° °

આજનું ઇ-પેપર
Saturday, 03 December, 2022


કન્સોલિડેશનના તબક્કામાં શૅરબજાર ૫૧૯ પૉઇન્ટ વધુ ડાઉન, આઇટીમાં વ્યાપક નબળાઈ

22 November, 2022 04:34 PM IST | Mumbai
Anil Patel

મલ્ટિયર સ્ટ્રૅટેજિક ઍગ્રીમેન્ટના અહેવાલમાં દીપક ફર્ટિ. સાડાસાત ટકા તો આરતી ઇન્ડ. અઢી ટકા જેવો મજબૂત 

પ્રતીકાત્મક ફાઇલ તસવીર માર્કેટ મૂડ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

આર્ચિન કેમિકલના લિસ્ટિંગમાં ગ્રે માર્કેટને નિરાશા, ફાઇવ સ્ટાર બિઝનેસનું લિસ્ટિંગ ધારણા કરતાં સારું ગયું : એક્સ બોનસ અને એક્સ સ્પ્લિટ થતાં ઇઝી ટ્રિપ પ્લાનર્સ રૉકેટ થયો, બોનસ બાદ થયાની પૂર્વસંધ્યાએ મહારાષ્ટ્ર સિમલેસ નરમ : મલ્ટિયર સ્ટ્રૅટેજિક ઍગ્રીમેન્ટના અહેવાલમાં દીપક ફર્ટિ. સાડાસાત ટકા તો આરતી ઇન્ડ. અઢી ટકા જેવો મજબૂત 

કોવિડ સંબંધી નિયંત્રણોમાં છુટછાટની શરૂઆતની સાથે જ નવા કેસ અને મૃત્યુના આંકડા વધી જતાં ચાઇનાને પારોઠનાં પગલાં ભરવાની ફરજ પડી છે. કોવિડને લગતા અંકુશ ફરીથી લાદવા પડ્યા છે. ઇન્ડોનેશિયા પ્રમાણમાં મોટા ભૂકંપનો ભોગ બન્યું છે. પ્રચંડ ધડાકાના પગલે યુક્રેન ખાતે ન્યુક્લિયર મથકને નોંધપાત્ર નુકસાન થવાના અહેવાલ છે. ગોલ્ડમૅન સાક્સવાળાએ શૅરબજારમાં મંદીની હાલત છેક ૨૦૨૩ના અંત સુધી ટકી રહેવાની અમંગળ આગાહી કરી છે. આ બધાના સરવાળામાં એશિયા, યુરોપનાં શૅરબજારોએ રેડ ઝોન સાથે નવા સપ્તાહની શરૂઆત કરી છે. સોમવારે હૉન્ગકૉન્ગ પોણાબે ટકાથી વધુ, સાઉથ કોરિયા એક ટકો તો સિંગાપોર ૦.૭ ટકા ઘટ્યા છે. જપાન અને થાઇલૅન્ડ નામપૂરતા પ્લસ હતા. યુરોપ નહીંવત્‍‍થી અડધા ટકા જેવું રનિંગમાં નીચે હતું. બ્રેન્ટ ક્રૂડ માયૂસીમાં બેરલદીઠ ૮૭ ડૉલરે આવી ગયું છે. ઘરઆંગણે નજીકનું ટ્રિગર સપ્ટે. ક્વૉર્ટરના જીડીપીના ફિગર છે, જે ૩૦ નવેમ્બરે આવશે. કંપની પરિણામો હવે જૂજ રહ્યાં છે એટલે સ્ટૉક સ્પેસિફિક મૂવમેન્ટ કે મોમેન્ટમને બહુ અવકાશ નથી. સોમવારે સેન્સેક્સ આગલા બંધથી ૨૦૦ પૉઇન્ટ કરતાં વધુ નીચે ગૅપમાં ખૂલી ૬૧,૦૫૯ની ઇન્ટ્રા-ડે બૉટમ બનાવી ૫૧૯ પૉઇન્ટની ખરાબીમાં ૬૧,૧૪૫ તો નિફ્ટી ૧૪૮ પૉઇન્ટ કપાઈ ૧૮,૧૬૦ બંધ થયો છે. પીએસયુ બૅન્ક નિફ્ટી સામા પ્રવાહે સવા ટકો વધી નવા શિખરે ગયો છે. ટેલિકૉમ બેન્ચમાર્ક ભારતીના જોરમાં પોણો ટકો વધ્યો હતો. નિફ્ટી મીડિયા તથા કન્ઝ્યુમર ડ્યુરેબલ ઇન્ડેક્સ સામાન્ય સુધર્યા છે. બસ, બાકી બધું લાલ થયું છે. પાવર-યુટિલિટીઝ, આઇટી, રિયલ્ટી, ટેક્નૉલૉજીઝ, મેટલ, એનર્જી પોણા ટકાથી લઈને દોઢ ટકાની નજીક માઇનસ હતા. માર્કેટ બ્રેડ્થમાં બૂરાઈ ચાલુ છે. એનએસઈમાં ૮૩૨ શૅર પ્લસ તો ૧૨૮૩ જાતો માઇનસ હતી.

અદાણી પોર્ટ્‍સ, રિલાયન્સ ટૉપ લૂઝર અને ભારતી ઍરટેલ તથા એનો પીપી નવી ટોચે 

સેન્સેક્સના ૩૦માંથી ૨૨ અને નિફ્ટીના ૫૦માંથી ૩૬ શૅર નરમ હતા. રિલાયન્સ ૧.૮ ટકાથી વધુના ઘટાડે ૨૫૫૦નો બંધ આપી બજારને ૨૩૧ પૉઇન્ટ નડીને સેન્સેક્સ ખાતે વર્સ્ટ પર્ફોર્મર બન્યો છે. તો નિફ્ટી ખાતે અદાણી પોર્ટ્સ ૨.૧ ટકાની ખરાબીમાં ૮૭૦ બંધ થયો છે. ટેક મહિન્દ્ર પણ આટલો જ બગડ્યો છે. આ ઉપરાંત હીરો મોટોકૉર્પ, હિન્દાલ્કો, ટીસીએસ, બજાજ ફાઇનૅન્સ, જેએસડબ્લ્યુ સ્ટીલ, એચડીએફસી, ઇન્ફોસિસ, ગ્રાસિમ, વિપ્રો દોઢથી બે ટકા ડાઉન હતા. ૧૯ ડિસેમ્બરથી સેન્સેક્સમાંથી ડૉ. રેડ્ડીઝ લૅબ આઉટ થશે, તાતા મોટર્સની એન્ટ્રી થશે. ડૉ. રેડ્ડીઝ લૅબ ગઈ કાલે ૧.૪ ટકા ઘટી ૪૩૫૧ થયો છે. તાતા મોટર્સ અડધા ટકા જેવી નબળાઈમાં ૪૨૧ હતો, જ્યારે એનો ડીવીઆર ૧.૩ ટકા ખરડાઈ ૨૧૭ થયો છે.

ભારતી ઍરટેલ ૮૫૨ની નવી ટોચે જઈ પોણાબે ટકા વધીને ૮૫૧ તો એનો પાર્ટપેઇડ ૪૭૫ની વિક્રમી સપાટી બનાવી પોણાત્રણ ટકાની તેજીમાં ૪૭૪ બંધ થયા છે. ભારત પેટ્રો બે ટકા વધી નિફ્ટી ખાતે ટૉપ ગેઇનર હતો. ઍક્સિસ બૅન્ક, ઇન્ડ્સઇન્ડ બૅન્ક, હિન્દુ. યુનિલીવર પોણાથી એકાદ ટકો અપ હતા. અદાણી પાવર દોઢ ટકો, અદાણી ટ્રાન્સમિશન ત્રણ ટકાથી વધુ, અદાણી ગ્રીન ચાર ટકા, અદાણી વિલ્મર ૨.૪ ટકા, અંબુજા સિમેન્ટ પોણાબે ટકા ખરડાયા છે. અદાણી ટોટલ અડધો ટકો વધ્યો હતો. ગ્રુપના બાકીના ૮ શૅર ઘટ્યા છે. એનડીટીવી એક વધુ નીચલી સર્કિટમાં ૩૮૨ બંધ આવ્યો છે. ચેન્નઈની બે કંપનીઓ સોમવારે લિસ્ટેડ થઈ છે. હાઈ પ્રોફાઇલ આર્ચિન કેમિકલ ૪૦૭ની ઇશ્યુ પ્રાઇસ તથા ૧૨૫ના ગ્રે માર્કેટના પ્રીમિયમ સામે ૪૪૯ ખૂલી ઉપરમાં ૪૭૬ થઈ ૫૧ રૂપિયા કે સાડાબાર ટકાના લિસ્ટિંગ ગેઇનમાં ૪૫૮ બંધ રહી છે. જ્યારે ૪૭૪ની ઇશ્યુ પ્રાઇસવાળો અને ગ્રે માર્કેટમાં ચાર-પાંચ રૂપિયાના ડિસ્કાઉન્ટવાળો ફાઇવસ્ટાર બિઝનેસ ફાઇનૅન્સ ૪૫૦ ખૂલી ઉપરમાં ૫૪૦ તથા નીચામાં ૪૪૮ બતાવી સવાત્રણ ટકાના લિસ્ટિંગ ગેઇન સાથે ૪૮૯ બંધ થયો છે. 

ઇઝી ટ્રિપમાં ૨૦ મહિનામાં ૧૪,૯૬૦નું રોકાણ વધીને ૭૩,૧૫૦ રૂપિયા થયું

ઇઝી ટ્રિપ પ્લાનર્સ જે બે રૂપિયાના શૅરદીઠ ૧૮૭ની પ્રાઇસ સાથે ૮ માર્ચ ૨૦૨૧માં ૫૧૦ કરોડનો પ્યોર ઓએફએસ આઇપીઓ લાવી હતી. એનું ભરણું કુલ ૧૫૯ ગણાથી વધુ છલકાયું હતું છતાં શૅર ૧૯ માર્ચ ૨૦૨૧માં સાધારણ લિસ્ટિંગ ગેઇન સાથે ૨૦૮ રૂપિયા બંધ આવ્યો હતો. આ કંપની બે લિસ્ટિંગ બાદ માંડ ૧૦ મહિનામાં એક શૅરદીઠ એકનું બોનસ આપ્યા પછી બીજા નવ મહિનામાં શૅરદીઠ ત્રણનું વધુ ઉદાર બોનસ અને શૅર વિભાજન જાહેર કરી દીધું હતું, જેમાં શૅર સોમવારે એક્સ બોનસ અને એક્સ સ્પ્લિટ થતાં ભાવ ઉપરમાં ૫૭ થઈ ૨૦ ટકાની તેજીમાં ત્યાં બંધ આવ્યો છે. સાદી ભાષામાં કહીએ તો આઇપીઓ જેમને એક લોટ કે ૮૦ શૅર લાગ્યા હતા તેમની પાસે હવે ૧૨૮૦ શૅર થઈ ગયા છે. ૧૪,૯૬૦ રૂપિયાનું મૂળ રોકાણ વધીને ૭૩,૧૫૯ રૂપિયા થવા જાય છે. કંપનીમાં પ્રમોટર્સ હોલ્ડિંગ ૭૫ ટકાનું છે. મહારાષ્ટ્ર સિમલેસ શૅરદીઠ એક બોનસમાં બુધવારે એક્સ બોનસ થવાનો છે. ભાવ ગઈ કાલે દોઢ ટકા ઘટીને ૭૯૨ થયો છે.

ઓએનજીસી શૅરદીઠ પોણાસાત રૂપિયા કે ૧૩૫ ટકાના ઇન્ટરિમમાં ગઈ કાલે એક્સ ડિવિડન્ડ થતાં ૦.૩ ટકા કે ૪૫ પૈસા વધીને ૧૩૫ ઉપર હતો. થ્રીએ ઇન્ડિયા દ્વારા શૅરદીઠ ૮૫૦ રૂપિયા કે ૮૫૦૦ ટકાનું સ્પેશ્યલ ડિવિડન્ડ જાહેર થયેલું છે. ભાવ સોમવારે એક્સ ડિવિડન્ડમાં પોણો ટકો કે ૧૮૫ રૂપિયા વધી ૨૩,૭૦૦ બંધ રહ્યો છે.   

એક્સપોર્ટ ડ્યુટી રદ થવા છતાં સ્ટીલ અને મેટલ શૅરો ઘટાડાની ચાલમાં 

સરકારે સ્ટીલમાં ૧૫ ટકા, આયર્નઓર પેલેટમાં ૪૫ ટકા તથા લો-ગ્રેડ આયર્નઓરમાં ૫૦ ટકાની એક્સપોર્ટ ડ્યુટી પાછી ખેંચી લીધી છે. હાઇગ્રેડ આયર્નઓરના કિસ્સામાં નિકાસ જકાત ઘટાડી ૩૦ ટકા કરી છે. જોકે બજારની એકંદર નબળાઈને લઈ મેટલ શૅરોમાં આની ખાસ પૉઝિટિવ અસર સોમવારે વરતાઈ નથી. નિફ્ટી મેટલ ૧૫માંથી ૯ શૅરની નરમાઈમાં પોણો ટકો તો બીએસઈ મેટલ બેન્ચમાર્ક ૯માંથી ૬ શૅરના ઘટાડે ૦.૯ ટકા ડાઉન હતા. હિન્દાલ્કો બે ટકા, જેએસડબ્લ્યુ સ્ટીલ ૧.૭ ટકા, તાતા સ્ટીલ સવા ટકો, રત્નમણિ મેટલ અડધો ટકો, વેદાન્ત પોણો ટકો માઇનસ હતા. એપીએલ અપોલો ૨.૩ ટકા, સેઇલ ૧.૪ ટકા, નાલ્કો અડધો ટકો વધ્યા છે. મિનરલ્સ સેગમેન્ટમાં સાંડૂર મેંગેનીઝ ૬ ટકા ઊંચકાઈ ૭૨૩, એનએમડીસી ૩.૬ ટકાની મજબૂતીમાં ૧૧૫ તથા નાઇલ લિમિટેડ ૩.૨ ટકા વધી ૬૧૦ બંધ હતા. જીએમડીસી ૧.૮ ટકા વધી ૧૪૩ થયો છે. ગોવા કાર્બન ચાર ટકા, આશાપુરા માઇનકેમ ૨.૩ ટકા અને ટ્વેન્ટી માઇક્રોન દોઢ ટકા નરમ હતા. એમઓઆઇએલ પોણો ટકો સુધર્યો છે. 

ઑઇલ ગૅસ ક્ષેત્રે ઇન્ડિયન ઑઇલ, પેટ્રોનેલ, ભારત પેટ્રો અને હિન્દુ. પેટ્રો લગભગ દોઢથી પોણાત્રણ ટકા અપ તો ચેન્નઈ પેટ્રો પોણાત્રણ ટકા, રિલાયન્સ બે ટકા નજીક, એમઆરપીએલ એકાદ ટકો માઇનસ થયા છે. ઑઇલ ઇન્ડિયા ફ્લેટ હતો. હિન્દુ. ઑઇલ પોણાબે ટકા નરમ રહ્યો છે. ઓએનજીસી ૪૫ પૈસા જેવો સામાન્ય સુધરી ૧૩૫ હતો. કૅપિટલ ગુડ્સ બેન્ચમાર્ક નહીંવત ઘટ્યો છે, પણ અત્રે ફિનોલેક્સ કેબલ સાત ટકા અને એલ્જી ઇક્વિપમેન્ટ્સ ચારેક ટકા પ્લસ હતા. ટીમકેન ઇન્ડિયા ૩૭૬૧ની નવી ટોચ બતાવી ત્રણ ટકાની આગેકૂચમાં ૭૫૮૬ થયો છે.  

વિન્ડલાસ બાયોનું બાયબૅક એટલે કલ્લાં કાપી લઈ બોર આપવાના ખેલ 

વિન્ડલાસ બાયોટેકમાં પાંચના શૅરદીઠ મહત્તમ ૩૨૫ રૂપિયા સુધીના ભાવે ઓપન માર્કેટ રૂટથી બાયબૅકની ઑફર સોમવારથી શરૂ થઈ છે જે ૨૦ મે ૨૦૨૩ સુધી ચાલશે. બાયબૅકની સાઇઝ ૨૫ કરોડ રૂપિયાની છે. શૅર ગઈ કાલે સાધારણ વધીને ૨૪૫ બંધ રહ્યો છે. મઝાની વાત એ છે કે આ કંપની સવા વર્ષ પહેલાં, ઑગસ્ટ ૨૦૨૧ના આરંભમાં પાંચના શૅરદીઠ ૪૬૦ના ભાવે આઇપીઓ લાવી ૪૦૧ કરોડ રૂપિયા લઈ ગઈ હતી, જેમાંથી ૨૩૬ કરોડનો પોર્શન ઑફર ફૉર સેલનો હતો. ૧૬ ઑગસ્ટ ૨૦૨૧ના રોજ લિસ્ટિંગમાં ભાવ ડિસ્કાઉન્ટમાં, ૪૦૭ની અંદર બંધ થયો હતો. ત્યાર બાદ ભાવ ક્યારેય ૩૯૨થી ઉપર ગયો નથી. ઊલટું સતત ગગડતો રહી ૨૦ જૂન ૨૦૨૨માં ૨૦૩ના ઑલટાઇમ તળિયે પહોંચ્યો હતો. આમ આઇપીઓમાં પાંચનો શૅર ૪૬૦ના ભાવે પધરાવી ૪૦૧ કરોડ રૂપિયા લઈ ગયા પછી કંપની હવે શૅર તૂટી ગયા પછી એ જ શૅરને ૩૨૫ના ભાવથી બાયબૅક કરવા ૨૫ કરોડનું રોકાણકારોનું ભંડોળ ખર્ચી ઇન્વેસ્ટર્સ ફ્રેન્ડ્લી હોવાનો દંભ કરી રહી છે. કલ્લુ કાપીને બોર આપવા જેવી વાત છે આ! કંપનીમાં હાલ પ્રમોટર્સ હોલ્ડિંગ ૬૫.૨ ટકા છે એ આ બાયબૅકના પગલે વધી જશે, કોના ખર્ચે? બેશક, કંપનીના જ.

નાની સરકારી બૅન્કોના શૅરોમાં મોટા ઉછાળા, નાયકા, એલઆઇસી, પેટીએમમાં નરમાઈ

બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૬ શૅરના ઘટાડામાં ૯૧ પૉઇન્ટ જેવો સામાન્ય ઘટ્યો છે સામે પીએસયુ બૅન્ક નિફ્ટી મક્કમ વલણમાં ૩૯૧૪ની નવી ઑલટાઇમ હાઈ હાંસલ કરીને બારમાંથી નવ શૅરના સથવારે દોઢેક ટકો વધી ૩૯૦૩ બંધ આવ્યો છે. બૅન્કિંગ ઉદ્યોગના ૩૭માંથી ૨૧ શૅર વધ્યા છે. ધનલક્ષ્મી બૅન્ક સવાસાત ટકા, જેકે બૅન્ક સાડાપાંચ ટકા, આઇડીબીઆઇ બૅન્ક સવાત્રણ ટકા, સાઉથ ઇન્ડિયન બૅન્ક અઢી ટકા પ્લસ હતા. યુકો બૅન્ક ૧૮.૮ ટકાની તેજીમાં ૧૮.૭૧ની નવી ટોચે બંધ આવી છે. બૅન્ક ઑફ મહારાષ્ટ્ર પણ સાડાચૌદ ટકાના જમ્પમાં ૨૯ નજીકના બંધમાં એની સાથે રહી છે. પંજાબ સિંધ બૅન્ક પોણાતેર ટકા, આઇઓબી પોણાદસ ટકા, સેન્ટ્રલ બૅન્ક ૯.૮ ટકા, પીએનબી પોણાચાર ટકા અને યુનિયન બૅન્ક સવાત્રણ ટકા ઊછળ્યા છે.  ફાઇનૅન્સ ઇન્ડેક્સ ૧૩૯માંથી ૮૦ શૅરના ઘટાડે અડધો ટકો કટ થયો છે. આઇએફસીઆઇ સાડાઆઠ ટકા વધ્યો છે. ઇન્ડિયન એનર્જી એક્સચેન્જમાં બાયબૅક માટે ૨૫મીએ બોર્ડ મીટિંગની નોટિસ વાગતાં ભાવ પોણાબે ગણા વૉલ્યુમે પાંચ ટકા ઊછળીને ૧૪૫ વટાવી ગયો છે. મેક્સ વેન્ચર્સ, ઍર્ગો કૅપિટલ, હોમ ફર્સ્ટ, સાટિન ક્રેડિટ, રેપ્કો હોમ, મોનાર્ક ત્રણ-ચાર ટકા માઇનસ હતા. એલઆઇસી પોણાબે ટકા બગડીને ૬૨૭ થયો છે. પેટીએમ પણ આટલી જ નબળાઈ દાખવી ૫૩૬ હતો. 

અગાઉના સેશનના આઠ ટકાના ઉછાળાને આગળ વધારતાં પૉલિસી બાઝાર સવાબે ટકાની મજબૂતીમાં ૪૧૨ નજીક જોવાયો છે. બાય ધ વે, દિલ્હીવરી પોણાબે ટકા નજીકની નરમાઈમાં ૩૪૫, નાયકા સાડાચાર ટકા ડૂલીને ૧૮૩ તથા ઝોમૅટો સવાચાર ટકાની ખરાબીમાં ૬૪ બંધ આવ્યો છે. 

22 November, 2022 04:34 PM IST | Mumbai | Anil Patel

અન્ય લેખો

દેશનો મૅન્યુફૅક્ચરિંગ સેક્ટરનો પીએમઆઇ ત્રણ મહિનાની ટોચે

સઍન્ડપી ગ્લોબલે ગુરુવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે માગની સ્થિતિસ્થાપકતાએ ભારતમાં ઉત્પાદન વૃદ્ધિને વેગ આપ્યો છે

02 December, 2022 06:30 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

જીએસટી અપેલેટ ટ્રિબ્યુનલની તત્કાળ રચના કરવાની જરૂર

જીએસટી હેઠળ કરદાતાઓને અને પ્રોફેશનલ્સને નડતી સમસ્યાઓ બાબતે આપણે વાત કરી રહ્યા છીએ. જીએસટી હેઠળ સુધારિત રિટર્ન ફાઇલ કરવાનો વિકલ્પ ઉપલબ્ધ નથી

02 December, 2022 06:26 IST | Mumbai | Shrikant Vaishnav

વૉટ્સઍપે ઑક્ટોબરમાં ૨૩.૨૪ લાખ ભારતીય અકાઉન્ટ બંધ કર્યાં

ઑક્ટોબર ૨૦૨૨માં ૨૩.૨૪ લાખ અકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

02 December, 2022 06:23 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK