Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > શૅરબજારને રિકવરીનો રંગ ચડતો જાય છે

શૅરબજારને રિકવરીનો રંગ ચડતો જાય છે

08 August, 2022 05:24 PM IST | Mumbai
Jayesh Chitalia

ગ્લોબલ સ્તરે યુએસએ, રશિયા, ચીન કે યુરોપમાં ભલે સમસ્યા અને અનિશ્ચિતતા ચાલુ હોય, ભારતીય શૅરબજારને ફરી રિકવરીનો રંગ ચડ્યો છે. ફૉરેન ઇન્વેસ્ટર્સની ભારતવાપસી શરૂ થઈ છે, માર્કેટ સતત સુધરતું જાય છે. સેન્સેક્સ ૫૮ હજાર ઉપર અને નિફટી ૧૭,૩૦૦ ઉપર પહોંચી ગયા છે

પ્રતીકાત્મક તસવીર

સ્ટૉક ટ્રેન્ડ

પ્રતીકાત્મક તસવીર


એકંદરે સકારાત્મક ગ્લોબલ સંકેત સાથે ગયા સપ્તાહમાં શૅરબજારની શરૂઆત પૉઝિટિવ થઈ, રિકવરી આગળ વધી, સમાચારો પૉઝિટિવ જોવામાં આવ્યા. જુલાઈમાં પણ ઉત્પાદનપ્રવૃત્તિમાં વૃદ્ધિ નોંધાઈ તેમ જ પરચેસિંગ મૅનેજર ઇન્ડેક્સ (પીએમઆઇ)માં સુધારો નોંધાયો. ઑટો સેલ્સ વધ્યું. રિઝર્વ બૅન્ક આ સપ્તાહમાં વ્યાજમાં વધારો કરશે એ ચર્ચા ક્યારની ચાલી રહી હોવાથી એ પરિબળ લગભગ ડિસ્કાઉન્ટ થઈ ગયું હતું. જોકે બેસ્ટ ન્યુઝ એફઆઇઆઇ નેટ બાયર્સ બન્યા હોવાના હતા, જેને પરિણામે સેન્સેક્સ ૫૪૫ પૉઇન્ટના ઉછાળા સાથે ૫૮ હજારની સપાટી પાર કરી ગયો અને નિફટી ૧૮૧ પૉઇન્ટ સુધરીને ૧૭,૩૦૦ ઉપર પહોંચી ગયો હતો. માર્કેટ માટે બૂરામાં બૂરા દિવસો પૂરા થયા હોવાની લાગણી સાથે હવે ધીમે-ધીમે સુધારાને ગતિ મળશે એવી આશા વધવા લાગી છે. મંગળવારે પ્રૉફિટબુકિંગને લીધે માર્કેટ સાધારણ કરેક્શન તરફ વળ્યું, પણ આખરમાં ફ્લૅટ રહીને સેન્સેક્સ માત્ર ૨૦ પૉઇન્ટ અને નિફટી પાંચ પૉઇન્ટ પ્લસ બંધ રહ્યા. બુધવારનો આરંભ પ્રૉફિટબુકિંગ સાથે થયો, જોકે વધઘટ સાથે પણ અંતમાં બજાર પ્લસ બંધ રહ્યું. ગુરુવારે માર્કેટે કરેક્શનનાં દર્શન દીધાં. આમ પણ છેલ્લા અમુક દિવસથી વૉલેટિલિટી જોવાતી હતી, પણ બહુ મોટી નહોતી. ગુરુવારે યુએસ-ચીનના વિવાદની ચિંતા ચર્ચામાં રહી અને રિઝર્વ બૅન્કની પૉલિસીમાં શું આવે છે એની પ્રતીક્ષા રહી, જેમાં બજાર સાધારણ કરેક્શન સાથે ફ્લૅટ બંધ રહ્યું. 

નાણાનીતિની બહુ નેગેટિવ અસર નહીં



શુક્રવારે રિઝર્વ બૅન્કની પૉલિસી જાહેરાતમાં ૩૦-૩૫ બેસિસ પૉઇન્ટની ધારણા કરતાં વધુ એટલે કે ૫૦ બેસિસ પૉઇન્ટ (અડધા ટકા) વ્યાજવધારો (રેપો રેટ) આવ્યો છતાં માર્કેટ પૉઝિટિવ રહ્યું. સેન્સેક્સ ૩૦૦ પૉઇન્ટ ઉપર વધીને અંતમાં માત્ર ૮૯ પૉઇન્ટ અને નિફટી માત્ર ૧૫ પૉઇન્ટ પ્લસ બંધ રહ્યા. રિઝર્વ બૅન્કે ઇન્ફલેશનની ધારણા ૬ ટકાની ઉપર જ મૂકી છે, એના ગ્રોથને બૂસ્ટ કરવા સાથે ઇન્ફલેશનને કાબૂમાં લાવવાના પ્રયાસ જારી રહેશે, જેના ભાગરૂપ ૨૦૨૩ માટે ફુગાવાનો અંદાજ ઘટાડીને પાંચ ટકા મુકાયો છે. ગ્લોબલ અનિશ્રિતતા આપણા ફુગાવાને અસરકર્તા હોવાનું જણાવી રિઝર્વ બૅન્કે આપણા ગ્રોથ રેટની ધારણા ૭.૨ ટકા જાળવી રાખી છે, ફુગાવો જીડીપીની ગતિમાં અવરોધ બનવાની શક્યતા ખરી. એના સંકેત મુજબ ૨૦૨૩માં સુધારાની સારી અપેક્ષા છે. અહીં એ નોંધવું મહત્ત્વનું છે કે હવે અમુક બૅન્કો ફિક્સ્ડ ડિપોઝિટ પરના વ્યાજદરમાં પણ થોડો વધારો કરે એવું બની શકે. 


સાનુકૂળ આર્થિક પરિબળો

છેલ્લા અમુક મહિનામાં દેશનાં આર્થિક પરિબળોમાં સુધારા થતા જોવાયા છે. સારાં કે સાનુકૂળ પરિબળોમાં રૂપિયાની સ્થિતિ ડૉલર સામે સુધારાતરફી બની રહી છે, ક્રૂડ અને કૉમોડિટીઝના ભાવ પણ હળવા થવા લાગ્યા છે. જોકે ટ્રેડ ડેફિસિટ જુલાઈમાં ૩૧ અબજ ડોલર થઈ ગઈ અને જુલાઈમાં સર્વિસ સેક્ટરનો ગ્રોથ પણ નીચો રહ્યો એ નબળા સમાચાર કહી શકાય. બીજી બાજુ દેશમાં ચોમાસું એકંદરે સારું ગણાય છે. રીટેલ રોકાણનો પ્રવાહ મ્યુચ્યુઅલ ફંડમાં સારો જળવાઈ રહ્યો છે. ફૉરેન ઇન્વેસ્ટર્સમાં પણ ભારતીય માર્કેટ માટે સકારાત્મક માનસ બની રહ્યું છે. જુલાઈમાં જીએસટી કલેક્શન પણ ૧.૪૯ લાખ કરોડ જેટલું ઊંચું રહ્યું છે. છેલ્લા નવ મહિના બાદ જુલાઈમાં એફઆઇઆઇ સક્રિય બાયર્સ બન્યા છે, પરંતુ આનો અર્થ એ ન થઈ શકે કે એમનો પ્રવાહ વેગથી ચાલુ જ રહેશે. રોકાણકારોએ આવા સમયમાં હજી સાવચેતી સાથે સિલેક્ટિવ બની લાર્જ કૅપ સ્ટૉક્સ પર ધ્યાન આપવામાં સાર છે. હાલ લમસમ મોટી રકમ કરતાં થોડી-થોડી રકમ રોકતાં રહેવામાં શાણપણ ગણાશે. વૉલેટિલિટીની તીવ્રતા સાથે અને ગ્લોબલ લેવલના સતત નેગેટિવ સમાચારો સાથે પણ બજાર ક્યાં સુધી નીચે જાય છે એ જોવાઈ-અનુભવાઈ ગયું છે. આને પાકી ખાતરી ભલે ન ગણાય, એમ છતાં બૉટમના સંકેત માની શકાય. આ ઉપરાંત લાંબા ગાળાના અભિગમ સાથે પોર્ટફોલિયો બનાવતાં રહેવામાં લાભ છે. આ કામ મ્યુચ્યુઅલ ફંડના પોર્ટફોલિયો સાથે પણ થઈ શકે, જેને બજારની યોગ્ય સૂઝ કે સમજ નથી તેમના માટે મ્યુચ્યુઅલ ફંડ સહી હૈ. 


સ્ટૉક્સના પ્રકાર જાણી-સમજી લો

શું તમને ખબર છે, દરેક સ્ટૉક્સના પણ પ્રકાર હોય છે? જેમ અમુક સ્ટૉક્સ એ ગ્રુપમાં હોય છે, અમુક બી ગ્રુપમાં કે અમુક બીએસઈ-૧૦૦, બીએસઈ-૨૦૦ અને બીએસઈ-૫૦૦માં હોય છે, એ જ રીતે એનએસઈનાં ગ્રુપ પણ છે. અમુક સ્ટૉક્સ એસ ગ્રુપ, ટી ગ્રુપ અને કેટલાક ઝેડ ગ્રુપમાં પણ છે, અમુક સ્ટૉક્સ ઇન્ડેક્સમાં હોય છે તો અમુક ઇન્ડેક્સની બહાર હોય છે. તમે બ્લુચિપ સ્ટૉક્સ કોને ગણો છો? ગ્રોથ સ્ટૉક કે ડિફેન્સિવ કોને માનો છો? આ સ્પષ્ટ સમજવાથી તમારા રોકાણના નિર્ણયને અસર થાય છે. આના દાખલાની એક ઝલક જોવા-જાણવાથી તમને લાભ થશે. બ્લુચિપ સ્ટૉક્સમાં એવા સ્ટૉક્સ આવે, જે લાર્જ કૅપ હોવા ઉપરાંત એકંદરે સ્ટેબલ ગણાય અને તેમની પ્રતિષ્ઠા ઊંચી હોય છે. દાખલા તરીકે એચડીએફસી બૅન્ક, હિન્દુસ્તાન યુનિલીવર, રિલાયન્સ ઇન્ડ. વગેરેનો સમાવેશ થાય. ગ્રોથ સ્ટૉક્સ એ હોય છે, જેની રેવન્યુ અને કમાણી ઝડપથી વધતાં હોય, જેમાં ઇન્ફોસિસ, બજાજ ફિનસર્વ, ટીસીએસ વગેરેનો સમાવેશ થાય. ડિવિડંડ સ્ટૉક્સ એટલે જે નિયમિત સારું ડિવિડંડ આપતા હોય, જેમ કે આઇટીસી, ઇન્ડિયન ઑઇલ, કોલ ઇન્ડિયા વગેરે. અમુક સ્ટૉક્સ સાઇકલિકલ હોય, જેની વધઘટ અર્થતંત્રના બદલાતા સંજોગો સાથે બદલાતી રહે, જેમાં તાતા સ્ટીલ, વૉલ્ટાસ, મારુતિ સુઝુકી વગેરેનો સમાવેશ થાય. ડિફેન્સિવ સ્ટૉક્સ એટલે એવી કંપનીઓ જેમની પ્રોડક્ટ્સ અને સર્વિસિસની લોકોને સતત જરૂર રહેતી હોય, જેમ કે બ્રિટાનિયા, ઍરટેલ, નેસ્લે વગેરે, અને છેલ્લે પેની સ્ટૉક્સ, આ સ્ટૉક્સના ભાવ બહુ નીચા રહેતા હોય છે, ઘણી વાર તો પૈસામાં કે બે-ચાર રૂપિયામાં બોલાતા હોય, તેમાંના ઘણા સ્ટૉક્સમાં વૉલેટિલિટી ભારે રહેતી હોય, જે સૌથી વધુ જોખમી પણ ગણાય. આવામાં સુઝલોન, રતનઇન્ડિયા, યસ બૅન્ક વગેરેનો સમાવેશ કરી શકાય. આટલા પ્રકાર સમજવાથી પણ રોકાણકાર તરીકે તમને કેવા સ્ટૉક્સ પસંદ કરવા જોઈએ, કેવા જાળવી રાખવા જોઈએ અને તેમાં કેટલું જોખમ હોઈ શકે છે એનો અંદાજ મળી શકે. આ બાબત પાયાની છે, પરંતુ શૅરબજારમાં સંપત્તિસર્જનની ઇમારત મજબૂત બનાવવા માટે આ પાયાની વાત સમજવી અનિવાર્ય છે.

Whatsapp-channel Whatsapp-channel

08 August, 2022 05:24 PM IST | Mumbai | Jayesh Chitalia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK