Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ચાલુ વર્ષની સૌથી લાંબી સુધારાની ઇનિંગ્સ સાથે શૅરબજાર છેવટે ૬૦ હજારને વટાવી ગયું

ચાલુ વર્ષની સૌથી લાંબી સુધારાની ઇનિંગ્સ સાથે શૅરબજાર છેવટે ૬૦ હજારને વટાવી ગયું

18 August, 2022 02:30 PM IST | Mumbai
Anil Patel

બ્રેન્ટ ક્રૂડ બૅરલદીઠ ૯૨ ડૉલરની અંદર, છ માસની નીચી સપાટીએઃ RZની એન્ટ્રી કન્ફર્મ થતાં ​સિંગર ઇન્ડિયાની આગેકૂચ, ભારત ગિયર્સ મેઇડન બોનસ માટે બોર્ડ મીટિંગમાં ૧૮.૮ ટકા ઊછળ્યોઃ આઇટીડીસીમાં ડાઇવેસ્ટમેન્ટનો કરન્ટ, મહિન્દ્ર લાઇફને બાયનું રેટિંગ ફળ્યું

પ્રતીકાત્મક તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર


બ્રેન્ટ ક્રૂડ બૅરલદીઠ ૯૨ ડૉલરની અંદર, છ માસની નીચી સપાટીએઃ RZની એન્ટ્રી કન્ફર્મ થતાં ​સિંગર ઇન્ડિયાની આગેકૂચ, ભારત ગિયર્સ મેઇડન બોનસ માટે બોર્ડ મીટિંગમાં ૧૮.૮ ટકા ઊછળ્યોઃ આઇટીડીસીમાં ડાઇવેસ્ટમેન્ટનો કરન્ટ, મહિન્દ્ર લાઇફને બાયનું રેટિંગ ફળ્યું: વર્ષ પહેલાં ૫૧વાળો જેનસોલ એન્જિનિયરિંગ તેજીની સર્કિટની હારમાળામાં ૧૩૭૦ની સર્વોચ્ચ સપાટીએ

ઘરઆંગણે શૅરબજાર ફરીથી ૬૦ હજારની પાર થયું છે. સેન્સેક્સ બુધવારે ૪૧૮ પૉઇન્ટની આગેકૂચમાં ૬૦,૨૬૦ તથા નિફ્ટી ૧૧૯ પૉઇન્ટ ઊંચકાઈને ૧૭,૯૪૪ બંધ થયા છે. આ સાથે માર્કેટ સળંગ ૭મા દિવસે પણ પૉઝિટિવ ઝોનમાં ગયું છે, જે ૨૦૨૨ના કૅલેન્ડર વર્ષની પ્રથમ ઘટના છે. લાગે છે કે આ વખતે નવરાત્રિ જામે ત્યાં સુધીમાં બજાર તેજીની હીંચ લેવાનું બરાબર શીખી ગયું હશે. રોજ નવી ઑલટાઇમ હાઈનું રી-રન દેખાડશે. વિશ્વબજારમાં બ્રેન્ટ ક્રૂડ ૯૨ ડૉલરની અંદર બરાબર છ માસના તળિયે આવી ગયું છે. નાયમેક્સ ક્રૂડમાં ૮૬ ડૉલરનું લેવલ દેખાયું છે. ટ્રાફાલ્ગર માઇનિંગ પ્રૉબ્લેમને લઇ ઝિંકના સપ્લાયની ફિકર જાગતાં જસત ત્રણ ટકા વધી છે, અન્ય બેઝ મેટલ નહીંવત્ ઘટાડે જોવાઈ છે. બ્રિટન ખાતે જુલાઈમાં ગ્રાહક ભાવાંકની રીતે ફુગાવો ૧૦.૧ ટકા થયો છે. ૪૦ વર્ષમાં પ્રથમ વાર ત્યાં ફુગાવો બે આંકડે ગયો છે, જેની અસરમાં યુરોપનાં શૅરબજારો ગઈ કાલે નબળા ઓપનિંગ બાદ રનિંગ ક્વોટમાં અડધાથી એક ટકાની આસપાસ નરમ હતાં. જોકે એશિયન બજારો બહુધા પ્લસ થયાં છે. જૅપાનીઝ નિક્કી સવા ટકો તો અન્યત્ર લગભગ અડધા ટકાનો સુધારો હતો. સાઉથ કોરિયન માર્કેટ ૦.૭ ટકાની આગેકૂચ સામે ટેલિકૉમ ઇન્ડેક્સ ૧.૮ ટકા, પીએસયુ બૅન્ક નિફ્ટી સવાબે ટકા, નિફ્ટી-મીડિયા ઇન્ડેક્સ ડ્યુરેબલ્સ, ફાઇનૅન્સ જેવા બેન્ચમાર્ક એક ટકાની આસપાસ પ્લસ હતા. ઑટો ઇન્ડેક્સ સાધારણ તો બૅન્કેક્સ નામપૂરતો નરમ હતો. માર્કેટ બ્રેડ્થ રાબેતા મુજબ પૉઝિટિવ રહી છે. એનએસઈમાં વધેલા ૧૨૧૦ શૅર સામે ૭૫૧ જાતો માઇનસ હતી. 
બજાજ ટ‍્વિન્સે ટૉપ ગેઇનર બની બજારને ૧૦૫ પૉઇન્ટ પ્રદાન કર્યું 
ગઈ કાલે સેન્સેક્સના ૩૦માંથી ૨૩ અને નિફ્ટીના ૫૦માંથી ૩૩ શૅર વધ્યા છે. બજાજ ફાઇ. ૩.૩ ટકા કે ૨૩૯ રૂપિયાની તેજીમાં ૭૫૨૫ તો બજાજ ફિનસર્વ પોણા ટકા કે ૯૧૪ રૂપિયાના ઉછાળે ૧૬,૮૨૮ બંધ આપી સેન્સેક્સને ૧૦૫ પૉઇન્ટ ફળ્યો છે. ભારતી ઍરટેલ ૫Gના લૉન્ચિંગની તૈયારીમાં છે. તેણે સરકારના સ્પેક્ટ્રમ અને અન્ય વિધિવત્ લેણાંની પાકતી મુદત પૂર્વે ચુકવણી કરી દીધી છે. શૅર અઢી ટકા વધી ૭૨૧ થયો છે. અન્યમાં ટેક મહિન્દ્રા અઢી ટકા, એચસીએલ ટેક્નૉ. સવાબે ટકા, એનટીપીસી પોણાબે ટકા, હિન્દુ યુનિલીવર દોઢ ટકાથી વધુ, હીરો મોટોકૉર્પ સવાત્રણ ટકા, એચડીએફસી લાઇફ ૩.૪ ટકા, ભારત પેટ્રોલિયમ સવાબે ટકા, હિન્દાલ્કો ૨.૧ ટકા, તાતા કન્ઝ્યુમર બે ટકા, આઇશર ૧.૯ ટકા, ગ્રાસિમ દોઢ ટકો પ્લસ હતા. અપોલો હૉસ્પિટલ્સ તથા તાતા મોટર્સ એક ટકાથી વધુ ઘટીને નિફ્ટી ખાતે તો મહિન્દ્રા એક ટકો અને અલ્ટ્રાટ્રેક ૦.૭ ટકાની નરમાઈમાં સેન્સેક્સ ખાતે ટૉપ લૂઝર હતા. મારુતિ સુઝુકી, તાતા સ્ટીલ, સિપ્લા, કોલ ઇન્ડિયા, બજાજ ઑટો અડધો પોણો ટકો જેવા ઢીલા થયા છે. રિલાયન્સ અડધો ટકો વધી ૨૬૬૪ બંધ થતાં તેનું માર્કેટ કૅપ ૧૮.૦૨ લાખ કરોડને વટાવી ગયું છે. અદાણી એન્ટર ૧.૧ ટકા, અદાણી પાવર પાંચ ટકાની ઉપલી સર્કિટ, અદાણી ટ્રાન્સમિશન અડધો ટકો વધી નવી વિક્રમી સપાટી બાદ અડધો ટકો ઘટી ૩૪૬૯ હતો. અદાણી વિલ્મર બે ટકા અને અદાણી ગ્રીન અડધો ટકો અપ હતા. અદાણી પોર્ટ્સ ફ્લૅટ હતી. 



તમામ બાર શૅરના સુધારા સાથે પીએસયુ બૅન્ક નિફ્ટી સવાબે ટકા વધ્યો 


બૅન્ક નિફ્ટી બારમાંથી દસ શૅરના સહારે ૨૨૨ પૉઇન્ટ કે અડધો ટકો વધ્યો છે, પરંતુ પીએસયુ બૅન્ક નિફ્ટી બારેબાર શૅરની મજબૂતી સાથે સર્વાધિક ૨.૩ ટકા ઊંચકાયો છે. બૅન્કિંગના ૩૬માંથી ૮ શૅર ડાઉન તો ડીસીબી બૅન્ક યથાવત્ હતો. યસ બૅન્ક સવાચાર ટકા, આરબીએલ બૅન્ક સવાત્રણ ટકા, બંધન બૅન્ક તથા જેકે બૅન્ક સવાબે ટકા, આઇડીએફસી ફર્સ્ટ બૅન્ક બે ટકા અપ હતા. પીએસયુ સેગમેન્ટમાં બૅન્ક ઑફ બરોડા ચાર ટકાની તેજીમાં ૧૨૭ નજીક નવી ઐતિહાસિક સપાટીએ બંધ થઈ છે. બૅન્ક ઑફ મહારાષ્ટ્ર, કૅનરા બૅન્ક તથા બૅન્ક ઑફ ઇન્ડિયા ત્રણ-સવાત્રણ ટકા મજબૂત હતા. કરુર વૈશ્ય તથા કર્ણાટકા બૅન્ક નવી ટૉપ બનાવી સાધારણ નરમ તો આઇસીઆઇસી બૅન્ક અડધા ટકા નજીકના સુધારામાં ૮૮૩ના નવા શિખરે બંધ આવી છે. 
ફાઇનૅન્સ ઇન્ડેક્સ ૧૨૮માંથી ૮૧ શૅર પ્લસમાં આપી એકાદ ટકો વધ્યો છે. એડલવાઇસ સવાઆઠ ટકા, ઍપ્ટસ વૅલ્યુ ૭.૨ ટકા, રેપ્કૈ હોમ સાડાચાર ટકા વધ્યા હતા. આઇટી બેન્ચમાર્ક એક ટકો વધ્યો છે. એના ૬૨માંથી ૪૪ શૅર સુધર્યા છે. હૅપ્પીએસ્ટ માઇન્ડ સર્વાધિક ૧૦.૮ ટકાની તેજીમાં ૧૧૦૭ થયો છે. રેટગેઇન ૮.૧ ટકા, હિન્દુજા ગ્લોબલ ૫.૮ ટકા, લેટેન્ટ વ્યુ ૪.૭ ટકા, લાર્સન ટેક્નૉ. ૪.૪ ટકા ઊંચકાયા છે. ટીસીએસ સામાન્ય, ઇન્ફી ૦.૭ ટકા, વિપ્રો ૧.૪ ટકા ટેક મહિન્દ્રા અઢી ટકા અપ હતા. આઇટીની હૂંફ સાથે ઝી એન્ટર છ ટકા, રાઉટ મોબાઇલ ચાર ટકા, સારેગામા અને તાતા ટેલિ ત્રણેક ટકા, ભારતી ઍરટેલ અઢી ટકા મજબૂત બનતાં ટેક્નૉલૉજી બેન્ચમાર્ક એક ટકાથી વધુ તાનમાં હતો.

યુટીઆઇ ઍસેટમાં તાતાની એન્ટ્રીનો ઇનકાર થતાં શૅર વૉલ્યુમ સાથે ડાઉન


યુટીઆઇ ઍસેટ મૅનેજમેન્ટ કંપનીમાં પીએનબી, સ્ટેટ બૅન્ક, બૅન્ક ઑફ બરોડા તથા એલઆઇસી પાસેનો આશરે ૪૫ ટકા હિસ્સો તાતા ગ્રુપની ઍસેટ મૅનેજમેન્ટ કંપની ખરીદશે એવા અહેવાલને કંપની દ્વારા રદિયો અપાતાં યુટીઆઇ એએમસીનો શૅર ગઈ કાલે પોણાબે ગણા કામકાજે ૮૭૫ની ઇન્ટ્રા-ડે હાઈથી નીચામાં ૮૧૯ થઈ ૪.૭ ટકા ગગડી ૮૨૨ની અંદર બંધ હતો. સિંગર ઇન્ડિયામાં તાજેતરમાં અણધારી એક્ઝિટ લેનાર રાકેશ ઝુનઝુનવાલાએ તેમના જીવનો આખરી સોદો કરીને આઠેક ટકા હિસ્સો લીધો હોવાનું કન્ફર્મ થતાં ભાવ પોણાપાંચ ગણા કામકાજે એક વધુ ૨૦ ટકાની સર્કિટ મારીને ૮૩ થયા પછી સવાચૌદ ટકા ઊછળી ૭૯ બંધ થયો છે. ભારત ગિયર્સમાં ૧૯ ઑગસ્ટે બોનસ માટે બોર્ડ-મીટિંગની નોટિસ વાગતાં ભાવ ત્રીસ ગણા કામકાજે ૨૦ ટકાની તેજીની સર્કિટ માર્યા પછી અંતે ૧૮.૮ ટકાના જમ્પમાં ૧૭૮ નજીક શૅરની બુકવૅલ્યુ ૮૨ રૂપિયા નજીકની છે. ટેક્નૉ ઇલેક્ટ્રિકને રાજસ્થાન વીજ બોર્ડ તરફથી ૧૪૫૫ કરોડ રૂપિયાનો ઑર્ડર મળવાના અહેવાલ છે. શૅર વીસ ગણા વૉલ્યુમે ઉપરમાં ૩૧૪ વટાવી છેલ્લે સાડાછ ટકા વધીને ૨૯૮ રહ્યો છે. કેન્દ્ર સરકારની ૮૭ ટકા માલિકીની ઇન્ડિયન ટૂરિઝમ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (ITDC)માં ડાઇવેસ્ટમેન્ટની પ્રક્રિયા વેગ પકડતાં ભાવ ૩૨ ગણા કામકાજ વચ્ચે ૨૦ ટકાની તેજીની સર્કિટે ૪૧૧ થઈ ૧૭ ટકાના ઉછાળે ૪૦૧ થયો છે.  

ડીએફએમ ફૂડ્સમાં પ્રમોટર્સ સ્વૈચ્છિક ડી-લિસ્ટિંગ કરાવશે

ડીએફએમ ફૂડ્સમાં શૅરના સ્વૈચ્છિક  ડીલિસ્ટિંગ માટે ૨૫ ઑગસ્ટે બોર્ડ-મીટિંગ જાહેર થતાં ભાવ જે આગલા દિવસે ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં બંધ હતો તે મંગળવારે પણ ૨૦ ટકા વધ્યો હતો. ગઈ કાલે શૅર ઉપરમાં ૩૧૧ વટાવી અંતે પોણા ટકાના સુધારામાં ૩૦૭ થયો છે. કામકાજ આઠ ગણાં હતાં. કંપનીમાં પ્રમોટર્સ હોલ્ડિંગ ૭૩.૭ ટકા છે. ૨ના શૅરની બુકવૅલ્યુ ત્રીસેક રૂપિયાની છે. કંપનીએ ગયા વર્ષે ૫૫૪ કરોડની આવક ઉપર ૨૪ કરોડની નેટ લૉસ કરી છે. જૂન ક્વૉર્ટરમાં પણ આવક ૧૧૦ કરોડથી વધીને ૧૪૬ કરોડ થવાની સાથે ચોખ્ખી ખોટ પોણાબે કરોડથી વધીને ૧૪૪૧ લાખ રૂપિયા થઈ છે. ફૉર્બ્સ ઍન્ડ કંપનીમાં શૅરદીઠ ૬૫ રૂપિયાના સ્પેશ્યલ ડિવિડન્ડની રેકૉર્ડ ડેટ ૨૫ ઑગસ્ટ નક્કી થતાં ભાવ ૬૯૧ના બેસ્ટ લેવલે જઈ સવાનવ ગણા કામકાજે ૧૯.૭ ટકાની છલાંગમાં ૬૮૯ વટાવી ગયો છે. બે માસ પૂર્વે, ૨૦ જૂને ૯૨ના ઐતિહાસિક તળિયે ગયેલો શેમારુ એન્ટરટેઇનમેન્ટ પાંચ ગણા કામકાજે ૨૦ ટકાની સર્કિટમાં ૧૪૦ નજીક જઈ ૧૮ ટકાના ઉછાળે ૧૩૭ બંધ હતો. બજાજ હિન્દુસ્તાન સામે સ્ટેટ બૅન્ક નાદારીની કોર્ટમાં જતાં ભાવ ૮.૩૭નું મલ્ટિયર બૉટમ બનાવી બાર ટકાના કડાકામાં નવ રૂપિયાની અંદર ગયો છે અને શૅર એ ગ્રુપ ખાતે ટૉપ લૂઝર થયો છે. આઇસી લિમિટેડ ત્રણ શૅરદીઠ એક બોનસમાં એક્સ-બોનસ થતાં ગઈ કાલે ૨.૪ ટકા વધીને ૧૦૫ ઉપર બંધ હતો. 

૧૬૨ શૅર નવા શિખરે ગયા, સામે

૨૪ જાતોમાં નવાં બૉટમ બીએસઈ ખાતે બુધવારે ભાવની રીતે ૧૬૨ શૅર એક વર્ષ કે તેથી વધુ સમયગાળાની રીતે નવા શિખરે ગયા છે, જેમાં કેટલાંક જાણીતાં નામ આ મુજબ છે: એબીબી ઇન્ડિયા, અદાણી એન્ટર, અદાણી પાવર, અદાણી ટ્રાન્સમિશન, અદાણી ટોટલ, આંધ્ર પેપર્સ, અપોલો ટાયર, અરમાન ફાઇનૅન્સ આદિત્ય વિઝન, બજાજ ઑટો, બૅન્ક ઑફ બરોડા ભારત ઇલેક્ટ્રૉનિક્સ, બેંગાલ ઍન્ડ આસામ કંપની સીજી પાવર, ચોલામંડલ ઇન્વેસ્ટમેન્ટ, કોરોમંડલ ઇન્ટર, દીપક ફર્ટિલાઇઝર્સ, દેવયાની ઇન્ટર, ડીએચપી ઇન્ડિયા, આઇશર મોટર્સ, એલેન્ટાસ બેક ઇન્ડિયા, ફેઝ થ્રી, ફાઇનો ટેક્સ કેમિકલ્સ, ફૉર્બ્સ ઍન્ડ કંપની, જેનસોલ એન્જિનિયરિંગ, ગ્રાઇન્ડવેલ નોર્ટન, હિન્દુસ્તાન ઍરોનોટિક્સ, આઇસીઆઇસી બૅન્ક, ઇમેજિકા વર્લ્ડ, ઇન્ડિયન હોટેલ્સ, જયંત ઇન્ફ્રાટેક, જેકે પેપર, જ્યોતિ રેઝિન્સ, કામત હોટેલ્સ, કરુર વૈશ્ય બૅન્ક, કેસી ઇન્ડસ્ટ્રીઝ, કોઠારી પ્રોડક્ટસ, કર્ણાટકા બૅન્ક, લક્ષ્મી મશીન વર્ક્સ, મહિન્દ્રા લાઇફ, મહારાષ્ટ્ર સીમલેસ, મિર્ઝા ઇન્ટર., મોદીઝ નવિનર્માણ, મોલ્ડટેક પૅકેજિંગ, નવભારત વેન્ચર્સ અર્થાત્ નવા લિમિટેડ, એનડીટીવી, પંચશીલ ઑર્ગેનિક્સ, પીસી જ્વેલર્સ, પરફેક્ટ પેક, પાવર મેક પ્રોજેક્ટસ, પ્રિકોલ, રામા સ્ટીલ, રિટકો લૉજિસ્ટિક્સ, આરપીજી લાઇફ, સમ્રાટ ફાર્મા, સિમેન્ટ, એસકેએફ ઇન્ડિયા, સોલાર ઇન્ડ., ટાલબ્રોસ એન્જિનિયરિંગ., તાતા ઍલેકસી, ટ્રેન્ટ, ટીવીએસ મોટર્સ, વિષ્ણુ કેમિકલ્સ, વેસ્ટકોસ્ટ પેપર, ઝેડ. એફ. કમર્શિયલ વગેરે વગેરે... સામે પક્ષે બજાજ હિન્દુસ્તાન, હિન્દુસ્તાન અર્બન, બોધ ટ્રી કન્સલ્ટિંગ, ઇન્ડિયા મોટર પાર્ટસ, કાંચી કર્પૂરમ, ક્રિષ્ના ડાયગ્નોસ્ટિક્સ, મુકેશ આબુ ફાઇ., વામા ઇન્ડ. વ્હેરલેઝ આઇટી સૉલ્યુશન્સ, વિપુલ લિ., જેટ ફેઇટ લૉજિસ્ટીક્સ, શ્રી ગણેશ ઇલાસ્ટો પ્લાસ્ટ જેવી બે ડઝન જાતોમાં નવાં ઐતિહાસિક બૉટમ બન્યાં હતાં.

Whatsapp-channel Whatsapp-channel

18 August, 2022 02:30 PM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK