Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > બજાર સતત સાતમા દિવસે રેડ ઝોનમાં, ચાલુ કૅલેન્ડર યરમાં ૭ મહિના પછીની લાંબી નરમાઈ

બજાર સતત સાતમા દિવસે રેડ ઝોનમાં, ચાલુ કૅલેન્ડર યરમાં ૭ મહિના પછીની લાંબી નરમાઈ

30 September, 2022 03:30 PM IST | Mumbai
Anil Patel

કાંદિવલીની મોદીઝ નવનિર્માણનું એક શૅરે ત્રણ બોનસ, શૅર તગડા ઉછાળે નવા શિખરે : સિપ્લામાં સર્વોચ્ચ સપાટીની હૅટ ટ્રિક : બૅન્કિંગના ૩૬માંથી ૨૪ શૅરમાં સુધારા વચ્ચે બૅન્ક નિફ્ટીમાં નરમાઈ આગળ વધી

પ્રતીકાત્મક તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર


નિફ્ટી ત્રીસેક ટકા સુધી ગગડવાની આશંકા સાથે વિદેશી બ્રોકરેજ હાઉસ સીએલએસએના ડરામણા વરતારા : નિફ્ટીમાં એન્ટ્રીની પૂર્વસંધ્યાએ અદાણી એન્ટર ૭૭ રૂપિયા ડાઉન, અદાણી ટ્રાન્સ સવાપાંચ ટકા તૂટ્યો : રિલાયન્સમાં ૨૩૧૩નું ૬ મહિનાનું બૉટમ બની શૅર સપ્તાહમાં સાડાછ ટકા ડૂલ થયો : કાંદિવલીની મોદીઝ નવનિર્માણનું એક શૅરે ત્રણ બોનસ, શૅર તગડા ઉછાળે નવા શિખરે : સિપ્લામાં સર્વોચ્ચ સપાટીની હૅટ ટ્રિક : બૅન્કિંગના ૩૬માંથી ૨૪ શૅરમાં સુધારા વચ્ચે બૅન્ક નિફ્ટીમાં નરમાઈ આગળ વધી

ફુગાવો, વ્યાજદર અને ડૉલરની વધતી દાદાગીરીને લઈને વિશ્વસ્તરે રિસેશન લગભગ નક્કી થઈ ચૂક્યું છે. લગભગ તમામ અગ્રણી શૅરબજારો આ વર્ષે સારા એવા ધોવાઈ ચૂક્યાં છે, કેટલાંક તો બેરમાર્કેટની ઑર્બિટમાં આવી ગયાં છે. આ બધા સામે ચાલુ કૅલેન્ડર વર્ષમાં ભારતીય શૅરબજાર માંડ ત્રણેક ટકા જ ઢીલું પડ્યું છે. આથી ઘણા બધાને લાગે છે કે દુનિયાનું જે થવું હશે એ થશે, આપણને વાંધો નહીં આવે. ભારતીય ઇકૉનૉમીનાં ફન્ડામેન્ટલ્સ આ લોકોને બહુ સાઉન્ડ કે મજબૂત લાગે છે. વૈશ્વિક મંદીનો પડકાર ઝીલવા વિશ્વગુરુ એકદમ સક્ષમ હોવાનું તેમનું માનવું છે. આ સંદર્ભમાં વિદેશી બ્રોકરેજ હાઉસ સીએલએસએનો અહેવાલ ઘણો પ્રાસંગિક બની રહે છે. એણે જણાવ્યું કે આ પ્રકારની માન્યતા કે આત્મવિશ્વાસ તદ્દન ખોટો છે. સૌનું થશે એ વહુનુંય થવાનું છે. સવાલ માત્ર ટાઇમિંગનો છે. અત્યાર સુધી પ્રમાણમાં ટકી રહેલું ભારતીય શૅરબજાર ક્યાં સુધી, કેટલું ટકી શકશે એ મોટો પ્રશ્ન છે. સીએએસએના મતે બજારનું હાલનું ટકાઉપણું નક્કર નથી. વૅલ્યુએશન ઘણું ઊંચું અને અવાસ્તવિક છે. બજાર તૂટશે, જેમાં નિફ્ટી હાલના લેવલથી ત્રીસેક ટકા સુધી નીચે જવાની દહેશત તેણે વ્યક્ત કરી છે. મતલબ કે આશરે ૧૨,૦૦૦ આસપાસનો નિફ્ટી અને ૪૨,૦૦૦ જેવો સેન્સેક્સ થયા. તેજી-મંદીનું ચક્ર કે ઘટમાળ જે લોકો સમજે છે તેઓ કહેશે, ‘હો સકતા હૈ!’ 



ઍની વે, ગુરુવારે એશિયન બજારો સામાન્ય વધ-ઘટે મિશ્ર હતાં. જૅપનીઝ નિક્કી એકાદ ટકો વધ્યો છે. યુરોપ રનિંગમાં સવાથી પોણાબે ટકા સુધી બગડેલું દેખાતું હતું. ક્રૂડ એક-દોઢ ટકાની વધ-ઘટની રેન્જમાં અથડાતું રહી ૮૮ ડૉલરે ટકેલું છે. ઘરઆંગણે સળંગ ૬ દિવસની નબળાઈ બાદ ગુરુવારે ડેરિવેટિવ્ઝમાં સપ્ટેમ્બર સિટીઝની પતાવટને લઈ બજાર ૪૦૦ પૉઇન્ટની ગૅપમાં ઉપર ખૂલ્યા પછી છેલ્લે ૧૮૮ પૉઇન્ટ ઘટ્યો છે. નિફ્ટી ૪૦ પૉઇન્ટ નરમ હતો. ઇન્ટ્રા-ડેમાં શૅરઆંક લગભગ ૫૬૮ પૉઇન્ટ ઉપર ગયો હતો અને આ પ્રારંભિક સુધારાથી ૮૫૨ પૉઇન્ટ ખરડાઈ નીચામાં ૫૬૩૧૪ દેખાયો હતો. શુક્રવારે રિઝર્વ બૅન્કની નાણાનીતિ આવવાની છે. વ્યાજદર તો વધશે જ, પણ એ અડધો ટકો હશે કે એનાથી ઓછો એ જોવાનું છે. 


આઇટીસી અને એશિયન પેઇન્ટ્સે ૨૪ કલાકમાં સ્થાનબદલો કર્યો 

ગઈ કાલે સેન્સેક્સના ૩૦માંથી ૧૫ અને નિફ્ટીના ૫૦માંથી ૨૭ શૅર સુધર્યા છે. સેન્સેક્સમાં આગલા દિવસે ત્રણ ટકા ગગડીને ટૉપ લૂઝર બનેલો આઇટીસી અઢી ટકા વધી ૩૩૩ હતો. ડૉ. રેડ્ડીઝ લૅબ ૨.૨ ટકા, તાતા સ્ટીલ ૧.૭ ટકા અને સનફાર્મા ૧.૪ ટકા પ્લસ હતા. સામે બુધવારનો હીરો એશિયન પેઇન્ટ્સ ૪.૬ ટકા બગડી બન્ને મેઇન બેન્ચમાર્કમાં ટૉપ લૂઝર બન્યો છે. નિફ્ટી ખાતે હિન્દાલ્કો ૩.૩ ટકા વધીને ૩૭૨ હતો. અન્યમાં અપોલો હૉસ્પિટલ, શ્રી સિમેન્ટ, નેસ્લે લગભગ સવાથી લઈ સાડાત્રણ ટકા સુધર્યા છે. હીરો મોટોકૉર્પ, ટેક મહિન્દ્ર, બજાજ ઑટો, વિપ્રો, ટાઇટન, ટીસીએસ, લાર્સન, બજાજ ફાઇ, યુપીએલ પોણાથી બે ટકા ડાઉન હતા. રિલાયન્સ સરેરાશ કરતાં ૪૦ ટકા જેવા વૉલ્યુમે ૨૩૧૩ની ૬ મહિનાના બૉટમ બાદ સાધારણ ઘટાડામાં ૨૩૨૫ હતો. શુક્રવારથી નિફ્ટીમાં જેની એન્ટ્રી થવાની છે અને જેને કારણે નિફ્ટીનું વેઇટેજનું ગણિત ખાસ્સું બદલાવાનું છે એ અદાણી એન્ટર ઉપરમાં ૩૬૬૨ અને નીચામાં ૩૪૨૬ થઈ ૨.૨ ટકા ગગડી ૩૪૭૨ રહ્યો છે. અદાણી ટોટલમાં વિદેશી સહપ્રમોટર ટોટલના બે અબજ ડૉલરના રોકાણનું મૂલ્ય આજે ૧૦ અબજ ડૉલરને વટાવી ગયું હોવાથી એ પોતાનો આંશિક હિસ્સો વેચવા વિચારી રહી હોવાના અહેવાલ છે. અદાણી ટોટલનો શૅર સવા ટકો ઘટી ૩૪૦૭ બંધ હતો. એસીસી સવા ટકો તો અંબુજા સિમેન્ટ ૧.૩ ટકા પ્લસ હતા. અદાણી ટ્રાન્સ ૫.૩ ટકા કે ૧૮૯ રૂપિયા તૂટી ૩૪૧૪ હતી. અદાણી ગ્રીન ૨.૩ ટકા ડાઉન થયો છે. 


નાયકામાં સોમવારે બોનસ માટે મીટિંગ, હેરિટેજમાં રાઇટનો કરન્ટ 

નાયકા અર્થાત્ એફએસએન ઈ-કૉમર્સ તરફથી ૩ ઑક્ટોબરે બોનસ માટે બોર્ડ મીટિંગની નોટિસ વાગતાં શૅર ગઈ કાલે પ્રારંભિક ઉછાળે ઉપરમાં ૧૩૫૦ થયા બાદ અંતે અડધો ટકો વધી ૧૨૮૩ રહ્યો છે. વૉલ્યુમ સરેરાસ કરતાં ત્રણ ગણું હતું. જૂનની આખરમાં ૧૦ના શૅરદીઠ ૧૮૦ના ભાવે ૨૨૬૮ લાખ રૂપિયાનો એસએમઈ આઇપીઓ લાવનારી કાંદિવલી-વેસ્ટની મોદીઝ નવનિર્માણ તરફથી એક શૅરદીઠ ત્રણનું ઉદાર બોનસ જાહેર થતાં ભાવ ૩૬૦ની ઑલટાઇમ હાઈ બાદ ૧૬.૭ ટકાની મજબૂતીમાં ૩૫૦ થયો છે. હેરિટેજ ફૂડ્સમાં રાઇટ માટે શુક્રવારે બોર્ડ-મીટિંગ છે. શૅર ૪.૨ ટકા વધી ૩૧૭ હતો. મૅક્સિમસ ઇન્ટર. ૧૦ના શૅરના એકમાં વિભાજન માટે શુક્રવારે એક્સ-સ્પ્લિટ થશે, ભાવ ગઈ કાલે પાંચ ટકાની નીચલી સર્કિટે ૩૬૮ થઈ ત્યાં જ બંધ રહ્યો છે. એક્સ બોનસ થતાં બુધવારે ૧૦ ટકા વધેલો પોન્ડી ઑક્સાઇડ ગઈ કાલે પણ ૫.૮ ટકા વધી ૬૧૮ થયો છે. એ જ પ્રમાણે એક્સ બોનસમાં પાંચ ટકાની ઉપલી સર્કિટ મારનાર રામરત્ન વાયર્સ ગુરુવારે એક વધુ સર્કિટમાં પાંચ ટકા ઊછળી ૨૨૯ વટાવી ૨૧૮ જોવા મળ્યો છે. ભારત ગિયર્સ વધુ ૬ ટકા ગગડી ૧૪૯ રહ્યો છે. વર્ષે ૨૨૪ કરોડનું ટર્નઓવર ધરાવતી ક્યુરેટોને ૨૦૦૦ કરોડમાં ટેકઓવર કરવાની જાહેરાતમાં ટૉરન્ટ ફાર્મા બુધવારે નીચામાં ૧૪૪૯ થઈ અઢી ટકા ઘટી ૧૪૯૪ બંધ રહી હતી. ગ, કાલે બાઉન્સ બૅકમાં ૧૫૫૪ થઈ ૩.૬ ટકા વધી ૧૫૪૯ થઈ છે. બ્લુડાર્ટ તરફથી ૨૦૨૩ના આરંભથી સર્વિસના દર ૯ ટકા વધારવામાં આવશે. શૅર દોઢ ટકો વધી ૮૭૧૨ હતો. 

ફાર્મા હેલ્થકૅરની લાલી વધી અને મેટલ શૅરોમાં નરમાઈ અટકી 

નિફ્ટી ફાર્મા ૨૦માંથી ૧૫ શૅરની આગેકૂચ સાથે ૧.૩ ટકા તો હેલ્થકૅર ઇન્ડેક્સ ૯૬માંથી ૬૮ શૅરના સથવારે ૧.૪ ટકા વધ્યો છે. સનફાર્મા ગ્રુપની સ્પાર્ક ૧૫.૩ ટકાની મજબૂતીમાં ૨૩૧ બંધ આપી ટૉપ ગેઇનર બન્યો છે. સનફાર્મા ૧.૪ ટકા,  ડૉ. રેડ્ડીઝ લૅબ ૨.૨ ટકા, અપોલો હૉસ્પિટલ્સ ત્રણેક ટકા, ઝાયડ્સ લાઇફ ચાર ટકા, એબટ ઇન્ડિયા ૫.૩ ટકા, ગ્લેન્ડ ફાર્મા બે ટકા, ટૉરન્ટ ફાર્મા સાડાત્રણ ટકા પ્લસ હતા. સિપ્લા ૧૧૨૧ની બેસ્ટ હાઈ બાદ બે ટકા વધી ૧૧૧૯ જોવા મળ્યો છે. પૉલિમેડ, સીક્વન્ટ સાયન્ટિફિક, સુવેન ફાર્મા, એચસીજી, આરતી ડ્રગ્સ ચારથી આઠ ટકા પ્લસ હતા. ડૉ. લાલ પૅથલૅબ્સ ૩.૮ ટકાની ખરાબીમાં ૨૫૯૨ બંધ આવ્યો છે. અલ્કેમ, લુપિન, ન્યુલૅન્ડ લૅબ, કોપરાન, મોરપેન લૅબ બેથી ચાર ટકા ડાઉન હતા. 
તાજેતરની નરમાઈ બાદ ટેક્નિકલ કરેક્શનમાં મેટલ શૅર સુધર્યા છે. જિન્દલ સ્ટીલ, હિન્દાલ્કો, તાતા સ્ટીલ, હિન્દુ. કૉપર પોણા બેથી પોણા ચાર ટકા વધ્યા છે. એપીએલ અપોલો ૦.૪ ટકા નરમ હતો. નાલ્કો, સેઇલ, કોલ ઇન્ડિયામાં સાધારણથી સવા ટકાનો સુધારો દેખાયો છે. ઇન્ડિયા સિમેન્ટ આગલા દિવસના ઉછાળા પછી ગઈ કાલે ૧.૮ ટકા ઘટી ૨૪૫ હતો. સાંઘી ઇન્ડ. બે ટકા, ઓરિયેન્ટ સિમેન્ટ અડધો ટકો, બિરલા કૉર્પ બે ટકા, નુવાકો વિસ્ટા અઢી ટકા, ગ્રાસિમ પોણો ટકો નરમ હતા. કેસોરામ ઇન્ડ. ૫.૩ ટકા વધી ૫૬ હતો. એવરેસ્ટ ઇન્ડ. ૩.૯ ટકા અને સ્ટાર સિમેન્ટ ચાર ટકા મજબૂત હતા. શ્રી સિમેન્ટ બે ટકા વધીને ૨૧૨૯૬ રહ્યો છે. 

બૅન્કિંગમાં સુધારા વચ્ચે બૅન્ક નિફ્ટી નરમ, ટીસીએસના ભારમાં આઇટી ડાઉન 

બૅન્ક નિફ્ટી ૧૧૩ પૉઇન્ટ જેવો વધુ ઘટ્યો છે. જોકે એના ૧૨માંથી ૮ શૅર પ્લસ હતા. પીએસયુ નિફ્ટી ૧૨માંથી ૧૧ શૅરના સુધરામાં ૧.૨ ટકા વધ્યો છે. સમગ્ર બૅન્કિંગ ઉદ્યોગના ૩૬માંથી ૨૪ શૅર સુધર્યા છે, જેમાં પંજાબ સિંધ બૅન્ક ૫.૭ ટકા અને બૅન્ક ઑફ ઇન્ડિયા સવાપાંચ ટકાની તેજીથી મોખરે હતી. ઇન્ડિયન બૅન્ક, સેન્ટ્રલ બૅન્ક, કૅનરા બૅન્ક, બંધન બૅન્ક, એયુ બૅન્ક, સૂર્યોદય સ્મૉલ બૅન્ક અઢીથી પોણાચાર ટકા મજબૂત હતા. કરુર વૈશ્ય બૅન્ક ૩.૪ ટકા, જેકે બૅન્ક પોણાબે ટકા, કોટક બૅન્ક દોઢ ટકો ઘટ્યા છે. ફાઇનૅન્સ ઇન્ડેક્સ ૧૩૯માંથી ૭૭ શૅરના સુધારા વચ્ચે સાધારણ નરમ હતો. મુથૂત ફાઇનૅન્સ સાડાછ ટકા ઊંચકાઈ છે. જનરલ ઇન્શ્યૉરન્સ, જીઆઇસી હાઉસિંગ, ઇકરા, શૅર ઇન્ડિયા ત્રણથી ચાર ટકા પ્લસ હતા. બજાજ હોલ્ડિંગ્સ ૪ ટકા ગગડ્યા છે. એલઆઇસી ૬૧૭નું નવું વર્સ્ટ લેવલ મેળવી સહેજ ઘટીને ૬૧૯ હતી. પેટીએમ બે ટકા બગડી ૬૩૨ હતો. 

આઇટી ઇન્ડેક્સ અડધો ટકો કટ થયો છે. એના ૬૨માંથી ૩૨ શૅર સુધર્યા હતા. ઓરિયન પ્રો સાડાનવ ટકાની તેજીમાં ૪૪૯ થયો છે. ઇન્ટલેક્ટ ડિઝાઇન ૪.૬ ટકા ગગડી ૫૧૦ના તળિયે ગયો છે. ટીસીએસ ૧.૩ ટકા, ટેક મહિન્દ્ર ૧.૯ ટકા, વિપ્રો એક ટકાથી વધુ નરમ હતા. ઇન્ફી નહીંવત્ સુધરી ૧૩૯૭ થયો છે. સરકારે પૅસેન્જર કારમાં ૬ ઍરબૅગની મુદત એક વર્ષ લંબાવી છે, પણ મારુતિ વધુ અડધો ટકો ઘટી ૮૬૬૧ થયો છે. સ્મૉલ ઇલે. કાર ક્ષેત્રે પદાર્પણમાં તાતા મોટર્સ પોણો ટકો સુધરીને ૪૦૨ હતી. એસ્કોર્ટ્સ ત્રણ ટકા મજબૂત હતો. 

Whatsapp-channel Whatsapp-channel

30 September, 2022 03:30 PM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK