Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ઊંટના ઢેકા જેવી ચાલમાં બજાર નહીંવત્ સુધર્યું: મેટલ, ફાર્મા અને રિયલ્ટી અપ, બૅન્કિંગ ડાઉન

ઊંટના ઢેકા જેવી ચાલમાં બજાર નહીંવત્ સુધર્યું: મેટલ, ફાર્મા અને રિયલ્ટી અપ, બૅન્કિંગ ડાઉન

07 April, 2021 02:40 PM IST | Mumbai
Anil Patel

લોઢાનો ૨૫૦૦ કરોડનો આઇપીઓ આજથી ખૂલશે, ગ્રે માર્કેટમાં કોઈ સોદા નહીં: બાર્બિક્યુનું લિસ્ટિંગ ડિસ્કાઉન્ટમાં થશે કે લિસ્ટિંગ પછી ડિસ્કાઉન્ટમાં જશે એ સવાલ: કોવિડ-ટૂના વધતા રિસ્ટ્રિકશન્સ વચ્ચે પણ એરલાઇન્સના શૅર વધીને બંધ: અદાણીના શૅરમાં નવા શિખરનો સિલસિલો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


છેલ્લા કેટલાક દિવસથી શૅરબજાર અથડાયેલું જોવાય છે. નિફ્ટી ૧૪૪૫૦થી ૧૪૯૦૦ની રેન્જમાં ઉપર-નીચે થતો રહે છે. સેન્સેક્સ ૪૮થી ૫૦ની વચ્ચે ફેરા ખાય છે. આ ઘરેડ ક્યારે તૂટશે તે ખબર નથી પણ જલદી તૂટશે એ નક્કી છે. અમેરિકન શૅરબજાર નવી વિક્રમ સપાટીએ બંધ રહ્યાં તેના પગલે એશિયન બજારોનું ઓપનિંગ પૉઝિટિવ હતું. સોમવારે અત્રે માર્કેટ સારું એવું નીચે જઈ આવ્યું હતું. સરવાળે સેન્સેક્સ આશરે પોણાત્રણસો પૉઇન્ટની ગેપમાં ઉપર ખૂલ્યો ત્યાંથી બીજા ૧૪૦ પૉઇન્ટ ઊંચકાઈ ૪૯૫૮૨ થયો ત્યારે લાગતું હતું કે આજનો મંગળવાર સુધરી જશે, પરંતુ દિલ્હીમાં નાઇટ કરફ્યુ, લૉકડાઉન લાગુ કરવા ગુજરાત હાઈ કોર્ટની રાજ્ય સરકારને થયેલી પૃચ્છા તેમ જ કેટલાંક અન્ય રાજ્યોમાં વધુ આકરાં નિયંત્રણની તૈયારીના અહેવાલે માનસ બગડ્યું, બજાર પણ ૪૮૯૩૬ થઈ ગયું ત્યાંથી માઇનસ ઝોનમાં ટૂંકી વધ-ઘટ દાખવી છેલ્લા અડધા કલાકના પ્રમાણમાં શાર્પ બાઉન્સ-બૅક થકી શૅર આંક સાધારણ સુધારામાં ૪૨ પૉઇન્ટ વધી ૪૯૨૦૧ બંધ આવ્યો છે. નિફ્ટી ૪૬ પૉઇન્ટ વધીને ૧૪૬૮૩ ઉપર જોવાયો છે. સેન્સેક્સના ફક્ત ૦.૦૯ ટકાના સુધારા સામે નિફ્ટીનો વધારો ૦.૩૧ ટકા નોંધાયો છે. આવી ઘટના બહુ ઓછી બને છે. હકીકતમાં ૧:૩.૨૫ જેવા ટ્રેડિશનલ રેશિયો પ્રમાણે સેન્સેક્સ ૪૨ પૉઇન્ટ વધ્યો તો નિફ્ટી બહુ-બહુ તો ૧૩-૧૪ પૉઇન્ટ વધવો જોઈતો હતો. અગર નિફ્ટીનો ૪૬ પૉઇન્ટનો વધારો જેન્યુઇન હોય તો પછી સેન્સેક્સ કમસે કમ ૧૬૦ પૉઇન્ટ વધીને બંધ રહેવો જોઈતો હતો, બજાર કન્ફ્યુઝડ છે.

ગઈ કાલે સેન્સેક્સના ૩૦માંથી ૧૬ શૅર તો નિફ્ટીના ૫૦માંથી ૩૧ શૅર પ્લસ હતા. એશિયન પેઇન્ટસ ૪ ટકાની અને અદાણી પોર્ટ્સ ૧૪.૫ ટકાની તેજીમાં અનુક્રમે સેન્સેક્સ અને નિફ્ટીમાં ટૉપ ગેઇનર હતા. પાવર ગ્રીડ બે ટકા પ્લસના ઘટાડે બન્ને બેન્ચ માર્કેટ ખાતે ટૉપ લૂઝર હતો. માર્કેટ બ્રેડથ પૉઝિટિવ રહી છે. નિફ્ટી મેટલ ઇન્ડેક્સ નવી ઊંચી સપાટી બનાવી ૧૫માંથી ૧૧ શૅરની આગેકૂચમાં ૧.૪ ટકા વધ્યો છે. નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ દસે-દસ શૅરના સુધારામાં પોણા બે ટકા ઊંચકાયો હતો. રિયલ્ટી ઇન્ડેક્સ ૧.૨ ટકા અપ હતો, સામે બૅન્કિંગમાં અડધા ટકાની નરમાઈ હતી. સમગ્ર બૅન્કિંગ સેક્ટરના ૩૫માંથી ૨૧ શૅર માઇનસ હતા.



દરમ્યાન છેલ્લા ૨૪ કલાકમાં બીટકૉઇન ૫૯૮૬૧ ડૉલરના ટૉપથી ૫૮૫૯૫ ડૉલરે આવી જતાં સમગ્ર ક્રિપ્ટો કરન્સી સેગમેન્ટનું માર્કેટ કૅપ ૨.૨ લાખ કરોડ ડૉલરની વિક્રમી સપાટીએ પહોંચ્યું હતું તે હાલ ૧.૯૮ લાખ કરોડ ડૉલરની આસપાસ આવી ગયું છે. મંગળવારે રનિંગ ક્વાટ પ્રમાણે ઇઓસ આગલા બંધથી ૫૯ ટકા, બિટટોરન્ટ ૧૨૦ ટકા, નિઓ ૩૭ ટકા, સ્ટેક્સ ૫૯ ટકા, સેલ્સિયસ ૩૧ ટકા, બીએનબી ૩૩ ટકા, એક્સઆરપી ૭૯ ટકા, સ્ટેલર ૩૪ ટકા, ફાઇલકૉઇન ૩૮ ટકા ઉપર ચાલતા હતા.


ઇરકોન દ્વારા શૅરદીઠ એકનું ઉદાર બોનસ

સરકારની ૮૯ ટકા માલિકીની કંપની ઇરકોન ઇન્ટરનૅશનલ દ્વારા શૅરદીઠ એક બોનસ જાહેર કરાયું છે. કંપનીનું આ બીજી વખતનું બોનસ છે, અગાઉ ૨૦૦૪માં બોનસ આવ્યું હતું તે પણ આ જ રેશિયોમાં હતું. ઉદાર બોનસના પગલે ભાવ ગઈ કાલે ઉપરમાં ૯૨ વટાવી છેલ્લે ૧.૮ ટકા વધીને ૯૧ રૂપિયા બંધ આવ્યો છે. ફેસ-વૅલ્યુ બે રૂપિયા છે. પુણેસ્થિત મશીન ટૂલ્સ બિઝનેસમાં પ્રવૃત્ત ક્રાન્તિ ઇન્ડસ્ટ્રીઝમાં પણ મંગળવારે બોનસ માટે બોર્ડ મિટિંગ નિર્ધારિત હતી. આઉટકમ બજાર બંધ થયા પછી આવવાનું હતું. શૅર ઉપરમાં ૨૩.૫૦ થઈ અંતે ૩.૩ ટકા વધીને ત્યાં જ બંધ હતો. જીએમ બ્રુઅરીજે સારા પરિણામ સાથે ૪૦ ટકા ડિવિડન્ડ જાહેર કર્યું છે. માર્ચ ક્વૉર્ટરનો નફો ૧૮ કરોડની સામે બેવડાઈને ૪૫ કરોડ રૂપિયાથીય વધુ આવ્યો છે. સમગ્ર વર્ષનો નફો ૬૮ કરોડથી વધીને ૮૦ કરોડ રૂપિયા નોંધાયો છે. આના પગલે શૅર ૧૨ ગણા વૉલ્યુમમાં ૪૮૧નું બેસ્ટ લેવલ બતાવી અંતે એક ટકાની મજબૂતીમાં ૪૪૭ રૂપિયા જોવાયો છે.


પેનેસિઆ બાયો તગડા વૉલ્યુમે ૨૦ ટકા વધ્યો

પેનેસિઆ બાયોટેક દ્વારા રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફન્ડ સાથે કરાર થયા છે તે અનુસાર કંપની ભારતમાં દર વર્ષે સ્પુતનિક-વી વૅક્સિનના  ૧૦ કરોડ ડોઝ બનાવશે. કોરોનાના ઉપચાર માટેની આ વૅક્સિન ૯૧.૬ ટકા અસરકારક પુરવાર થઈ છે. વિશ્વના ૫૯ દેશોમાં તેને રજિસ્ટ્રેશન મળ્યું છે. આ અહેવાલના પગલે પેનેસિઆનો શૅર મંગળવારે લગભગ ૨૩ ગણા કામકાજમાં ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૨૨૧ રૂપિયા થઈને ત્યાં જ બંધ રહ્યો છે. ફેસ-વૅલ્યુ એકની છે. લોરસ લૅબમાં અર્નિંગ ગ્રોથ સ્ટ્રૉન્ગ રહેવાની સાથે બાયના સિગ્નલ વહેતાં થતાં ભાવ દોઢા વૉલ્યુમમાં ૪૦૨ના નવા શિખરે જઈ અંતે ૬.૨ ટકાની તેજીમાં ૩૯૭ રૂપિયા બંધ આવ્યો છે. ડૉ. લાલ પેથ લૅબ્સ મજબૂતી આગળ ધપાવતા ૩૦૮૫ની નવી વિક્રમી ટૉપ મેળવી અંતે છ ટકા વધીને ૩૦૭૧ રૂપિયા બંધ હતો. મેટ્રોપોલિસ હેલ્થકૅર ઉપરમાં ૨૨૭૫ થયા બાદ છેલ્લે દોઢ ટકા ઘટીને ૨૧૯૫ રૂપિયા હતો. કોરોના વૅક્સિન બિઝનેસમાં પદાર્પણની તૈયારી કરી રહેલી કેડિલા હેલ્થકૅર ગઈકાલે ૩.૮ ટકા વધીને ૪૫૭ રૂપિયા થયો છે.

અદાણી ગ્રુપમાં નવા શિખરનો સિલસિલો આગળ વધ્યો

અદાણી ગ્રુપનો સોનેરી સમય ચાલે છે. ગ્રુપના શૅર નવી વિક્રમી સપાટી બનાવી આગળ વધતા જાય છે. ગઈ કાલે પણ અદાણી એન્ટરપ્રાઇઝીસ ૧૨૪૦નું નવું ઓલટાઇમ ટૉપ બનાવી ૭.૭ ટકાના ઉછાળે ૧૨૨૬ રૂપિયા બંધ હતો. અદાણી પોર્ટસનું કાર્ગો વૉલ્યુમ માર્ચમાં ૪૧ ટકા વધ્યું હોવાના પગલે બહેતરીન પરિણામની થિયરી કામે લાગી છે. શૅર ૮૫૨ની વિક્રમી સપાટીએ જઈ અંતે ૧૨.૮ ટકાની તેજીમાં ૮૩૭ રૂપિયા જોવાયો છે. વૉલ્યુમ લગભગ ચારગણું હતું. અદાણી ટ્રાન્સમિશન ૧૧૪૭ની ઓલટાઇમ હાઈ બતાવી સવા ટકાના સુધારામાં ૧૧૧૦ હતો. અદાણી ટોટલ ગૅસ દોઢા કામકાજમાં ૧૨૪૮ની સર્વોચ્ચ સપાટી મેળવી છેલ્લે ૩.૪ ટકાની આગેકૂચમાં ૧૨૦૪ રૂપિયા બંધ આવ્યો છે. અદાણી પાવર પાંચ ટકાની ઉપલી સર્કિટે ૯૮ રૂપિયા ઉપર તો અદાણી ગ્રીન અૅનર્જી ઇન્ટ્રા-ડેમાં ૧૨૦૮ થઈ

છેલ્લે ૨.૨ ટકા વધી ૧૧૯૫ રૂપિયા બંધ આવ્યા છે. બાય ધ વે મુકેશ અંબાણીની રિલાયન્સ ઉપરમાં ૨૦૦૫થી ઘટી ૧૯૭૦ના બૉટમે જઈ અંતે અડધો ટકો ઘટી ૧૯૮૪ રૂપિયા બંધ રહી છે.

ફ્યુચર ગ્રુપના શૅર સતત બીજા દિવસે પણ જોરમાં

અૅમૅઝોન સાથેના કાનૂની વિવાદમાં સપડાયેલું અને ભારે નાણાભીડ અનુભવી રહેલું ફ્યુચર ગ્રુપ ૨૫,૦૦૦ કરોડના ડીલના મામલે રિલાયન્સની હૂંફ ચાલુ રહેતાં મોજમાં આવ્યું છે. ગ્રુપનો શૅર બીજા દિવસેય ઉપલી સર્કિટે જોવાયો છે. ફ્યુચર એન્ટરપ્રાઇઝીસ ૧૦ ટકાની તથા તેનો ડીવીઆર, ફ્યુચર રીટેલ, ફ્યુચર માર્કેટ નેટવર્ક અને ફ્યુચર લાઇફસ્ટાઇલ પાંચ-પાંચ ટકાની તેજીની સર્કિટમાં બંધ આવ્યા છે. ફ્યુચર કન્ઝ્યુમર ૨.૩ ટકા અને ફ્યુચર સપ્લાય પાંચ ટકા વધ્યા હતા. વિખર સેગમેન્ટમાં શૉપર્સ સ્ટોપ પોણા ટકાથી વધુના ઘટાડે ૨૦૨ રૂપિયા, એવેન્યુ સુપર માર્ટ નહીંવત્ સુધારામાં ૨૮૫૩ રૂપિયા, વી માર્ટ રીટેલ એક ટકો ઘટી ૨૭૪૦ રૂપિયા અને વીટુ રીટેલ ચાર ટકા ગગડી ૧૩૧ રૂપિયા બંધ હતા. મલ્ટિપ્લેક્સ સેગમેન્ટમાં પીવીઆર લિમિટેડ વધુ ૪ ટકા ખરડાઈને ૧૩૩૧ની નીચે તો આઇનોક્સ લિઝર નીચામાં ૨૫૮ થયા બાદ છેલ્લે સવા બે ટકાના સુધારામાં ૨૭૫ રૂપિયા બંધ આવ્યા છે. કોરોના વેવ છતાં ઇન્ડિગો જેટ અૅરવેઝ અને સ્પાઇસ જેટના શૅર મંગળવારે પોણાથી પોણાબે ટકા વધ્યા છે.

રિયલ્ટી શૅરમાં વિશેષ આકર્ષણ જમાવાશે

મોટા ગજાના વગદાર બિલ્ડર લોઢા ડેવલપર્સ મેક્રોટેક ડેવલપર્સના નવા નામથી ૨૫૦૦ કરોડ ઊભા કરવા ૭મીએ મૂડીબજારમાં આવી રહી છે. ત્યારે રિયલ્ટી સેગમેન્ટને લઈ સારા સમાચાર આવવા માંડે એ સાહજિક છે. નાઇટ ફ્રેન્ક ઇન્ડિયાના આંકડા કહે છે કે ચાલુ વર્ષે પ્રથમ ત્રણ માસમાં હાઉસિંગ સેલ ૪૪ ટકા વધીને ૭૧,૯૬૩ રહેઠાણોનું થયું છે. એક અન્ય સમાચારમાં શોભા લિમિટેડે માર્ચ ક્વૉર્ટરમાં ૬૯૫ કરોડની સામે આ વખતે ૧૦૭૨ કરોડ રૂપિયાની આવક મેળવી છે. સરવાળે શૅર ગઈ કાલે ૧૫ ગણા કામકાજમાં ૫૧૬ની ઐતિહાસિક ટૉપ બનાવી ૧૬ ટકાના જમ્પમાં ૪૯૯ નજીક બંધ રહ્યો છે રિયલ્ટી સેગમેન્ટમાં ગઈ કાલે લિસ્ટેડ ૧૦૦ શૅરમાં બીએસઈ ખાતે સોદા પડ્યા હતા જેમાંથી ઘટેલા શૅરની સંખ્યા  ૩૭ની હતી. નિફ્ટી રિયલ્ટી ઇન્ડેક્સ ૧૦માંથી ૭ શૅરના સુધારામાં ૧.૨ ટકા વધીને ટૉપ ગેઇનર બન્યો હતો. બીએસઈનો રિયલ્ટી ઇન્ડેક્સ એક ટકો પ્લસ હતો. આશિયાના ૧૧ ટકા, ગણેશ હાઉસિંગ પાંચ ટકા, ઇમામી રિયલ્ટી ૪.૯ ટકા, પૂર્વાન્દ્રારા સવા ચાર ટકા, વીર ગ્લોબલ પાંચ ટકા, સનટેક રિયલ્ટી ૨.૮ ટકા પ્રેસ્ટિજ અઢી ટકા વધ્યા હતા. દરમિયાન આરઝેડ ગ્રુપના બૅકિંગવાળી બાર્બિક્યુ નેશનનું લિસ્ટિંગ બુધવારે છે. શૅરદીઠ ૫૦૦ની ઇશ્યુ પ્રાઇસ સામે આ આઇપીઓના ગ્રે માર્કેટમાં સોદા નથી. બાય ધ વે, લોઢાની મેક્રોટેક ડેવલપર્સના પણ ગ્રે માર્કેટમાં હજી કોઈ કામકાજ શરૂ થયા નથી. બાર્બિક્યુનું લિસ્ટિંગ ડિસ્કાઉન્ટમાં થશે કે પછી લિસ્ટિંગ પછી ડિસ્કાઉન્ટમાં જશે એ જોવું રહ્યું.

Market Moment

Whatsapp-channel Whatsapp-channel

07 April, 2021 02:40 PM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK