Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > વૈશ્વિક બજારોની જબરી હૂંફને પગલે બજારે દશેરાના ઘોડા દોડાવ્યા, બૅન્કિંગ આઇટી જોરમાં

વૈશ્વિક બજારોની જબરી હૂંફને પગલે બજારે દશેરાના ઘોડા દોડાવ્યા, બૅન્કિંગ આઇટી જોરમાં

05 October, 2022 03:13 PM IST | Mumbai
Anil Patel

બુધવારે દશેરા નિમિત્તે શૅરબજાર બંધ : સેન્સેક્સની ૧૨૭૭ પૉઇન્ટની ઑલરાઉન્ડ મજબૂતીથી માર્કેટકૅપ ૫.૬૭ લાખ કરોડ વધ્યું : સિપ્લામાં નવાં શિખર જારી

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)


દોઢ વર્ષ પહેલાં ઇશ્યુ લાવનાર ઇઝી ટ્રિપ ૯ મહિનામાં બીજી વખત બોનસ આપશે : બૅન્કિંગના ૩૭માંથી ૩૫ શૅર વધ્યા, બૅન્ક નિફ્ટી ૧૧૦૨ પૉઇન્ટ ઊંચકાયો : ફાઇનૅન્સના ૧૩૯માંથી ૧૨૬ શૅર સુધારામાં, મહિન્દ્ર ફાઇમાં ભાડૂતી ગુંડા પ્રકરણ ભુલાયું : બજારનાં તમામ સેક્ટોરલ વધીને બંધ, પૉઝિટિવ માર્કેટ બ્રેડ્થમાં બે શૅર નરમ, તો નવ શૅર વધ્યાનો ઘાટ : બુધવારે દશેરા નિમિત્તે શૅરબજાર બંધ : સેન્સેક્સની ૧૨૭૭ પૉઇન્ટની ઑલરાઉન્ડ મજબૂતીથી માર્કેટકૅપ ૫.૬૭ લાખ કરોડ વધ્યું : સિપ્લામાં નવાં શિખર જારી

મંગળવાર વૈશ્વિક શૅરબજારો માટે એકંદર મંગલકારી રહ્યો છે. છેલ્લાં ૨૦ વર્ષના સૌથી વર્સ્ટ સપ્ટેમ્બર પછી અમેરિકન શૅરબજારમાં નવા મહિના અને નવા ક્વૉર્ટરનો આરંભ સારો રહ્યાની હૂંફ બજારોને મળી હતી. ડાઉ ઇન્ડેક્સ સોમવારની મોડી રાતે ૨.૭ ટકા કે ૭૬૫ પૉઇન્ટ તેમ જ નૅસ્ડૅક સવાબે ટકા વધીને બંધ આવતાં મંગળવારે તમામ અગ્રણી એશિયન બજારો મૂડમાં હતાં. જૅપનીઝ નિક્કી માર્ચ પછીના સૌથી બેસ્ટ જમ્પમાં ત્રણ ટકા કે ૭૭૬ પૉઇન્ટ વધ્યો છે. સાઉથ કોરિયા અઢી ટકા, તાઇવાન બે ટકા, થાઇલૅન્ડ સવા ટકો, ઇન્ડોનેશિયા એક ટકો તો સિંગાપોર ૦.૯ ટકા જેવા ઊંચકાયા છે. ચાઇના તથા હૉન્ગકૉન્ગ રજામાં હતા. યુરોપ પૉઝિટિવ ઓપનિંગ બાદ સુધારાની હૅટ ટ્રિકમાં પોણાબેથી સવાત્રણ ટકા ઉપર દેખાયું હતું. ક્રૂડ સુધારાની આગેકૂચમાં ૮૯ ડૉલર વટાવી ગયું છે. ઘરઆંગણે બુધવારે દશેરા નિમિત્તે બજાર બંધ રહેવાનાં છે એટલે દશેરાના ઘોડા એક દિવસ વહેલા દોડાવવાની તાલમાં સેન્સેક્સ ગઈ કાલે ૧૨૭૭ પૉઇન્ટ તથા નિફ્ટી ૩૮૭ પૉઇન્ટ વધ્યા છે. શૅરઆંક ૭૧૮ પૉઇન્ટના ગૅપમાં ૫૭૫૦૬ નજીક ખૂલી ઉપરમાં ૫૮૧૦૦ થઈ ૫૮૦૬૫ બંધ થયો છે. સેન્સેક્સ નિફ્ટીના સવાબે ટકાના બાઉન્સબૅકની સાથે-સાથે રોકડું અને બ્રૉડર માર્કેટ પણ રંગમાં રહેતાં માર્કેટ બ્રેડ્થ સારી એવી મજબૂત હતી. એનએસઈમાં ૧૬૩૨ શૅર પ્લસ તો ૩૫૭ કાઉન્ટર માઇનસ હતાં. મેટલ, પાવર, યુટિલિટીઝ, ઑટો, બૅન્કિંગ, ફાઇનૅન્સ, કૅપિટલ ગુડ્સ, સર્વિસ‌િસ જેવાં સેક્ટોરલ ૨.૩થી ૩.૩ ટકા મજબૂત થયા છે. હેલ્થકૅર ફાર્મા બેન્ચ માર્ક સૌથી ઓછા એવા ૦.૯ ટકા પ્લસ હતા. બીએસઈનો સ્મૉલકૅપ ઇન્ડેક્સ દોઢ ટકા વધ્યો છે, પરંતુ અહીં ૯૬૧માંથી ૯૦૨ કાઉન્ટર વધ્યાં હતાં. બ્રૉડર માર્કેટ ૫૦૧માંથી ૪૧૬ શૅરના સુધારામાં ૨.૩ ટકા ઉપર ગયું છે. 



અનંત રાજ, બરોડા રેયોન, ભારતી ઍરટેલ, બ્લુડાર્ટ, બીએસએલ, સિપ્લા, કોચિન શિપપાર્ડ, એલટી ફુડ્સ, ગુજરાત ફ્લુરોકેમ, ગો ફૅશન્સ, આઇડીએફસી ફર્સ્ટ બૅન્ક, આઇનોક્સ વિન્ડ એનર્જી, કલ્યાણ જ્વેલર્સ, કિર્લોસ્કર ફેરો, નૉલેજ મરીન, કેઆરબીએલ, લેન્સર કન્ટેનર, લેમન ટ્રી, લિબર્ટી શૂઝ, મેક્સ વેન્ચર્સ, માઝગાવ ડૉક, મેડકો રેમેડીઝ, મેટ્રો બ્રૅન્ડસ, નિખિલ એધેસિવ્સ, પંકજ પીયૂષ, પાવર મેક, રેઇનબો ચિલ્ડ્રન્સ, રેટન ટીએમટી, સફારી ઇન્ડ, શાશ્વત ટેક્નૉક્રેટ્સ, સ્નેઇડર ઇલે, શાંતિ ગિયર્સ, સોલર ઇન્ડસ્ટ્રીઝ, તાજ જીવીકે, ત્રિવેણી ટર્બાઇન, સોનલ મર્કેન્ટાઇલ ઇત્યાદિ સહિત ૧૨૬ જાતો ગઈ કાલે નવા ઐતિહાસિક શિખરે ગઈ હતી, તો ઇક્વિપ સોશ્યલ, ગાલા ગ્લોબલ, ગોલ્ડન ટબૅકો, શુભમ પૉલિ, આરકૉમ, શાંતિદૂત ઇન્ફ્રા, સિસ્ટમૅટિક્સ કૉર્પ, તામિલનાડુ મર્ક બૅન્ક, વિજય સૉલ્વેક્સ, એક્સેલપીમોક ડિઝાઇન જેવા ૩૫ શૅરમાં એક વર્ષ કે એથી વધુ સમયગાળાની રીતે નવું બૉટમ બન્યું હતું. 


એચડીએફસી ટ‍્વિન્સમાં ૩ ટકાની તેજી, અદાણીના ૯માંથી ૭ શૅર વધ્યા 

મંગળવારે સેન્સેક્સના ૩૦માંથી ફક્ત ૩ શૅર અને નિફ્ટીના ૫૦માંથી ૨ શૅર નરમ હતા. ઇન્ડસઇન્ડ બૅન્ક સરેરાશ કરતાં અડધા કામકાજે ઉપરમાં ૧૨૨૩ થઈ ૫.૩ ટકા ઊછળીને ૧૨૧૭ થઈ છે. અદાણી પોર્ટ્સ ૫.૨ ટકા, કોલ ઇન્ડિયા ૪.૧ ટકા, હીરો મોટોકૉર્પ ૩.૫ ટકા, હિન્દાલ્કો ૩.૪ ટકા, બજાજ ફાઇ. સવાચાર ટકા, યુપીએલ ૩.૭ ટકા, ટીસીએસ ૩.૮ ટકા, એચડીએફસી ત્રણ ટકા, આઇશર અઢી ટકા, લાર્સન ૨.૯ ટકા, ગ્રાસિમ ત્રણ ટકા, અદાણી એન્ટર ૨.૬ ટકા, તાતા સ્ટીલ ૨.૯ ટકા, ઍક્સિસ બૅન્ક ૨.૭ ટકા, વિપ્રો ૨.૮ ટકા, તાતા મોટર્સ અઢી ટકા અપ હતા. રિલાયન્સ ૧.૬ ટકાના સુધારામાં ૨૪૧૩ હતો. અદાણીના અન્ય શૅરમાં અદાણી ટ્રાન્સ સવાછ ટકા, અદાણી ગ્રીન ૨.૭ ટકા, અદાણી ટોટલ ૩.૬ ટકા, એસીસી ૨.૭ ટકા, અંબુજા સિમેન્ટ્સ પોણો ટકો પ્લસ થયા છે. અદાણી વિલ્મર અને પાવર પોણો ટકો ઘટ્યા હતા. પતંજલિ ફૂડ્સ ૨.૪ ટકા સુધર્યા છે. એચડીએફસી ટ્વ‌િન્સની મજબૂતી બજારને ૨૬૨ પૉઇન્ટ ફળી છે. પાવર ગ્ર‌િડ એક ટકો ઘટી ૨૦૮ થયો છે. ડૉ. રેડ્ડીઝ લૅબ અને સનફાર્મા નજીવા નરમ હતા. 


ગાયત્રી પ્રોજેક્ટસ, નિપ્પોન બૅટરીઝ, મેક્સ વેન્ચર્સ, રેક્સનોર્ડ ઇલે, શિવા મિલ્સ, અંસલ હાઉસિંગ લગભગ વીસ ટકાની તેજીમાં જોવાયા છે. ગયા મહિનાના મધ્યમાં ૨૩૫ના બેસ્ટ લેવલે ગયા પછી રિકવરી માટે ભાડૂતી ગુંડા રોકીને અત્યાચાર કરવાના વિવાદમાં સપડાતાં ૧૭૮ની અંદર ઊતરી ગયેલી મહિન્દ્ર ફાઇનૅન્સ ઍસેટ્સ ગ્રોથની થીમમાં ગઈ કાલે સવાબે ગણા કામકાજે ઉપરમાં ૨૦૨ થઈ ૧૧. ૬ ટકાના જમ્પમાં ૨૦૦ બંધ આપી એ-ગ્રુપમાં ઝળકી હતી. એન્જલવન ૬ ગણા વૉલ્યુમમાં ૧૨.૪ ટકા કે ૧૬૮ રૂપિયા ઊછળીને ૧૫૩૨ થઈ છે. સુમેઘા ફિસ્કલ ૧૫.૬ ટકાના કડાકામાં ૧૧૩ બંધ આવી છે. 

ઇઝી ટ્રિપ પ્લાનર્સ ૯ મહિનામાં બીજી વખત બોનસ આપશે 

ઇઝી ટ્ર‌િપ પ્લાનર્સ જેનો પબ્લ‌િક ઇશ્યુ ૨૦૨૧ની ૮ માર્ચે બેના શૅરદીઠ ૧૮૭ના ભાવે આવ્યો હતો અને ૫૧૦ કરોડનો પ્યૉર ઓએફએસ ઇશ્યુ ૧૫૯ ગણાથી વધુ છલકાયા બાદ ૧૯ માર્ચે શૅર લિસ્ટિંગમાં ૨૦૮ બંધ થયો હતો એ કંપની ૯ મહિનામાં જ બીજી વખત બોનસ આપવાની વેતરણમાં છે. કંપનીની બોર્ડ મીટિંગ બોનસ અને શૅર વિભાજન માટે મળવાની છે. કંપનીએ મેઇડન બોનસ ૨૦૨૨ની ૧૨ જાન્યુઆરીએ શૅરદીઠ એક લેખે આપ્યું હતું. કંપનીમાં પ્રમોટર્સ હોલ્ડિંગ ૭૪.૯ ટકાનું છે. શૅર ગઈ કાલે ઉપરમાં ૪૧૮ થઈ ૬.૫ ટકાની મજબૂતીમાં ૪૦૮ બંધ આવ્યો છે. દરમ્યાન એશિયન હોટેલ્સ ઈસ્ટ બે શૅરદીઠ એક બોનસમાં ગુરુવારે એક્સ-બોનસ થશે. શૅર પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૩૫૦ વટાવી ગયો છે. ગ્લોબલ એજ્યુકેશન શૅર વિભાજન માટેની રેકૉર્ડ ડેટ નક્કી કરવાની બોર્ડ મીટિંગની જાહેરાતમાં પાંચ ટકાના જેનરિક ડ્રગને અમેરિકન એફડીએની મંજૂરી મળી ગઈ છે. શૅર ઉપરમાં ૭૫૦ થઈ સવાત્રણ ગણા કામકાજે ૨.૮ ટકા વધી ૭૪૩ બંધ હતો. નૅચરલ ગૅસના ઉત્પાદક ભાવમાં સરકારે ૪૦ ટકાનો વધારો કરતાં ગૅસ ડ‌િસ્ટ્ર‌િબ્યુટર્સ કંપનીઓ તેમનાં માર્જિન જાળવી રાખવા સીએનજી અને પીએનજીના ભાવ વધારવા માંડી છે. ગઈ કાલે  મહાનગર ગૅસ ૨.૭ ટકા વધી ૮૨૩, ઇન્દ્રપ્રસ્થ ગૅસ સવા ટકાના સુધારામાં ૩૯૧, ગુજરાત ગૅસ અડધો ટકો ઘટી ૪૯૦, તો અદાણી ટોટલ ૩.૬ ટકા વધીને ૩૧૧૭  બંધ હતા. ઓએનજીસી આગલા દિવસના ચાર ટકાના જમ્પ બાદ ગઈ કાલે સવા ટકો વધી ૧૩૪ થઈ છે. ઑઇલ ઇન્ડિયા બે ટકા પ્લસ, તો હિન્દુ. ઑઇલ પોણો ટકો માઇનસમાં હતા. એકે પાંચ બોનસવાળી નાયકા ગઈ કાલે નામ જોગ સુધારામાં ૧૩૦૭ નજીક રહી છે. 

બૅન્કિંગ ફાઇનૅન્સના ૯ શૅર થકી સેન્સેક્સને ૬૫૯ પૉઇન્ટનો લાભ

બૅન્ક નિફ્ટી જબરા બાઉન્સ બૅકમાં ત્રણ ટકા નજીક કે ૧૧૦૨ પૉઇન્ટ વધ્યું છે. પીએસયુ બૅન્ક નિફ્ટી પણ ૨.૯ ટકા કરતાં વધુ પ્લસ હતો. આ બન્ને બેન્ચમાર્કના તમામ ૧૨ શૅર વધ્યા છે. ઇન્ડસઇન્ડ સવા પાંચ ટકા, એચડીએફસી બૅન્ક ત્રણેક ટકા, ઍક્સિસ બૅન્ક પોણાત્રણ ટકા, મહિન્દ્ર બૅન્ક પોણાબે ટકા વધતાં સેન્સેક્સને ૪૫૦ પૉઇન્ટનો ફાયદો થયો છે. બજાજ ફાઇ. ૪.૨ ટકા, બજાજ ફિનસર્વ ૩.૫ ટકા વધતાં એમાં બીજા ૨૦૯ પૉઇન્ટનો ઉમેરો થયો છે. સમગ્ર બૅન્કિંગ સેક્ટરના ૩૭માંથી ૩૫ શૅર પ્લસ થયા છે. આઇડીએફસી ફર્સ્ટ બૅન્ક ૭.૯ ટકા, કર્ણાટક બૅન્ક પોણાઆઠ ટકા, ઉજ્જીવન સ્મૉલ બૅન્ક ૬.૯ ટકા, આરબીએલ તથા યસ બૅન્ક સાડાપાંચ ટકા, ઇન્ડિયન બૅન્ક ૪.૯ ટકા, બંધન બૅન્ક સાડાચાર ટકા, બૅન્ક ઑફ બરોડા સવાચાર ટકા મજબૂત હતા. ધનલક્ષ્મી બૅન્ક ૦.૭ ટકા તો સૂર્યોદય સ્મૉલ બૅન્ક નામ પૂરતી નરમ હતી. 

ફાઇનૅન્શિયલ સર્વિસિસ ઇન્ડેક્સ ૨.૮ ટકા પ્લસ હતો. અહીં ૧૩૯માંથી માત્ર ૧૩ શૅર ઘટ્યા છે. આઇઆઇએફએલ વેલ્થ આવાસ ફાઇ. ઇકરા, બંગાલ ઍન્ડ આસામ કંપની દોઢથી સવાબે ટકાના ઘટાડે એમાં મોખરે હતી. મેક્સ વેન્ચર્સ ૧૧ ગણા વૉલ્યુમે ૨૦ ટકાની તેજીની સર્કિટમાં ૧૭૪ નજીક નવી ટોચે ગયો છે. ઉજ્જીવન ફાઇનૅન્શિયલ સાડાસાત ટકા ઊછળી ૨૨૨ હતો. મોનાર્ક સાડાસાત ટકા, એલઆઇસી હાઉસિંગ ચાર ટકા, લાર્સન ફાઇ. ૬.૪ ટકા, ઇન્ડિયા બુલ્સ હાઉસિંગ ૬ ટકા, જીઆઇસી હાઉસિંગ ૬ ટકા વધ્યા છે.  

માથે પરિણામને લઈને આઇટી શૅરો લાઇમલાઇટમાં, ઑટો બાઉન્સ બૅક 

માથે પરિણામને લઈને આઇટી શૅરોમાં લેવાલી શરૂ થઈ છે, જેમાં આઇટી ઇન્ડેક્સ ગઈ કાલે ૨.૭ ટકા કે ૭૨૯ પૉઇન્ટ વધ્યો છે. અહીં ૬૨માંથી ૫૬ શૅર પ્લસ હતા. વકરાંગી સવાનવ ટકા ઊછળી ૩૯ના બંધમાં મોખરે રહ્યો છે. ફ્રન્ટલાઇનમાં ઇન્ફોસિસ ૨.૬ ટકા વધી ૧૪૩૦, ટીસીએસ સાડાત્રણ ટકા ઊછળી ૩૦૯૨, વિપ્રો ૨.૮ ટકાની મજબૂતીમાં ૪૦૫ની ઉપર બંધ હતા. ટેક મહિન્દ્ર સવાબે ટકા અને એચસીએલ ટેક્નૉ દોઢ ટકો અપ હતા. લાર્સન ટેક્નૉ અઢી ટકા નજીક, લાર્સન ઇન્ફો પોણાત્રણ ટકા, તો માઇન્ડ ટ્રી ચાર ટકા ઝળક્યો છે. ભારતી ઍરટેલ ૮૧૭ની નવી ટોચે જઈ ૦.૭ ટકા વધી ૮૦૯ થયો છે. એનો પાર્ટ પેઇડ શૅર અઢી ટકા વધીને ૪૧૬ હતો. ટેક્નૉલૉજીઝ બેન્ચમાર્ક ખાતે ઝી એન્ટર ૬ ટકા, જસ્ટ ડાયલ ૪ ટકા, નેટવર્ક૧૮ પોણાચાર ટકા નજીક અને સનટીવી ત્રણ ટકા પ્લસ હતા. મેટલ ઇન્ડેક્સના દસેદસ શૅર ત્રણથી પોણાપાંચ ટકા વધતાં આંક ૩.૪ ટકા કે ૬૧૨ પૉઇન્ટ ઊંચકાયો છે. ઑટો બેન્ચમાર્ક ૫૯૯ પૉઇન્ટ કે બે ટકાથી વધુ બાઉન્સ થયો છે. અહીં તમામ ૧૫ શૅર વધ્યા છે. તાતા મોટર્સ અઢી ટકા, અશોક લેલૅન્ડ ચાર ટકા નજીક, હીરો મોટોકૉર્પ ૩.૬ ટકા, એસ્કોર્ટ્સ સવાત્રણ ટકા, ટીવીએસ મોટર્સ સવાચાર ટકા, મારુતિ સુઝુકી ૧.૭ ટકા, આઇશર અઢી ટકા, બજાજ ઑટો બે ટકા સુધર્યા છે. 

Whatsapp-channel Whatsapp-channel

05 October, 2022 03:13 PM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK