° °

આજનું ઇ-પેપર
Monday, 06 December, 2021


બજારની વધારાની ચરબી ઊતરવાનું શરૂ : માર્કેટ અને ઇન્વેસ્ટરોની ફિટનેસ માટે સારું

22 November, 2021 12:27 PM IST | mumbai | Jayesh Chitalia

બજારને કરેક્શનની ક્યારની પ્રતીક્ષા હતી જે તંદુરસ્તી માટે આવકાર્ય ગણાય. આ કરેક્શનની એક ઝલક ગયા સપ્તાહમાં જોવાઈ. મહત્ત્વની વાત એ છે કે હવે પછી આઇપીઓના વૅલ્યુએશન પણ ઢીલા પડી શકે. કરેક્શન ચાલુ રહે તો સિલેક્ટિવ ખરીદીની તક ગણી શકાય.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

શૅરબજારમાં કેટલાય દિવસોથી મુખ્ય ચર્ચાનો વિષય હતો, માર્કેટનું ઓવરવૅલ્યુએશન, બજાર મોંઘી બની ગઈ છે, ભાવ વધુ પડતા ઊંચે ચાલ્યા ગયા છે. હવે ક્યાં સુધી બજાર વધશે? કયા કારણસર વધશે? કે પછી હવે મોટેભાગે કરેક્શન જ આવશે? કારણ કે બજાર ઓવર વૅલ્યુ થઈ ગયું છે, પરિણામે હવે બજારે વધવું હશે તો એ પહેલાં તેણે ઘટવું અનિવાર્ય છે. વીતેલા સપ્તાહમાં આ ઘટાડાનો ટ્રેન્ડ લાંબા સમય બાદ પહેલીવાર જોવાયો હતો. પ્રથમ દિવસે-સોમવારે ઉછાળા બાદ તરત ઘટીને સાધારણ પ્લસ બંધ રહેનાર બજારે પછીના ત્રણ દિવસમાં સેન્સેક્સના ૧૦૦૦ પૉઇન્ટનું ધોવાણ કરી નાખ્યું હતું.   
ક્રેશ કરતાં કરેક્શન સારું

બજાર ઘટવાનાં કારણોમાં નેગેટિવ ગ્લોબલ સંજોગો અને પ્રૉફિટ બુકિંગ તો હતું જ, પરંતુ સૌથી મોટું કારણ ઓવર વૅલ્યુએશન હતું. રિઝર્વ બૅન્ક અને વિવિધ ગ્લોબલ ઇન્વેસ્ટરો-ઇન્વેસ્ટમેન્ટ સંસ્થાઓ ભારતીય માર્કેટ મોંઘી બની ગઈ હોવાનું દઢપણે માનતા થયા હતા, જોકે નવાઈની વાત એ છે કે કેટલીય કંપનીઓના પ્રમોટર્સ તેમની કંપનીમાં પોતાનો હિસ્સો વધારી રહ્યા છે. અર્થાત તેમને ભવિષ્યમાં વૅલ્યુ વધવાની આશા છે. આ એક પ્રકારની સારી નિશાની ચોક્કસ ગણાય. બીજી બાજુ ઇકોનૉમિક રિકવરી પણ સતત ચાલુ છે. તેમ છતાં હાલ તો બજારની વધારાની ચરબી ઊતરવાની ઘટના આવકાર્ય છે, આર્થિક ફન્ડામેન્ટલ્સ સાથે બજારની ગતિનો મેળ ખાતો નહોતો અને આ વિષયમાં નિયમિત ચિંતા પણ વ્યક્ત થતી રહેતી હતી. સતત વૃદ્ધિને કારણે રોકાણકારોને ખરીદીની તક મળતી નહોતી. શૅરબજારની તેજીના અતિરેકને લીધે આઇપીઓમાં પણ પાત્રતા કરતાં ઊંચા ભાવ ઑફર થતા હતા અને ઊછળતા પણ હતા. આમ માર્કેટનો ફુલતો ફુગ્ગો આગળ જતા ભારે પડે એમ હતો, ફુગાવાના દબાણે વેચાણનું પ્રેશર

વીતેલા સપ્તાહના પ્રથમ દિવસ-સોમવારે બજાર ઉછાળા સાથે શરૂ થયું, જોકે ગ્લોબલ માર્કેટની વૉલેટિલિટીને કારણે તેમ જ સ્થાનિકમાં પ્રૉફિટ બુકિંગને લીધે ૩૦૦થી વધુ પૉઇન્ટ ઊંચકાયેલો સેન્સેક્સ બંધ થતી વખતે માત્ર ૩૨ પૉઇન્ટ પ્લસ રહ્યો હતો. ઈન્ફ્લેશનની વૃદ્ધિ પણ નેગેટિવ કારણ બન્યું હતું. દરમ્યાન લિસ્ટ થયેલા ત્રણ આઇપીઓમાં પૉલિસી બાઝાર ઊંચો ખૂલ્યો અને સિગાચી ઇન્ડસ્ટ્રીઝ જબ્બર ઊંચો ખૂલ્યો હતો, જ્યારે કે એસજેએસ એન્ટરપ્રાઇસ માઇનસમાં ખૂલ્યો હતો. મંગળવારે બજારે ભારે વૉલેટિલિટી સાથે નેગેટિવ વલણ દર્શાવ્યું હતું.  ઇન્ફ્લેશન પ્રેશર અને કંપનીઓના સંભવિત ભાવવધારા તેમ જ ડિમાંડ પર અસર થવાની શંકાનું પરિબળ નેગેટિવ અસર ઊપજાવી ગયું હતું. રોકાણકારો તાજેતરના સમયમાં લિસ્ટેડ થયેલી કંપનીઓ અને ટ્રેડિશનલ કંપનીઓના વૅલ્યુએશન વિશે કન્ફ્યુઝ થવા લાગતા વેચાણનું ભારે દબાણ આવ્યું હતું. સેન્સેક્સ ૩૯૬ પૉઇન્ટ અને નિફ્ટી ૧૧૦ પૉઇન્ટ માઇનસ બંધ રહ્યા હતા. 
પેટીએમ પણ માર્કેટના પંકચરનું કારણ

બુધવારનો દિવસ ફરી પ્રૉફિટ બુકિંગ અને તેને પરિણામે કરેક્શનનો રહ્યો હતો. યુએસ રીટેલ વેચાણના ડેટા સારા આવવા છતાં માર્કેટમાં ઓવરઓલ સેલિંગ પ્રેશર હતું, સેન્સેક્સ ૩૧૪ પૉઇન્ટ અને નિફ્ટી ૧૦૦ પૉઇન્ટ માઇનસ થઈ બંધ રહ્યા હતા. બજારનો ઘટાડો તે ઓવરવૅલ્યુડ હોવાની વાતને સમર્થન આપતો રહે છે. આ જ કારણને સાથે રાખી ગુરુવારે બજારે નેગેટિવ શરૂઆત કરી હતી, જેમાં આંખે ઊડીને વળગે એવી ઘટના હતી. પેટીએમના શૅરનું નોંધપાત્ર નીચા ભાવે (ડિસ્કાઉન્ટમાં) લિસ્ટિંગ. જેને લીધે પણ માર્કેટનું સેન્ટિમેન્ટ ખરડાયું હતું. આ સાથે ગ્લોબલ સંકેત નેગેટિવ હતા, યુએસ ટેપરિંગ ધારણા કરતાં વહેલું શરૂ થવાની શક્યતા ચિંતાનો વિષય બની છે, જ્યારે કે ભારતીય બજારમાં ફોરેન ઇન્વેસ્ટરો સતત વેચવાલ બનતા જાય છે. આઇપીઓ ભળતા ઊંચા ભાવે નાણાં લઈ જતા હોવાની વાત હવે રોકાણકારોને પલ્લે પડી હોવાનું સમજાય છે. ઝોમૅટો અને નાયકાના ઘટેલા ભાવ પણ આની સાક્ષી પૂરે છે. ખોટ કરતી કંપનીઓ ભરપૂર ભંડોળ ઊભું કરી જાય અને ઊંચા ભાવે પણ ચાલે એ બાબતે મોડે-મોડે રોકાણકારોને જ્ઞાન થયું હોય એવું જણાય છે. આમ પણ પેટીએમનો કિસ્સો વધુ ચર્ચાસ્પદ હતો જ. તેના મોટા ઇન્વેસ્ટરોને તેમાંથી નીકળવું હતું અને બજારે ભાવ નીચા ખોલ્યા છતાં આ રોકાણકારોને તો તેમના ખરીદભાવ કરતાં ઊંચો ભાવ મળ્યો જ હતો, જ્યારે કે સામાન્ય રોકાણકારો પીટાઈ ગયા હતા. વધુ કઠણાઈ એ છે કે આ શૅરના ભાવ હજી ઘટવાની ધારણા મુકાઈ છે. 
હવે પછી કરેક્શન ખરીદીની તક?

ઊંચા ઇન્ફ્લેશન અને ઊંચા વૅલ્યુએશનને પરિણામે ઊંચા કરેક્શનનું આ વખતે અસરકારક આક્રમણ હતું. ગુરુવારે સેન્સેક્સ ૩૭૨ પૉઇન્ટ માઇનસ થઈ ૫૯,૬૩૬ અને નિફ્ટી ૧૩૩ પૉઇન્ટ માઇનસ સાથે ૧૭૭૬૪ બંધ રહ્યા હતા. સ્મૉલ અને મિડ કૅપમાં પણ ભારે કડાકા સાથે બ્રોડર માર્કેટ પણ તૂટી હતી. જોકે આ સતત ત્રણ દિવસના ઘટાડાને ખરેખર કરેક્શન કહેવું કે કેમ એ પણ સવાલ છે. કારણ કે માર્કેટ જે પ્રમાણે સતત વધતું ગયું હતું, તે મુજબ તેનું ઘટવું જરૂરી હતું. પ્રૉફિટ બુકિંગ અનિવાર્ય બન્યું હતું. તેમાં વળી પેટીએમના પ્રથમ દિવસના કડાકાએ માનસ બગાડ્યું જ હતું. શુક્રવારે ગુરુ નાનક જયંતી નિમિત્તે બજાર બંધ હતું, અન્યથા તેની નીચે જવાની શક્યતા વધી ગઈ હોત. આગામી સપ્તાહમાં આંશિક નવી ખરીદીની આશા રાખી શકાય. બાકી હવે કરેક્શનનો દોર થોડા દિવસ ચાલુ રહી શકે છે, પરંતુ આ દોર આગળ ચાલે તો સિલેક્ટિવ ધોરણે ખરીદી કરતા જવામાં સાર ગણવો. અલબત્ત હવે બજારને રિકવર થવા માટે પૉઝિટિવ ટ્રિગર જોઈશે. 

નેગેટિવ સંકેતો સમજવા પડે

નવા વર્ષમાં ફુગાવાને ધ્યાનમાં રાખી રિઝર્વ બૅન્ક વ્યાજદર વધારે એવી શક્યતા સાથે પ્રવાહિતા પણ ટાઇટ કરે એવી સંભાવના નકારી શકાય નહીં.  જોકે રિઝર્વ બૅન્કના ગવર્નર વ્યાજદરનું દબાણ નથી એવું કહે છે. કૉર્પોરેટ અર્નિગ્સ નીચે જાય એવું ધારવામાં આવે છે. બજાર પર હાઈ વૅલ્યુએશનનું દબાણ ચાલુ છે અને રહેશે. સ્ટૉક્સ સિલેક્શનમાં ધ્યાન રાખવું જોઈશે, અન્યથા ઊંચા ભાવે અટવાઈ જવાનો ભય રહેશે. ફોરેન ઇન્વસ્ટરો હવે પછી વધુ સાવચેતીનો અભિગમ રાખી શકે છે. ફ્યુઅલના ઊંચા ભાવ ચિંતાના વિષય છે. હોલસેલ ફુગાવો ઊંચો રહ્યો છે, ગ્લોબલ વિકાસ સામે અનિશ્ચિતતા ઊભી છે, કૉમોડિટીઝના ભાવ વધી રહ્યા છે, સપ્લાય સામે સમસ્યા છે અને સૌથી સંવેદનશીલ બાબત એ છે કે મોટા ભાગના દેશોમાં અર્થતંત્રને સહયોગ-ટેકો આપવાની બાબતમાં રિવર્સ વલણ જોવામાં આવે એવી સંભાવના વધતી જાય છે. 

પૉઝિટિવ સંકેત પણ સમજો
દરમ્યાન વડા પ્રધાનની આર્થિક સલાહકાર સમિતિના અધ્યક્ષે આ વર્ષે દેશનો જીડીપી ગ્રોથ રેટ ૧૦ ટકા રહેવાની આશા વ્યક્ત કરી છે. આ માટે તેમણે વિવિધ સકારાત્મક આર્થિક સંકેત પણ જણાવ્યા છે જે સૌની નજર સામે છે. ચાલુ નાણાકીય વર્ષના અંત પહેલાં સરકાર એલઆઇસીનો મેગા ઇશ્યુ તો લાવીને આ માર્ગે જંગી ભંડોળ ઊભું કરશે. આ સાથે ડિસેમ્બર સુધીમાં સરકાર પાંચ કે છ જાહેર સાહસોના શૅર છૂટા કરીને અથવા તેનું ખાનગીકરણ કરીને ભંડોળ ઊભું કરવા ધારે છે. કૃષિ ક્ષેત્ર માટેની વિવાદાસ્પદ જોગવાઈઓ રદ કરીને સરકારે કંઈક અંશે રાજકીય વિવાદને શાંત કરી દીધો હોવાની વાત પૉઝિટિવ ઘટના છે. 

22 November, 2021 12:27 PM IST | mumbai | Jayesh Chitalia

અન્ય લેખો

યુવા ઉદ્યમીઓને કારણે ભારતનું ભાવિ ઉજ્જવળ છે : માસાયોશી સોન

તેમણે જણાવ્યામુજબ આ વર્ષે એમના સોફ્ટબૅન્ક ગ્રુપે ભારતમાં ત્રણ અબજ ડૉલરનું રોકાણ કર્યું છે

04 December, 2021 11:59 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતમાં જૂની કારના ખરીદદારોમાં યુવાનો સૌથી વધારે છે : કાર્સ-૨૪ના અભ્યાસનું તારણ

ની કારના ખરીદદારોમાં યુવાનોનું પ્રમાણ ૮૦ ટકા છે

04 December, 2021 11:54 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

મુકેશ અંબાણીએ ડેટા પ્રાઇવસી અને ક્રિપ્ટોકરન્સીના ખરડાને આપ્યું સમર્થન

ભારતનો ડેટા ભારતમાં જ રહેવો જોઈએ અને એના સંગ્રહ તથા ઉપયોગની બાબતે દેશની અંદર જ કડક નિયમ ઘડવામાં આવવા જોઈએ એવો અંબાણીનો મત રહ્યો છે

04 December, 2021 11:52 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK