Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > નરમાઈની હૅટ-ટ્રિક બાદ શૅરબજારમાં પ્રત્યાઘાતી સુધારો, આંતરપ્રવાહ નબળો

નરમાઈની હૅટ-ટ્રિક બાદ શૅરબજારમાં પ્રત્યાઘાતી સુધારો, આંતરપ્રવાહ નબળો

20 September, 2022 04:13 PM IST | Mumbai
Anil Patel

કર્ણાટક બૅન્ક નવી મલ્ટિયર ટૉપ સાથે બૅન્કિંગમાં ટૉપ ગેઇનર, કરુર વૈશ્ય ગગડ્યો : નવી લૉજિસ્ટિક પૉલિસી નૉન-ઇવેન્ટ પુરવાર થઈ

પ્રતીકાત્મક તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર


આઇટી બગડવાની વકી, માસ્ટેક, બિરલા સૉફ્ટ, ઍમ્ફાસિસ, કોફોર્જમાં નવાં બૉટમ :  સમ્રાટ ફાર્મા ફાટફાટ તેજીમાં ૧૨૦૦ની પાર, એથર ઇન્ડ નવી ટોચે જઈ પાછો પડ્યો : મેટ્રોપોલિસ, બાયોકૉન, સનોફી તથા જ્યુબિલન્ટ ફાર્મા ઘટાડાની ચાલમાં ઐતિહાસિક તળિયે : જવાહર ગોએલના રાજીનામાને વધામણાં, ડિશટીવી ૧૦ ટકા ઊછળ્યો : કર્ણાટક બૅન્ક નવી મલ્ટિયર ટૉપ સાથે બૅન્કિંગમાં ટૉપ ગેઇનર, કરુર વૈશ્ય ગગડ્યો : નવી લૉજિસ્ટિક પૉલિસી નૉન-ઇવેન્ટ પુરવાર થઈ

અમેરિકન મધ્યસ્થ બૅન્ક ફેડરલ રિઝર્વની મીટિંગ બુધવારે છે. ચાલુ કૅલેન્ડર વર્ષની આ આઠમી મીટિંગને લઈ શૅરબજારો ભારે ચિંતામાં આવી ગયાં છે, કેમ કે આ વખતે પોણા ટકાના બદલે સીધો એક ટકાનો વ્યાજદરમાં વધારો ઝીંકાશે એવી સૌને ફડક છે. ગોલ્ડમૅન સાક્શ તરફથી એક વધુ મોંકાણના સમાચારમાં અમેરિકન ગ્રોથ રેટ ડાઉનગ્રેડ કરાયો છે. એણે ૨૦૨૩ના વર્ષે યુએસ ઇકૉનૉમીમાં નવો અંદાજ આવ્યો છે જ્યારે ચાલુ વર્ષનો ગ્રોથ રેટ શૂન્ય હશે તેવી ધારણા જાળવી રાખી છે. ૨૦૨૧માં જીડીપી ગ્રોથ ૫.૭ ટકાનો હતો. આ માહોલમાં સોમવારે થાઇલૅન્ડ અને ઇન્ડોનેશિયન બજારોના સામાન્ય સુધારાને બાદ કરતાં તમામ અગ્રણી એશિયન બજારો ડાઉન હતાં. જપાન, તાઇવાન, હૉન્ગકૉન્ગ, સાઉથ કોરિયન માર્કેટ એકથી સવા ટકો ઢીલા પડ્યાં છે. યુરોપ નબળા ઓપનિંગ પછી અડધો-પોણો ટકો રનિંગમાં માઇનસ દેખાતું હતું. ચીન ખાતે કોવિડગ્રસ્ત કેટલાક વિસ્તારમાં લૉકડાઉન ઉઠાવી લેવાતાં ક્રૂડમાં આવેલો ચમકારો ક્ષણિક નીવડ્યો છે. બ્રેન્ટ ક્રૂડ ઘટીને ૯૦ ડૉલર ઉપર તો નાયમેક્સ ક્રૂડ ૮૪ ડૉલર નજીક ચાલતાં હતાં. બેઝ મેટલ મિક્સ વલણમાં હોવાથી ઍલ્યુમિનિયમ અને ઝિન્ક વાયદા એક-સવા ટકો નરમ તો ટિનમાં દોઢ ટકાનો અને કૉપરમાં સામાન્ય સુધારો વર્તાયો છે.



શુક્રવારે ૧૧૦૦ પૉઇન્ટ નજીકના ધબડકા સાથે નબળાઈની હૅટ-ટ્રિકમાં ૧૭૦૦ પૉઇન્ટ જેવી ખરાબી બાદ ઘરઆંગણે સેન્સેક્સ સાધારણ નરમ ખૂલી આગલા બંધથી ૩૫૩ પૉઇન્ટ બગડી ૫૮,૪૮૮ની નીચે ચાલી ગયો હતો. જોકે ખૂલતાંની સાથે જોવાયેલી આ નબળાઈ ક્ષણિક હતી. બજાર બાઉન્સ-બૅકમાં ૫૯,૨૭૭ની ઇન્ટ્રા-ડે હાઈ બતાવી છેલ્લે ૩૦૦ પૉઇન્ટ વધીને ૫૯,૧૪૧ બંધ થયું છે. નિફ્ટી ૯૧ પૉઇન્ટ સુધર્યો છે. માર્કેટ બ્રેડ્થ નેગેટિવ જ રહી છે.  એનએસઈ ખાતે વધેલા ૮૫૯ શૅર સામે ૧૧૬૪ જાતો માઇનસ થઈ છે. બજારના બહુમતી બેન્ચમાર્ક પ્લસ હતા. એફએમસીજી ઇન્ડેક્સ એક ટકા તથા ઑટો ઇન્ડેક્સ પોણા ટકાના સુધારામાં મોખરે હતા. મેટલ ઇન્ડેક્સ સવા ટકા જેવો ઘટ્યો છે. 


મહિન્દ્ર, બજાજ ટ્વિન્સ, હિન્દુસ્તાન યુનિલીવર ઝળક્યા, રિલાયન્સ સુસ્ત ચાલમાં

ગઈ કાલે સેન્સેક્સના ૩૦માંથી ૨૩ અને નિફ્ટીના ૫૦માંથી ૩૫ શૅર પ્લસ થયા છે. મહિન્દ્ર છ ગણા કામકાજ સાથે ઉપરમાં ૧૨૯૯ થઈ ત્રણ ટકા વધી ૧૨૮૯ હતો. બજાજ ફાઇનૅન્સ ૨.૮ ટકા અને બજાજ ફિનસર્વ ૧.૭ ટકા પ્લસ હતા. હિન્દુસ્તાન યુનિલીવરે આઠ ગણા વૉલ્યુમ સાથે બે ટકા વધી ૨૫૭૭ બંધ આપ્યો છે. આ ઉપરાંત અદાણી પોર્ટ્સ અઢી ટકા, એસબીઆઇ લાઇફ અઢી ટકા, નેસ્લે ૧.૮ ટકા, આઇશર સવા ટકા, યુપીએલ ૧.૨ ટકા, એચડીએફસી ૧.૬ ટકા, દિવિસ લૅબ ટકા, સ્ટેટ બૅન્ક ૧.૯ ટકા વધ્યા છે. આઇટીસી સવા ટકા વધીને ૩૩૬ હતો. રિલાયન્સ સરેરાશ કરતાં ૧૫ ગણા વૉલ્યુમમાં નજીવો સુધરીને ૨૫૦૨ રહ્યો છે. તાતા સ્ટીલ અઢી ટકા (એનએસઈ ખાતે ૨.૪ ટકા)ની નરમાઈમાં ૧૦૩ બંધ આપી ટૉપ લૂઝર હતો. આ ઉપરાંત સિપ્લા, બ્રિટાનિયા, તાતા મોટર્સ, આઇસીઆઇસીઆઇ બૅન્ક, એનટીપીસી, પાવર ગ્રીડ જેવી જાતો લગભગ એકથી દોઢ ટકા માઇનસ હતી. 


ત્રિવેણી એન્જિનિયરિંગ દસેક ગણા કામકાજમાં ૧૯ ટકાની તેજી સાથે ૨૯૨ બંધ આપી એ ગ્રુપમાં બેસ્ટ પર્ફોર્મર બન્યો છે. ડિશ ટીવીમાં ૧૦ ટકાની ઉપલી સર્કિટ લાગી હતી. મેઘમણિ ફાઇનકેમ ૧૭૧૮ની ઑલટાઇમ હાઈ બનાવી ૧૦.૫ ટકા કે ૧૬૧ રૂપિયા ઊછળી ૧૭૦૧ થયો છે. સામે પક્ષે કૅનફિન હોમ ૭.૩ ટકા, સેફલર ૪.૭ ટકા, પૂર્વાન્કાર ૫.૮ ટકા અને જીએનએફસી ૫.૨ ટકા ગગડી એ ગ્રુપ ખાતે ઘટાડામાં મોખરે હતા. નિપ્પોન બૅટરીઝ અર્થાત્ ઇન્ડો નૅશનલ સરેરાશ ૯૬૩ શૅરની સામે શૅરના કામકાજમાં ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૪૧૦ દેખાયો છે. હરક્યુલસ હોઇસ્ટ, રેટન ટીએમટી, ઇન્ડોકેમ, સોનલ મર્કેન્ટાઇલ, મેક્લિયોડ રસેલ પણ વીસેક ટકા જેવા વધીને બંધ હતા. 

વાડીલાલ એન્ટરપ્રાઇઝિસ મહિનામાં ૧૭૦૦થી સતત વધતો રહી ૪૧૫૩ના શિખરે 

જાણીતી આઇટી કંપની ઈ-ક્લેરક્સ બે શૅરદીઠ એક બોનસમાં ૨૧મીએ એક્સ-બોનસ થવાની છે. ભાવ ગઈ કાલે ૩.૬ ટકા ઘટી ૨૧૬૪ બંધ હતો. આઇએફએલ એન્ટરપ્રાઇઝિસ પણ બુધવારે શૅરદીઠ એક બોનસમાં એક્સ-બોનસ થશે. શૅર બે ટકા વધીને ૧૬૮ બંધ રહ્યો છે. આલ્ફા લૉજિક પાંચ ટકાની ઉપલી સર્કિટે ૬૮ બંધ હતી. એ પણ બે શૅરદીઠ એક બોનસમાં ૨૧મીએ એક્સ-બોનસ થવાની છે, જ્યારે શુભમ પોલી ૧૦ શૅરદીઠ એક બોનસમાં બુધવારે એક્સ-બોનસ થવાની છે. ભાવ પાંચ ટકા ગગડી ૧૧૨ના વર્ષના તળિયે બંધ થયો છે. મેટ્રોપોલિસ જે ૩૦ ડિસેમ્બરના રોજ ૩૫૭૯ની વિક્રમી સપાટીથી ગગડતી રહી શુક્રવારે ૧૩૪૭ના સવાબે વર્ષના તળિયે પહોંચી ગઈ હતી એ ગઈ કાલે વધુ ગગડી ૧૩૨૭ બંધ થઈ છે. વાપીની સમ્રાટ ફાર્મા આગલા દિવસે ૧૧૬૦ની ઑલટાઇમ હાઈ બાદ સાડાચાર ટકા વધી ૧૧૫૪ બંધ થયા પછી ગઈ કાલે ૪.૨ ટકા ઊછળી ૧૨૦૨ની નવી ટોચે જોવાઈ છે. સુરતની એથર ઇન્ડસ્ટ્રીઝ ૧૦૫૦ની ટોચે જઈ ૩.૨ ટકા ઘટી ૯૮૮ થઈ છે. ૨૨ ઑગસ્ટે જેનો ભાવ ૧૭૦૧ હતો એ વાડીલાલ એન્ટરપ્રાઇઝિસ ઉપલી સર્કિટની હારમાળામાં શુક્રવારે પાંચ ટકા ઊંચકાઈ ૩૯૫૫ની ઑલટાઇમ હાઈ બતાવી ત્યાં જ બંધ રહ્યા પછી ગઈ કાલે એક વધુ ઉપલી સર્કિટે ૪૧૫૩ના શિખરે ગયો છે. 

ઇન્ફીનાં પરિણામ ૧૩ ઑક્ટોબરે આવશે : શૅરમાં સુધારો થયો 

બીએસઇનો આઇટી ઇન્ડેક્સ ૬૨માંથી ૩૬ શૅરની નરમાઈ વચ્ચે ૮૧ પૉઇન્ટ વધ્યો છે. તાતાની નેલ્કો પાંચ ટકાની ઉપલી સર્કિટ ૯૫૮ બંધ આપી અહીં ટૉપ ગેઇનર હતી. ફ્રન્ટલાઇનમાં ઇન્ફી સેકન્ડ ક્વૉર્ટરનાં પરિણામ ૧૩ ઑક્ટોબરે જાહેર કરવાની છે શૅર ૧૧ ગણા કામકાજે ઉપરમાં ૧૪૦૬ થઈ પોણો ટકો વધી ૧૩૯૦ હતો. ટીસીએસ સાડાચાર ગણા કામકાજે ૦.૭ ટકા વધ્યો છે. ટેક મહિન્દ્ર અડધો ટકો પ્લસ હતો. વિપ્રો અને એચસીએલ ટેક્નૉલૉજીસ નહીંવત્ વધઘટે જોવાયા છે. માસ્ટેક ૧૮૦૦ની વર્ષની બૉટમ બનાવી દોઢ ટકા ઘટી ૧૮૧૦ હતો. બિરલા સૉફ્ટ પણ ૨૯૭ની નવી ઐતિહાકિસ બૉટમ બનાવી અઢી ટકા ઘટીને ૩૦૦ થયો છે. ૧૦ જાન્યુઆરીએ અહીં ૫૮૬ની ટૉપ હતી. કોફોર્જ, જેમાં ૪ જાન્યુઆરીએ ૬૧૩૩ની સર્વોચ્ચ સપાટી બની હતી એ ગગડતો રહી ગઈ કાલે ૩૨૧૦ના નવા તળિયે જઈ ૧.૪ ટકા ઘટીને ૩૨૩૬ બંધ રહ્યો છે. ઍમ્ફાસિસ ૧૯૯૧ની નવી નીચી સપાટી નોંધાવી સાધારણ સુધારે ૨૦૨૪ હતો. લાર્સન ટેક્નૉલૉજીસ, સેરેબ્રન્ટ, તાન્લા પ્લૅટફૉર્મ, રેટગેઇન અને ઇમુદ્રા અઢીથી સાડાત્રણ ટકા ડાઉન હતા. ઝી એન્ટરપ્રાઇઝિસ, પીવીઆર તથા સન ટીવી પોણા ટકાથી લઈને બે ટકા જેવા વધ્યા છે. વોડાફોન, એચએફસીએલ, સ્ટરલાઇટ ટેક્નૉલૉજીસ, ટીવી ૧૮ નેટવર્ક ૧૮, ઇન્ડ્સ ટાવર, તાતા ટેલિ, સારેગામા સવાથી પોણાચાર ટકા માઇનસ થયા છે. 

અદાણીના ૯માંથી ૮ શૅર પ્લસ, અંબુજા સિમેન્ટ ઑલટાઇમ હાઈ 

સોશ્યલ મીડિયાવાળાની ભાષામાં કહીએ તો વિશ્વના બે નંબરના અમીર ગૌતમ અદાણીના નવમાંથી આઠ શૅર ગઈ કાલે વધ્યા છે. અંબુજા સિમેન્ટ અઢી ગણા કામકાજે ૫૭૨ની ઑલટાઇમ હાઈ બતાવી સાડાનવ ટકાની તેજીમાં ૫૬૫ થઈ છે. એસીસી ઉપરમાં ૨૭૨૧ વટાવી એક ટકો વધીને ૨૬૪૩ હતી. અદાણી એન્ટરપ્રાઇઝિસ બે ટકા, અદાણી પોર્ટ્સ અઢી ટકા, અદાણી ગ્રીન ૧.૪ ટકા, અદાણી ટોટલ ૨.૯ ટકા, અદાણી વિલ્મર પોણાબે ટકા અને અદાણી પાવર અડધો ટકો અપ હતા. અદાણી ટ્રાન્સમિશન દોઢ ટકો ડાઉન થઈ છે.

દરમ્યાન બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૧૦ શૅરના સુધારા વચ્ચે ૧૨૮ પૉઇન્ટ કે ૦.૩ ટકા જેવો સામાન્ય વધ્યો છે. સામે પીએસયુ બૅન્ક નિફ્ટી બે ટકા ઊંચકાયો છે. બૅન્કિંગના ૩૬માંથી ૮ શૅર નરમ હતા. કરુર વૈશ્ય બૅન્ક પોણાસાત ટકા ગગડી ૮૪ હતો. કર્ણાટકા બૅન્ક સવાછ ટકા વધી ૮૯ની મલ્ટિયર ટોચે ગયો છે. આઇઓબી તેમ જ પંજાબ સિંધ બૅન્ક જૈસે થે હતા. ઇન્ડિયન બૅન્ક, બૅન્ક ઑફ ઇન્ડિયા, બૅન્ક ઑફ બરોડા, પીએનબી, સીએસબી બૅન્ક, ઉજ્જીવન બૅન્ક બેથી પોણાચાર ટકા મજબૂત હતા. મુકેશ અંબાણીના પરમ સખા આનંદ જૈનની જય કૉર્પ બમણા કામકાજે ૧૯૫ની નવી ટૉપ બનાવી ૮.૨ ટકાના ઉછાળે ૧૯૦ થઈ છે. રિલાયન્સ ઇન્ડ ઇન્ફ્રા સાડાત્રણ ટકા વધીને ૧૧૮૦ હતી. સરકારની વી લૉજિસ્ટિક્સ પૉલિસી વચ્ચે આ સેક્ટરના ૧૯ શૅર પ્લસ તો ૧૭ શૅર માઇનસ હતા. લેન્સર ૭.૩ ટકા ઊંચકાઈ છે. 

Whatsapp-channel Whatsapp-channel

20 September, 2022 04:13 PM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK