ રૂપિયા થયા બાદ ફરી ૫૫,૦૦૦થી ૬૦,૦૦૦ થવાની આગાહી

26 September, 2022 04:34 IST | Mumbai | Mayur Mehta

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK