° °

આજનું ઇ-પેપર
Wednesday, 26 January, 2022


કોવિડની સાથે રીલિફ-રૅલીનું પણ કમબૅક સેન્સેક્સ ૬૦ તથા નિફ્ટી ૧૮ની ઉપર બંધ

11 January, 2022 04:14 PM IST | Mumbai | Anil Patel

નવા લૉન્ચિંગ પાછળ ગ્લોબ ટેક્સટાઇલ્સમાં ૧૦ ટકાની તેજી, સ્ટેન્ચાર્ટ સાથેના કરારથી ઐરાન વૉલ્યુમ સાથે વધ્યો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

મેકવાયરના એક વધુ ડાઉન ગ્રેડિંગ પાછલ પેટીએમ તૂટીને નવા તળિયે : બાયબૅકની જાહેરાત ટીસીએસની પણ શૅર ઇન્ફીનો ઝળક્યો : નવા લૉન્ચિંગ પાછળ ગ્લોબ ટેક્સટાઇલ્સમાં ૧૦ ટકાની તેજી, સ્ટેન્ચાર્ટ સાથેના કરારથી ઐરાન વૉલ્યુમ સાથે વધ્યો : ઇપ્ફા લૅબ એક્સ-સ્પ્લિટ થતાં ઘટ્યો, એવન્યુ સુપર માર્ટમાં બેરિશ વ્યુ : સુપ્રિયા લાઇફ તથા રેટગેઇન તગડા ઉછાળે નવા શિખરે, કોવિડના ખૌફ વચ્ચે પીવીઆરમાં પાંચ ટકાની મજબૂતી : લાર્સનની આગેવાનીમાં કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ ઑલટાઇમ હાઈ

કોવિડના કમ-બૅકની સાથે-સાથે જીડીપી ગ્રોથના અંદાજમાં વિવિધ સ્તરે વત્તે-ઓછે અંશે ડાઉન ગ્રેડિંગ શરૂ થઈ ગયા છે. રિઝર્વ બૅન્કે તેના એડવાન્સ એસ્ટિમેટમાં ચાલુ વર્ષે આર્થિક વિકાસદરનું અનુમાન ૯.૨ ટકા આપ્યું છે. મૂળ અંદાજ સાડા નવ ટકાનો હતો. સીટી ગ્રુપ દ્વરા જીડીપી ગ્રોથમાં કોવિડને લઈ પોણા ટકા જેવો ઘટાડો થવાની આશંકા દર્શાવાઈ છે. એચએસબીસી, ઇન્ડિયા રેટિંગ તથા આઇસીઆઇઆઇ બૅન્કના અર્થશાસ્ત્રીઓએ પણ તેમના અગાઉના અંદાજ ઘટાડ્યા છે. બજેટ આવી રહ્યું છે અને યુપી સહિતનાં પાંચ રાજ્યોની ચૂંટણીના ટાંકણે બજેટ રજૂ થવાનું છે. મોદી સરકારની આર્થિક નીતિમાં ઇલેક્શન હંમેશાં કેન્દ્રસ્થાને રહ્યું છે તથા દિવસે દિવસે તેનું વેઇટેજ વધવા માંડ્યું છે એ જોતાં બૉલ્ડ કે રિયલ બજેટને કોઈ અવકાશ નથી. ડિસેમ્બર ક્વૉર્ટરના કંપની પરિણામ એકંદર મિશ્ર હશે, વાઉ ફૅક્ટરવિહોણા હશે એવી ચર્ચા શરૂ થઈ ગઈ છે. આ બધાની વચ્ચે બજાર તેની આગવી સ્ટાઇલમાં આગળ ધપી રહ્યું છે. સેન્સેક્સ સોમવારે ૩૦૦ પૉઇન્ટ પ્લસના ગેપ-અપ ઓપનિંગ બાદ ૬૫૧ પૉઇન્ટ વધીને ૬૦૩૯૬ તથા નિફ્ટી ૧૯૧ પૉઇન્ટના સુધારામાં ૧૮૦૦૩ બંધ રહ્યો છે. સેન્સેક્સના ૩૦માંથી ૨૦ તો નિફ્ટીના ૫૦માંથી ૩૫ શૅર પ્લસ હતા. યુપીએલ, ટાઇટન, હીરો મોટોકોર્પ, મારુતિ સુઝુકી, સ્ટેટ બૅન્ક, લાર્સન, તાતા મોટર્સ, ગ્રાસીમ, એચડીએફસી અને કોટક મહિન્દ્ર બૅન્ક સંબંધિત આઇટમ અઢીથી સાડા ચાર ટકા વધી છે. વિપ્રો અઢી ટકાની ખરાબીમાં બન્ને બેન્ચમાર્ક ખાતે વર્સ્ટ પર્ફોર્મર બન્યો છે. માર્કેટ લીડર ગણાતો રિલાયન્સ ગઈ કાલે માંડ પોણા બે રૂપિયા જેવા નજીવા સુધારા સાથે ૨૪૩૮ બંધ હતો. જોકે તેની ૪૫.૪ ટકા માલિકીની સબસિડિયરી રિલાયન્સ ઇન્ડ. ઇન્ફ્રા ઉપરમાં ૯૮૦ નજીક જઈને ૧૧.૩ ટકાના જમ્પમાં ૯૫૬ હતો. બન્ને બજારના તમામ સેક્ટોરલ પ્લસમાં જોવા મળ્યા છે. સુધારો વ્યાપક હોવાના પગલે માર્કેટ બ્રેડ્થ ખાસ્સી સ્ટ્રૉન્ગ રહી છે. પોઇન્ટ એનએસઈમાં ઘટેલા ૬૨૦ શૅર સામે ૧૪૭૫ શૅર વધીને બંધ આવ્યા છે. 
પરિણામ અને બાયબૅકમાં ટીસીએસ ૪૧૦૦ વટાવશે 
ટીસીએસમાં પરિણામ અને ઇન્ટરિમ ઉપરાંત શૅરનું બાયબૅક ૧૨મીએ જાહેર થવાનું છે. કંપની આ અગાઉ ત્રણ વખત બાયબૅક આપી ચૂકી છે. બજાર વર્તુળોની ધારણા ડિસે. ક્વૉર્ટરમાં ૯૯૫૦ કરોડ આસપાસના નેટ પ્રૉફિટની છે. ટ્રેક રેકૉર્ડ જોતાં વેઇટેડ એવરેજ પ્રાઇસના મુકાબલે ૯-૧૦ ટકા ઊંચા ભાવે બાયબૅક અપેક્ષિત છે. અર્થાત ૪૧૦૦ રૂપિયા પ્લસની બાયબૅક પ્રાઇસ થઈ શૅર ગઈ કાલે અઢી ગણા કામકાજમાં ૩૯૯૦ની તેની વિક્રમી સપાટીની નજીક ૩૯૮૦ થઈ છેલ્લે અડધા ટકાની આગેકૂચમાં ૩૮૭૯ બંધ હતો. ૧૨મીએ ઇન્ફી અને વિપ્રોના પણ પરિણામ છે. ઇન્ફીમાં ૨૦૫૦ની ટાર્ગેટ પ્રાઇસ સાથે શૅરખાન તરફથી બાયનું રેટિંગ આવેલું છે. શૅર સોમવારે ૧૮૬૯ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ બે ટકાની મજબૂતીમાં ૧૮૫૧ બંધ રહ્યો છે. ઑલટાઇમ હાઈ ૧૯૧૪ની છે. વિપ્રોમાં ત્રિમાસિક નેટ પ્રોફિટ ૨૯૬૦ કરોડ જેવો આવવાના વરતારા છે. શૅર ગઈ કાલે ઉપરમાં ૭૧૪ થયા બાદ ૬૯૦ની ઇન્ટ્રા-ડે બૉટમ બતાવી અઢી ટકા ગગડી ૬૯૩ બંધ થયો છે. માઇન્ડ ટ્રીના પરિણામ ૧૩મીએ આવવાના છે.  
ડી-માર્ટમાં પરિણામનો અફસોસ, કોવિડકાળમાં પીવીઆર ઊછળ્યો
ડી-માર્ટ ફેમ એવન્યુ સુપર માર્ટ દ્વારા ડિસે. ક્વૉર્ટરમાં સ્ટેન્ડ અલોન ધોરણે ૨૪.૬ ટકાના વધારામાં ૫૮૬ કરોડનો નેટ પ્રૉફિટ દર્શાવાયો છે. નફા માર્જિનને લઈ વિશ્લેષકો નિરાશ થયા છે. જેફરીઝે અહીં ૩૮૦૦ રૂપિયા, યુબીએસ તરફથી ૩૫૦૦ રૂપિયા, મોર્ગન સ્ટેનલીએ ૪૩૩૮ રૂપિયા અને ક્રેડિટ સ્વીસ ૩૬૦૦ની ટાર્ગેટ પ્રાઇસ સાથે બેરિશ-વ્યુ આવ્યો છે. મેકવાયરની ટાર્ગેટ પ્રાઇસ ૫૪૫૦ની છે. શૅર ગઈ કાલે દોઢ ગણા કામકાજમાં ઇન્ટ્રા-ડેમાં ૪૭૯૯ની ટોપથી નીચામાં ૪૬૨૦ થઈ બે ટકા ઘટી ૪૬૩૩ બંધ રહ્યો છે. પિઅર ગ્રુપમાં વી-માર્ટ બે ટકા વધી ૨૮૫૫ રૂપિયા, સ્પેન્સર એકાદ ટકો ઘટી ૧૦૬ રૂપિયા, શૉપર્સ સ્ટોપ સહેજ ઘટી ૩૨૨, વી-ટુ રીટેલ નજીવો સુધરીને ૧૫૫ રૂપિયા બંધ હતા. ફ્યુચર એન્ટર નહીંવત્ ઘટાડે ૧૦.૭૨, તેનો ડીવીઆર ૩.૭ ટકા વધીને ૧૫ નજીક, ફ્યુચર રીટેલ સાધારણ વધીને ૫૩, ફ્યુચર લાઇફ બે ટકા વધીને ૫૭, ફ્યુચર માર્કેટ નેટવર્કસ ૪.૬ ટકા વધી સવાદસ, ફ્યુચર કન્ઝ્યુમર અઢી ટકા વધીને આઠ તથા ફ્યુચર સપ્લાય સાધારણ ઘટી ૭૩ નજીક બંધ હતા. બાય ધ વે, કોરાનાના કમબૅક વચ્ચે પણ પીવીઆર ગઈ કાલે ૧૩૪૩ની ઇન્ટ્રા-ડે બૉટમ બાદ ઉપરમાં ૧૪૪૨ થઈ પાંચેક ટકા વધી ૧૪૩૩ બંધ રહ્યો છે. આઇનોક્સ લિઝર પણ ૩૭૩ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ ત્રણ ટકા વધી ૩૭૦ હતો. 
ગ્લોબ ટેક્સ. દસ ટકા ઊછળ્યો, ઐરાનમાં સ્ટેન્ચાર્ટનો કરન્ટ 
ગ્લોબ ટેક્સટાઇલ્સ દ્વારા ઇન્ડિજન એક્સ બ્રૅન્ડ નેમ હેઠળ નવી પ્રોડક્ટસ લૉન્ચ થતાં શૅર સોમવારે દસેક ટકાની તેજીમાં ૬૧ લાખ શૅરના ભારે વૉલ્યુમ સાથે પોણા પંદર રૂપિયા બંધ હતો. ફેસવૅલ્યુ બેની છે. કંપની જૂન-૧૭માં ૧૦ના શૅરદીઠ ૫૧ના ભાવે આઇપીઓ લાવી હતી. જૂન ૨૧માં એક શૅરદીઠ બે બોનસ તથા ઑગસ્ટ ૨૧માં ૧૦ના શૅરની કુલ સંખ્યા વધી હાલ ૧૫ની થઈ છે, જેની વૅલ્યુએશન ૨૨૧ રૂપિયાને વટાવી ગઈ છે અથવા તો ૫૧ના રોકાણ સામે આજે ૨૨૧ છૂટે છે. પ્રમોટર્સ હોલ્ડિંગ ૭૩.૪ ટકા છે. કમ્પ્યુટર હાર્ડવેર કંપની ઐરાન ગઈ કાલે આશરે ૨૯ લાખ શૅરના વૉલ્યુમમાં ઉપરમાં ૨૬ બતાવી પોણા ત્રણ ટકા વધીને ૨૪.૬૦ બંધ રહી છે. તેનો ઇશ્યુ માર્ચ ૨૦૧૭માં ૧૦ના શૅરદીઠ ૪૫ના ભાવે આવ્યો હતો. ઑગસ્ટ ’૧૮માં ૧૦ના શૅરનું બેમાં વિભાજન થયું, માર્ચ ૧૯માં શૅરદીઠ એક બોનસ આવ્યું હતું. જેની પાસે ૪૫ના રોકાણથી એક શૅર હતો તેની પાસે હાલ ૨૦ શૅર છે. જેની કુલ વૅલ્યુ ૪૯૨ રૂપિયાની થાય છે. કંપનીએ સ્ટેન્ચાર્ટ બૅન્ક સાથે ટ્રાન્ઝેક્શન પ્રોસેસિંગના આઉટસોર્સિંગના કરાર કર્યા છે. 
મેક્વાયરનું પેટીએમમાં એક વધુ ડાઉનગ્રેડિંગ, શૅર તૂટ્યો
બ્રોકરેજ હાઉસ મેક્વાયર તરફથી વન૯૭ કમ્યુનિકેશન્સ અર્થાત પેટીએમમાં બેરિશ વ્યૂને જારી રાખતાં ૧૨૦૦ની ટાર્ગેટ પ્રાઇસ ઘટાડીને ૯૦૦ રૂપિયા કરી નખાઈ છે. બે જ માસમાં આ બીજું ડાઉન ગ્રેડિંગ છે. શૅર આની અસરમાં ગઈ કાલે સાતેક ગણા વૉલ્યુમમાં ૧૧૫૧ની નવી ઑલટાઇમ બૉટમ બનાવી છ ટકા તૂટી ૧૧૫૮ બંધ રહ્યો છે. એક રૂપિયાના શૅરદીઠ ૨૧૫૦ની ઇશ્યુ પ્રાઇસથી દેશના ઇતિહાસમાંનો સૌથી મોટો ૧૮૩૦૦ કરોડનો આઇપીઓ લાવનારી પેટીએમ રોકાણકારો માટે સૌથી મોટી વેલ્થ ડિસ્ટ્રોયર પુરવાર થઈ છે. લિસ્ટિંગ બાદ શૅર ક્યારેય ૨૧૫૦ના ભાવે શૅર આઇપીઓ લીધા છે તેમની ૪૬ ટકા મૂડી હાલ સાફ થઈ ગઈ છે. તાજેતરમાં લિસ્ટેડ થયેલા અન્ય આઇપીઓમાં ગઈ કાલે સીએમએસ એક ટકો વધી ૨૭૭, સુપ્રિયા લાઇફ ૫૩૬ની નવી ઑલટાઇમ હાઈ બનાવી ૭.૪ ટકાની તેજીમાં ૫૨૯, એચપી એડહેસિવ્સ ૫૦૫ની નવી વિક્રમી સપાટી દેખાડી એક ટકાના સુધારામાં ૪૭૫, મૅપમાય ઇન્ડિયા ચાર ટકા વધીને ૧૭૪૧, ડેટા પેટર્ન્સ અઢી ટકા વધી ૭૫૯, ટેગા ઇન્ડ. દોઢ ટકા વધીને ૫૯૬, રેટગેઇન ૪૩૧ની સર્વોચ્ચ સપાટી બનાવી ૧૧.૨ ટકાના ઉછાળે ૪૨૪, શ્રીરામ પ્રૉપર્ટીઝ બે ટકાના સુધારામાં ૯૨, ટારસન્સ પ્રોડક્ટસ પાંચ ટકાના જમ્પમાં ૬૮૧, સ્ટાર હેલ્થ ૩.૬ ટકા વધી ૭૯૪ બંધ રહ્યા છે. આનંદ રાઠી વેલ્થ બે ટકા વધીને ૬૩૧ હતો. મેડપ્લસ હેલ્થ ૬.૧ ટકાની ૧૦૭૭ બંધ રહ્યો છે. 
ઇપ્કા લૅબ એક્સ સ્પ્લિટ થતાં ભાવ ૨.૮ ટકા ડાઉન
અગ્રણી ફાર્મા કંપની ઇપ્કા લૅબ બેના શૅરના એકમાં વિભાજનમાં સોમવારે એક્સ—સ્પ્લિટ થતાં ઉપરમાં ૧૧૨૪ થયા બાદ નીચામાં ૧૦૩૦ની અંદર જઈ ૨.૮ ટકા ઘટી ૧૦૬૯ જેવો બંધ રહ્યો છે. હવે બોનસ જાહેર થાય છે તે જોવું રહ્યું. કંપનીએ તેનું પહેલું અને છેલ્લું બોનસ ઑક્ટો. ૨૦૦૪માં શૅરદીઠ એકના ધોરણે આપ્યું હતું. દરમિયાન ગઈ કાલે ફ્રન્ટલાઇન ફાર્મા શૅરમાં સનફાર્મા અડધો ટકો ઘટીને ૮૨૫, દીવીસ લૅબ એક ટકો ઘટી ૪૪૬૭, ડૉ. રેડ્ડીઝ લૅબ સાધારણ ઘટાડે ૪૬૯૪, લુપિન અઢી ટકાના સુધારામાં ૯૪૦ નજીક, સિપ્લા નામ કે વાસ્તે વધીને ૯૧૬, અરબિંદો ફાર્મા ચાર ટકાના ઉછાળામાં ૭૩૮, કેડિલા હેલ્થકૅર પોણો ટકો વધી ૪૫૪ બંધ હતા. હેલ્થકૅર ઇન્ડેક્સ ૮૯માંથી ૪૯ શૅરના સુધારા વચ્ચે ૨૫ પૉઇન્ટ નજીવો સુધર્યો છે. સસ્તા સુંદર વેન્ચર્સ ઉપરમાં ૫૮૩ની નવી ટૉપ બતાવી પાંચ ટકાની નીચલી સર્કિટે ૫૩૨ થઈ ૪.૩ ટકાના ઘટાડે ૫૩૬ બંધ હતો. ડૉ. લાલ પેથ લૅબ્સ ૧.૭ ટકા તથા મેટ્રો પૉલિસ દોઢ ટકા નરમ હતા. સમ્રાટ ફાર્મા તેજીના જોરમાં ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૪૯૮ ઉપર નવા સર્વોચ્ચ શિખરે બંધ થયો છે. કંપનીના રિઝલ્ટ ૧૦ ફેબ્રુ.ના રોજ છે. ૧૦ની ફેસવૅલ્યુ સામે બુકવૅલ્યુ ૯૬ની છે. શૅર સપ્તાહમાં ૩૯ ટકા અને એક માસમાં ૧૦૮ ટકા વધી ગયો છે. ઇક્વિટી ઘણી નાની માત્ર ૩૦૯ લાખ રૂપિયાની છે, જેમાંથી ૪૯ ટકાથી વધુ માલ પ્રમોટર્સ પાસે છે અને એફઆઇઆઇ પણ સવા ત્રણ ટકા હિસ્સો ધરાવે છે.
બૅન્ક નિફ્ટી ૬૦૮ પૉઇન્ટ અપ, સરકારી બૅન્કો લાઇમલાઇટમાં 
સોમવારે બૅન્ક નિફ્ટી ૧.૬ ટકા કે ૬૦૮ પૉઇન્ટ વધ્યો છે. ઇન્ડ્સ ઇન્ડ બૅન્કના નજીવા ઘટાડાને બાદ કરતાં અત્રે બાકીના ૧૧ શૅર પ્લસ હતા. આરબીએલ બૅન્ક તથા ફેડરલ બૅન્ક સાડા ચારેક ટકા તો પીએનબી ચાર ટકા જેવા પ્લસ હતા. પીએસયુ બૅન્ક નિફ્ટી તમામ ૧૩ શૅરના સુધારા સાથે સવા ત્રણ ટકા મજબૂત હતો. સમગ્ર બૅન્કિંગ સેક્ટરની ૩૬માંથી ૩૧ જાતો વધી છે. બૅન્ક ઑફ બરોડા બમણા કામકાજમાં સવા પાંચ ટકા ઊછળી ૯૨ના બંધમાં મોખરે હતી. જ્યારે ફીનો પેમેન્ટ બૅન્ક તાજેતરની રૅલી બાદ પ્રૉફિટ બુકિંગમાં બે ટકા ઘટી ૪૧૬ રહી છે. આઇટી ઇન્ડેક્સ ૬૦માંથી ૩૮ શૅરના સુધારામાં ૦.૯ ટકા વધ્યો છે. લાર્સન ટેક્નો. ત્રણ ટકા અને લાર્સન ઇન્ફોટેક અઢી ટકા વધી ૧૯૫૩ બંધ આવવાની સાથે કેપિટલ ગુડ્સ ઇન્ડેક્સ ૨૫માંથી ૨૩ શૅરની મજબૂતીમાં ૬૬૧ પૉઇન્ટ કે અઢી ટકાના ઉછાળે સર્વોચ્ચ સપાટીએ ગયો છે. 

11 January, 2022 04:14 PM IST | Mumbai | Anil Patel

અન્ય લેખો

શેરબજાર ખૂલતાની સાથે જ ગબડી પડ્યું, સેન્સેક્સ 1000 પોઈન્ટથી વધુ તૂટ્યો

બાદમાં બજારની સ્થિતિમાં થોડો સુધારો જોવા મળ્યો હતો.

25 January, 2022 01:31 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

News In Short: સ્વિગી બની ગઈ ડેકાકૉર્ન : ભેગું કર્યું ૭૦૦ મિલ્યન ડૉલરનું ભંડોળ

આમ આ કંપની હવે ડેકાકૉર્ન (જેનું મૂલ્ય ૧૦ અબજ ડૉલરથી વધારે હોય એવી કંપની) બની ગઈ છે. 

25 January, 2022 12:33 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફેડરલ રિઝર્વની આગામી બેઠકે બન્ને માર્કેટમાં અજંપો વધાર્યો

ટેલિગ્રામના સ્થાપકે ક્રિપ્ટો પર પ્રતિબંધના રશિયાના પ્રસ્તાવનો વિરોધ કર્યો : આઇસી૧૫ ઇન્ડેક્સમાં ૮.૬ ટકા કરતાં વધુનો ઘટાડો

25 January, 2022 12:18 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK