Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > શૅરબજાર હજી તો એવરેસ્ટના બેઝ કૅમ્પ પર પહોંચ્યું, નવી ઊંચાઈ તરફ યાત્રા ચાલુ છે

શૅરબજાર હજી તો એવરેસ્ટના બેઝ કૅમ્પ પર પહોંચ્યું, નવી ઊંચાઈ તરફ યાત્રા ચાલુ છે

21 November, 2022 04:44 PM IST | Mumbai
Jayesh Chitalia

રોકાણપ્રવાહ આવતો રહે છે, પરંતુ ધીમે-ધીમે વૅલ્યુએશન ઊંચું થઈ ગયું હોવાની લાગણી વ્યક્ત થવા માંડતાં કરેક્શનની પ્રતીક્ષા વધી છે, જ્યારે બજારને પોતાના દમ પર નવી ઊંચાઈ તરફ જવું છે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

સ્ટૉક ટ્રેન્ડ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


સેન્સેક્સ ૬૨ને ટચ કરી ૬૧,૦૦૦ પર ટકી રહ્યો છે, નિફ્ટીએ ૧૮,૦૦૦ની ઉપર જગ્યા બનાવી છે. અર્થતંત્રનાં પરિબળો સકારાત્મક બનતાં જાય છે. ફૉરેન ઇન્વેસ્ટર્સ બાયર્સ બન્યા છે. ગ્લોબલ પરિબળો આપણી સ્ટૉક માર્કેટને ઝાઝું ડિસ્ટર્બ કરતાં નથી. રોકાણપ્રવાહ આવતો રહે છે, પરંતુ ધીમે-ધીમે વૅલ્યુએશન ઊંચું થઈ ગયું હોવાની લાગણી વ્યક્ત થવા માંડતાં કરેક્શનની પ્રતીક્ષા વધી છે, જ્યારે બજારને પોતાના દમ પર નવી ઊંચાઈ તરફ જવું છે

ભારતીય માર્કેટનાં વૅલ્યુએશન અન્ય માર્કેટ્સની તુલનાએ ઊંચાં ગયાં હોવાની ચર્ચા જોરમાં છે, હવે સાવચેતી વધુ જરૂરી હોવાના મત વ્યક્ત થવા લાગ્યા છે. જોકે ભારતીય માર્કેટ એની પોતાની પ્રવાહિતા, ક્ષમતા - સ્થાનિક અર્થતંત્ર પર વધુ આધારિત છે, જેથી ગ્લોબલ બાબતો એને બહુ લાંબી કે ગંભીર અસર કરતી નથી. ફુગાવાનો ઘટતો દર હવે વ્યાજદરના વધારાને પણ બ્રેક મારશે એવી આશા વધી રહી હોવાથી ફૉરેન ઇન્વેસ્ટર્સ અહીં રોકાણ વધારી રહ્યા છે, જુલાઈથી ઑક્ટોબર સુધીમાં એફઆઇઆઇ તરફથી અહીં ૫૫,૦૦૦ કરોડ રૂપિયાથી વધુ રોકાણ કરાયું છે. એફઆઇઆઇએ અહીં જબ્બર ટર્ન લઈને નેટ વેચવાલમાંથી નેટ બાયર્સનું સ્વરૂપ ધારણ કર્યું છે. નવેમ્બરમાં પણ તેમનો ટ્રેન્ડ ખરીદીનો રહ્યો છે. એક ભય એવો પણ દર્શાવાય છે કે ભારતીય માર્કેટ મોંઘી બનતી જતી હોવાથી ફૉરેન ઇન્વેસ્ટર્સની મોટી વેચવાલી ગમે ત્યારે આવી શકે. અત્યારે તો ભારતીય ઇકૉનૉમી અને માર્કેટના ટ્રેન્ડને ધ્યાનમાં રાખી વિદેશી રોકાણપ્રવાહને ટૂંકા ગાળામાં મોટી બ્રેક લાગે એવી શક્યતા ઓછી છે. કરેક્શન ચોક્કસ આવી શકે, પરંતુ એ ખરીદીની તક જ બનશે. પ્રૉફિટ-બુકિંગ આવવું સહજ છે, જે નફો ફરી માર્કેટમાં આવશે એવું માની શકાય. યાદ રહે, નક્કર કારણો વિના વિદેશી લાલા આવે એમ નથી અને આ લાલા લાભ વિના લોટે એવા પણ નથી. તેઓ ક્યારે આક્રમક વેચવાલી કરી દેશે એમ કહેવું કે કળવું પણ કઠિન હોય છે. 



વીતેલા સપ્તાહની વધ-ઘટ


ગયા સોમવારે માર્કેટ ધારણા મુજબ નરમ રહ્યું, આગલા શુક્રવારનો ૧૧૦૦ પૉઇન્ટનો ઉછાળો હજી તાજો હતો, જેથી કરેક્શન અપેક્ષિત હતું. ઑક્ટોબરનો હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ ઘટીને ૮.૩૯ ટકા જાહેર થવાના અહેવાલ સારા હતા, ૧૯ મહિના બાદ હોલસેલ ફુગાવો સિંગલ ડિજિટમાં આવ્યો હતો. રીટેલ ફુગાવો પણ સપ્ટેમ્બરના ૭.૪૧ ટકાની સામે ઘટીને ઑક્ટોબરમાં ૬.૭૭ ટકા નોંધાયો હતો, પરંતુ ગ્લોબલ અસરમાં સેન્સેક્સ વધઘટ કરતો ૧૭૧ પૉઇન્ટ અને નિફ્ટી ૨૦ પૉઇન્ટ માઇનસ બંધ રહ્યા હતા. બાય ધ વે, ઇન્ફ્લેશનનો ઘટાડો સારા સંકેત છે, જે વ્યાજવધારાને બ્રેક મારી શકે અને વિશ્વાસ વધારી શકે છે. મંગળવારે બજાર ખૂલ્યું નરમ, બાદમાં વધઘટ અને બપોર પછી પૉઝિટિવ થઈ અંતમાં સેન્સેક્સ ૨૪૮ પૉઇન્ટ અને નિફ્ટી ૭૪ પૉઇન્ટ પ્લસ બંધ રહ્યા હતા. બુધવારે પણ નરમ ખૂલેલું બજાર સાધારણ વધઘટ સાથે છેલ્લે સેન્સેક્સ ૧૦૮ પૉઇન્ટ પ્લસ બંધ રહ્યો હતો. ગુરુવારે વેચવાલીનું દબાણ રહેતાં માર્કેટ સાધારણ નેગેટિવ બંધ રહ્યું હતું, સેન્સેક્સ ૨૩૦ પૉઇન્ટ અને નિફ્ટી ૬૫ પૉઇન્ટ માઇનસ રહ્યા હતા. રિઝલ્ટની મોસમ પૂરી થઈ છે તેમ જ યુએસ અને એશિયન માર્કેટ નબળાં રહેતાં ભારતીય માર્કેટમાં પણ નરમાઈ હતી.. 

રિઝર્વ બૅન્કના સારા સંકેત


શુક્રવારે બજારે કરેક્શનની વાટ પકડી હોય એવું વલણ શરૂઆતથી બતાવ્યું હતું, યુએસ ફેડનો વ્યાજવધારો હજી આક્રમક રહી શકે છે એવા સંકેતને પગલે માર્કેટ નેગેટિવ બન્યું હતું. જોકે વધઘટ બાદ સેન્સેક્સ માત્ર ૮૭ પૉઇન્ટ અને નિફ્ટી કેવળ ૩૬ પૉઇન્ટ માઇનસ બંધ રહ્યા હતા. કહે છે કે સેન્સેક્સે ૬૧,૦૦૦ની ઉપર અને નિફ્ટીએ ૧૮,૦૦૦ની ઉપર લેવલ બનાવી લીધું છે. શુક્રવારે સાંજે સારા સમાચાર એ હતા કે રિઝર્વ બૅન્કના બુલેટિનમાં ફુગાવો હળવો થવાના સંકેત સાથે સ્થાનિક આર્થિક પરિબળો ગ્લોબલ પરિબળો સામે રેસિલિઅન્ટ બન્યા છે. શહેરી માગ વધી રહી છે અને હવે પછી ગ્રામ્ય માગ પણ વધે એવી આશા છે. જોકે ગ્લોબલ અનિશ્ચિતતા સામે ડાઉનસાઇડ રિસ્ક ઊભું હોવાનું જણાવતાં બુલેટિન કહે છે કે એ પ્રવાહિતાને અસર કરી શકે છે. ભારતમાં વ્યાજદર વધવાની શક્યતા ઘટવાની કે હળવી થવાની રહેશે.

ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર માટે તકો

દરમ્યાન વિશ્વ બૅન્કે એના અહેવાલમાં કહ્યું છે કે ભારતે તેના શહેરી માળખાને સુધારવા-વિકસાવવા અને સતત વધતી જતી વસ્તીને ધ્યાનમાં રાખી અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ વરસે ૫૫ અબજ ડૉલરનું રોકાણ કરવું જોઈશે. આ અભ્યાસમાં લાંબી તેજીનો સંકેત છુપાયેલો છે. સરકારે ખાનગી ક્ષેત્રનો સહકાર મેળવી જંગી રોકાણ આ સેક્ટર માટે આકર્ષવું અનિવાર્ય બનશે, વિદેશી રોકાણનો પણ એમાં સમાવેશ થઈ શકે. આ સાથે સરકારે પોતે પણ પ્રાઇવેટ-પબ્લિક પાર્ટનરશિપ માર્ગે રોકાણ વધારવું જોઈશે. આના પરિણામ સ્વરૂપે રોજગાર સર્જ્યન થશે. વિવિધ વસ્તુઓની ડિમાન્ડ વધશે. લોકોના હાથમાં નાણાં વધશે. નાણાંની પ્રવાહિતા પણ વધશે. આમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર અને એની કંપનીઓ માટે તકો પણ વધશે, એવું બેશક માની શકાય. 

ફુગાવાના નામે ચિંતા ઘટી

તાજેતરમાં જાહેર થયેલા આંકડા મુજબ ભારતમાં હોલસેલ અને રીટેલ ફુગાવો ઘટ્યો છે, યુએસમાં પણ આ મામલે થોડી રાહત થઈ છે, પરિણામે વ્યાજદર વધવાની ગતિમાં પણ ફરક પડશે. બીજી બાજુ, થોડા નકારાત્મક સમાચાર મુજબ ઑક્ટોબરમાં દેશની નિકાસ ૧૭ ટકા જેટલી ઘટી અને આયાત વધી છે. જોકે એપ્રિલથી ઑક્ટોબરનું ચિત્ર જોવામાં આવે તો નિકાસમાં ૧૨.૫૫ ટકાની અને આયાતમાં ૩૩ ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. હાલ તો નિકાસમાં ૧૭ ટકાનો ઘટાડો થતાં ટ્રેડ ડેફિસિટ ૨૭ અબજ ડૉલર જેટલી વધી છે. જોકે વર્તમાન સંજોગોને ધ્યાનમાં લેતાં એ બહુ બૂરા સમાચાર ન ગણાય. આમાં હવે પછીના સમયમાં સુધારો થવાની આશા રાખી શકાય.

બાય ધ વે, અત્યારે આઇપીઓનું ચલણ જોરમાં છે. બૉલીવુડમાં સંખ્યાબંધ ફિલ્મો રિલીઝ થઈ રહી છે અને માર્કેટમાં સંખ્યાબંધ આઇપીઓ આવતા થયા છે. તેમને સફળ બનાવવાના પેંતરા તરીકે પ્રચાર ઝુંબેશ પણ જોરમાં છે. જોકે કોણ તેના શૅરના ભાવની કેટલી ઊંચાઈ હાંસલ કરશે અને કેવાં દૃશ્યો બતાવશે એ તો આગામી સમય કહેશે.

વૉલેટિલિટી-ફિયર ઇન્ડેક્સ ડાઉન

શૅરબજારમાં સેન્સેક્સ અને નિફ્ટી ઉપરાંત પણ ઘણા વિવિધ ઇન્ડેક્સ છે, જેમાં એક ઇન્ડેક્સ છે વૉલેટિલિટી ઇન્ડેક્સ, જે બજારમાં રહેલા ભય (ફિયર)ને દર્શાવે છે, એને ફિયર ઇન્ડેક્સ પણ ગણવામાં આવે છે. તાજેતરના અભ્યાસ મુજબ ભારતીય માર્કેટમાં વૉલેટિલિટી માપવાનું સાધન કહે છે કે એની તીવ્રતા નોંધપાત્ર ઘટી છે, જેને પરિણામે ફિયર ઇન્ડેક્સ અર્થાત્ રોકાણકારોનો ભય ઘટ્યો છે અને વિશ્વાસ વધ્યો છે. હાલમાં ૧૪ નવેમ્બરે એ ૧૨.૫૫ પૉઇન્ટ પર આવી ગયો હતો, જે ૧૪ મહિનાનો સૌથી નીચો આંક હતો. આ વરસે વૉલેટિલિટી ઇન્ડેક્સ ૨૨ ટકા ઘટ્યો છે. કોવિડ દરમ્યાન આ ઇન્ડેક્સ બહુ ઊંચા લેવલે હતો, જેની સામે હાલ એ નીચે આવતાં ઇન્વેસ્ટર્સ કૉન્ફિડન્સ વધી રહ્યો છે. ગ્લોબલ અનિશ્ચિતતા વચ્ચે પણ ભારતીય માર્કેટે જે બુલિશ ટ્રેન્ડ જાળવી રાખ્યો છે, જે વળતર આપ્યું છે એને ધ્યાનમાં રાખતાં આ પૉઝિટિવ સંકેત ચોક્કસ ગણાય.

Whatsapp-channel Whatsapp-channel

21 November, 2022 04:44 PM IST | Mumbai | Jayesh Chitalia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK