Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > આઇટીની આગેવાની હેઠળ સાંકડી વધ-ઘટમાં શૅરબજારની પીછેહઠ જારી, માર્કેટ બ્રેડ્થમાં નબળાઈ

આઇટીની આગેવાની હેઠળ સાંકડી વધ-ઘટમાં શૅરબજારની પીછેહઠ જારી, માર્કેટ બ્રેડ્થમાં નબળાઈ

07 December, 2022 02:28 PM IST | Mumbai
Anil Patel

ફાઇવસ્ટાર બિઝનેસ ૨૦ ટકાના ઉછાળે નવી ટોચે, ઈઝી ટ્રિપ પ્લાનર્સ ૮.૭ ટકા તૂટી એ-ગ્રુપમાં ટૉપ લૂઝર

પ્રતીકાત્મક તસવીર માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર


વિરામના અણસાર સાથે રિઝર્વ બૅન્ક વ્યાજદરમાં નાનો વધારો કરે એવી શક્યતા : લગભગ તમામ ઇન્ડાઇસિસ રેડ ઝોનમાં, પણ પીએસયુ બૅન્ક નિફ્ટીનાં નવાં શિખર જારી : ફાઇવસ્ટાર બિઝનેસ ૨૦ ટકાના ઉછાળે નવી ટોચે, ઈઝી ટ્રિપ પ્લાનર્સ ૮.૭ ટકા તૂટી એ-ગ્રુપમાં ટૉપ લૂઝર : નવા ટી ગાર્ડન ટેકઓવર કરવાના અહેવાલે ધૂન સેરિટી જંગી વૉલ્યુમે ૨૦ ટકાની તેજીમાં, ગ્રુપના અન્ય શૅર પણ ઝળક્યા : બોનસના ગાજરથી રેટન ટી એમટીમાં સટ્ટાખોરીને નવું જોમ, બીજા દિવસેય પોણો ડઝન બૅન્ક શૅરોમાં નવાં બેસ્ટ લેવલ જોવા મળ્યાં 

બુધવારે રિઝર્વ બૅન્કની પૉલિસી મીટિંગનું પરિણામ છે. એક સમય હતો જ્યારે રિઝર્વ બૅન્ક વર્ષમાં બે જ વખત પૉલિસી જાહેર કરતી, હાલમાં વર્ષમાં ૬ વાર કરે છે. અગાઉ પૉલિસી મીટિંગ, જાહેરાત અને પત્રકાર-પરિષદ બધું જ એક જ દિવસે થઈ જતું હતું. હવે રિઝર્વ બૅન્કના સાહેબો દર બે મહિને ત્રણ-ત્રણ દિવસ સુધી મીટિંગ-મીટિંગ રમતા રહે છે. એની વે, ચાલુ વર્ષે અત્યાર સુધી બે ટકા નજીકનો વ્યાજદરમાં વધારો કર્યા પછી આ વખતે રિઝર્વ બૅન્ક નવો કેટલો વધારો કરશે એની ચર્ચા છે. બહુમતી માને છે કે રેપોરેટ મહત્તમ ૦.૩૫ ટકા વધશે અને આની સાથે જ વ્યાજદરમાં વધારાની સાઇકલ અટકશે. ફુગાવાનું પ્રેશર હળવું થઈ અમેરિકા ખાતે સર્વિસિસ સેક્ટરનો ગ્રોથ નવેમ્બરમાં ધારણા કરતાં સારો આવતાં ફેડરેટમાં વધારો ચાલુ રહેવાની આશંકા જાગી છે. ડાઉ ઇન્ડેક્સ દોઢ ટકાની અને નૅસ્ડૅક બે ટકાની નજીક ડાઉન થયા છે. એની પાછળ એશિયન બજારો પણ મંગળવારે મુરઝાયાં હતાં. તાઇવાન, સાઉથ કોરિયા અને ઇન્ડોનેશિયન માર્કેટ એકથી પોણાબે ટકા બગડ્યા છે. 



સિંગાપોર તથા થાઇલૅન્ડ અડધા ટકાની આજુબાજુ નરમ હતા. જપાન સાધારણ પ્લસ તો ચાઇના ફ્લૅટ બંધ હતું. યુરોપ રનિંગમાં સામાન્ય ઘટાડે દેખાયું છે. બ્રેન્ટક્રૂડ ૮૩ ડૉલર પર મક્કમ હતું. 
સેન્સેક્સ ૪૪૦ પૉઇન્ટની ગૅપમાં નીચે ખૂલી ગઈ કાલે ૨૦૮ પૉઇન્ટ ઘટી ૬૨૬૨૬ તથા નિફ્ટી ૫૮ પૉઇન્ટ ઘટીને ૧૮૬૪૩ બંધ રહ્યો છે. બજાર આરંભથી અંત સુધી માઇનસ ઝોનમાં હતું. દિવસ દરમ્યાન વધ-ઘટની રેન્જ ૨૯૦ પૉઇન્ટની હતી. નેગેટિવ માર્કેટ બ્રેડ્થમાં એનએસઈ ખાતે ૭૭૨ શૅર વધ્યા છે. સામે ૧૨૨૮ જાતો નરમ હતી. લગભગ તમામ સેક્ટોરલ ઘટ્યાં છે. પીએસયુ બૅન્ક નિફ્ટી અપવાદ બન્યો છે. 


બગડવામાં મેટલ શૅરો મોખરે રહ્યા, ફાઇવસ્ટાર તેજીની સર્કિટે નવી ટોચે 
સેન્સેક્સના ૩૦માંથી ૧૫ અને નિફ્ટીના ૫૦માંથી ૩૦ શૅર ઘટ્યા છે. આગલા દિવસે ટૉપ ગેઇનર રહેલા હિન્દાલ્કો અને તાતા સ્ટીલ ગઈ કાલે અનુક્રમે ૨.૬ ટકા તથા ૨.૫ ટકા બગડ્યા છે. ભારત પેટ્રો ૨.૯ ટકા, ડૉ. રેડ્ડીઝ લૅબ ૨.૩ ટકા અને યુપીએલ ૧.૮ ટકા માઇનસ હતા. અન્યમાં ઇન્ફી, ટીસીએસ, આઇશર, જેએસડબ્લ્યુ સ્ટીલ, ભારતી ઍરટેલ, હીરો મોટોકૉર્પ, એચસીએલ ટેક્નૉ, આઇસીઆઇસીઆઇ બૅન્ક, ટેક મહિન્દ્ર, સ્ટેટ બૅન્ક પોણાથી દોઢ ટકો નરમ હતા. 

અદાણી એન્ટર ૨.૪ ટકા વધી ૪૦૨૬ના બંધમાં નિફ્ટી ખાતે તો હિન્દુ. યુનિલીવર ૧.૪ ટકાના સુધારે ૨૬૫૭ના બંધમાં સેન્સેક્સ ખાતે ટૉપ ગેઇનર હતા. બ્રિટાનિયા ૪૪૫૨ની નવી ટૉપ બનાવી અડધો ટકો વધી ૪૪૨૮ હતો. બજાજ ઑટો એકાદ ટકો પ્લસ હતા. રિલાયન્સ આગલા દિવસની દોઢ ટકાની નબળાઈ બાદ મંગળવારે નીચો, ૨૬૬૦ ખૂલી ઉપરમાં ૨૬૯૭ થઈ નજીવો સુધરી ૨૬૮૮ રહ્યો છે. અદાણી ટ્રાન્સ. અઢી ટકા, અદાણી ટોટલ ત્રણ ટકા અને અદાણી વિલ્મર સવા ટકો પ્લસ હતા. એનડીટીવીમાં મંદીની સર્કિટનો દોર શરૂ થયો છે. ભાવ વધુ પાંચ ટકા તૂટી ૩૭૪ હતો. અંબુજા સિમેન્ટ્સ દોઢ ટકો વધી ૫૮૧ થયો છે. મુંબઈ ખાતેની બી રાઇટ રિયલ એસ્ટેટ ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૧૪૪ વટાવી ગયો છે. રુસ્તમજીની કીસ્ટોન દોઢ ટકો સુધરી ૫૪૦ હતી. ફાઇવસ્ટાર બિઝનેસ પણ ૨૦ ટકાની તેજીની સર્કિટે ૬૨૪ની વિક્રમી સપાટી બનાવી ત્યાં જ હતી. ઇઝી ટ્રિપ પ્લાનર્સ ૮.૭ ટકાની ખુવારીમાં ૫૬ બંધ આવીને એ-ગ્રુપ ખાતે ટૉપ લૂઝર બની છે. પૂર્વાન્કારા સાત ગણા વૉલ્યુમે ૧૦.૮ ટકાનો જમ્પ મારી ૧૦૭ બંધ આપી અહીં સેકન્ડ બેસ્ટ ગેઇનર હતી. વેસ્ટલાઇફ ફૂડ ૮૧૫ની ટોચે જઈ ૬ ટકા વધી ૭૮૪ રહી છે. સ્પાઇસ જેટ સવાછ ટકા વધી ૪૨ હતો.


મૉર્ગન સ્ટૅનલીના બુલિશ વ્યુની હૂંફમાં પીએસયુ બૅન્ક નિફ્ટી સામા પ્રવાહે 
પીએસયુ બૅન્ક નિફ્ટી ૪૨૭૭ની નવી ટોચે જઈ સવા ટકો વધીને ૪૨૦૪ બંધ થયો છે. એના ૧૨માંથી ૧૦ શૅર પ્લસ હતા. મૉર્ગન સ્ટૅનલીવાળા નવા ઊંચા ટાર્ગેટ સાથે બૅન્ક ઑફ બરોડા, બૅન્ક ઑફ ઇન્ડિયા, સ્ટેટ બૅન્ક, પીએનબી, કૅનેરા બૅન્ક જેવા શૅરોમાં બુલિશ બન્યા છે. બૅન્ક નિફ્ટી મંગળવારે અડધો ટકો કે ૧૯૪ પૉઇન્ટ ઘટ્યો છે. એના ૧૨માંથી ૭ શૅર નરમ હતા. બૅન્કિંગ ઉદ્યોગના ૩૭માંથી ૧૯ શૅર વધ્યા છે. પંજાબ સિંધ બૅન્ક ૧૯.૬ ટકાની તેજીમાં ૩૦ના નવા શિખરે બંધ હતી. ગઈ કાલે ઇન્ટ્રા-ડેમાં બૅન્ક ઑફ બરોડા, બૅન્ક ઑફ ઇન્ડિયા, આઇડીબીઆઇ બૅન્ક, ઇન્ડિયન બૅન્ક, જેકે બૅન્ક, પીએનબી, સાઉથ ઇન્ડિયન બૅન્ક, યુનિયન બૅન્ક નવી ઐતિહાસિક ટોચે ગયા હતા. ઇક્વિટાસ બૅન્ક ૫.૯ ટકા, બૅન્ક ઑફ બરોડા દોઢ ટકા, યુનિયન બૅન્ક ૬.૩ ટકા, યુકો બૅન્ક ૩.૪ ટકા, જેકે બૅન્ક ૫.૮ ટકા મજબૂત હતા. સૂર્યોદય બૅન્ક ચાર ટકા, ધનલક્ષ્મી બૅન્ક પાંચેક ટકા, ફેડરલ બૅન્ક ૧.૯ ટકા માઇનસ હતા. આઇસીઆઇસીઆઇ બૅન્ક સવા ટકો નરમ હતો. 
ફાઇનૅન્સ બેન્ચમાર્ક ૧૩૭માંથી ૫૪ શૅરના સુધારા વચ્ચે ૨૪ પૉઇન્ટ ઘટ્યો છે. ધુનસેરી વેન્ચર્સ ૫.૬ ટકા ઊંચકાઈ ૨૭૯ હતો. ઇક્વિટાસ હોલ્ડિંગ્સ ચાર ટકા વધ્યો છે. આગલા દિવસનો હીરો સાટિન ક્રેડિટ કૅર ૫.૭ ટકા ગગડી ૧૬૨ રહ્યો છે. એલઆઇસી ૬૫૨ જેવા આગલા સ્તરે ટકેલો હતો. પેટીએમ પોણાબે ટકા ઘટીને ૫૧૪, પૉલિસી બાઝાર ચાર ટકા બગડીને ૪૫૮, નાયકા સવા ટકો ઘટીને ૧૭૪, ઝોમૅટો એક ટકો ઘટી ૬૫ નજીક બંધ હતા. આદિત્ય બિરલા કૅપિટલ ૧૬૧ની નવી ટૉપ બાદ ૧૫૮ ઉપર ફ્લૅટ રહી છે. સ્ટાર હેલ્થ સવાબે ટકા ઘટી છે. 

આઇટીમાં હેવીવેઇટ્સ પાછળ વ્યાપક નબળાઈ, મેટલ શૅર પ્રૉફિટ બુકિંગમાં 
નૅસ્ડૅકની નબળાઈ પાછળ ઘરઆંગણે આઇટી શૅરો ઢીલા હતા. આંક ૧.૪ ટકા બગડ્યો છે. અહીં ૬૧માંથી ૧૫ શૅર પ્લસ હતા. ફ્રન્ટલાઇમાં ઇન્ફી ૧.૭ ટકા ગગડી ૧૬૧૩, ટીસીએસ સવા ટકો ઘટી ૩૩૮૪, ટેક મહિન્દ્ર ૧.૧ ટકો ઘટીને ૧૦૮૭, તો વિપ્રો સાધારણ ઘટાડે ૪૧૧ બંધ હતા. લાર્સન ઇન્ફોટેક માઇન્ડ ટ્રી નરમાઈની આગેકૂચમાં ૩.૨ ટકા ઘટી ૪૮૧૬ હતો. ૬૩ મૂન્સ આગલા દિવસની મજબૂતી પછી ૧.૮ ટકા ઘટી ૧૫૭ રહ્યો છે. 

આઇટીના ભાર સાથે નેટવર્ક૧૮, ટીવી૧૮, તાતા કમ્યુ, ઝી એન્ટર, ઇન્ડસ ટાવર, જસ્ટ ડાયલ, ભારતી ઍરટેલ, તાતા ટેલિ, વોડાફોન ઇત્યાદિ પોણાથી સાડાત્રણ ટકા ઘટતાં ટેક્નૉલૉજી બેન્ચમાર્ક ૨૭માંથી ૨૦ શૅરની નબળાઈમાં ૧.૪ ટકા કટ થયો છે. મેટલ ઇન્ડેક્સ ૯માંથી ૮ શૅરની પીછેહઠમાં ૩૫૬ પૉઇન્ટ કે ૧.૭ ટકા ડાઉન હતો. વેદાન્તા, જિન્દલ સ્ટીલ, હિન્દાલ્કો, નાલ્કો, સેઇલ, એપીએલ અપોલો, વેલકૉર્પ, હિન્દુસ્તાન કૉપર ઇત્યાદદિ એકથી અઢી ટકા પીગળ્યા છે. એનએમડીસી, જીએમડીસી, ઓડિશા મિનરલ્સ, ગોવાકાર્બન જેવા મિનરલ્સ શૅર દોઢથી ત્રણ ટકા માઇનસ હતા. 

ઉત્પાદકો તરફથી ભાવવધારાના નવા રાઉન્ડ વચ્ચે ઑટો ઇન્ડેક્સ સાધારણ ઘટ્યો છે. ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ, મારુતિ સુઝુકી, અશોક લેલૅન્ડ, એસ્કોર્ટ્સ, આઇશર, હીરો મોટોકૉર્પ, અતુલ ઑટો પોણાથી સવા ટકો ઢીલા હતા. ટીવીએસ મોટર ૨.૭ ટકા વધીને ૧૦૪૫ હતો. 

ઉત્પાદન ઘટાડાના અહેવાલથી શુગર શૅરોમાં ભળતી મીઠાશ આવી 
વૉરેન ટીના ચાર ટી ગાર્ડન હસ્તગત કર્યા પછી ધુનસેરી ટી તરફથી એપીજયટી પાસેથી બે ટી ગાર્ડન ૧૦૯ કરોડમાં ખરીદવાના કરાર થયા છે. ધુનસેરી ટી ગઈ કાલે ૫૮ ગણા જબ્બર વૉલ્યુમે ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૨૬૬ વટાવી અંતે ત્યાં જ બંધ રહી છે. ગ્રુપ કંપની ધુનસેરી વેન્ચર્સ ૫.૬ ટકા અને ધુનસેરી ઇન્વેસ્ટમેન્ટ સાત ટકા ઊંચકાયા છે. બજાર કન્ઝ્‍યુમરમાં બાયબૅક માટે ૯મીએ બોર્ડ મીટિંગ છે. શૅર બે ટકાના સુધારામાં ૧૭૯ હતો. અમદાવાદી રેટન ટીએમટી સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહે શૅરદીઠ ૭૦ના ભાવે ૫૬ કરોડનો એસએમઈ આઇપીઓ લાવી હતી. લિસ્ટિંગ ડિસ્કાઉન્ટમાં થયું હતું અને એ પછી ૧૩ સપ્ટેમ્બરે ભાવ ૫૧ની અંદર ઑલટાઇમ તળિયે ગયો હતો. બાદમાં સટ્ટાખોરી શરૂ થતાં ભાવ ઉપલી સર્કિટની હારમાળામાં નવાં શિખર સર કરવા માંડ્યો હતો. 

હવે કંપનીએ ૨૧ ડિસેમ્બરે બોનસ માટે બોર્ડ-મીટિંગનું ગાજર આપ્યું છે. શૅર ગઈ કાલે પાંચ ટકાની ઉપલી સર્કિટે ૩૧૪ની વિક્રમી સપાટીએ ગયો છે. 

બીએલએસ ઇન્ટરનૅશનલ શૅરદીઠ એક બોનસમાં ગુરુવારે એક્સ-બોનસ થવાનો છે. ભાવ દોઢ ટકો ઘટી ૩૬૫ બંધ આવ્યો છે. 

શુગરનું ઉત્પાદન સાત ટકા ઘટવાના અહેવાલ પાછળ ઉદ્યોગના ૩૮માંથી ૨૭ શૅર ગઈ કાલે મીઠા બન્યા હતા. પોની ઈ રોડ ૮.૫ ટકા, ધરણી શુગર ચાર ટકા, ઉગર શુગર સાડાત્રણ ટકા, અવધ શુગર ૪.૭ ટકા, દાલમિયા શુગર ૧.૯ ટકા, રેણુકા શુગર ત્રણ ટકા, સિમ્ભોલી શુગર સવાસાત ટકા વધ્યા છે. દાવણગિરિ પાંચ ટકા તૂટ્યો છે.‍

Whatsapp-channel Whatsapp-channel

07 December, 2022 02:28 PM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK